You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કરોડો વર્ષો પહેલાં અદૃશ્ય થયેલા જમીનના ટુકડાનું રહસ્ય કેવી રીતે ઉકેલાયું?
ભૂસ્તરશાસ્ત્રના સૌથી મોટાં રહસ્યો પૈકીનું એક હવે ઉકેલાઈ ગયું છે. નેધરલૅન્ડની યુટ્રેચ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રીઓએ જાહેરાત કરી છે કે તેઓ “અદૃશ્ય થઈ ગયેલા” આર્ગોલૅન્ડને શોધવામાં સફળ થયા છે. આ ખંડ આશરે 155 મિલિયન વર્ષ પહેલાં રચાયો હતો અને પછી અદૃશ્ય થઈ ગયો હતો.
એ જમીનનો લગભગ 5,000 કિલોમીટર લાંબો એક ટુકડો હતો અને પશ્ચિમ ઑસ્ટ્રેલિયા પ્રાચીન મહાખંડ ગોંડવાના દક્ષિણ અમેરિકા, આફ્રિકા તથા ઍન્ટાર્કટિકાનો હિસ્સો હતા ત્યારે તેનાથી અલગ થયો હતો.
વિજ્ઞાનીઓ આર્ગોલૅન્ડના અસ્તિત્વ બાબતે લાંબા સમયથી વાકેફ હતા, કારણ કે તેમને તેના ઑસ્ટ્રેલિયાથી અલગ થવાનાં નિશાન મળ્યાં હતાં.
અશ્મિઓ, પર્વતમાળાઓ અને ખડકો ઉપરાંત (જ્યાં ખંડીય વિભાજનનાં નિશાન વારંવાર જોવાં મળે છે) સૌથી સ્પષ્ટ પુરાવો છૂટા પડેલા ભાગને લીધે સર્જાયેલું મોટું બાકોરું છે. તે ઑસ્ટ્રેલિયાની પશ્ચિમે સમુદ્રના ઊંડાણમાંનું બેસિન છે. તેને આર્ગોનું એબીસલ મેદાન કહેવામાં આવે છે. (તેથી અદૃશ્ય થઈ ગયેલા ખંડને આ નામ આપવામાં આવ્યું હતું)
અગાઉ ગોંડવાનાના હિસ્સો હતા એવા અન્ય ખંડોનું વિભાજન કેવી રીતે થયું એ સમજવું સરળ છે, પરંતુ આર્ગોલૅન્ડ દૃશ્ય ન હતો.
દાખલા તરીકે આફ્રિકા અને દક્ષિણ અમેરિકાને જુઓ તો એ બન્ને એકમેકની સાથે સંપૂર્ણપણે ફિટ દેખાશે. પછી વિજ્ઞાનીઓએ જમીનના એ વિશાળ ટુકડાની શોધ કરી હતી, જે ઑસ્ટ્રેલિયાના દરિયાકાંઠાને સંપૂર્ણપણે અનુરૂપ હોય.
એલ્ડર્ટ એડવોકાટના વડપણ હેઠળના ડચ ભૂસ્તરશાસ્ત્રીઓએ આ રહસ્ય ઉકેલ્યું છે. આર્ગોલૅન્ડ નામનો આ મોટો ભૂખંડ હવે રહ્યો નથી, કારણ કે અલગ થયા બાદ ખંડિત થઈને તે એક દ્વીપસમૂહ બની ગયો છે.
તેનો એક ભાગ ડૂબી ગયો છે અને હવે તે દક્ષિણ-પૂર્વ એશિયાની નીચે ઓશનિક પ્લેટ્સના સ્વરૂપમાં છે, પરંતુ સાયન્ટિફિક જર્નલ ગોંડવાના રિસર્ચમાં પ્રકાશિત સંશોધન મુજબ, આ અદૃશ્ય ખંડના ટુકડાઓ “ઇન્ડોનેશિયા અને મ્યાનમારનાં મોટાં ભાગનાં હરિત વનોની નીચે આવેલા છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખંડ કેવી રીતે મળ્યો?
આર્ગોલૅન્ડનું સ્થાન શોધવા માટે વિજ્ઞાનીઓની ટીમે સાત વર્ષ સુધી વિવિધ કમ્પ્યુટર મૉડલ્સનું પરીક્ષણ કર્યું હતું.
એડવોકાટે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું, “માહિતીના ખંડો સાથે અમે શબ્દશઃ સંવાદ કરી રહ્યા હતા. તેથી અમારા સંશોધનમાં લાંબો સમય લાગ્યો.”
“આર્ગોલૅન્ડ અનેક અલગ-અલગ ટુકડાઓમાં વહેંચાયેલો હતો. તેને કારણે ખંડ વિશેના અમારા દૃષ્ટિકોણમાં વિક્ષેપ સર્જાયો હતો.”
આર્ગોલૅન્ડ એક અખંડ ભૂખંડ તરીકે સચવાયો નથી, પરંતુ તેના શ્રેણીબદ્ધ સુક્ષ્મ ખંડ બન્યા છે, એવું સમજાયા પછી એડવોકાટ અને યુટ્રેચ યુનિવર્સિટીના તેમના સાથી ભૂસ્તરશાસ્ત્રી ડુવે વાન હિન્સબર્ગને પ્રત્યેક ક્ષેત્રની ભાળ મેળવવાનું શરૂ કર્યું હતું.
તેમણે એક નવું નામ ‘આર્ગોપેલાગો’ પાડ્યું હતું, જે ખંડના વર્તમાન ભૂસ્તર સ્વરૂપને વધુ ચોક્કસ રીતે વ્યાખ્યાયિત કરે છે.
વોલેસ લાઇન
આ ખોવાયેલા ખંડના ટુકડાઓને જોડવાથી અન્ય રહસ્ય સમજવામાં પણ મદદ મળી શકે છે, જે આ કેસને વિજ્ઞાનીઓ, જીવવિજ્ઞાનીઓ માટે વધારે રસપ્રદ બનાવે છે.
તે કથિત ‘વોલેસ લાઇન’ છે. આ લાઇન એક અદૃશ્ય અવરોધ છે, જે દક્ષિણ-પૂર્વ એશિયાની પ્રાણીસૃષ્ટિને ઑસ્ટ્રેલિયાથી અલગ કરે છે.
જીવવિજ્ઞાનીઓએ નોંધ્યું છે કે ઇન્ડોનેશિયન દ્વીપસમૂહ (10,000થી વધુ ટાપુઓનો બનેલો દેશ)ની દક્ષિણમાંથી પસાર થતી આ રેખાની બંને બાજુ પરનાં પ્રાણીઓ એકમેકથી એકદમ અલગ છે અને ભળતાં નથી.
વોલેસ લાઇનની પશ્ચિમમાં વાંદરા, વાઘ અને હાથી જેવાં પ્લેસેન્ટલ સસ્તન પ્રાણીઓ છે, જે પૂર્વમાં તદ્દન જોવાં મળતાં નથી. પૂર્વમાં માર્સુપિયલ્સ અને કોકાટૂ જેવાં ઑસ્ટ્રેલિયા સાથે સંકળાયેલાં પ્રાણીઓ જોવાં મળે છે.
એડવોકાટે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, “મલય દ્વીપકલ્પ અને સુમાત્રા, જાવા તથા બોર્નિયો ટાપુઓ યુરેશિયન પ્રાણીઓનું ઘર છે ત્યારે ઇન્ડોનેશિયામાં સુલાવેસી ટાપુ (જેને સેલેબ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે) ઑસ્ટ્રેલિયન પ્રાણીઓનું ઘર છે. તે યુરેશિયન અને ઑસ્ટ્રેલિયન પ્રાણીઓનું મિશ્રણ છે.”
તેમણે ઉમેર્યું હતું, “અમે સંશોધન પછી દર્શાવ્યું છે તેમ સુલાવેસીનો યુરેશિયન પશ્ચિમી ભાગ 28થી 35 લાખ વર્ષ પહેલાં ટાપુના ઑસ્ટ્રેલિયન દક્ષિણ-પૂર્વીય હિસ્સાના સંપર્કમાં આવ્યો હતો. પ્રાણીઓના મિશ્રણને આ હકીકત મારફત સમજી શકાય.”
આર્ગોલૅન્ડના “શોધકો”ના જણાવ્યા અનુસાર, આવું બન્યું હોય તે શક્ય છે, કારણ કે ઑસ્ટ્રેલિયાથી અલગ થઈને દક્ષિણ-પૂર્વ એશિયા સાથે જોડાયો ત્યારે આ ખંડ પોતાની વન્ય સૃષ્ટિને પણ સાથે લઈ ગયો હતો.
આ વિભાજન માત્ર સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓમાં જ જોવા મળતું નથી. દક્ષિણ-પૂર્વ એશિયાના ટાપુઓ પર સૌપ્રથમ જે માણસો વસતા હતા તેઓ પણ આ અદૃશ્ય અવરોધને માન આપતા હોવાના પુરાવા પણ મળ્યા છે.
વાન હિન્સબર્ગના કહેવા મુજબ, “આ રિકન્સ્ટ્રક્શન જૈવવૈવિધ્ય અને આબોહવાની પ્રક્રિયા અથવા કાચા માલ વિશેની આપણી સમજ માટે મહત્ત્વપૂર્ણ છે.”