JN1 : કોરોનાનો નવો વૅરિયન્ટ ખતરનાક છે? આનાં લક્ષણો શું છે અને કોવિડની બધી રસી કામ કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
કેરળમાં રાજ્ય સરકારે લોકોને કોવિડના વધતા કેસોને લીધે સાવચેત રહેવા માટે તાકીદ કરી છે.
રાજ્યમાં કોવિડના નવા વૅરિયન્ટ JN.1નો કેસ સામે આવ્યા પછી કોવિડના કેસોમાં વધારો નોંધાયો છે. કેન્દ્ર સરકારે પણ દરેક રાજ્યને નવા વૅરિયન્ટ JN.1 બાબતે સાવચેત રહેવાની ચેતવણી આપી છે. આ ઉપરાંત સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહેવા જણાવાયું છે.
કોવિડને લીધે કેરળમાં શનિવારે ચાર લોકોનાં મૃત્યું નોંધાયાં હતાં. અધિકારીઓ મુજબ કોવિડ-19ના કેસની વધારે સંખ્યા માટે ટેસ્ટિંગનો ઊંચો દર જવાબદાર છે.
વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું છે કે તમામ માન્ય કોવિડ-19 રસીઓ આ નવા વૅરિયન્ટ સામે પણ રક્ષણ આપશે. પરંતુ એ વાતની કોઈ જાણકારી નથી કે ઍક્ટિવ કેસોમાંથી કેટલા નવા વૅરિયન્ટ JN.1ને લગતા છે. વાઇરસના વિવિઘ પ્રકારના વૅરિયન્ટની જાણકારી રાખવા માટે માત્ર થોડાં જ નમૂનાઓ પર નિયમિત રીતે જીનોમ સીકવન્સિંગ કરવામાં આવે છે.
આ દરમિયાન કેરળનાં આરોગ્ય મંત્રી વીણા જ્યૉર્જે કહ્યું છે કે, "ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી અને પરિસ્થિતિ કાબૂમાં છે."
અધિકારીઓના કહેવા મુજબ JN.1 વૅરિયન્ટ એક RT-PCR પૉઝિટિવ કેસમાં આ મહિને મળી આવ્યો હતો. તેમના પ્રમાણે ઇનસાકૉગ – લેબોરેટરીઓનું એક નેટવર્ક જે ભારતમાં કોવિડ-19ની દેખરેખ રાખે છે – દ્વારા કરાતાં નિયમિત સર્વેક્ષણમાં આ નવો વૅરિયન્ટ પકડાયો હતો.
જેએન1: લક્ષણ, સાવચેતી

ઇમેજ સ્રોત, Getty Images
એક 79 વર્ષીય મહિલા દર્દીને ઇનફ્લુએન્ઝા જેવી બીમારીનાં હળવાં લક્ષણો હતાં અને હાલ તેઓ સ્વસ્થ છે. આરોગ્ય મંત્રી વીણા જ્યૉર્જે ઉમેર્યું કે આ વૅરિયન્ટના કેસો દેશના અન્ય ભાગોમાં પહેલેથી જ અસ્તિત્વમાં છે. તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે, "અમુક ભારતીયોની જ્યારે મહિનાઓ પહેલાં સિંગાપોરના ઍરપોર્ટ પર ચકાસણી કરવામાં આવી ત્યારે આ વૅરિયન્ટ મળ્યો હતો."
બીબીસી સંવાદદાતા શ્રીનિવાસ નિમ્મગડ્ડા સાથે વાત કરતા તિરૂપતી સ્થિત પલ્મોનોલૉજિસ્ટ ભાસ્કર બાસુએ જણાવ્યું કે, "જે લોકો નવા વૅરિયન્ટનો ચેપ લાગ્યો છે તે લોકો તીવ્ર શરદી અને થાક લાગશે. આ ઉપરાંત તાવ પણ આવવાની શક્યતા છે. આ લક્ષણો સંપૂર્ણપણે ઓસરી જવામાં બેથી ત્રણ અઠવાડિયાનો સમય લાગશે. ડૉક્ટરોને નિર્ધારિત ઍન્ટીબાયોટિકનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. તમે પૂર્ણ રીતે આરામ કરવાથી સ્વસ્થ થઈ શકો છો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. બાસુએ સૂચવ્યું કે, "આ કોવિડ-19ની બીજી લહેર જેટલી જોખમી નથી અને કેટલીક સાવચેતી સાથે JN.1 વૅરિયન્ટથી બચી શકાય છે. આ વિશે ગભરાવાની કોઈ જરૂર નથી. આ સિવાય માસ્ક પહેરવા જોઈએ અને ક્યાંય પણ થૂકવાથી બચવું જોઈએ, ઠંડી વસ્તુઓ ન ખાવી અને સિગારેટ તથા દારૂથી પણ દૂર રહેવું જોઈએ."
ડૉક્ટર ભાસ્કર બાસુએ કહ્યું કે જેએન1ના ચેપની ખબર પડે ત્યાર પછીના ચારથી પાંચ દિવસ ડૉક્ટરોએ જણાવ્યા મુજબ રહેવું જોઈએ અને આરામ કરવો જોઈએ. કેરળનાં પાડોશી રાજ્યો કર્ણાટક અને તમિલનાડુ પણ કેરળમાં વધતા કોવિડના કેસો પર નજર રાખી રહ્યાં છે.
ભારતનું આરોગ્ય મંત્રાલય જો કોવિડના કેસો અચાનક વધે તો પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઘણાં રાજ્યોની હૉસ્પિલોમાં મૉક ડ્રિલનું આયોજન કરાવી રહ્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે (આઈસીએમઆર) કેરળમાં કોવિડના કેસોમાં વધારો નોંધ્યો છે. આઈસીએમઆરના ડિરેક્ટર જનરલ રાજીવ બહલે કહ્યું કે, "કેરળમાં કોવિડના કેસોમાં છેલ્લા થોડાક અઠવાડિયાઓમાં વધારો નોંધાયો છે. આનું મુખ્ય કારણ ઇનફ્લુએન્ઝા જેવી બિમારીના કેસોનાં સૅમ્પલને પણ કોવિડના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા."
કેન્દ્ર વધુ આરટીપીસીઆર ટેસ્ટ કરશે

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે એવા કોઈ સંકેત નથી કે જેએન1ના ચેપનો પ્રભાવ ગંભીર છે.
રાજ્યોને આપવામાં આવેલી સૂચના અનુસાર આરટીપીસીઆર ટેસ્ટ મારફતે આ વૅરિયન્ટની તપાસ કરી શકાય છે. અગાઉ જાહેર કરવામાં આવેલી કોવિડ 19 ગાઇડલાઇન્સને લાગુ કરવાની પણ વિનંતી કરવામાં આવી છે.
ખાસ રીતે આરટીપીસીઆર ટેસ્ટ વધુ કરવાની પણ વિનંતી કરવામાં આવી છે. સમય રહેતા નવા વૅરિયન્ટની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
આમાં કહેવામાં આવ્યું છે કે જિલ્લા સ્તરે હૉસ્પિટલોમાં દાખલ ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ અને સીવિયર ઍક્યૂટ રેસ્પિરેટરી ઇલનેસના દર્દીઓ પર નજર રાખવામાં આવશે.
એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે આગામી તહેવારોને જોતાં બધા લોકો સતર્ક રહે. લોકોને ઉધરસ કે છીંક આવે તે વખતે યોગ્ય સાવચેતી લેવાનું કહેવામાં આવ્યું છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે જેએન1 સામે કોરોના વાઇરસ માટે બધી માન્ય વૅક્સિનનો ઉપયોગ કરી શકાશે.












