You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભયંકર રોગચાળાનું મૂળ શોધવા જ્યારે એક ડૉક્ટરે જીવ જોખમમાં મૂકીને દર્દીનો મળ ખાધો
- લેેખક, ડૉ. માઇકલ મોસ્લી
- પદ, બીબીસી માટે
ન્યુટ્રિશન એટલે કે પોષણનું આજે લોકોને ઘેલું લાગ્યું છે, પરંતુ આ ક્ષેત્ર લાંબા સમય સુધી ઉપેક્ષિત રહ્યું હતું.
આશ્ચર્યજનક લાગે, પરંતુ હકીકત એ છે કે ભોજન અને આરોગ્ય વચ્ચેના સંબંધ વિશે બહુ અલ્પ પ્રમાણમાં સંશોધન થતું હતું, પરંતુ કેટલાક ડૉક્ટરોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને કરેલા પ્રયોગોને લીધે આ દિશામાં નોંધપાત્ર માહિતી પ્રાપ્ત થઈ છે.
ડૉ. જોસેફ ગોલ્ડબર્ગર નામના ન્યૂયૉર્કના યહૂદી ડૉક્ટર 1914માં અમેરિકાના દક્ષિણ છેડે પહોંચ્યા હતા.
ત્યાં તેમણે એક બૌદ્ધિક છલાંગ લગાવી હતી, જેના કારણે મહત્ત્વનું એક રહસ્ય ઉકેલવામાં, હજારો લોકોનું જીવન બચાવવામાં મદદ મળી હતી અને લોકો જે આહાર લેતા હતા એ સંદર્ભે હસ્તક્ષેપ કરવાની સરકારને ફરજ પડી હતી.
અમેરિકાના દક્ષિણનાં રાજ્યોમાં ફેલાયેલા રોગચાળાની તપાસ કરવા માટે અમેરિકાના સર્જન જનરલે તેમને ત્યાં મોકલ્યા હતા.
તે પેલેગ્રા નામનો એક ભયાનક રોગ હતો. શેરક્રોપર્સ પ્લેગ તરીકે ઓળખાતા આ રોગમાં હાથની પાછળના ભાગમાં સનબર્ન(તીવ્ર સૂર્યપ્રકાશમાં રહેવાને લીધે પડતાં ચાઠાં)ની સાથે આ રોગની શરૂઆત થઈ હતી.
એ પછી સનબર્ન ચહેરા પર પતંગિયાના આકારની ફોલ્લીઓના સ્વરૂપમાં વિકસતાં હતાં. તેના અનુસંધાને હતાશા, મૂંઝવણ તથા ચિતભ્રમની પરિસ્થિતિ સર્જાતી હતી અને કુલ પૈકીના 40 ટકા કિસ્સામાં દર્દીઓ મૃત્યુ પામતા હતા.
તે રોગને કારણે દર વર્ષે હજારો અમેરિકનોનાં મોત થતાં હતાં અને લાખો લોકો તેમા સપડાતા હતા. ગોલ્ડબર્ગરને તે રોગનું કારણ શોધવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. જોસેફ ગોલ્ડબર્ગર જેમણે જીવલેણ પેલેગ્રાથી અમેરિકા અને વિશ્વને મુક્ત કરાવવા જીવનું જોખમ ખેડ્યું
- અમેરિકાના એક ડૉક્ટરે મહામારીનું કારણ શોધવા માટે કંઈક એવું કર્યું હતું જેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે
- એ રોગનું નામ પેલાગ્રા હતું, શેરક્રોપર્સ પ્લેગ તરીકે ઓળખાતા આ રોગમાં હાથની પાછળના ભાગમાં સનબર્ન(તીવ્ર સૂર્યપ્રકાશમાં રહેવાને લીધે પડતાં ચાઠાં)ની સાથે આ રોગની શરૂઆત થઈ હતી
- આ રોગનું મુખ્ય કારણ આહાર સાથે સંકળાયેલું હોવાની વાત એ સમયના નિષ્ણાતો માનવા તૈયાર ન હતા
- પરંતુ અમેરિકાના ડૉક્ટર જોસેફ ગોલ્ડબર્ગર પોતાની શોધ પર અડગ હતા
- તેમણે અંતે પેલેગ્રાના દર્દીનાં મળ, લીંટ અને લોહી પોતાના શરીરમાં નાખીને પોતાની વાત સાબિત કરવા પ્રયાસ કર્યો, અંતે તેમને સફળતા કેવી રીતે મળી? જાણવા માટે વાંચો બીબીસી ગુજરાતીનો આ ખાસ અહેવાલ
મહત્ત્વની વિગત
આ રોગને અત્યંત ચેપી ગણવામાં આવતો હતો અને તેમાં સપડાયેલા લોકોને રક્તપિત્ત થયું હોવાનું માનવામાં આવતું હતું.
ગોલ્ડબર્ગરને સર્જન જનરલનું પીઠબળ જરૂર હતું, પણ તેઓ એક વસાહતીના પુત્ર તરીકે ખુદને હંમેશાં બહારની વ્યક્તિ ગણતા હતા.
‘ગોલ્ડબર્ગર્સ વોર’ નામના પુસ્તકના લેખક ડૉ. એલન ક્રાઉટે બીબીસીને કહ્યું હતું કે, “જોસેફ ગોલ્ડબર્ગર તેમના સમગ્ર જીવન દરમિયાન પશ્ચિમ અમેરિકા અને પશ્ચિમના લોકો પ્રત્યે આકર્ષિત રહ્યા હતા. તબીબી જાસૂસ તરીકેનું તેમનું મોટા ભાગનું કામ અને રોગચાળા સામેની તેમની લડત મૂલ્યવાન સિદ્ધિ હાંસલ કરનાર સાહસિક બનવાની તેમની ઇચ્છાનો એક હિસ્સો હતી.”
ગોલ્ડબર્ગરના પૌત્ર ડૉ. ડોન શાર્પે કહ્યું હતું કે, “તેઓ ખુદને મુખ્ય ધારાથી અલગ રીતે તબીબી સંશોધન કરતો કાઉબૉય ગણતા હતા.”
ગોલ્ડબર્ગરે કેદીઓ, અનાથાલયો અને નર્સિંગ હૉમમાં આ રોગની તપાસ કરવા માટે સમગ્ર સધર્ન અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. એ દરમિયાન કેટલીક આશ્ચર્યજનક બાબતો તેમના ધ્યાનમાં આવી હતી.
સ્ટાફ નહીં, પણ કેદીઓ પેલેગ્રાથી પ્રભાવિત
તેમના મોટા ભાગના સાથીઓ ભારપૂર્વક માનતા હતા કે પેલેગ્રા ચેપી રોગ છે, પરંતુ ગોલ્ડબર્ગરને સમજાયું હતું તે કદાચ ચેપી રોગ નથી. બીજું કંઈક છે.
તેમને ટૂંક સમયમાં ખાતરી થઈ ગઈ હતી કે આહારમાંનું કશુંક પેલેગ્રાનું કારણ છે, પરંતુ ગોલ્ડબર્ગર જાણતા હતા કે દક્ષિણના આહારની ટીકા કરવાથી અવળી અસર થશે.
ડૉ. એલેન ક્રાઉટે કહ્યું હતું કે, “પેલેગ્રા જંતુજન્ય રોગ નથી, પરંતુ આહારમાં ઊણપને લીધે થાય છે, તેની ખાતરી વિજ્ઞાનીઓને કરાવવા માટે પુરાવાની જરૂર હતી.”
તેથી તેમણે એક વિવાદાસ્પદ પ્રયોગ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય તેવા 12 લોકોને પસંદ કરીને તેમને પેલેગ્રા આપવાનું નક્કી કર્યું હતું. એ ‘સ્વયંસેવકો’ મિસિસિપી જેલમાંથી લાવવાના હતા.
એ સમયે ઘણા લોકો અને ખાસ કરીને ગરીબો દક્ષિણની એક સામાન્ય વાનગી સિવાય બીજું કશું ખાતા ન હતા. તેઓ ફેટબેક અથવા લાર્ડો નામની ચીજ ખાતા હતા.
તે વાનગી ડુક્કરની પીઠની ત્વચા હેઠળની ચરબી, જવના જાડા લોટ અને ગોળનો રસ ભેળવીને બનાવવામાં આવતી હતી.
ડૉ. ડોન શાર્પે કહ્યું હતું કે, “બધા કેદીઓને તાજાં માંસ, ઇંડાં કે શાકભાજી સિવાયનું સામાન્ય ખાણું આપવાનું હતું. પ્રયોગમાં સહભાગી બનેલા કેદીઓએ આરંભે વિચાર્યું હતું કે આ તો અદ્ભુત વાત છે.”
જોકે, છ મહિના પછી તમામ કેદીઓમાં પેલેગ્રા આકાર પામતાં ગોલ્ડબર્ગરે તેમનો પ્રયોગ બંધ કર્યો હતો. તેમને પાકી ખાતરી થઈ ગઈ હતી કે પેલેગ્રાનું કારણ આહારની ઊણપ જ છે, પરંતુ વૈજ્ઞાનિક સમુદાય તેમની સાથે સહમત ન હતો.
ડૉ. એલેન ક્રાઉટે કહ્યું હતું કે, “વિજ્ઞાનીઓએ ગોલ્ડબર્ગરની કાર્યપદ્ધતિ અને પ્રયોગના તારણની ટીકા કરી હતી. તેઓ ભારપૂર્વક માનતા હતા કે ગોલ્ડબર્ગર ભલે ગમે તે કહે, પરંતુ આ જંતુજન્ય રોગ છે અને ગોલ્ડબર્ગરને જંતુ મળ્યા નથી.”
ગોલ્ડબર્ગરનો ગુસ્સો
એ સાંભળીને ગોલ્ડબર્ગરે કહ્યું હતું કે, “એ આંધળા, સ્વાર્થી, ઈર્ષ્યાળુ ગધેડાઓ તેમના કથિત અભિપ્રાય ભૂંકી રહ્યા છે.”
તેઓ એટલા હતાશ થઈ ચૂક્યા હતા કે લગભગ કંઈ પણ કરવા તૈયાર હતા.
તેમણે ટીકાકારોને શાંત કરવા અને પેલેગ્રા ચેપી રોગ નથી તે ખાતરીપૂર્વક પૂરવાર કરવા કંઈક વધુ વિવાદાસ્પદ કરવાનું, પોતાના પર જ પ્રયોગ કરવાનું નક્કી કર્યું હતું.
તેમણે લખ્યું હતું કે, “મેં કોઈ પણ પ્રકારનાં નિયંત્રણ લાદ્યાં ન હતાં. કુદરતી ચેપને રોકવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો.”
તેઓ સૌપ્રથમ સ્થાનિક પેલેગ્રા હૉસ્પિટલમાં ગયા હતા અને દર્દીઓના નાકમાંથી એકઠી કરેલી લીંટ પોતાના નસકોરામાં ભરી દીધી હતી. લીંટ એકત્ર કરવા અને નાકમાં ભરવા વચ્ચે બે કલાકથી પણ ઓછો સમય થયો હતો. નાકમાં ભરવામાં આવેલી લીંટનો કેટલોક હિસ્સો તેઓ કદાચ ગળી પણ ગયા હશે.
જે દર્દીઓના મળના નમૂના લેવામાં આવ્યા હતા, તેમને ગંભીર આંચકી આવતી હતી અને તેમણે ચાર વખત સંડાસ જવું પડતું હતું. ગોલ્ડબર્ગરે બધી સામગ્રી લોટ સાથે મિક્સ કરીને તેની એક ગોળી બનાવી હતી અને તે ગોળી તેઓ ગળી ગયા હતા.
ગંદકીની મિજબાની
ડૉ. એલેને ક્રાઉટે કહ્યું હતું કે, “અન્યોના મળ અને ચામડી પરનાં ભીંગડાં ગળી જવાનો વિચાર જ અત્યંત ગંદો છે.”
ડૉ. ડોન શાર્પે કહ્યું હતું કે, “ગોલ્ડબર્ગર પોતાને આ રીતે જોખમમાં મૂક્યા હશે તે વાત અમારા પરિવારને પણ માનવામાં આવતી નથી. અમે પરિવારમાં કે મિત્રો સાથે આ બાબતે વાત કરીએ છીએ ત્યારે આઘાત લાગે છે.”
ગોલ્ડબર્ગર આ પ્રયોગને ‘ફિલ્ધ પાર્ટીઝ’ એટલે કે ગંદકીની મિજબાની તરીકે ઓળખાવતા હતા અને તેમના સાથીઓને પણ આ પ્રયોગમાં જોડાવા સમજાવતા હતા.
દર્દીનાં મળ અને મૂત્ર અપૂરતાં હોય તેમ ગોલ્ડબર્ગરે તેનાથી પણ એક ડગલું આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કેટલાક દર્દીઓના લોહીના નમૂના લીધા હતા અને તેમનાં પત્ની સહિતના તેમના તમામ સ્વયંસેવકોના શરીરમાં તે લોહી ઇન્જેક્ટ કર્યું હતું.
ડૉ. ડોન શાર્પે કહ્યું હતું કે, “મારા દાદા તેમના ટીકાકારોને ચૂપ કરી શકે એટલા માટે મારાં દાદી તેમને બધી જ મદદ કરવા તૈયાર હતાં.”
મેરીએ લખ્યું હતું કે, “હું ગોળી ગળું તે પુરુષોને મંજૂર ન હતું, પરંતુ તેમણે પેલેગ્રાને કારણે મરણાસન્ન એક સ્ત્રીના લોહીનું ઇન્જેક્શન મને આપ્યું હતું.”
તે ઇન્જેક્શનની સોયને કારણે મેરીના શરીરમાં કોઈ પણ પ્રકારના રોગનાં જંતુ ઘૂસી શક્યાં હોત, પરંતુ “તે શ્રદ્ધાની છલાંગ હતી. તેમાં હિંમતની જરૂર ન હતી.”
મેરીની શ્રદ્ધા યથાર્થ સાબિત થઈ હતી. એક પણ સ્વયંસેવક બીમાર પડ્યો ન હતો.
ડૉ. ડોન શાર્પે કહ્યુ હતું કે, “ફિલ્ધ પાર્ટીમાં ભાગ લીધો હતો એ પૈકીની એકેય વ્યક્તિને મામૂલી અતિસાર સિવાયની કોઈ તકલીફ થઈ ન હતી, એ જાણીને મારા દાદા અત્યંત ઉત્સાહિત તથા રાજી હતા. કોઈને પેલેગ્રા તો થયો જ ન હતો.”
ગોલ્ડબર્ગરને થયું હતું કે તેમણે આખરે પુરવાર કરી દેખાડ્યું છે. પેલેગ્રા ચેપી રોગ ન હોવાના તમામ પુરાવા તેમની પાસે હતા. તેમના સંશોધનનું તારણ સજ્જડ હતું.
તેથી તેમણે પોતાના પ્રયોગનું તારણ જાહેર કરવાનો અને પ્રશંસા પામવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ દક્ષિણ અમેરિકાના નાગરિકોએ તેમની જોરદાર, હિંસક ટીકા કરી હતી.
ડૉ. ડોન શાર્પે કહ્યું હતું કે, “તે કોઈ યહૂદી હોય કે ન્યૂયૉર્કવાસી હોય કે તેમની સાથેના વર્તનમાં સરકારે ભજવેલી ભૂમિકા હોય કે પછી તેઓ જે કહેતા હતા તે હોય, ખરું શું તે આપણે ક્યારેય જાણી શકીશું નહીં.”
ગોલ્ડબર્ગરને બાદમાં સમજાયું હતું કે પોતે સસ્તો અને સરળ ઉપચાર શોધી નહીં કાઢે ત્યાં સુધી ડૉક્ટરોને એ સમજાવી નહીં શકે કે પેલેગ્રા આહારમાં ખામીને કારણે થાય છે.
થોડાં વર્ષો પછી...
1923માં ગોલ્ડબર્ગરે, તેઓ જે ઇચ્છતા હતા તે આખરે શોધી કાઢ્યું હતું અને તે વિચિત્ર રીતે પુરવાર થયું હતું.
તેઓ કૂતરાને દક્ષિણ અમેરિકન ખોરાક ખવડાવીને તેમને પેલેગ્રાના રોગી બનાવવાનો પ્રયોગ કરતા હતા. સમસ્યા એ હતી કે કૂતરા તે આહાર ખાવા જરાય તૈયાર ન હતા. તેથી તેમણે તે આહારમાં ભૂખ ઉત્તેજક સામગ્રી ઉમેરી હતી.
મહિનાઓ પસાર થઈ જવા છતાં કૂતરા તો સ્વસ્થ જ હતા. આખરે ગોલ્ડબર્ગરને સમજાયું હતું કે ભૂખ ઉત્તેજક સામગ્રી કૂતરા રોગ સામે રક્ષણ આપતી હતી અને તેઓ આટલાં વર્ષોથી તેની જ શોધ કરતા હતા.
આખરે તે મળી આવ્યું હતું. તે પ્રાણી કે શાકભાજી કે ખનીજ ન હતાં, પરંતુ યીસ્ટ (આથો) હતું.
છેવટે 1927માં ગોલ્ડબર્ગરનો સમય આવ્યો હતો. પૂરને કારણે ફરીથી પેલેગ્રા ફાટી નીકળ્યો હતો. ગોલ્ડબર્ગરે નિરાશ્રિતોને યીસ્ટ આપ્યું હતું અને ચમત્કાર થયો હતો. થોડું યીસ્ટ ખાવાને લીધે બધા ઝડપભેર સાજા-નરવા થઈ ગયા હતા.
આખરે ગોલ્ડબર્ગરને હીરો જાહેર કરવામાં આવ્યા હતા.
થોડાં વર્ષો પછી એક કેમિસ્ટે યીસ્ટમાંથી પેલેગ્રા નિવારક તત્ત્વ અલગ કર્યું હતું. તે નિયાસિન નામનું વિટામિન હતું.
અમેરિકન સરકારે મિલોને લોટમાં નિયાસિન ભેળવવાનો આદેશ આપ્યો હતો. અન્ય દેશોએ પણ તેનું અનુસરણ કર્યું હતું અને પેલેગ્રા લગભગ ખતમ થઈ ગયો હતો.
આપણે હવે જાણીએ છીએ કે તંદુરસ્ત ત્વચા માટે અને પાચન તથા ચેતાતંત્ર સારી રીતે કામ કરે તે માટે નિયાસિન જરૂરી છે, પરંતુ ગોલ્ડબર્ગરે પુરવાર કરી દેખાડ્યું હતું કે આહાર અને આરોગ્ય વચ્ચે ગાઢ સંબંધ હોય છે.
આપણે બીમાર પડીશું કે નહીં તેનો આધાર આપણા આહાર અને આપણી જીવનશૈલી પર હોય છે. આ વાત આખી દુનિયા બરાબર સમજી લે તે ડૉ. જોસેફ ગોલ્ડબર્ગર ઇચ્છતા હતા.
(આ લેખ બીબીસીની ‘મેડિકલ મેવરિક્સ’ શ્રેણીના એક હિસ્સા પર આધારિત છે)