ઈરાને ઇઝરાયલમાં કરેલી જવાબી કાર્યવાહીમાં ત્રણ લોકોનાં મૃત્યુની પુષ્ટિ, ઈરાને અમેરિકાને પણ આપી ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલી મીડિયાના અહેવાલ પ્રમાણે ઈરાનની જવાબી કાર્યવાહીમાં ત્રણ લોકો માર્યા ગયા છે. આ પહેલા શનિવારે સવારે ઇઝરાયલે બે લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરી હતી અને ઈરાનના હુમલામાં ઘાયલ 21 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું કહેવાયું હતું.
ઇઝરાયલમાં વિપક્ષી પાર્ટીના નેતા યેર લૅપિડે ત્રણ ઇઝરાયલી નાગરિકોનાં મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. યેર લૅપિડે લખ્યું, "આ ઇઝરાયલ માટે મુશ્કેલીની રાત્રી હતી. અમે બહાદુર લોકો છીએ અને અમારી પાસે બહાદુર સેના છે."
તેમણે ઇઝરાયલી નાગરિકોને હોમ ફ્રન્ટ કમાન્ડના નિર્દેશોનું પાલન કરવાનું પણ કહ્યું.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ એટલે કે આઈડીએફે કહ્યું છે કે દેશની ઍરફોર્સ ઈરાનમાં લક્ષ્યાંકો પર ફરીથી હુમલો કરવા માટે તૈયાર છે.
થોડા સમય પહેલાં આઈડીએફ ચીફ ઑફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ ઇયાલ જમીર તથા ઇઝરાયલી ઍરફોર્સ પ્રમુખ મેજર જનરલ ટોમર બારે હાલની સ્થિતિ વિશે જણાવ્યું. તેમણે કહ્યું, "ઈરાન સુધી પહોંચવા માટેનો રસ્તો તૈયાર છે. યોજનાઓ અનુસાર ઍરફોર્સનાં લડાકૂ વિમાનો તહેરાનમાં લક્ષ્યાંકો પર હુમલો કરવાનું શરૂ કરી દેશે."
ઈરાને અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનને આપી ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાને ઇઝરાયલની મદદને લઈને અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનને ચેતવણી આપી છે. ઈરાનના સરકારી મીડિયાએ તે વાતની જાણકારી આપી.
રિપોર્ટોમાં કહેવાયું છે કે જો આ ત્રણ દેશો ઇઝરાયલનું સમર્થન કરતા રહેશે તો ઈરાન આ ત્રણ દેશોનાં સંબંધિત સૈન્ય ઠેકાણાંઓને અને જહાજોને નિશાન બનાવશે.
બ્રિટને અત્યારસુધી ઈરાની હુલાના જવાબમાં ઇઝરાયલના સુરક્ષાના પ્રયાસોને લઈને કરવામાં આવેલી ટિપ્પણી પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ જણાવાય છે કે બ્રિટને આ પ્રકારની કોઈ સૈન્ય કાર્યવાહીમાં ભાગ લીધો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સંવાદદાતા જૅક ફેનવિકને જણાવવામાં આવ્યું કે ઇઝરાયલે બ્રિટનથી આ પ્રકારની કોઈ સહાયતાનો અનુરોધ કર્યો નથી.
સરકારી સૂત્રોએ આજ સવારે આ વાતની પુષ્ટિ નહોતી કરી કે હાલ પણ શું આ જ પરિસ્થિતિ યથાવત્ છે કે નહીં.
જ્યારે ઈરાને ભૂતકાળમાં ડ્રૉન મારફતે ઇઝરાયલને નિશાન બનાવ્યું છે ત્યારે બ્રિટને તેને મારવા માટે સાઇપ્રસથી આરએએફ ટાઇફૂન મોકલ્યાં છે.
ઇઝરાયલે શુક્રવારે ઈરાનમાં અલગ-અલગ જગ્યાએ હુમલાઓ કર્યા, જેના જવાબમાં ઈરાને ઇઝરાયલ પર બૅલિસ્ટિક મિસાઇલ છોડી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને તેના પરમાણુ કાર્યક્રમ પર સમજૂતી કરવા માટે કહ્યું છે અને ચેતવણી આપી છે કે જો આમ નહીં થયું તો ઇઝરાયલ વધુ મોટા હુમલા કરી શકે છે.
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે હવાઈ હુમલા બાદ શું-શું થયું?

ઇમેજ સ્રોત, Reuters
ઇઝરાયલ તરફથી તેનાં પરમાણુ ઠેકાણાંઓ પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં ઈરાને પણ ઇઝરાયલ પર મિસાઇલોથી હુમલો કર્યો છે.
ઇઝરાયલી ઇમર્જન્સી સર્વિસ પ્રમાણે ઈરાની હુમલામાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે.
ઇઝરાયલી સેનાના જણાવ્યા પ્રમાણે તેણે ઈરાન પર હુમલા ચાલુ રાખ્યા છે.
ઇઝરાયલી ઇમર્જન્સી સર્વિસ મેગન ડેવિડ અડોમ (એમડીએ)એ જણાવ્યું કે સેન્ટ્રલ કોસ્ટલ વિસ્તારમાં થયેલા ઈરાની હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે.
બીબીસી સંવાદદાતાઓએ જણાવ્યું છે કે રાતભર સાઇરનનો અવાજ આવતો રહ્યો. જેને કારણે લાખો લોકો બંકરો તથા સુરક્ષિત જગ્યાએ શરણું લેતા નજરે પડતા હતા. ઇઝરાયલના ઘણા વિસ્તારમાં મોટા ધડાકાનો અવાજ સંભળાતો હતો.
ઈઝરાયલે ઈરાન પર હુમલા ચાલુ જ રાખ્યા છે. શુક્રવારે ઈરાન પર થયેલા ઇઝરાયલી હુમલામાં છ પરમાણુ વૈજ્ઞાનિકો તથા કેટલાક વરિષ્ઠ ઈરાની સૈન્ય અધિકારીઓનાં મૃત્યુ થયાં હતાં.
ઈરાન-ઇઝરાયલને સંયુક્ત રાષ્ટ્રએ શું અપીલ કરી?

ઇમેજ સ્રોત, ABIR SULTAN/EPA-EFE/Shutterstock
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના પ્રતિનિધિનું કહેવું હતું કે ઇઝરાયલે હાલમાં હવાઈ હુમલામાં ઈરાનના 78 નાગરિકોનાં મૃત્યુ થયાં છે તથા 320થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે તે પૈકી મહત્તમ લોકો સામાન્ય નાગરિકો છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસે ઈરાન અને ઇઝરાયલને તણાવ રોકવા શાંતિનો રસ્તો અપનાવવાની અપીલ કરી છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષાની શનિવારની બેઠકમાં ચીનના દૂત ફૂ કોંગે કહ્યું કે ઇઝરાયલે ઈરાનની સંપ્રભુતા, સુરક્ષા અને ક્ષેત્રીય અખંડતાનું ઉલ્લંઘન કર્યું છે. જેની ચીન નિંદા કરે છે.
તેમણે કહ્યું કે હાલના હુમલાને કારણે ઈરાનની પરમાણુ સમજૂતી પર અસર પડી શકે છે.
ચીને ઇઝરાયલને તાત્કાલિક સૈન્ય કાર્યવાહી રોકવાની અપીલ કરી. તેણે કહ્યું કે પરમાણુ અપ્રસાર સંધિના હસ્તાક્ષરકર્તા તરીકે ઈરાનને પરમાણુ ઊર્જાનો શાંતિપૂર્ણ ઉપયોગ કરવાનો જે અધિકાર મળ્યો છે તેનું પૂર્ણ સન્માન કરાવું જોઈએ.
ચીન અને ઈરાન ઊર્જા અને વિકાસ સાથે જોડાયેલી યોજનાઓમાં પરસ્પર ભાગીદાર છે.
માર્ચમાં ચીને ઈરાન તથા રશિયાના નાયબ વિદેશ મંત્રીઓને બેઇજિંગ આમંત્રિત કર્યા હતા. જ્યાં તેમણે ઈરાનના પરમાણુ મુદ્દે ચર્ચા કરી અને તેના પર લાગેલા પ્રતિબંધોને હઠાવવાની માગ કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












