You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચાર મહિના અંધારું, ચાર મહિના અજવાળું, આ જગ્યાએ જવા વિઝા નહીં બંદૂક જોઈએ
સ્વાલબાર્ડ નૉર્વે પાસે આવેલો એક દ્વીપસમૂહ છે જે પૃથ્વીના ઉત્તર ધ્રુવથી માત્ર 1300 કિલોમિટર દૂર છે.
એક રીતે આ 'પૃથ્વી પર જમીનનો અંત' છે, કારણ કે તેની આગળ કોઈ જમીન નથી.
ખૂબ જ આહ્લાદક આકાશી નજારો અને કુદરતી સૌંદર્યથી ભરપૂર આ દ્વીપસમૂહ પર વિશ્વના કોઈ પણ દેશમાંથી વિઝા વગર જઈ શકાય છે.
માત્ર ફરવા માટે જ નહીં, ત્યાં જઈને લોકો સ્થાયી પણ થઈ શકે છે અને કામ કરી શકે છે.
પરંતુ આમ કરતાં પહેલાં બે બાબતો જાણવી જરૂરી છે. પહેલી, અહીં સતત ચાર મહિના અંધારું અને ચાર મહિના દિવસ રહે છે અને બીજી, અહીં હંમેશાં ખુદ પાસે બંદૂક રાખવી હિતાવહ છે.
‘જો બંદૂક ન હોય તો…’
1920ના દાયકામાં લોકોએ વસવાનું શરૂ કર્યું એ પહેલાં સુધી સ્વાલબાર્ડ નૉર્વેનો ભાગ હતું.
20મી સદીની શરૂઆતમાં કોલસા-ખનન માટે આવેલા લોકો અહીં વસી ગયા હતા. તેમાંથી મોટા ભાગના લોકો હાલ પર્યટનક્ષેત્રમાં કામ કરે છે.
સ્વાલબાર્ડની રાજધાની લૅંગરબ્યૅન છે અને ત્યાં 51 દેશોના અઢી હજાર લોકો રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં લોકો કરતાં જંગલી જાનવરોની વસતી વધારે છે. એમાં પણ પોલર-બૅયર એટલે કે સફેદ રીંછ સૌથી વધારે જોવા મળે છે.
તેઓ અવારનવાર શહેરમાં આવતાં રહે છે અને ઘણી વખત સ્થાનિક લોકો પર હુમલો કર્યો હોવાની ઘટનાઓ પણ બની છે.
એટલે જ અહીં રહેતી વખતે કે અહીંથી અવરજવર કરતી વખતે એક બંદૂક સાથે રાખવી હિતાવહ છે. જો બંદૂક ન રાખવી હોય તો બંદૂક ધરાવતા વ્યક્તિને સાથી રાખવી જોઈએ, કારણ કે આ રીંછો સામે સુરક્ષા મેળવવા એ એકમાત્ર રસ્તો છે.
અહીં સફેદ રીંછ સિવાય હરણ, શિયાળ જેવાં પ્રાણીઓ અને સીલ તેમજ વ્હેલ જેવાં જળચર પ્રાણીઓ પણ જોવાં મળે છે.
સ્વાલબાર્ડ હંમેશાં બરફથી ઢંકાયેલું રહે છે. અહીં ખેતી થતી નથી. આ એવા સાહસિકો માટે આકર્ષણનું કેન્દ્ર છે જેઓ આર્કટિકના બરફમાં રોમાંચ માણવા માગતા હોય.
સ્વાલબાર્ડમાં કોઈ સાર્વજનિક પરિવહન વ્યવસ્થા નથી. કેટલાક સ્થાનિક લોકો પાસે ગાડીઓ છે. અહીં 50 કિલોમિટરનું રસ્તાનું નેટવર્ક છે. ભારે હિમવર્ષના કિસ્સામાં લોકો 'સ્નો-મોબિલ'નો ઉપયોગ કરે છે.
આગામી એક દાયકામાં બધું જ બદલાઈ જશે
વિશ્વના અન્ય ભાગોની જેમ પર્યટનક્ષેત્ર પર નભતાં સ્વાલબાર્ડ પર પણ કોરોના મહામારીની ભયંકર અસર પડી હતી.
આ વિસ્તાર જેટલો સુંદર દેખાય છે, અહીંના લોકોનું જીવન એટલું જ કપરું અને પડકારજનક છે.
સમયાંતરે હિમસ્ખલનથી મકાનો પડવાથી લઈને જાનમાલને નુકસાનની ઘટનાઓ બનતી રહે છે.
સ્વાલબાર્ડના 'કોરલ રીફ્સ' એટલે કે પરવાળાના ખડકો જળવાયુ પરિવર્તનનો સીધો પુરાવો છે.
1971થી અત્યાર સુધીમાં આર્કટિકમાં તાપમાન ચાર ડિગ્રી સૅન્ટિગ્રેડ વધ્યું છે જે વૈશ્વિક સરેરાશથી પાંચ ગણું વધારે છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે કેટલાક વિસ્તારોમાં ઘણા સમયથી સારી એવી હિમવર્ષા થઈ નથી અને વાતાવરણમાં ઝડપથી ફેરફારો થઈ રહ્યા છે.
જો આવું થતું જ રહ્યું તો આવનારાં 100 વર્ષમાં સ્વાલબાર્ડ એવું નહીં રહે, જેના માટે તે વખણાતું આવ્યું છે.
આ સિવાય, જો તમને જિંદગી અને દુનિયાથી કંટાળો આવી ગયો હોય અને સારું એવું પરિવર્તન ઇચ્છતા હો તો આ દ્વીપસમૂહ તમારી સામે એક નવી દુનિયા રજૂ કરી શકે છે.