You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તરાખંડ : ચારધામ યાત્રા કોને કહેવાય અને કઈ વાતોનું ધ્યાન રાખવું?
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં સ્થિત કેદારનાથ મંદિરનાં કપાટ 2 મેના રોજ ખોલી દેવાયાં છે.
કપાટ ખોલવામાં આવે એ દરમિયાન ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામી પણ હાજર હતા. તેમણે આને 'રાજ્યનો ઉત્સવ' ગણાવીને કહ્યું કે રાજ્ય સરકારે ચારધામ યાત્રાના સુવ્યવસ્થિત અને સફળ સંચાલન માટે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે.
આ પહેલાં 30 એપ્રિલના રોજ યમનોત્રી અને ગંગોત્રી મંદિરનાં પણ કપાટ ખોલવામાં આવ્યાં. બદરીનાથ મંદિરનાં કપાટ 4 મેના રોજ ખૂલશે.
આ મંદિરોનાં કપાટ ખૂલવાની સાથે જ ચારધામ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. આવો જાણીએ ચારધામ યાત્રા વિશેની ખાસ વાતો.
ચારધામ યાત્રા શું છે?
ઉત્તરાખંડ પોતાનાં ઘણાં પ્રાચીન મંદિરો માટે ઓળખાય છે. દેશના જુદા જુદા ભાગોમાંથી શ્રદ્ધાળુ રાજ્યનાં ઘણાં મંદિરોમાં દર્શન માટે આવે છે.
તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ છે ચારધામ યાત્રા, જેના માટે શ્રદ્ધાળુઓ લાંબું પ્લાનિંગ કરે છે.
આ તમામ ધામ ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં ઊંચાઈ પર સ્થિત છે.
ઉત્તરાખંડ પર્યટન વેબસાઇટ અનુસાર, ઊંચાઈવાળાં ક્ષેત્રોમાં સ્થિત આ મંદિર ઠંડીની શરૂઆત (ઑક્ટોબર કે નવેમ્બર) સાથે બંધ થઈ જાય છે અને લગભગ છ માસ સુધી બંધ રહ્યા બાદ ઉનાળાની શરૂઆત (એપ્રિલ કે મે)માં ખોલી દેવાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવી માન્યતા છે કે ચારધામ યાત્રાને ઘડિયાળના કાંટાની દિશામાં પૂરી કરવી જોઈએ, તેથી તેની શરૂઆત યમુનોત્રીથી થાય છે. એ બાદ શ્રદ્ધાળુ ગંગોત્રી તરફ રવાના થાય છે અને એ બાદ કેદારનાથમાં દર્શન કરીને બદરીનાથ જાય છે અને ત્યાં પૂજા-અર્ચના બાદ એ યાત્રા સમાપ્ત થઈ જાય છે.
યમુનોત્રી
ચારધામ યાત્રા અહીંથી જ શરૂ થાય છે. યમુનાના ઉદ્ગમસ્થળની નજીક સ્થિત આ મંદિર સુધી પગપાળા, ઘોડા કે પાલખી સુધી પહોંચી શકાય છે.
આ મંદિર સમુદ્ર તળથી 3,233 મીટરની ઊંચાઈએ સ્થિત છે. આ જગ્યા ઉત્તરકાશી જિલ્લામાં છે. ઋષિકેશથી યમનોત્રીનું અંતર લગભગ 210 કિલોમીટર છે.
ગંગોત્રી
યાત્રાનો બીજો તબક્કો ગંગોત્રી મંદિર પણ ઉત્તરકાશી જિલ્લામાં સ્થિત છે. એ ઋષિકેશથી લગભગ અઢીસો કિલોમીટરના અંતરે સ્થિત છે.
ગંગોત્રી ભારતનાં સૌથી ઊંચાં ધાર્મિક સ્થળોમાંથી એક છે, જે સમુદ્ર તળથી 3,415 મીટરની ઊંચાઈએ સ્થિત છે.
ગંગા નદી જે સ્થાનેથી નીકળે છે, એને 'ગોમુખ' કહેવાય છે, જે ગંગોત્રીથી લગભગ 19 કિમી દૂર સ્થિત ગંગોત્રી ગ્લેશિયરમાં છે.
ગોમુખથી નીકળ્યા બાદ આ નદીને 'ભગીરથી' કહેવામાં આવે છે, અને જ્યારે એ દેવપ્રયાગની નજીક અલકનંદા નદીને મળે છે, ત્યારે એ ગંગા બની જાય છે.
કેદારનાથ
કેદારનાથ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે, જે સમુદ્રતળથી 3,548 મીટરની ઊંચાઈ પર હિમાલયના ગઢવાલ ક્ષેત્રમાં પડે છે. ઋષિકેશથી કેદારનાથનું અંતર લગભગ 227 કિમી છે.
મંદિર સુધી પહોંચવા માટે તમારે લગભગ 18 કિમીની ટ્રેકિંગ કરવાની હોય છે.
ત્યાં પાલખી કે ખચ્ચર પર બેસીને પણ તમે મંદિર સુધી પહોંચી શકો છો કે બુકિંગ કરીને હેલિકૉપ્ટરથી જઈ શકે છે.
કેદારનાથને હિંદુઓના પવિત્ર ચાર ધામો પૈકી એક માનવામાં આવે છે.
હિંદુ ધાર્મિક ગ્રંથોમાં જે બાર જ્યોતિર્લિંગનો ઉલ્લેખ છે, કેદારનાથ તેમાં સૌથી વધુ ઊંચાઈએ સ્થિત જ્યોતિર્લિંગ છે. કેદારનાથ મંદિર પાસેથી જ મંદાકિની નદી વહે છે.
આ મંદિર લગભગ એક હજાર વર્ષ પુરાણું હોવાનું કહેવાય છે, જેને ચતુર્ભુજાકાર આધાર પર પથ્થરની મોટી-મોટી પટ્ટીઓ વડે બનાવવામાં આવ્યું છે. કેદારનાથ મંદિરની પાછલ કેદારનાથ શિખર અને હિમાલયનાં બીજાં શિખરો છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે.
કેદારનાથ ધામનો પટ ખૂલ્યાના પ્રથમ દિવસે 30,154 શ્રદ્ધાળુઓએ ત્યાં દર્શન કર્યાં હતાં.
બદરીનાથ
ચારધામ યાત્રાનો અંતિમ તબક્કો છે બદરીનાથ ધામ. જે સમુદ્ર તળથી 3,100 મીટરની ઊંચાઈએ છે.
એ અલકનંદા નદીના કાંઠે ગઢવાલ હિમાલયમાં છે. એવું માનવામાં આવે છે કે આદિ શંકરાચાર્યે આઠમી સદીમાં તેની સ્થાપના કરી હતી. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે.
કઈ બાબતોનું ધ્યાન રાખવું?
દર વર્ષે લાખો શ્રદ્ધાળુ ચારધામ યાત્રા કરે છે, આવી સ્થિતિમાં જો તમે પહેલાંથી ગાડી, હોટલ અને અન્ય બાબતોની પ્લાનિંગ કરશો તો યાત્રામાં સરળતા રહેશે.
આ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશનની સુવિધા ઑનલાઇન અને ઑફલાઇન બંને માધ્યમો મારફતે ઉપલબ્ધ છે.
યાત્રામાર્ગમાં ઘણી જગ્યાએ આના માટે કાઉન્ટર બનેલાં હોય છે, જેમ કે હરિદ્વાર, ઋષિકેશ સહિત અન્ય સ્થળો પર.
- રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પોતાની પાસે રાખો
- યાત્રા દરમિયાન કાયદેસરનું ઓળખપત્ર જરૂર સાથે રાખો
- જો કોઈક પ્રકારની દવા લઈ રહ્યા હો તો એ સાથે રાખો
- ગરમ કપડાં પોતાની સાથે રાખો
આ યાત્રા વિશે દરેક જરૂરી જાણકારી તમને ઉત્તરાખંડ ટૂરિઝમની વેબસાઇટ પરથી મળશે.
જો તમે કેદારનાથ ધામ યાત્રા માટે હેલિકૉપ્ટર સર્વિસનો ઉપયોગ કરવા માગતા હો તો તેના માટે આઇઆરસીટીસી હેલિયાત્રા મારફતે બુકિંગ કરાવવી પડશે.
હેલિકૉપ્ટર ટિકિટ બુકિંગની શરૂઆત સાત મેથી થશે. આ યાત્રા દરમિયાન તમારે ઘણા કિલોમીટર ચાલવું પડી શકે છે, તેથી તેની તૈયારી પહેલાંથી જ શરૂ કરી દો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન