You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હી : સગીરાની સરાજાહેર હત્યા, કેટલીય વાર ચાકુ માર્યા બાદ પથ્થરથી માથું છૂંદી નાખ્યું
દિલ્હીમાં એક સગીરાની સરાજાહેર હત્યા કરવાની ઘટના ઘટી છે. સમાચાર સંસ્થા એએનઆઈએ દિલ્હી પોલીસને ટાંકીને જણાવ્યું છે, 'શાહબાદ ડેયરી પોલીસમથક હેઠળ આવતા વિસ્તારમાં 16 વર્ષની એક સગીરાની એના બૉયફ્રેન્ડે ચાકુ મારીને હત્યા કરી દીધી છે. આરોપીનું નામ સાહીલ છે. સાહીલ અને મૃતક 'રિલેશનશિપ'માં હતાં અને તેમની વચ્ચે ગઈકાલે (શનિવારે) ઝઘડો થયો હતો. મૃતક પોતાની મિત્રના પુત્રના જન્મદિવસના પ્રસંગે જવાનું આયોજન કરી રહી હતી ત્યારે આરોપીએ તેને આંતરી હતી અને કેટલીય વખત એને ચાકુ મારી હતી તથા પથ્થર માર્યો હતો.'
પોલીસે આરોપી સાહિલની ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી ધરપકડ કરી છે.
'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ અનુસાર દિલ્હીના રોહિણીમાં આવેલા શાહબાદ ડેયરી વિસ્તારમાં આ ઘટના ઘટી છે. સીસીટીવીમાં કેદ થઈ ગયેલી ઘટના અનુસાર સગીરાને 20 વખત ચાકુના ઘા મારવામાં આવ્યા હતા.
આ હત્યા એટલી ઘાતકી હતી કે એકવખત તો ઘા મારતી વખતે ચાકુ યુવતીના માથામાં ફસાઈ ગયું હતું. ત્યારબાદ આરોપીએ બાજુમાં પડેલા સીમેન્ટના સ્લેબને ઉપાડીને યુવતી પર ફેંકવાનું ચાલુ કર્યું હતું. અનેક વખત તેણે આ સ્લેબ યુવતી પર ફેંક્યો હતો.
સીસીટીવીમાં દેખાય છે કે હત્યા સમયે અનેક લોકો આસપાસથી પસાર થઈ રહ્યા છે પરંતુ કોઈએ આ હત્યાને રોકવાનો પ્રયત્ન કર્યો ન હતો.
'દિલ્હી મહિલાઓ માટે ખૂબ અસુરક્ષિત જગ્યા'
સગીરા પર હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, અને કેટલાય લોકોએ ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષ સ્વાતી માલીવાલે આ અંગે દિલ્હી પોલીસને નોટિસ આપવાની વાત કરી છે.
તેમણે ટ્વિટર પર જણાવ્યું, “હું દિલ્હી મહિલા આયોગની વર્ષોથી અધ્યક્ષ છું, પરંતુ મેં આટલો ડરામણો અને ભયજનક કેસ ક્યારેય જોયો નથી. એક સોળ વર્ષની છોકરીને રસ્તા વચ્ચે 40-50 વખત પ્રહારો કરીને મારી નાખવામાં આવી. કેટલી નિર્દયતાથી તેની હત્યા કરવામાં આવી છે એ વીડિયોમાં એવું દેખાય છે. આસપાસ પસાર થતા લોકો આ બધુ જોઈ રહ્યા છે પરંતુ તેને બચાવવાની કોશિશ પણ ન કરી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે વધુમાં જણાવ્યું છે કે, “દિલ્હી મહિલાઓ માટે ખૂબ અસુરક્ષિત જગ્યા બની ચૂક્યું છે. દિલ્હી એક શહેર તરીકે પણ અસંવેદનશીલ બની ચૂક્યું છે. આજે લોકોમાં કોઈ પ્રકારનો ડર રહ્યો નથી. લોકોને એ ખાતરી થઈ ચૂકી છે કે અમે કંઈ પણ કરીશું પણ પોલીસવ્યવસ્થા અમારું કંઈ બગાડી નહીં શકે. દિલ્હી મહિલા આયોગ પાસે રોજના છ રેપ કેસની ફરિયાદો આવે છે. હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે એક હાઇ લૅવલ કમિટી બનાવે અને કંઈક ઍક્શન લે. જો હવે કંઈ ન કરવામાં આવ્યું તો સમય વીતી જશે.”
આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ ત્રણ સભ્યોની ટીમ બનાવી છે અને જેનું નેતૃત્વ ડેલિના ખોંગડુપ કરશે. પોલીસે કલમ 302 અંતર્ગત શાહબાદ ડેયરી પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતાની ફરિયાદને આધારે કેસ નોંધ્યો છે.
કેજરીવાલે શું કહ્યું?
દિલ્હી પોલીસના અધિકારીઓએ જણાવ્યું છે કે પીડિતા સગીરા શાહબાદ ડેયરી વિસ્તારની જે.જે. કૉલોનીમાં રહેતી હતી અને ગલીમાંથી પસાર થઈ રહી હતી ત્યારે આરોપીએ એનો પીછો કર્યો હતો.
ઘટનાની નોંધ લેતા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજયપાલ પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું કે, “એક સગીરાની દિલ્હીમાં ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી છે. આ ખૂબ દુખદ અને નિરાશાજનક ઘટના છે. ગુનેગારો જાણે કે ભયમુક્ત બની ગયા છે, તેમને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. એલજીસાહેબ, કાયદો અને વ્યવસ્થા તમારી જવાબદારી છે. હવે કંઈક કરો. દિલ્હીના લોકોની સુરક્ષાની જવાબદારી સૌથી અગત્યની છે.”
આમ આદમી પાર્ટીનાં મંત્રી આતિશીએ પણ આ મામલે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે, “આ ભયાનક હત્યા જોઈને મારો આત્મા કંપી ગયો છે. હું દિલ્હીના ઉપરાજયપાલને યાદ કરાવવા માંગુ છું કે બંધારણે તેમને દિલ્હીના લોકોની સુરક્ષાની જવાબદારી આપી છે, પરંતુ ઉપરાજયપાલ કાયમ તેમનો સમય અરવિંદ કેજરીવાલનું કામ અટકાવવામાં જ બગાડે છે. આજે દિલ્હીમાં મહિલાઓ જરા પણ સુરક્ષિત નથી.”
ઉત્તર-પશ્ચિમી દિલ્હીના ભાજપના સાંસદ હંસરાજ હંસે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે, “આ ખૂબ દુખદ ઘટના છે. આ પ્રકારની ઘટનાઓ મારા મતક્ષેત્રમાં પણ પહેલાં બની ચૂકી છે. હું પોલીસ અને પીડીત પરિવારના સંપર્કમાં છું. આરોપીને સખત સજા મળવી જોઈએ. ઘણીવાર એવું બનતું હોય છે કે યુવાનો આ પ્રકારની લાગણીમાં ખેંચાઈ જતા હોય છે. પ્રેમ તો ઇબાદતનું સ્વરૂપ છે પણ આ પ્રકારની નફરત તેમાં આવી જાય ત્યારે આવી ઘટનાઓ ઘટતી હોય છે.”