ભારતમાં ડિજિટલ પેમેન્ટનો ધમધમાટ છતાં રોકડનું ચલણ કેમ વધુ?

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભ્રષ્ટાચાર અને અઘોષિત સંપત્તિ પર લગામ તાણવાના ઉદ્દેશથી ભારતમાં નવેમ્બર, 2016માં બે મોટા મૂલ્યની ચલણી નોટો (500 અને 1000) રદ્દ કરવામાં આવી હતી. કુલ ચલણમાં તેનું પ્રમાણ 86 ટકા હતું.

નોટબંધી તરીકે ઓળખાતી એ કાર્યવાહીને પગલે બૅન્કો અને એટીએમ કેન્દ્રોની બહાર અરાજકતાનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ નિર્ણયની ટીકા કરનારાઓ જણાવ્યું હતું કે સરકારના આ પગલાથી ઓછી આવક ધરાવતા ભારતીયોને માઠી અસર થઈ છે અને દેશની વ્યાપક અનૌપચારિક અર્થવ્યવસ્થામાં, જેમાં લોકો મુખ્યત્વે રોકડિયો વ્યવહાર કરે છે ત્યાં, અવરોધ સર્જાયો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે નોટબંધીથી “કાળું નાણું (અઘોષિત સંપત્તિ) ઘટાડવામાં, કર અનુપાલન તથા ફોર્મલાઇઝેશન વધારવામાં તેમજ પારદર્શિતાને પ્રોત્સાહિત કરવામાં મદદ મળી છે.”

એ નિર્ણયનાં આજે સાત વર્ષ પછી દેશમાં રોકડિયા વ્યવહારનું રાજ ચાલી રહ્યું છે ત્યારે વિવાદાસ્પદ નોટબંધીની જરૂરિયાત બાબતે નવેસરથી શંકા સર્જાઈ છે.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, અર્થતંત્રમાં ચલણમાં રહેલી રોકડમાં 2020-21માં 16.6 ટકાથી વધુનો વધારો થયો છે, જેનો આગલા દાયકામાં વાર્ષિક વૃદ્ધિદર 12.7 ટકા હતો. જીડીપીમાં ચલણમાંની રોકડનો હિસ્સો 2020-21માં 14 ટકાથી વધુની ટોચે પહોંચ્યો હતો અને 2021-22માં તે ઘટીને 13 ટકા થયો હતો.

તેની સાથે સ્માર્ટ ફોન અને ડેબિટ કાર્ડના વધતા ઉપયોગ તેમજ કલ્યાણ યોજનાઓ લાભ વ્યાપક ડિલિવરીને ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ પણ વધી રહ્યાં છે.

ડિજિટલ લેણદેણ 1 ટ્રિલિયન ડૉલરને પાર

આ વધારાનું વડપણ યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) કરી રહ્યું છે. યુપીઆઈ એક પ્લૅટફૉર્મ છે, જે ફિનટેક ઍપ્સ દ્વારા એકદમ આસાન અને ત્વરિત એકાઉન્ટ-ટુ-એકાઉન્ટ નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે.

યુપીઆઈ દ્વારા થતાં વ્યવહારોનું પ્રમાણ ગયા વર્ષે એક ટ્રિલિયન ડૉલરના આંકને વટાવી ગયું હતું, જે ભારતની જીડીપીના ત્રીજા ભાગ જેટલું છે. એસીઆઈ વર્લ્ડવાઇડ અને ગ્લોબલ ડેટા 2023 મુજબ, 89 મિલિયન ટ્રાન્ઝેક્શન્સ સાથે વૈશ્વિક ડિજિટલ પેમેન્ટમાં ભારતનો હિસ્સો 46 ટકા છે.

કૅશ અને ડિજિટલ પેમેન્ટ્સ બન્નેમાં એક સાથે થયેલી વૃદ્ધિને કરન્સી ડિમાન્ડ પેરાડોક્સ તરીકે ઓળખવામાં આવે છે. રિઝર્વ બૅન્કના તાજેતરના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે, “રોકડ અને ડિજિટલ પેમેન્ટ એકમેકના પૂરક હોય તે અપેક્ષિત છે, પરંતુ બન્નેમાં એકસાથે વધારો વિરોધાભાસી લાગે છે.”

કૅશ મશીન એટલે કે એટીએમમાંથી ઉપાડ ઓછો થયો છે અને રોકડનો વેગ (કૅશ વેલોસિટી) ધીમો પડ્યો છે. અર્થતંત્રમાં ગ્રાહકો અને બિઝનેસિસ જે દરે નાણાંનો વિનિમય કરે છે તેને કૅશ વેલોસિટી કહેવામાં આવે છે.

જોકે, મોટા ભાગના ભારતીયો માટે રોકડ મૂલ્યવાન “સાવચેતીભરી” નાણાકીય બચત છે. પરિવારો કટોકટીના સમય માટે રોકડનો સંગ્રહ કરે છે.

રિઝર્વ બૅન્કના જણાવ્યા અનુસાર, 31 માર્ચ સુધી ચલણમાં રહેલી બૅન્ક નોટ્સના કુલ મૂલ્યનો 87 ટકાથી વધુ હિસ્સો, રૂ. 500 અને રૂ. 2000 જેવી મોટા મૂલ્યની ચલણી નોટોનો છે. (2016ની નોટબંધી પછી મે મહિનામાં રૂ. 2000ના મૂલ્યની બૅન્કનોટ રજૂ કરવામાં આવી હતી)

કોવિડ રોગચાળા પહેલાંના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે નાની ખરીદીમાં રોકડ, જ્યારે મોટી ખરીદીમાં ડિજિટલ માધ્યમોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મની એક કૉમ્યુનિટી લોકલ સર્કલ્સના તાજેતરના સર્વેક્ષણના તારણ અનુસાર, સર્વેક્ષણ હેઠળ આવરી લેવાયેલા લોકો પૈકીના મોટા ભાગના કરિયાણાની ખરીદી, રેસ્ટોરાંમાં ભોજન, ટેકઆઉટ્સ, વ્યક્તિગત સેવાઓ અને ઘરના સમારકામ માટે રોકડેથી ચુકવણી કરી હતી.

રોકડ વ્યવહાર કેમ વધી રહ્યો છે?

રિઝર્વ બૅન્કના અભ્યાસપત્ર મુજબ, બૅન્ક ડિપૉઝિટ પરના વ્યાજના ઘટતા દર, મોટી અનૌપચારિક તથા ગ્રામીણ અર્થવ્યવસ્થા અને રોગચાળા દરમિયાન ડિરેક્ટ બેનિફિટ કૅશ ટ્રાન્સફર્સને લીધે રોકડિયા વ્યવહાર વ્યાપક બન્યો હોય તે શક્ય છે. એ પછી રાજકારણ અને રિયલ એસ્ટેટ આવે છે.

ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોની તિજોરીમાં બિનહિસાબી રોકડ ઠલવાતી રહે છે.

તાજેતરમાં વિરોધ પક્ષના એક નેતાના ઘરમાંથી આવકવેરાના અધિકારીઓને 200 કરોડથી વધુ રકમ મળી આવી હતી.

દેખીતી રીતે ગેરકાયદે રોકડ બહાર કાઢવા અને રાજકીય ભંડોળને વધુ પારદર્શક બનાવવા માટે નરેન્દ્ર મોદી સરકારે 2018માં ઇલેક્શન બૉન્ડ બહાર પાડ્યાં હતાં. ટીકાકારો માને છે કે આ બૉન્ડે તેના મૂળ હેતુ કરતાં વિરોધાભાસી કામ કર્યું છે અને તે ગુપ્તતાના આવરણ હેઠળ ઢંકાયેલાં છે.

“કાળાં નાણાંનો” મોટા ભાગનો હિસ્સો રિયલ એસ્ટેટમાં જ રહ્યો છે. લોકલ સર્કલ્સના નવેમ્બરના સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે સર્વેક્ષણ હેઠળ આવરી લેવાયેલા લોકો પૈકીના 76 ટકાએ છેલ્લા સાત વર્ષમાં રિયલ એસ્ટેટની ખરીદી માટે રોકડનો ઉપયોગ કર્યો હતો.

એ પૈકીના 15 ટકાએ અરધાથી વધુ રકમ રોકડમાં ચૂકવી હતી. માત્ર 24 ટકાએ જણાવ્યું હતું કે તેમણે રોકડેથી ચુકવણી કરી નથી. બે વર્ષ પહેલાં આ પ્રમાણ 30 ટકા હતું.

દેવેશ કપૂર અને મિલન વૈષ્ણવ દ્વારા કરવામાં આવેલા અભ્યાસના તારણ મુજબ, રિયલ એસ્ટેટમાં રોકડ વ્યવહારને, ચૂંટાયેલા રાજકારણીઓના ડેવલપર્સને સમર્થન તથા તરફેણ સાથે ગાઢ સંબંધ છે.

ખાતરીપૂર્વક કહીએ તો ડિજિટલ કરન્સી અને ભૌતિક રોકડ બન્નેમાં સહવર્તી વૃદ્ધિની બાબતમાં ભારત અપવાદ નથી.

યુરોપિયન સૅન્ટ્રલ બૅન્કે તેના 2021ના અહેવાલમાં પેરાડોક્સ ઑફ બૅન્કનોટ્સ તરીકે ઓળખાતી ઘટનાની વાત કરતાં નોંધ્યું હતું, “તાજેતરનાં વર્ષોમાં યુરો બૅન્કનોટ્સની માગ સતત વધી છે, જ્યારે છૂટક વ્યવહારો માટે બૅન્કનોટ્સનો ઉપયોગ ઘટ્યો હોય તેવું લાગે છે.”

રિટેલ પેમેન્ટમાં ચાલી રહેલા ડિજિટાઇઝેશનને કારણે ઘટાડો અપેક્ષિત હોવા છતાં રોકડની માગમાં ઘટાડો થયો નથી, એવું આ અહેવાલમાં નોંધવામાં આવ્યું છે.

વાસ્તવમાં યુરો બૅન્કનોટ્સની સંખ્યા 2007થી સતત વધી રહી છે. તેમાં વિશ્વનો સૌથી વધુ કૅશલૅસ દેશ સ્વિડન નોંધપાત્ર અપવાદ છે.

આપણા ભારતમાં મોટા ભાગના ભારતીયો માટે રોકડ તેમના રોજિંદા જીવનનો આધાર બની રહેશે.

દિલ્હીના એક ઑટો-રિક્ષાચાલક અતુલ શર્માએ કહ્યું હતું, “મારા મોટા ભાગના પેસેન્જર હજુ પણ રોકડેથી જ ભાડું ચૂકવે છે. રોકડિયો વ્યવહાર ક્યારેય ખતમ નહીં થાય.”