You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'નોટો ગણતાં-ગણતાં મશીનો બગડી ગયાં', જેમની પાસે 285 કરોડની કૅશ મળી એ ધીરજ સાહૂનું સામ્રાજ્ય કેટલું મોટું છે?
- લેેખક, સંદીપ સાહુ
- પદ, બીબીસી માટે, ભુવનેશ્વરથી
ઓડિશાના બલાંગીર શહેરના સૂદપાડામાં સ્થિત દેશી દારૂના કારખાનામાં છેલ્લા બુધવારે પડેલા દરોડામાં મળેલી રોકડ રકમની ગણતરી પાંચ દિવસ ચાલી.
રવિવારે રાત્રે કરોડો રૂપિયાની રોકડ રકમની ગણતરી સમાપ્ત થયા બાદ અંતિમ આંકડા પ્રમાણે આ દરોડામાં કુલ 285 કરોડ રૂપિયા મળ્યા છે.
એ સિવાય ટિટલાગઢની બે બૅન્કોનાં લૉકરોમાંથી મોટા પ્રમાણમાં સોનાનાં ઘરેણાં પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ લૉકર દારૂના વેપારી સંજય સાહૂના છે.
સ્ટેટ બૅન્કના ક્ષેત્રીય પ્રબંધક ભગત બેહરાએ આ જાણકારી આપી છે.
આવકવેરા વિભાગ દ્વારા બલાંગીર જિલ્લાના જ ટિટલાગઢ અને સંબલપુર શહેરમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 11 કરોડ અને 37.50 કરોડ રૂપિયાની રોકડ રકમ મળી હતી.
આ રીતે ઓડિશાનાં અલગ-અલગ ઠેકાણે એકસાથે પાડવામાં આવેલા દરોડામાં અત્યાર સુધીમાં 333.50 કરોડ રૂપિયા જપ્ત થયા છે.
ઓડિશાના ઇતિહાસમાં તો આવકવેરા વિભાગની છાપેમારીમાં મળેલી આ સૌથી મોટી રકમ તો છે જ પરંતુ તેને આખા દેશમાં આવકવેરા વિભાગે પાડેલા દરોડામાં પણ સૌથી મોટી રકમ માનવામાં આવે છે.
નોટો ગણતાં-ગણતાં બગડી ગયાં મશીનો
આ તમામ રકમ સૂદપાડા ભટ્ઠો અને તેની બાજુમાં જ આવેલા મૅનેજર બંટી સાહૂના મકાનમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન મળી આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચલણી નોટોને 176 ગૂણોમાં ભરવામાં આવી હતી. 100, 200 અને 500 રૂપિયાની નોટો સ્વરૂપે આ રકમ હતી. તેમાં અનેક જૂની નોટો અને ધૂળથી ભરેલી નોટો પણ હતી.
એટલે જ સ્ટેટ બૅન્કના 50થી વધુ કર્મચારીઓને 25 કાઉન્ટિંગ મશીનોની મદદથી દિવસ-રાત ગણતરી કરવા છતાં તેમાં પાંચ દિવસ લાગી ગયા.
નોટોની ગણતરી કરવા માટે રાખવામાં આવેલા કર્મચારીઓએ જણાવ્યું કે જૂની નોટોને કારણે ઘણીવાર મશીનો બગડી ગયાં અને અનેક બંડલોની હાથેથી ગણતરી કરવી પડી.
નોટો પર ધૂળના થર જામ્યા હતા જેના કારણે કર્મચારીઓ ગણતરી દરમિયાન માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.
દરોડામાં મળી આવેલી રોકડની ગણતરી ભલે પૂરી થઈ ગઈ હોય પરંતુ દરોડા મંગળવારે પણ ચાલતા હતા.
પૂછપરછ દરમિયાન સૂદપાડા ભઠ્ઠાના સંચાલક બંટી અને અન્ય એક કર્મચારી પાસેથી મળેલી માહિતીના આધારે મંગળવારે પણ અન્ય અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે ઓડિશાની સાથે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ આવકવેરા વિભાગ દ્વારા ઘણાં સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે બંગાળ અને ઝારખંડમાં દરોડામાં કેટલી રકમ મળી આવી છે. આ તમામ છાપેમારી ઝારખંડથી રાજ્યસભાના સભ્ય ધીરજકુમાર સાહૂ અને તેમના પરિવાર સાથે સંકળાયેલી કંપનીઓ અને વિવિધ સ્થળો પર પાડવામાં આવ્યા છે.
ત્રણ રાજ્યોમાં 30થી વધુ સ્થળોએ એક સાથે પાડવામાં આવેલા દરોડામાં આવકવેરા વિભાગના 100થી વધુ અધિકારીઓ સામેલ હતા.
સાહૂ પરિવાર અને દારૂનો વેપાર
દારૂની એક જ ભઠ્ઠીએથી આટલી મોટી રકમ જપ્ત થતાં ઓડિશાના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. પરંતુ રાજ્યમાં દેશી દારૂના વેપાર અને ધીરજ સાહૂના પરિવાર વચ્ચે બહુ જૂનો અને ગાઢ સંબંધ છે.
જાણકારોના કહેવા પ્રમાણે આ સંબંધ આઝાદી પહેલાં આજથી લગભગ 90 વર્ષ શરૂ થયો જ્યારે લોહદરગાના વેપારી રાય સાહબ બળદેવ સાહૂ (ધીરજ સાહૂના પિતા)ની મિત્રતા બલાંગીર રાજ્યના તત્કાલીન રાજા સાથે થઈ.
રાજાએ તેમને પોતાના રાજ્યમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ખોલવાની અનુમતિ આપી. રાજવી પરિવારના શરણમાં સાહૂ પરિવાર એક પછી એક દારૂની ભઠ્ઠીઓ ખોલતો ગયો અને તેમનો કારોબાર ફેલાતો ગયો.
હવે એવી સ્થિતિ છે કે જિલ્લાના 62માંથી 46 ભઠ્ઠીઓ આ પરિવાર પાસે છે. આઝાદી પછી પણ આ ક્રમ અટક્યો નહીં. સાહૂ પરિવારનું સામ્રાજ્ય બલાંગીરથી નીકળીને પશ્ચિમી ઓડિશાના અન્ય વિસ્તારો સુધી પણ ફેલાઈ ગયું.
કાલાહાંડી, નુઆપાડા, સંબલપુર, સુંદરગઢ જેવા અન્યા જિલ્લાઓમાં પણ દેશી દારૂના વેપારનો એક મોટો હિસ્સો ધીમે-ધીમે સાહૂ પરિવારના નિયંત્રણમાં આવી ગયો.
આગળ જતાં ‘બલદેવ સાહૂ ઍન્ડ સન્સે’ દેશી દારૂની સાથે વિદેશી દારૂના ધંધામાં પણ પોતાની ઓળખ બનાવવાનું શરૂ કર્યું.
આ માટે એક સહાયક કંપની 'બૌધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ' (બીડીપીએલ) ની સ્થાપના કરવામાં આવી હતી.
રાજ્યના ઇંગ્લિશ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કંપની રાજ્યના 18 ભારતીય બનાવટના વિદેશી દારૂ ( ઇન્ડિયન મેડ ફૉરેન લિકર-આઈએમએફએલ)ના બૉટલિંગ પ્લાન્ટને દારૂ બનાવવા માટે જરૂરી 80 ટકા સ્પિરિટનો સપ્લાય કરે છે.
માત્ર ઓડિશામાં જ નહીં, બંગાળ અને ઝારખંડ સહિત પૂર્વ ભારતમાં મોટાભાગના બૉટલિંગ પ્લાન્ટ પણ સ્પિરિટ માટે બીડીપીએલ પર આધાર રાખે છે.
સ્પિરિટ સપ્લાય કરવા ઉપરાંત, બીડીપીએલ 'ઍક્સ્ટ્રા ન્યૂટ્રલ આલ્કૉહોલ' અથવા ઇએનએ પણ બનાવે છે, જેનો ઉપયોગ વ્હિસ્કી, વોડકા અને જિન જેવા વિદેશી દારૂ તેમજ પેઇન્ટ, શાહી અને સૌંદર્ય પ્રસાધનો બનાવવામાં થાય છે.
સાહૂ પરિવારના સભ્યો દ્વારા અન્ય બે કંપનીઓ પણ ચલાવવામાં આવે છે. આમાંથી એક 'કિશોર પ્રસાદ વિજય પ્રસાદ બૅવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ' છે જે આઈએમએફએલની ઘણી બ્રાન્ડ્સનું વેચાણ અને વિતરણ કરે છે અને બીજી 'ક્વૉલિટી બૉટલર્સ પ્રાઇવેટ લિમિટેડ' છે જે ઇંગ્લિશ દારૂની બૉટલિંગ કરે છે.
ક્યાંથી આવ્યા આટલા પૈસા?
બીડીપીએલ સાથે જોડાયેલી એક વ્યક્તિએ દાવો કર્યો છે કે આ તમામ પૈસા માત્ર દારૂના વ્યવસાય સાથે જોડાયેલા છે.
વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "મહુડાના ફૂલોનો ઉપયોગ દેશી દારૂ બનાવવામાં થાય છે. અને જે આદિવાસીઓ જંગલમાંથી મહુડો એકત્રિત કરે છે તેમને ડિજિટલ પેમેન્ટ વિશે ખબર નથી."
"તેથી, તેમને રોકડમાં જ ચૂકવણી કરવામાં આવે છે. તેવી જ રીતે, વ્યક્તિ જે 60 રૂપિયા ચૂકવીને બૉટલ ખરીદે છે તે પણ માત્ર રોકડમાં ચૂકવે છે."
આ વ્યક્તિના કહ્યા અનુસાર, એ કહેવું ખોટું છે કે જપ્ત કરાયેલી રકમ દારૂના વ્યવસાય સાથે જોડાયેલી નથી.
તે દાવો કરે છે કે આ ધંધો કાચા પૈસાનો છે અને તેમાં મોટી રકમ મળે તે આશ્ચર્યજનક નથી.
તેઓ કહે છે, "2019માં પણ સાહૂ પરિવાર પર દરોડા પાડવામાં આવ્યા હતા અને લગભગ 35 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. પરંતુ બાદમાં, આ રોકડના સ્ત્રોત અને તેના વપરાશની સંપૂર્ણ તપાસ કર્યા પછી, આવકવેરા વિભાગે પૈસા પરત કર્યા હતા."
પરંતુ સાહૂ પરિવાર આટલું મોટું દારૂનું સામ્રાજ્ય ચલાવી રહ્યો હોવા છતાં કોઈ માનવા તૈયાર નથી કે વસૂલેલી તમામ રોકડ દારૂના ધંધાની આવકમાંથી છે.
બલાંગીરમાં દેશી દારૂના ધંધાની નજીકથી દેખરેખ રાખનાર એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે બીબીસીને કહ્યું, "દેશી દારૂ પીનાર વ્યક્તિ પાસે માત્ર રૂ. 100 અથવા રૂ. 200ની નોટો હોય. પરંતુ અહીં, જપ્ત કરાયેલી રકમનો એક મોટો હિસ્સો 500 રૂપિયાની નોટોના રૂપમાં મળી આવ્યો છે. દેખીતી રીતે આ કાળું નાણું હતું જેનો ઉપયોગ કદાચ આગામી ચૂંટણીમાં થવાનો હતો."
તેમણે દાવો કર્યો હતો કે, "સાહૂ બ્રધર્સ કંપની માત્ર તમામ પક્ષો અને સ્થાનિક અધિકારીઓના પ્રતિનિધિઓને જ દાન આપતી નથી, પરંતુ અહીં થતી પૂજાઓ, રમતગમત અથવા અન્ય સામૂહિક કાર્યક્રમોમાં પણ ખુલ્લેઆમ નાણાં ખર્ચતી રહી છે."
"આ જ કારણ છે કે બધું જાણવા છતાં આજ સુધી આ વિશે કોઈએ મોઢું ખોલ્યું નથી. તમે તેને કંપનીની 'સીએસઆર પૉલિસી' કહી શકો છો."
લોહરદગા અને રાંચીથી પ્રાપ્ત માહિતી અનુસાર, સાહૂ પરિવાર ત્યાં પણ સામૂહિક આયોજનો માટે ઘણા પૈસા ખર્ચે છે અને જરૂરિયાતમંદ લોકોની મદદ પણ કરે છે.
ભાજપે ઈડી અને સીબીઆઈ તપાસની માગ કરી
ઝારખંડ ભાજપના પ્રવક્તા પ્રતુલ શાહ દેવ દાવો કરે છે કે જપ્ત કરવામાં આવેલ રોકડ રકમ કાળું નાણું છે.
તેમણે બીબીસીને રાંચીથી ફોન પર કહ્યું, "તેમની કંપનીની બૅલેન્સ શીટ મુજબ, તેના સમગ્ર બિઝનેસનું વાર્ષિક ટર્નઓવર રૂ. 120 કરોડ છે. તો પછી તેમની પાસેથી આટલી મોટી રકમ કેવી રીતે મળી આવી?"
ધીરજ સાહૂના મોટા ભાઈ ગોપાલ ઘણાં વર્ષોથી ઝારખંડ કૉંગ્રેસના કોષાધ્યક્ષ છે. પરંતુ અમને લાગે છે કે ધીરજ સમગ્ર કૉંગ્રેસ પક્ષના બિનસત્તાવાર ખજાનચી પણ છે અને જપ્ત કરાયેલી રકમ કૉંગ્રેસના કાળા નાણાંનો એક નાનકડો ભાગ છે. એટલા માટે અમે માગ કરીએ છીએ કે આ સમગ્ર મામલાની ઈડી અને સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ. આ મની ટ્રેલ કૉંગ્રેસ હાઈકમાન્ડ સુધી પહોંચે છે કે કેમ તે શોધવું જોઈએ."
જ્યારે કૉંગ્રેસનું કહેવું છે કે ધીરજ સાહૂના વેપાર સાથે તેનો કોઈ સંબંધ નથી.
પાર્ટીના પ્રવક્તા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર કહ્યું, "માત્ર તેઓ જ કહી શકે છે અને તેમણે જ સ્પષ્ટ પણ કરવું જોઈએ. તેમણે એ પણ સમજાવવું જોઈએ કે આવકવેરા અધિકારીઓ દ્વારા કથિત રીતે તેમનાં સ્થાનો પરથી આટલી મોટી રકમ કેવી રીતે જપ્ત કરવામાં આવી છે."
દરોડામાં જંગી રોકડ રકમની રિકવરી બાદ ભાજપ આક્રમક હોય તેમ લાગી રહ્યું છે ત્યારે કૉંગ્રેસ બચાવ મુદ્રામાં લાગી રહી છે કારણ કે સાહૂ પરિવાર સાથે પાર્ટીનો સંબંધ ઘણો જૂનો છે.
સાહૂ પરિવાર અને કૉંગ્રેસનો સંબંધ
દારૂના ધંધામાં ઍન્ટ્રી કરનાર પરિવારમાં પહેલી વ્યક્તિ રાયસાહબ બળદેવ સાહૂ કૉંગ્રેસના કટ્ટર સમર્થક હતા.
દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ અને વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સહિત કૉંગ્રેસના ઘણા અગ્રણી નેતાઓએ સાહૂ પરિવારનું આતિથ્ય મેળવ્યું છે.
લોહરદગાના જૂના રહેવાસીઓ કહે છે કે 1958માં જ્યારે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ત્યાં આવ્યા ત્યારે તેમને બલદેવ સાહૂની કારમાં લઈ જવામાં આવ્યા હતા, જે સમગ્ર વિસ્તારમાં એકમાત્ર કાર હતી.
એ જ રીતે, 1984માં તેમના મૃત્યુના થોડા મહિનાઓ પહેલાં જ્યારે ઈન્દિરા ગાંધી મેસરા, રાંચીમાં આયોજિત ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસમાં ભાગ લેવાં આવ્યાં હતાં, ત્યારે તેઓ શહેરના રેડિયમ રોડ પર સ્થિત સાહૂ બ્રધર્સના વૈભવી બંગલા સુશીલા નિકેતનમાં રોકાયાં હતાં.
ધીરજના મોટાભાઈ દિવંગત શિવ પ્રસાદ સાહૂ કૉંગ્રેસના પ્રભાવશાળી નેતા અને રાંચીના બે વખતના સાંસદ હતા.
છ ભાઈઓમાં સૌથી નાના ધીરજ હાલમાં ત્રીજી વખત રાજ્યસભાના સભ્ય છે.
નોંધનીય છે કે વર્ષ 2018માં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરતી વખતે તેમણે સોગંદનામામાં કહ્યું હતું કે તેમની કુલ સંપત્તિ 34.83 કરોડ રૂપિયા છે.
આમાં જંગમ મિલકતનો હિસ્સો રૂ. 2.04 કરોડ છે.
ઍફિડેવિટમાં તેમણે માત્ર 27 લાખ રૂપિયા જ "કૅશ ઇન હૅન્ડ" તરીકે દર્શાવ્યા હતા.
તેથી, તેમના દ્વારા સંચાલિત કંપનીઓના પરિસરમાંથી સેંકડો કરોડની રોકડની વસૂલાત ઘણા પ્રશ્નો ઊભા કરી રહી છે. આ સવાલોના જવાબો તપાસ એજન્સીઓની તપાસ પૂર્ણ થયા બાદ જ મળશે.