You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખાતામાં દોઢ હજાર રૂપિયા અને નોકરી પણ નહીં, ચૂંટણી હારીને પણ લોકોનાં દિલ જીતનાર બરેલક્કા કોણ છે?
તેલંગણાનાં ચૂંટણીપરિણામ ચર્ચામાં રહ્યાં કારણ કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે બાજી મારી પણ તેલંગણા એકમાત્ર રાજ્ય છે જ્યાં કૉંગ્રેસને સફળતા મળી છે. બીઆરએસના હાથમાંથી સત્તા ગઈ તો મુખ્ય મંત્રી કેસીઆર પણ ચૂંટણી હારી ગયા, એટલુંજ નહીં કૉંગ્રેસના મુખ્ય મંત્રી પદના દાવેદાર મનાતા રેવંત રેડ્ડી પણ ચૂંટણી હારી ગયા.
તેલંગણામાં આ હાઈપ્રોફાઇલ ઉમેદવારો ઉપરાંત એક બેરોજગાર યુવાન મહિલા ઉમેદવાર પણ ચૂંટણી હારી ગયાં છે પરંતુ તેમણે સૌના દિલ જીતી લીધાં છે.
બરેલક્કા નામનાં એક બેરોજગાર મહિલા ઉમેદવાર તેલંગણાની ચૂંટણીમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયાં છે.
તેમણે કોલ્હાપુરથી અપક્ષ ચૂંટણી લડી હતી અને તેમને સોશિયલ મીડિયા પર ભારે સમર્થન મળ્યું હતું. સોશિયલ મીડિયા પર ઘણા લોકોની ઇચ્છા હતી કે તેઓ ચૂંટણી જીતે.
પણ શું બરેલક્કા જેવાં સામાન્ય મહિલા આજના સમયમાં ચૂંટણી જીતી શકે? રાજકારણમાં મોટાં રાજકીય પક્ષો અને વગદાર નેતાઓનો દબદબો હોય ત્યાં શું બરેલક્કા જેવાં ઉમેદવાર ચૂંટણી જીતી શકે? વળી, બરેલક્કાને તો બે છેડાં ભેગા કરવામાં પણ ફાંફાં પડી રહ્યાં હતાં. તેમ છતાં બરેલક્કાએ સોશિયલ મીડિયા પર લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ, અંતે તેઓ ચૂંટણી હારી ગયાં.
શા માટે બરેલક્કાની ઉમેદવારી આટલી ચર્ચિત બની ગઈ? કઈ રીતે તેઓ ચૂંટણી લડ્યા? તેમની હાર શું સૂચવે છે? જ્યાં માત્ર બીઆરએસ અને કૉંગ્રેસ ઊમેદવારોનો દબદબો હોય છે ત્યાં તેમનું નામ કેમ ગૂંજતું હતું?
તિરસ્કૃત લોકોનો અવાજ બન્યાં બરેલક્કા
બરેલક્કા આ ચૂંટણી જંગને હાલના રાજકારણથી કંટાળેલા લોકોનું પ્રતીક માને છે. તેમણે સરકારથી છેતરાયેલા બેરોજગાર લોકોનો અવાજ બનીને ઉમેદવારી કરી હતી.
'બેરોજગાર યુવાનોને આપેલાં વચનોને પૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડનાર સરકાર' સામે તેમણે વિરોધપ્રદર્શન કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ સામાન્ય લોકોમાંથી આવતાં એક સાધારણ પરિસ્થિતિ ધરાવતાં મહિલા હતા. તેમની પાસે પોતાનું ઘર નથી અને પૈસા પણ ન હતા. વધુમાં તેમણે અપક્ષ ઉમેદવારી કરી હતી. એ સિવાય તેમની પાસે નોકરી પણ ન હતી. તેઓ એક એવાં બેરોજગાર મહિલા હતાં જે હવે સરકારી પરીક્ષાઓ આપીને થાક્યાં હતાં.
બરેલક્કાએ તેમનો એક સેલ્ફી વીડિયો લીધો અને તેને યુટ્યૂબ પર અપલોડ કર્યો.
આ વીડિયો યુટ્યૂબ પર વાઇરલ થઈ ગયો અને તેમના મૂળ નામ કર્ણે શિરીષાને બદલે તેમનું નામ બરેલક્કા વધુ પ્રચલિત થઈ ગયું.
એ સમયે પોલીસે તેમની સામે સરકાર વિરોધી વીડિયો હોવાને કારણે કેસ પણ દાખલ કર્યો. કેસ દાખલ થયા બાદ કેટલાય લોકોએ બરેલક્કાનું સમર્થન કર્યું. અન્ય એક વીડિયોમાં તેઓ પોલીસે તેમની સામે કેસ દાખલ કર્યો હોવાનું બોલતાં બોલતાં રડી પડે છે.
સોશિયલ મીડિયામાં બરેલક્કાનું ઘણું સમર્થન મળ્યું. તેના કારણે વિશાળ તેલુગુ સમુદાય તેમના સમર્થનમાં જોવા મળ્યો.
હકીકતમાં તો તેમને કોલ્હાપુર કરતાં બીજા વિસ્તારોમાં સમર્થન મળી રહ્યું હતું અને તે વાત મતગણતરીમાં પણ જોવા મળી.
કૉંગ્રેસના જુપલ્લી ક્રિષ્ના રાવ અને બીઆરએસના બીરમ હર્ષવર્ધન રેડ્ડી જેવા ઉમેદવારો સામે ભલે તેઓ ચૂંટણી જીતી ન શક્યાં પરંતુ તેઓ ‘સમાજની સભાનતાના પ્રતીક’ તરીકે પોતાને આ ચૂંટણીમાં પ્રસ્થાપિત કરી શક્યાં. તેમના સમર્થકોને એ વાતનો ગર્વ છે કે એક સામાન્ય માણસ પણ ખોટું થાય તો સરકારને સવાલ પૂછી શકે છે.
સોશિયલ મીડિયા અને જમીની હકીકતનું અંતર
બરેલક્કાને સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ પર બહોળા પ્રમાણમાં ફોલોઅર્સ છે. તેઓ સોશિયલ મીડિયાને કારણે જ વધુ પ્રચલિત બન્યાં છે.
તેમના યુટ્યૂબ પર દોઢ લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે અને ઇન્સ્ટાગ્રામ પર 6 લાખ ફૉલોઅર્સ છે. ફેસબુક પર તેમના એક લાખ ફૉલોઅર્સ છે.
તેમને આશા હતી કે સોશિયલ મીડિયા પર તેમને મળેલું આ સમર્થન તેમને ચૂંટણીમાં પણ મળશે. પરંતુ, એવું ન બન્યું. તેમને હકીકતમાં કોલ્હાપુરમાં એટલું જમીની સમર્થન ન મળ્યું. તેના કારણે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેમની મજાક પણ ઊડાવી રહ્યા છે.
પરંતુ બરેલક્કાની ઉમેદવારીએ એ તમામ લોકોને નવી આશા આપી છે જેઓ રાજકારણમાં વિકલ્પ શોધી રહ્યા છે. લોકશાહીની ભાવના બચાવવાના ઇરાદાથી ઘણા લોકો તેમનું સમર્થન કરી રહ્યા હતા.
‘હું લોકસભાની ચૂંટણી પણ લડીશ’
તેમની હાર અંગે વાત કરતા બરેલક્કા કહે છે, ‘મને મળેલો દરેક મત અમૂલ્ય છે. મેં કોઈને એક રૂપિયો પણ આપ્યો નથી. લોકોએ મને તેમની ઇચ્છાથી, ઇમાનદારીથી મત આપ્યો છે. હું તેમનો આભાર માનું છું.’
તેઓ કાંચા ઇલ્લૈયાહ અને જેડી લક્ષ્મીનારાયણ જેવા લોકોનો પણ આભાર માને છે જેમણે તેમના વતી પ્રચાર કર્યો.
‘મને 6 હજાર મત મળ્યા છે. આ છ હજાર લોકોને મેં એકપણ રૂપિયો આપ્યો નથી. તેમણે ઇમાનદારીથી મને મત આપ્યો છે. હું લોકોના મુદ્દાઓ ઉઠાવતી રહીશ. હું આવનારી લોકસભાની ચૂંટણી પણ લડીશ.’
કોલ્હાપુરમાં કૉંગ્રેસ ઉમેદવાર જુપલ્લી કૃષ્ણરાવ 30 હજારથી વધુ મતે જીત્યા છે.