રેચેપ તૈય્યપ અર્દોઆન : ક્યારેક લીંબુપાણી વેચનારા નેતા જે હવે તુર્કીના સૌથી શક્તિશાળી વ્યક્તિ બની ગયા

    • લેેખક, પૉલ કિર્બી
    • પદ, બીબીસી સંવાદદાતા

રેચેપ તૈય્યપ અર્દોઆને તુર્કીના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે.

હજુ સુધી ચૂંટણીનાં પરિણામો સંપૂર્ણ રીતે જાહેર થયાં નથી, પરંતુ તેમને 52.16 ટકાથી વધુ મત મળ્યા છે. તેમના પ્રતિસ્પર્ધી કમાલ કલચદારલુને 47.84 ટકા મત મળ્યા હતા.

અર્દોઆન ફરી પાંચ વર્ષ સુધી આ પદ પર રહેશે, ત્યારે તેમના સમર્થકો જોરશોરથી ઉજવણી કરી રહ્યા છે.

જીત બાદ અંકારામાં તેમના ભવ્ય મહેલની બહાર ઉજવણી કરી રહેલા સમર્થકોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, "આ સાડા આઠ કરોડની વસતી ધરાવતા સમગ્ર દેશની જીત છે."

જોકે નિષ્ણાતોને અર્દોઆનના દેશની એકતાના શબ્દો ખોખલા લાગી રહ્યા છે, કારણકે તેમણે તેમના પ્રતિસ્પર્ધી કમાલ કલચદારલુની મજાક ઉડાવી છે.

સાથે કલચદારલુએ આ ચૂંટણીઓને ‘તાજેતરનાં વર્ષોમાં દેશની સૌથી વધુ રસાકસીભરી ચૂંટણી’ ગણાવી છે.

તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ અર્દોઆનની પાર્ટીએ ચૂંટણી જીતવા માટે તેમની વિરુદ્ધ સંપૂર્ણ સરકારી તંત્રનો ઉપયોગ કર્યો છે.

જોકે ચૂંટણીના પરિણામ પરથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે દેશની અંદાજે અડધી વસતીએ રાષ્ટ્રપતિ અર્દોઆનના સરમુખત્યારશાહી શાસન વિરુદ્ધ મતદાન કર્યું છે.

ચૂંટણીના પ્રથમ તબક્કામાં રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆન 49.5 ટકા મતો સાથે તેમના પ્રતિસ્પર્ધી કમાલ કલચદારલુ કરતાં આગળ હતા. જીત માટે 50 ટકાથી વધુ મતની જરૂર હતી.

અર્દોઆનનું વ્યક્તિત્વ

રેચેપ તૈય્યપ અર્દોઆન ખૂબ જ સાધારણ પૃષ્ઠભૂમિમાંથી તુર્કીના રાજકારણની સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે ઊભરી આવ્યા છે.

તેઓ છેલ્લાં 20 વર્ષથી તુર્કીનું નેતૃત્વ કરી રહ્યા છે. આધુનિક તુર્કીમાં કમાલ અતાતુર્ક બાદ કોઈ નેતાએ દેશને આકાર આપ્યો હોય, તો તે આર્દોઆન છે.

અનેક કટોકટીનો સામનો કરવા છતાં તેમણે ફરી એકવાર 2023ની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે. જોકે લગભગ અડધા લોકોએ તેમને મત આપ્યો નથી.

તેમના ટીકાકારોએ તેમના પર બિનપરંપરાગત આર્થિક નીતિઓ અપનાવીને લોકોના રોજિંદા જીવનને મુશ્કેલ બનાવવાનો આરોપ મૂક્યો છે.

અર્દોઆને તુર્કીના આધુનિકીકરણ અને વિકાસનો ઔતિહાસિક રેકૉર્ડ બનાવ્યો છે,પરંતુ તે ફેબ્રુઆરીમાં આવેલા ભૂકંપને કારણે થયેલા નુકસાનનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યો છે.

વિપક્ષે તેમના પર શક્તિશાળી ભૂકંપગ્રસ્ત દેશને આપત્તિ માટે તૈયાર કરવામાં નિષ્ફળ રહેવાનો અને અર્થવ્યવસ્થાને ખોટી રીતે ચલાવવાનો આરોપ મૂક્યો હતો.

સત્તાની સીડી

રેચેપ તૈય્યપ અર્દોઆનનો જન્મ ફેબ્રુઆરી 1954માં થયો હતો. તેમના પિતા તુર્કી કોસ્ટગાર્ડમાં હતા.

જ્યારે અર્દોઆન 13 વર્ષના હતા, ત્યારે તેમના પિતાએ તેમનાં પાંચેય બાળકોના સારા ઉછેર માટે ઇસ્તંબૂલમાં સ્થાયી થવાનું નક્કી કર્યું હતું.

યુવા અર્દોઆન થોડા પૈસા કમાવવા માટે લીંબુંપાણી અને એક પ્રકારની બ્રેડ (સીમીટ) વેચતા હતા.

ઇસ્તંબુલની મરમરા વિશ્વવિદ્યાલયમાંથી મૅનેજમૅન્ટની ડિગ્રી મેળવતા પહેલાં તેમણે એક ઇસ્લામિક શાળામાં અભ્યાસ કર્યો હતો.

તેમની ડિપ્લોમા ડિગ્રી ઘણી વાર વિવાદોમાં રહી છે. વિપક્ષનો દાવો છે કે આર્દોઆને વિશ્વવિદ્યાલયમાંથી સંપૂર્ણ ડિગ્રી લીધી નથી, પરંતુ તેમની ડિગ્રી કૉલેજ ડિપ્લોમાની સમકક્ષ છે. આર્દોઆને હંમેશાં આ આરોપોને નકારી કાઢ્યા છે.

અર્દોઆન જ્યારે યુવા હતા, ત્યારે તેમણે ફૂટબૉલમાં રસ કેળવ્યો હતો અને તેમણે 1980 સુધી સેમિ-પ્રૉફેશનલ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

જોકે તેમને રાજકારણમાં રસ હતો.

તેઓ 1970 અને 80ના દાયકામાં ઇસ્લામાવાદી વર્તુળોમાં સક્રિય હતા. આ સમય દરમિયાન તેઓ નેમેટિન એરબાકનની ઇસ્લામાવાદી સમર્થક વેલફેર પાર્ટીમાં સામેલ થયા હતા.

1994માં અર્દોઆને ઇસ્તંબુલના મેયર પદથી ચૂંટણી લડી અને જીત હાંસલ કરી હતી. ત્યારબાદ તેઓ આગામી ચાર વર્ષ સુધી ઇસ્તંબુલના મેયર રહ્યા હતા.

રાજકારણમાં શરૂઆત

લશ્કરી બળવા પહેલાં માત્ર એક વર્ષ માટે 1997માં તુર્કીના તત્કાલીન વડા પ્રધાન નેમેટિન એરબાકને સત્તા સંભાળી હતી.

એ જ વર્ષે અર્દોઆનને જાહેરમાં રાષ્ટ્રવાદી કવિતાનું પઠન કરવા બદલ વંશીય તિરસ્કાર ઉશ્કેરવા માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા.

કવિતાની પંક્તિઓ હતી, "મસ્જિદ આપણી બેરેક છે, ગુંબજ આપણો હેલમેટ છે, મીનારો આપણો ભાલો છે અને ધર્મમાં આસ્થા રાખનારા આપણા સૈનિક છે."

જેલમાં ચાર મહિના વિતાવ્યા પછી તેઓ રાજકારણમાં પાછા ફર્યા હતા.

પરંતુ 1998માં આધુનિક તુર્કીના બિનસાંપ્રદાયિક સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવા બદલ તેમની પાર્ટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ઑગસ્ટ 2001માં તેમણે સહયોગી અબ્દુલ્લા ગુલ સાથે મળીને એક નવી પાર્ટી જસ્ટિસ ઍન્ડ ડેવલપમેન્ટ પાર્ટી (એકેપી)ની સ્થાપના કરી હતી, જેની વિચારધારા ઇસ્લામિક તરફી હતી.

અર્દોઆનની લોકપ્રિયતા વધી રહી હતી. ખાસ કરીને બે પ્રકારના જૂથો સામે અર્દોઆનનું કદ વધી રહ્યું હતું.

એક વર્ગ જે દેશના બિનસાંપ્રદાયિક ઉચ્ચ વર્ગ દ્વારા હાંસિયામાં ધકેલાઈ ગયો હતો અને બીજો જે 1990ના દાયકાના અંતમાં આર્થિક મંદીનો ભોગ બન્યો હતો.

2002માં એકેપીએ સંસદીય ચૂંટણીમાં બહુમત હાંસલ કર્યો હતો અને આર્દોઆનને પછીના વર્ષે વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ આજ સુધી પાર્ટીના અધ્યક્ષ છે.

સત્તાનો પ્રથમ દાયકો

2003થી તેઓ ત્રણ વખત વડા પ્રધાન બન્યા અને તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. તેમના કાર્યકાળ દરમિયાન સતત આર્થિક વિકાસ થયો હતો, જેના માટે ‘સુધારક’ તરીકે તેમની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા કરવામાં આવી હતી.

અર્દોઆનના કાર્યકાળ દરમિયાન જ તુર્કીમાં મધ્યમવર્ગનો વિકાસ થયો હતો અને લાખો લોકો ગરીબીમાંથી બહાર આવ્યા હતા.

આવું થવા પાછળનું કારણ આર્દોઆને તુર્કીના આધુનિકીકરણ માટે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને પ્રાધાન્ય આપ્યું હતું.

સત્તામાં તેમના શરૂઆતનાં વર્ષો દરમિયાન અર્દોઆન તુર્કીના કુર્દિશ લઘુમતી મતદારોને પણ જીતવામાં સફળ રહ્યા હતા.

જોકે 2013 સુધીમાં અર્દોઆનના ટીકાકારોએ ચેતવણી આપવાનું શરૂ કર્યું હતું કે તેઓ વધુને વધુ નિરંકુશ બની રહ્યા છે.

2013ના ઉનાળામાં ઇસ્તંબુના મધ્યમાં આવેલા મશહૂર ગીઝી પાર્કના કાયાપલટનો વિરોધ કરવા પ્રદર્શનકારી રસ્તા પર આવ્યા હતા.

આ વિરોધ સરકારને પડકારવા માટે એક પાર્ક કરતાં વધુ હતો.

ત્યારબાદ ગીઝી પાર્કમાંથી પ્રદર્શનકારીઓને બળજબરીથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમના પર ભારે પોલીસબળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ અર્દોઆનના શાસનમાં એક મહત્ત્વપૂર્ણ વળાંક હતો. તેમના ટીકાકારો માટે તેઓ સરમુખત્યાર જેવું વર્તન કરતા હતા.

મહિલાઓ અંગે અર્દોઆનના વિચારો અને કાર્યો

અર્દોઆનની પાર્ટીએ યુનિવર્સિટી અને જાહેર સેવાઓમાં મહિલાઓના હિજાબ પહેરવા પરનો પ્રતિબંધ હઠાવી લીધો હતો.

આ પ્રતિબંધો 1980માં લશ્કરી બળવા પછી લાગુ કરવામાં આવ્યા હતા. અંતે પોલીસ અને સેનામાં સામેલ મહિલાઓ પર આ પ્રતિબંધ પણ હઠાવી લેવામાં આવ્યો હતો.

પોતે ધાર્મિક હોવા છતાં આર્દોઆને દેશના હિતમાં ઇસ્લામિક મૂલ્યો લાદવાનો ઇનકાર કર્યો હતો.

જોકે તેમણે વારંવાર કહ્યું હતું કે સમાજમાં મહિલાઓની પ્રાથમિક ભૂમિકા "પરંપરાગત ભૂમિકાઓ પૂર્ણ કરવી" હોવી જોઈએ અને એક મહિલાએ "આદર્શ માતા અને આદર્શ પત્ની" બનવું જોઈએ.

તેમણે નારીવાદીઓની નિંદા કરી હતી અને કહ્યું હતું કે પુરુષો અને મહિલાઓ સાથે સમાન વ્યવહાર કરવામાં આવતો નથી.

અર્દોઆન લાંબા સમયથી વૈચારિક રીતે ઇસ્લામતરફી અભિયાનો અને ઇજિપ્તમાં મુસ્લિમ બ્રધરહુડ જેવાં રાજકીય રીતે સક્રિય ઇસ્લામિક સંગઠનોની નજીક રહ્યા છે.

કેટલાક પ્રસંગોએ તેઓ મુસ્લિમ બ્રધરહુડની ખાસ ચાર આંગળીઓવાળી સલામ કરતા જોવા મળ્યા હતા, જેને રબ્બા કહેવામાં આવે છે.

જુલાઈ 2020માં આર્દોઆનની દેખરેખ હેઠળ ઇસ્તંબુલના ઐતિહાસિક હાગિયા સોફિયાને એક મસ્જિદમાં રૂપાંતરિત કરવામાં આવી હતી, જેનાથી ઘણા ખ્રિસ્તી અને બિનસાંપ્રદાયિક મુસ્લિમ નારાજ થયા હતા.

હાગિયા સોફિયાનું નિર્માણ 1500 વર્ષ પહેલાં થયું હતું. પરંતુ કમાલ અતાતુર્કે તેને નવા બિનસાંપ્રદાયિક દેશના પ્રતીક તરીકે સંગ્રહાલયમાં ફેરવી દીધું હતું.

સત્તા પર મજબૂત પકડ

અર્દોઆન 2014માં વડા પ્રધાન પદ માટે ફરીથી ચૂંટણી લડી શક્યા નહીં, કારણ કે તેમના ત્રણ કાર્યકાળનો સમય પૂર્ણ થઈ ગયો હતો. ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સામેલ થયા હતા.

તેમણે નવા બંધારણમાં રાષ્ટ્રપતિના કાર્યકાળમાં સુધારો કરવાની યોજના બનાવી હતી. ટીકાકારોનું માનવું હતું કે નવા બંધારણમાં દેશના બિનસાંપ્રદાયિક પાયા માટે પડકાર ઊભો કરશે.

જોકે તેમના રાષ્ટ્રપતિ પદની શરૂઆતમાં જ તેમણે બે પડકારનો સામનો કરવો પડ્યો હતો.

તેમની પાર્ટીએ 2015માં કેટલાક મહિનાઓ સુધી સંસદમાં તેમની બહુમતી ગુમાવી દીધી હતી અને ફરી 15 જુલાઈ 2016ના રોજ તુર્કીએ દાયકાઓ બાદ પ્રથમ વખત બળવાનો પ્રયાસ કર્યો હતો.

લગભગ 300 નાગરિકો માર્યા ગયા હતા, કારણ કે તેમણે બળવાના કાવતરાખોરોને આગળ વધતા અટકાવ્યા હતા.

યુએસ સ્થિત ઇસ્લામિક વિદ્વાન ફતુલ્લાહ ગુલેનની આગેવાની હેઠળના 'ગુલેન આંદોલન' પર આ કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

તેમના સામાજિક અને સાંસ્કૃતિક આંદોલને અર્દોઆનને સતત ત્રણ ચૂંટણીઓ જીતવામાં મદદ કરી હતી, પરંતુ જ્યારે બંને સાથી પક્ષો અલગ થઈ ગયા, ત્યારે તેની તુર્કીના સમાજ પર નાટકીય અસર પડી હતી.

2016ના બળવાના પ્રયાસ બાદ લગભગ 1,50,000 સરકારી કર્મચારીઓને બરખાસ્ત કરવામાં આવ્યા હતા અને 50,000થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં સૈનિકો, પત્રકારો, વકીલો, પોલીસ અધિકારીઓ, શિક્ષણવિદો અને કુર્દિશ રાજકારણીઓ સામેલ હતા.

ટીકાકારો પરની આ પ્રકારની કાર્યવાહીએ વિદેશોમાં ચિંતા પેદા કરી હતી. જેના કારણે યુરોપીય સંઘ સાથે તુર્કીના સંબંધ ઠંડા પડી ગયા હતા.

આ કારણે જ તુર્કીના યુરોપીય યુનિયનમાં સામેલ થવાની વાતો ઘણા વર્ષો સુધી આગળ વધી શકી ન હતી.

આ દરમિયાન ગ્રીસમાં તુર્કીથી સ્થળાંતર કરનારાઓના મામલાએ પરિસ્થિતિમાં વધુ ખટાશ પેદા કરી છે.

તેમણે 2017નો લોકમત જીત્યો હતો, જેમાં તેમને કટોકટીની સ્થિતિ લાદવાની અને ટોચના અધિકારીઓની નિમણૂક કરવાની સત્તા તેમજ કાનૂની પ્રક્રિયામાં દખલ કરવાનો અધિકાર સહિતની વ્યાપક (રાષ્ટ્રપતિ) સત્તાઓ આપવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય રાજકારણમાં યોગદાન

રાજકારણમાં તેમના નેતૃત્વ દરમિયાન અર્દોઆન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિ બની ગયા છે.

તેમણે તુર્કીની તાકાતને પ્રાદેશિક શક્તિના રૂપમાં વધારો કર્યો અને તેમની શક્તિશાળી કૂટનીતિએ યુરોપ અને તેનાથી આગળના સાથીદારોને બેચેન કરી દીધા હતા.

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે અર્દોઆનના સારા સંબંધ છે અને તેમણે યુક્રેનમાં રશિયાના યુદ્ધમાં એક મધ્યસ્થીના તરીકે પોતાને સ્થાન આપ્યું છે.

તેમણે કાળા સમુદ્ર દ્વારા અનાજના નિકાસ માટે સલામત કોરિડોર ખોલવાના સોદામાં મધ્યસ્થી કરવામાં મદદ કરી અને જ્યારે રશિયા આ સોદામાંથી બહાર નીકળ્યું ત્યારે આર્દોઆને તુર્કીને નુકસાનથી બચાવ્યું હતું.