અગાલેગા: હિંદ મહાસાગરમાં ભારતનું નવું જાસૂસી મથક?

અગાલેગા ટાપુ, મોરેશિયસ, હિંદ મહાસાગર, લશ્કરી મથક, દરિયાઈ સુરક્ષા, ભારતીય નેવી, ભારત, જાસૂસી મથક, ચીન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Billy Henri

ઇમેજ કૅપ્શન, અગાલેગાનો એક બીચ, તાડનાં વૃક્ષો, સફેદ માટી અને સ્વચ્છ વાદળી આકાશનો નજારો
    • લેેખક, જેકબ ઇવાન્સ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

આર્નોલ્ડ પૉલે હિંદ મહાસાગરમાં આવેલા નાનકડા ટાપુ અગાલેગાને છોડીને ક્યારેય જવા માંગતા ન હતા. પરંતુ આ વર્ષે તેમણે પોતાની બૅગ પૅક કરી અને ભગ્ન હૃદયે જતા રહેવું પડ્યું. તેઓ કહે છે કે અગાલેગાનું લશ્કરીકરણ થવાના કારણે તેમણે આ ટાપુ છોડવો પડ્યો.

હજુ હમણાં સુધી અગાલેગા ટાપુ પર માત્ર 350 લોકો રહેતા હતા, જેઓ માછીમારી કરતા અને નારિયેળની ખેતી કરતા હતા.

મોરેશિયસની રાજધાનીથી દક્ષિણમાં 1,100 કિમી દૂર આવેલા ટાપુ પર વહાણ દ્વારા વર્ષમાં ચાર વખત ખોરાક અને અન્ય પૂરવઠો પહોંચાડવામાં આવતો હતો. તબીબી ઇમર્જન્સી સિવાય નાની હવાઇપટ્ટીનો ભાગ્યે જ કોઈ ઉપયોગ થતો હતો.

પરંતુ 2015માં મોરેશિયસે સમુદ્રી સુરક્ષામાં સહયોગ વધારવા ભારત સાથે એક કરાર કર્યો. તેના કારણે ભારત અહીં 3,000 મીટરનો વિશાળ રન-વે અને એક મોટી નવી જેટી બાંધી શકશે.

જોકે, આ ટાપુ પર વસતા કેટલાક લોકોને ભય છે કે અહીં એક મોટું સૈન્યમથક સ્થપાઈ જશે.

ટાપુ પર સૈન્યમથકની સંભાવના

અગાલેગા ટાપુ, મોરેશિયસ, હિંદ મહાસાગર, લશ્કરી મથક, દરિયાઈ સુરક્ષા, ભારતીય નેવી, ભારત, જાસૂસી મથક, ચીન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Arnaud Poulay

ઇમેજ કૅપ્શન, આર્નોલ્ડ પૉલે અહીં થઈ રહેલા બાંધકામનો ખુલીને વિરોધ કરી રહ્યા છે

44 વર્ષના આર્નોલ્ડ પૉલે નાનું મોટું કામ કરી લે છે અને સંગીતકાર છે. તેમણે આ પ્રોજેક્ટ સામે ઝુંબેશ ચલાવી હતી.

તેઓ કહે છે, "હું મારા ટાપુને પ્રેમ કરું છું અને મારો ટાપુ મને પ્રેમ કરે છે. પરંતુ સૈન્યમથક બનાવવાની વાત આવી, ત્યારે મને સમજાયું કે મારે આ છોડવું પડશે."

હિંદ મહાસાગરમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલા અગાલેગા ટાપુ ભારત માટે સમુદ્રી ટ્રાફિક પર નજર રાખવાની એક આદર્શ જગ્યા છે. 2019માં સેટેલાઇટથી લેવાયેલી તસવીરો અને ત્યાર પછી આ વર્ષે જૂનમાં લેવાયેલી તસવીરોની સરખામણી પરથી જોઈ શકાય છે કે અહીં ઘણું બદલાઈ ગયું છે.

પામના ઝાડનો વિસ્તાર સાફ કરીને ત્યાં રન-વે માટે જગ્યા બનાવાઈ છે. આ રન-વે એટલો લાંબો છે કે ઉત્તરમાં લા ફોર્ચે અને દક્ષિણમાં વિન્ટ સિન્ક ગામ સુધી ફેલાયેલો છે.

અગાલેગા ટાપુ, મોરેશિયસ, હિંદ મહાસાગર, લશ્કરી મથક, દરિયાઈ સુરક્ષા, ભારતીય નેવી, ભારત, જાસૂસી મથક, ચીન, બીબીસી ગુજરાતી

અહીં 60 મીટર લાંબી બે બિલ્ડિંગો એક ટર્મેક નજીક જોઈ શકાય છે. ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટીના પીએચડી સ્કોલર સેમ્યુઅલ બેશફિલ્ડ મુજબ તેમાંથી એક બિલ્ડિંગ કદાચ હૅન્ગર હોઈ શકે જ્યાં ભારતીય નેવીનાં પી-8એલ વિમાનોને રાખવામાં આવશે.

પી-8એલ એ મોડિફાઈ કરાયેલું બોઇંગ 737 વિમાન છે જે સબમરીનોને શોધીને તેના પર હુમલો કરી શકે છે. તથા સમુદ્રી સંદેશાવ્યવહાર પર નજર રાખી શકે છે. ટાપુના રહેવાસીઓએ હવાઈપટ્ટી પર ઊભેલા વિમાનના ફોટા પણ પાડ્યા છે.

ઉત્તર-પશ્ચિમમાં નવી જેટી તૈયાર થઈ રહી છે. બેશફિલ્ડના કહેવા પ્રમાણે ભારતનાં પેટ્રોલિંગ જહાજો તથા અગાલેગા ટાપુ પર માલસામાનનો પૂરવઠો લાવતા જહાજ તેનો ઉપયોગ કરી શકે છે.

તેઓ કહે છે કે નવી સેટેલાઈટ તસવીરો ઉપલબ્ધ થશે ત્યારે આપણે હિંદ મહાસાગરના કૉમ્યુનિકેશનમાં અગાલેગાની ભૂમિકા વધુ સારી રીતે સમજી શકીશું.

ટાપુ પર વસતા લોકો ચિંતિત

અગાલેગા ટાપુ, મોરેશિયસ, હિંદ મહાસાગર, લશ્કરી મથક, દરિયાઈ સુરક્ષા, ભારતીય નેવી, ભારત, જાસૂસી મથક, ચીન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, L'association les Amis d'Agalega

ઇમેજ કૅપ્શન, અગાલેગાના નવા બનેલા રન-વે પર ભારતીય નેવીનું પી-8આઈ ઍરક્રાફ્ટ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રેટેજિક સ્ટડીઝ આ ફૅસિલિટીને સર્વેલન્સ સ્ટેશન તરીકે ગણાવે છે. તેનું કહેવું છે કે અહીં કિનારાવર્તી રડાર સર્વેલન્સ સિસ્ટમ ગોઠવવામાં આવી હોય તેવી શક્યતા છે. મોરેશિયસમાં બીજી જગ્યાએ પણ આવાં ભારતીય ઉપકરણો ગોઠવાયેલાં છે.

ભારત સરકારે બીબીસીને અગાલેગા વિશેના પ્રશ્નોનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો અને પોતાની વેબસાઈટ પર અગાઉનાં નિવેદનો જોઈ જવાં કહ્યું હતું.

તેમાંથી એક નિવેદનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત અને મોરેશિયસ સમુદ્રી સુરક્ષામાં "કુદરતી ભાગીદારો" છે, જે હિંદ મહાસાગરમાં પરંપરાગત અને બિન-પરંપરાગત પડકારોનો સામનો કરી રહ્યા છે.

બંને દેશો વચ્ચે સંરક્ષણના મામલે 1970ના દાયકાથી ગાઢ સંબંધો છે. મોરેશિયસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, તેના કોસ્ટ ગાર્ડ વડા અને પોલીસ હેલિકૉપ્ટર સ્ક્વોડ્રનના વડા, તમામ ભારતીય નાગરિકો છે અને અનુક્રમે ભારતની બાહ્ય ઇન્ટેલિજન્સ એજન્સી, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાના અધિકારીઓ છે.

કિંગ્સ કૉલેજ લંડન ખાતે ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર હર્ષ પંત જણાવે છે કે, બંને પક્ષો ઇચ્છશે કે આ ફૅસિલિટીને "કોઈપણ સૈન્ય ઉપયોગ કરતાં ક્ષમતા નિર્માણ" તરીકે જોવામાં આવે.

જો કે, હિંદ મહાસાગરમાં ભારત પોતાના પડોશી દેશ ચીનની વધતી હાજરીથી ચિંતિત છે તે હકીકત જાણીતી છે.

મોટા દેશો નાના સાથી દેશોના વિસ્તારમાં સૈન્યમથકો નાખે તે કોઈ નવી વાત નથી. પરંતુ અગાલેગામાં થતાં બાંધકામોથી ટાપુના કેટલાક રહેવાસીઓ પરેશાન છે.

રહેવાસીઓનું કહેવું છે કે ઘણા વિસ્તારોને કૉર્ડન કરી લેવાયા છે અને કોઈને ત્યાં જવા નથી દેવાતા. તેમાં પામનાં વૃક્ષો ધરાવતા સફેદ રેતીના બીચ પણ સામેલ છે. એવી અટકળો પણ ચાલે છે કે લા ફોર્ચે આખું ગામ ભારતીય બાંધકામમાં ઘેરાઈ જશે અને ત્યાં વસતા 10 પરિવારોને ત્યાંથી કાઢી મૂકાશે. ગામની આસપાસ બાંધકામ થઈ પણ ગયું છે.

મોરેશિયસ સરકારનું શું કહેવું છે?

ઍસોસિયેશન ઑફ ફ્રેન્ડ્સ ઑફ અગાલેગાના પ્રમુખ લવાલ સૂપરામનિયેને જણાવ્યું કે "પછી તે માત્ર ભારતીયો માટેનો સંપૂર્ણ નિયંત્રિત વિસ્તાર બની જશે."

તેમને બીક છે કે, “અગાલેગાની કહાણી પણ ચાગોસ ટાપુઓ જેવી થઈ જશે." આવી જ ચિંતા 26 વર્ષના યુવાન બિલી હેન્રીએ પણ વ્યક્ત કરી હતી જેમના પિતા અગાલેગાના વતની છે અને તેમની નાતાને ચાગોસ ટાપુઓ પરથી કાઢી મૂકવામાં આવ્યા હતા."

તેઓ કહે છે, "મારી માતાએ પોતાનો ટાપુ ગુમાવ્યો હતો. હવે મારા પિતાનો વારો છે."

અગાલેગાના ઘણા રહેવાસીઓને અહીંથી 2000 કિમી દૂર આવેલા ચાગોસ ટાપુઓ પરથી યુકેની સરકાર દ્વારા હાંકી કાઢવામાં આવ્યા હતા. ચાગોસ ટાપુઓને યુકે સરકારે 1965માં બ્રિટિશ પ્રદેશ ગણાવ્યો હતો અને ત્યાંના સૌથી મોટા ટાપુ ડિયેગો ગાર્સિયા પર એક કૉમ્યુનિકેશનમથક બનાવવા માટે અમેરિકાને મંજૂરી આપી હતી. ધીમે-ધીમે તે સંપૂર્ણપણે સૈન્યમથકમાં ફેરવાઈ ગયું હતું.

બિલી હેન્રીને બીક છે કે સરકાર એવી ખરાબ સ્થિતિ પેદા કરશે કે લોકો જાતે ત્યાંથી જતા રહે. અગાલેગાની તમામ જમીન સરકારની માલિકી છે અને સરકાર જ બધાને રોજગારી આપે છે.

તે કહે છે કે અહીં ઘણી સમસ્યાઓ છે જેમાં આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓ, સ્થાનિક અર્થતંત્રમાં મર્યાદિત રોકાણ, રોજગારીની તકનો અભાવ તથા સ્થાનિક લોકોને પોતાનો કામધંધો શરૂ કરવાની પણ મનાઈ છે.

મોરેશિયસ સરકારના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે કોઈ વ્યક્તિને ટાપુ છોડવાની ફરજ પાડવામાં નહીં આવે. તેમણે કહ્યું કે સ્થાનિક લોકોને માત્ર ઍરપૉર્ટ અને બંદરના વિસ્તારમાં પ્રવેશતા અટકાવાય છે. આ સુવિધાઓ જરૂરી છે કારણ કે તેનાથી ચાંચિયાઓને નિયંત્રિત કરી શકાશે, ડ્રગ ટ્રાફિકિંગ અને બેફામ માછીમારીને રોકવામાં મદદ મળશે.

અગાલેગામાં ભારત શું કરી રહ્યું છે?

અગાલેગા ટાપુ, મોરેશિયસ, હિંદ મહાસાગર, લશ્કરી મથક, દરિયાઈ સુરક્ષા, ભારતીય નેવી, ભારત, જાસૂસી મથક, ચીન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Yohan Henri

અગાલેગા પર સૈન્યમથક છે તેવી વાતને પણ મોરેશિયસે નકારી કાઢી હતી. તેણે કહ્યું કે હજુ બધો વિસ્તાર નૅશનલ પોલીસના નિયંત્રણમાં છે. જોકે, તેમણે સ્વીકાર્યું કે નવી સુવિધાઓના “મેન્ટેનન્સ અને કામગીરી”માં ભારત મદદ કરી રહ્યું છે અને ભારતના જ ખર્ચે તેનું નિર્માણ થયું છે.

મોરેશિયસ અને ભારત સરકારે જણાવ્યું કે સમુદ્રી અને હવાઈ પરિવહન એવી રીતે તૈયાર કરાયું છે જેથી ટાપુના રહેવાસીઓને ફાયદો થાય અને તેઓ ગરીબીમાંથી બહાર નીકળી શકે. પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે આવું કંઈ નથી થયું. હજુ પણ મોરેશિયસના મુખ્ય ટાપુ પરથી દર વર્ષે માત્ર ચાર જહાજ માલ લઈને આવે છે અને કોઈ પૅસેન્જર ફ્લાઇટ પણ શરૂ નથી થઈ.

અગાલેગાના નિવાસીઓ કહે છે કે તેમને ભારતે બનાવેલી નવી હૉસ્પિટલમાં જવા નથી દેવાતા. જ્યારે મોરેશિયસ સરકારની પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું કે ત્યાં ઑપરેશન થિયેટર, ઍક્સ-રે મશીન અને ડેન્ટિસ્ટ્રીનાં સાધનો છે.

બિલી હેન્રી કહે છે કે ઑક્ટોબરમાં એક છોકરો ગરમ તેલ ઉડવાથી દાઝી ગયો હતો અને ઉત્તરના ટાપુએ હેલ્થ સેન્ટરે જવા માટે તેને વધુ મદદની જરૂર હતી. પરંતુ તેને પ્રવેશ અપાયો ન હતો.

અગાલેગા ટાપુ, મોરેશિયસ, હિંદ મહાસાગર, લશ્કરી મથક, દરિયાઈ સુરક્ષા, ભારતીય નેવી, ભારત, જાસૂસી મથક, ચીન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, MAXAR

ઇમેજ કૅપ્શન, અગાલેગાની ઉત્તરના ભાગમાં ઘણું બાંધકામ થયેલું દેખાય છે, સેટેલાઇટ તસવીરો જેટીનું કદ સ્પષ્ટ દર્શાવે છે

તે કહે છે, "તે માત્ર ભારતીયો માટે છે. !"

દાઝી ગયેલા છોકરા અને તેનાં માતાપિતાને વિમાનથી મોરેશિયસના મુખ્ય ટાપુ પર જવું પડ્યું હતું. લાવાલ સૂપરામણિયન કહે છે કે છોકરો હજુ પણ ત્યાં હૉસ્પિટલમાં દાખલ છે અને તેના પરિવારે હમણાં ત્યાં જ રહેવું પડશે. મોરેશિયસથી અગાલેગાની બોટ આવે ત્યારે જ તેઓ આવી શકશે.

આ છોકરાની તકલીફ વિશે પૂછવામાં આવ્યું ત્યારે મોરેશિયસ સરકારે કોઈ જવાબ આપ્યો ન હતો. ભારત સરકારે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

મોરેશિયસની સંસદમાં તાજેતરમાં વડાપ્રધાન પ્રવિંદ જુગનાથે જણાવ્યું કે તેમની સરકારના એજન્ડામાં અગાલેગાનો સામાજિક-આર્થિક વિકાસ ખાસ મહત્ત્વ ધરાવે છે.

તેમણે કહ્યું હતું કે, ટાપુના રહેવાસીઓ માટે આરોગ્ય અને શિક્ષણ, ટ્રાન્સપૉર્ટ સુવિધા અને મનોરંજનની સગવડો સુધારવા, તથા ફિશિંગ સેક્ટરના વિકાસ અને નારિયેળની આડ પેદાશોનો ઉપયોગ કરવા માટે એક 'માસ્ટર પ્લાન' ઘડવામાં આવ્યો છે.

પરંતુ ભારત કે મોરેશિયસ, બંનેમાંથી કોઈએ 2015ના સમજૂતિપત્રને જાહેર નથી કર્યો, તેથી તેમની ભવિષ્યની યોજનાઓ વિશે કોઈ જાણકારી નથી. તેથી લોકોમાં અવિશ્વાસ વધ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.