પીએમ મોદી યુક્રેનમાં: રશિયા અને યુક્રેન વચ્ચે સંતુલન સાધી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઝુબેર અહમદ
- પદ, વરિષ્ઠ પત્રકાર, લંડનથી
ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેનની રાજધાની કીએવની મુલાકાતના થોડા દિવસો પહેલાં મંગળવારે રાત્રે સમગ્ર કીએવમાં સાયરન વાગે છે. શહેર થંભી જાય છે.
સલામતી સંબંધી તકેદારી અત્યંત ચુસ્ત હોવા છતાં શિક્ષણવિદ્ અને ઇન્ડોલૉજિસ્ટ ડૉ. ઓલેના બોર્ડીલોવ્સ્કા તેમની ઑફિસે જવાની હિંમત કરે છે, કારણ કે તેમણે મીડિયાના અનેક પ્રતિનિધિઓને મળવાનું છે.
તેઓ કહે છે, “હું ફરિયાદ કરતી નથી, પરંતુ અમે લોકોને એ જણાવવા ઇચ્છીએ છીએ કે અમે ખૂબ થાકી ગયા છીએ.” આ અહીંનો નિત્યક્રમ છે.
ડૉ. ઓલેનાનું જીવન થંભી ગયું છે. મૉસ્કોના પ્રોફેસર અનિલ જનવિજયથી તદ્દન વિપરીત છે. ડૉ. અનિલ જયવિજય 1982થી મૉસ્કોમાં રહે છે. મૂળ ઉત્તર ભારતના ડૉ. અનિલ જયવિજય મૉસ્કો યુનિવર્સિટીમાં હિન્દીના પ્રાધ્યાપક છે. તેઓ ભારપૂર્વક જણાવે છે કે મૉસ્કોમાં જનજીવન સંપૂર્ણપણે નૉર્મલ છે.
પ્રોફેસર જનવિજયે તેમની ઑફિસના આરામદાયક વાતાવરણમાં કહ્યું, “યુદ્ધની કોઈ અસર નથી અને અમારા જીવન પર પશ્ચિમના પ્રતિબંધોની કોઈ અસર નથી, સિવાય કે અમુક આયાતી શાકભાજીના ભાવ વધી ગયા છે.”
પ્રોફેસર જનવિજયનાં નિવેદનોને પશ્ચિમમાં ઘણા લોકો ફગાવી શકે છે. આ યુદ્ધના પડછાયામાં જીવતા બે શહેરોની કથા છે. એક એવું યુદ્ધ, જે ટૂંક સમયમાં સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાતા નથી. હકીકતમાં રશિયાના કુર્સ્ક પ્રદેશમાં યુક્રેનના સૈનિકો ઘૂસી ગયા તેનાથી યુક્રેનમાં ઘણા લોકો ઉત્સાહિત છે.
શિક્ષણવિદ્ અને રાજકીય વિશ્લેષક ઓલ્ગા ટોકારિયુકેએ એક સ્થાનિક અખબારમાં લખ્યું છે, “આ ઘટનાએ લોકોની માન્યતા પુનઃસ્થાપિત કરી છે કે યુક્રેન જીતી શકે છે તેમજ કીએવના રાજકીય અને લશ્કરી નેતૃત્વનો ભરોસો કરી શકે છે. એ ભરોસો હાલમાં યુદ્ધક્ષેત્રમાં ઓછી સફળતા મળવાને કારણે ઘટ્યો હતો.”
ઓલ્ગા ટોકારિયુક કહે છે, “યુક્રેનને વાટાઘાટમાં ઓછો રસ હતો અને રશિયા સશસ્ત્ર હુમલા માટે, તૈયારી કરવા માટે અને ફરી હુમલો કરવા માટે યુદ્ધવિરામનો ઉપયોગ નહીં કરે તેની ખાતરી ન હતી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પશ્ચાદભૂમાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી કીએવની મુલાકાતે પહોંચી રહ્યા છે. તેઓ કીએવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળવાના છે.
કીએવ જતાં પહેલાં નરેન્દ્ર મોદીએ પોલૅન્ડમાં ભારતીય મૂળના લોકો સાથે વાતચીત કરી હતી અને સપ્ટેમ્બર, 2022ના તેમના નિવેદનનો પુનરોચ્ચાર કર્યો હતો કે “આ યુદ્ધનો યુગ નથી.” તેમણે પ્રદેશમાં યુદ્ધના શાંતિપૂર્ણ નિરાકરણ માટે અભિયાન ચલાવવાનું વચન આપ્યું હતું.
યુક્રેનના કીએવમાં શું ચર્ચા થઈ રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારત પર નજર રાખતા ડૉ. ઓલેના બોર્ડીલોવસ્કાના કહેવા મુજબ, નરેન્દ્ર મોદીની કીએવ મુલાકાતને લઈને અહીં ઘણો ઉત્સાહ અને ધમધમાટ છે. 1991માં યુક્રેન આઝાદ થયું એ પછી કોઈ પણ ભારતીય વડા પ્રધાનની આ પ્રથમ મુલાકાત છે.
યુક્રેનનું મીડિયા પણ આ મુલાકાત પર ઝીણી નજર રાખી રહ્યું છે.
ડૉ. ઓલેના કીએવમાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રેટેજીક સ્ટડીઝમાં ન્યૂ ચેલેન્જીસ વિભાગનાં વડાં પણ છે. તેઓ જાણીતા ઇન્ડોલૉજિસ્ટ છે અને હિન્દી બોલે છે. તેઓ ભારતનો બહુ આદર કરે છે અને આશા રાખે છે કે નરેન્દ્ર મોદીની મુલાકાત શાંતિના પ્રયાસોની જ્યોત પ્રજ્વલિત કરી શકે છે.
આ મુલાકાતનું ઝીણવટભર્યું કવરેજ કરાઈ રહ્યું છે. તેમાં એવો અતિશયોક્તિપૂર્ણ દાવો પણ કરવામાં આવે છે કે નરેન્દ્ર મોદી શાંતિ-નિર્માતા કે મધ્યસ્થીની ભૂમિકા ભજવશે. 8-9 જુલાઈના રોજ મૉસ્કોની મુલાકાતના થોડા સમયમાં જ તેઓ કીએવની મુલાકાતે છે.
ડૉ. અનિલ જનવિજયના કહેવા મુજબ, મૉસ્કો ઉદાસીન દેખાય છે.
તેઓ કહે છે, “મૉસ્કો તરફથી કોઈ પ્રતિક્રિયા નથી. મીડિયા પણ તેની અવગણના કરી રહ્યું છે.”
જોકે, બન્ને દેશોમાં એક સામાન્ય બાબત યુદ્ધનો થાક છે.
ડૉ. બોર્ડીલોવસ્કાના કહેવા મુજબ, યુક્રેનના લોકો યુદ્ધથી કંટાળી ગયા છે. વિશ્વના મોટા ભાગના લોકો માટે રશિયાએ ફેબ્રુઆરી, 2022માં યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી યુદ્ધ શરૂ થયું હતું, પરંતુ યુક્રેનના લોકો માટે રશિયન આક્રમણ ફેબ્રુઆરી, 2014થી શરૂ થયું હતું, જ્યારે રશિયાએ ક્રિમીયન દ્વીપકલ્પ પર હુમલો કરીને તેને કબજે કર્યો હતો.
નરેન્દ્ર મોદીની મધ્યસ્થી બન્ને દેશોને સ્વીકાર્ય હશે?

ઇમેજ સ્રોત, Getty Images
મૉસ્કો અને કીએવ બન્નેમાં સમાન રીતે આવકાર્ય હોય તેવા વિશ્વમાં હાલ બહુ ઓછા નેતાઓ છે.
નાટોના સાથી હંગેરીના વડા પ્રધાન વિક્ટર ઓર્બને બન્ને દેશની રાજધાનીની મુલાકાત ગયા મહિને ‘શાંતિ-મિશન’ અંતર્ગત લીધી હતી, પરંતુ વિક્ટર ઓર્બન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી કરતાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વધુ સારો સંબંધ ધરાવતા હોવાનું યુરોપમાં માનવામાં આવે છે.
કેટલાક વિવેચકો કહે છે કે બંને દેશોમાં આવકાર્ય એવા જૂજ લોકોમાં પોતાની ગણતરી નરેન્દ્ર મોદી કદાચ કરી શકે.
ઘણા લોકો કહે છે કે આ મુલાકાતનો હેતુ, નરેન્દ્ર મોદીની રશિયા મુલાકાતની અગાઉની ટીકાને કારણે પશ્ચિમ સાથેના ભારતના સંબંધને સંતુલિત કરવાનો છે, પરંતુ ભારતીય અધિકારીઓ એ વાત સાથે સહમત નથી.
નરેન્દ્ર મોદી કીએવ મુલાકાત પહેલાં ભારતના વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) તન્મયલાલે એક પત્રકારપરિષદમાં કહ્યું હતું, “આ કોઈ શૂન્ય-ચોકડીની રમત નથી.”
તેમણે કહ્યું હતું, “વડા પ્રધાન રશિયા પણ ગયા હતા. ઘણા આઇડિયાની ચર્ચા કરવામાં આવી હતી. વડા પ્રધાન છેલ્લા એક વર્ષમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને પણ બબ્બે વખત મળ્યા છે અને હવે તેઓ યુક્રેનમાં ફરી મળવાના છે. તેથી હું કહેવા માગું છું કે આ સ્વતંત્ર અને વ્યાપક સંબંધ છે.”
ભારતીય મીડિયામાં પ્રકાશિત કેટલાક સમાચારોને ધ્યાનમાં લઈએ તો આ મુલાકાત શાંતિ યોજનાઓ માટે આગળનો માર્ગ મોકળો કરી શકે છે.
એક હેડલાઈનમાં કહેવામાં આવ્યું હતુઃ “વડા પ્રધાન મોદીની યુક્રેન મુલાકાત શાંતિ માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણ કેમ છે?”
બીજી હેડલાઈનમાં સવાલ હતોઃ “યુદ્ધ ખતમ કરવામાં ભારત ભૂમિકા ભજવી શકે છે?”
નરેન્દ્ર મોદીની કીએવ મુલાકાતથી યુક્રેન કે રશિયા શાંતિ સ્થાપનાની દિશામાં આગળ વધે તેવી શક્યતા પણ નથી તેમજ આ સદભાવના મુલાકાતથી વિશેષ કશું નહીં હોય તે રેખાંકિત કરતાં રાજકીય વિવેચકો સાવચેત રહેવાની વિનંતી કરે છે.
મૉસ્કોની 8-9 જુલાઈની મુલાકાત દરમિયાન ભારતીય વડા પ્રધાને આવી કોઈ શાંતિ દરખાસ્ત રજૂ કરી ન હતી. તેની પુષ્ટિ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રવક્તા ડી. પેસ્કોવ દ્વારા એ વખતે કરવામાં આવી હતી.
તેમણે કહ્યું હતું, “યુક્રેન સાથેના સંઘર્ષમાં શાંતિ માટે મધ્યસ્થીની કોઈ દરખાસ્ત ભારત તરફથી મૂકવામાં આવી નથી.”
ડૉ. ઓલેના બોર્ડીલોવસ્કા માને છે કે ભારતીય વડા પ્રધાન કોઈ શાંતિયોજના વિના તેમના દેશમાં આવી રહ્યા છે, પરંતુ તેઓ ધીરજ ધરવા તૈયાર છે.
તેમણે ઉમેર્યું હતું કે ભારતના કોઈ સર્વોચ્ચ નેતાએ યુક્રેનની મુલાકાત લીધી હોય તો તે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ હતા. 1991માં યુક્રેનની આઝાદી બાદ કોઈ પણ ભારતીય વડા પ્રધાનની આ પ્રથમ મુલાકાત છે.
તેઓ કહે છે કે આ મુલાકાતનો શોરબકોર શાંત થાય ત્યાં સુધી હું રાહ જોઈશ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતનો ઉદ્દેશ

ઇમેજ સ્રોત, Getty Images
સવાલ એ છે કે મૉસ્કોની મુલાકાતના માત્ર છ સપ્તાહ પછી નરેન્દ્ર મોદી કીએવ શા માટે પહોંચ્યા છે?
તેમની મૉસ્કો મુલાકાત વૉશિંગ્ટન ડીસીમાં યોજાયેલી નાટોની શિખર પરિષદ વેળાની હતી. રશિયન યુદ્ધવિમાનોએ કીએવમાં બાળકોની હૉસ્પિટલ પર હુમલો કર્યો ત્યારે તેઓ મૉસ્કોમાં હતા. તે હુમલામાં પાંચ બાળકો માર્યાં ગયાં હતાં.
પશ્ચિમના નેતાઓએ તે મુલાકાત બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. પશ્ચિમી મીડિયાએ એક બાજુ વિનાશના ભયાનક ફોટા અને તેની બાજુમાં પુતિનને ભેટી રહેલા નરેન્દ્ર મોદીના ફોટા પ્રકાશિત કરીને તેમને હીણ દેખાડ્યા હતા.
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ તેમની ઝાટકણી કાઢી હતી.
રશિયાના ઘાતક હુમલાઓનો ઉલ્લેખ કરતાં તેમણે ઍક્સ (અગાઉનું ટ્વિટર) પર લખ્યું હતું, “વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતા આવા દિવસે મોસ્કોમાં વિશ્વમાં લોહીથી સૌથી વધુ ખરડાયેલા ગુનેગારને ગળે લગાડતા જોવા તે એક મોટી નિરાશા અને શાંતિના પ્રયાસો માટે વિનાશક ફટકો છે.”
કેટલાક એવી દલીલ કરે છે કે નરેન્દ્ર મોદીએ સંતુલન સાધવા માટે યુક્રેનની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે, કેટલાક એવી દલીલ કરે છે કે નરેન્દ્ર મોદીએ સંતુલન સાધવા માટે યુક્રેનની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે, પરંતુ વિદેશ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે વિદેશનીતિની બાબતમાં ભારત વ્યૂહાત્મક સ્વાયત્તતાના સિદ્ધાંતો મુજબ કામ કરે છે.
લંડનસ્થિત થિંક ટેન્ક ચેથમ હાઉસના એશિયા-પેસિફિક પ્રોગામમાં દક્ષિણ એશિયાના સિનિયર રિસર્ચ ફેલો ડૉ. ક્ષિતિજ વાજપેયી કહે છે, “નરેન્દ્ર મોદી કોઈ ચોક્કસ શાંતિ દરખાસ્ત રજૂ કરશે કે કેમ તેની મને ખાતરી નથી, પરંતુ મૉસ્કો અને કીએવ વચ્ચે સંદેશા વ્યવહાર કરવા માટે ભારત કમસે કમ એક મધ્યસ્થી તરીકે કામ કરી શકે છે.”
વાજપેયીના કહેવા મુજબ, એકમેકની સામે લડી રહેલા બે પક્ષો વચ્ચે ભારત કમસે કમ સંદેશાવાહક તો બની જ શકે છે.
મૉસ્કો અને વૉશિંગ્ટન ડીસી બંને સાથેના નવી દિલ્હીના ગાઢ સંબંધને જોતાં “નવી દિલ્હી પશ્ચિમને રશિયા સાથે સાંકળવા એક બેક ચેનલ પ્રદાન કરી શકે છે,” એમ વાજપેયી કહે છે.
ડૉ. ઓલેના આ સંદર્ભમાં પૂર્ણ રીતે સહમત નથી.
તેઓ કહે છે, “હું ભારતની વિદેશનીતિ વિશે જાણું છું. ભારતને આ ક્ષેત્રમાં બહુ અનુભવ નથી. ભારતીયો માટે આ નવું છે, પરંતુ તેની ભૂમિકા સ્વીકાર્ય હશે, કારણ કે ભારત વૈશ્વિક મંચો પર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ગ્લોબલ સાઉથનો અવાજ હોવાને કારણે ભારતના દાવાઓનો અર્થ એ છે કે વિવિધ મંતવ્યો પર તે કોઈક રીતે અસર કરી શકે છે.”
જોકે, ડૉ. વાજપેયી અલગ મત ધરાવે છે.
તેઓ કહે છે, “ભારતે ભૂતકાળમાં શાંતિ-નિર્માતા તરીકેની ભૂમિકા ભજવી છે. તેણે કોરિયન યુદ્ધ અને ફ્રેન્ચ-ઇન્ડોચાઈના યુદ્ધ વખતે આવું કર્યું હતું. ભારત, તેની વિદેશનીતિમાં વ્યૂહાત્મક સ્વાયત્તતા માટેની તેની લાંબા સમયની પ્રતિબદ્ધતાને જોતાં આવી ભૂમિકા ભજવવા માટે સારી સ્થિતિમાં છે. એ સ્વાયત્તતાને નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ‘વિશ્વમિત્ર’ના વિચાર દ્વારા દૃઢ બનાવવામાં આવી છે.”
નરેન્દ્ર મોદી અને યુક્રેન

ઇમેજ સ્રોત, ANI
ડૉ. ઓલેનાના કહેવા મુજબ, નરેન્દ્ર મોદીની મૉસ્કો મુલાકાત અને પુતિન સાથેની તેમની નિકટતાને સમજાવવામાં તેમને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.
તેઓ કહે છે, “મારા દેશના લોકોને ભારતનું વલણ મારે ઘણી વાર સમજાવવું પડે છે, કારણ કે તેઓ મૉસ્કોની મુલાકાતથી ખરેખર નારાજ હતા.”
“ભારત તેના રશિયા સાથેના ખાસ સંબંધને કારણે, કદાચ સસ્તું ઑઇલ મળતું હોવાને કારણે રશિયા તરફી છે. તે પ્રતિબંધને નકારે છે. તેઓ માને છે કે ભારત યુક્રેન તરફી નથી અને મારે તેમને સમજાવવું પડે છે કે ભારત પહેલાં ભારત તરફી છે.”
ડૉ. ઓલેના માને છે કે ભારત યુક્રેનનો સાચો દોસ્ત છે, તે વાત યુક્રેનના લોકોને સમજાવવા માટે નરેન્દ્ર મોદીએ બહુ મહેનત કરવી પડશે.
મૉસ્કો યુનિવર્સિટીમાં હિન્દી શીખવવા ઉપરાંત અનિલ જનવિજય મીડિયાનું કામ પણ કરે છે. તેઓ સોવિયેત સંઘના વિઘટનના અને યુક્રેન સહિતના વિવિધ દેશોની સ્વતંત્રતાના સાક્ષી છે.
તેઓ માને છે કે રશિયનો ભારતના સાચા મિત્રો છે અને ભારત પ્રત્યે તેમને ઘણો સદભાવ છે, પરંતુ ભારતની શાંતિ-નિર્માતા બનવાની સંભાવનાને તેઓ ‘પ્રભાવક્ષમ’ ભારતીય મીડિયા દ્વારા સર્જવામાં આવેલી કલ્પના ગણાવીને ફગાવી દે છે.
પ્રોફેસર જનવિજય કહે છે, “પુતિન એક પ્રામાણિક મધ્યસ્થી તરીકે ભારત પર વિશ્વાસ નહીં કરે, કારણ કે રશિયા જાણે છે કે આવી સ્થિતિમાં ભારત તટસ્થ નહીં રહી શકે.”
તેઓ દલીલ કરે છે, રશિયાની લડાઈ “વાસ્તવમાં નાટો સાથે છે અને જ્યાં સુધી નાટો સામેલ ન થાય અને કેટલીક દરખાસ્તો ન મૂકે ત્યાં સુધી કોઈ કરાર થશે નહીં.”
ભારત અને શાંતિ

ઇમેજ સ્રોત, Getty Images
ચીન અને બ્રાઝીલે તેમના શાંતિ-પ્રસ્તાવો રજૂ કર્યા છે. તુર્કીએ માર્ચ, 2022માં યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ બેઠક યોજી હતી. અન્ય લોકોએ પણ પ્રયાસ કર્યા હતા, પરંતુ હજુ સુધી કોઈને સફળતા મળી નથી.
અલબત્ત, મીડિયાએ સર્જેલા ગરમાટાથી દૂર ભારત અને યુક્રેન ગંભીર વાટાઘાટમાં વ્યસ્ત છે.
ડૉ. ઓલેના કહે છે, “ભારતે પરમાણુ મુદ્દે વાટાઘાટ કરી લીધી છે, કારણ કે તે યુદ્ધના પ્રથમ વર્ષમાં પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક હતી. ભારતે બ્લેક સી સમુદ્રના અનાજ કરારમાં પણ ભાગ લીધો હતો.”
ભારતે ઉશ્કેરણી વગરના રશિયન આક્રમણની ખુલ્લેઆમ ટીકા કરી નથી, પરંતુ બંને પક્ષોને વાતચીત અને મત્સદ્દીગીરી દ્વારા તેમના મતભેદોના નિરાકરણની વિનંતી કાયમ કરી છે.
ડૉ. વાજપેયી કહે છે, “આ સંઘર્ષના પ્રાથમિક પક્ષો રશિયા અને યુક્રેન છે ત્યારે તે સ્પષ્ટ છે કે આ સંઘર્ષના કાયમી નિરાકરણ માટે, નિહિત સ્વાર્થ ધરાવતા અન્ય પક્ષોની સલાહ લેવી પડશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












