You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
INDvsPAK: 'પપ્પાએ મારા માટે જે કર્યું એ હું ન કરી શકું', લાઇવ ઇન્ટરવ્યૂમાં રડી પડ્યા હાર્દિક પંડ્યા
- પાકિસ્તાન સામેની ટી-20 મૅચમાં ભારતના વિજય બાદ વિરાટ કોહલી સાથે હાર્દિક પંડ્યાની પણ ચર્ચા થઈ રહી છે
- હાર્દિક પંડ્યા મોંઘીદાટ ઘડિયાળ, કાર અને ટ્રાવેલિંગના શોખીન છે. જોકે, બાળપણમાં આ તમામ સવલતોથી વંચિત રહ્યા હતા
- બરોડાના પૂર્વ રણજી ક્રિકેટર નારાયણ સાઠમ અને ભારતીય ક્રિકેટર કિરણ મોરેએ હાર્દિક પંડયાના ઘડતરમાં ઘણી મોટી ભૂમિકા અદા કરી છે
ભારતીય ક્રિકેટ ટીમે મેલબર્ન ખાતે રમાયેલી ટી-20 મૅચમાં પાકિસ્તાનને ચાર વિકેટે હરાવી દીધું છે.
ભારતની જીતના હીરો પૂર્વ કપ્તાન વિરાટ કોહલી રહ્યા હતા. શરૂઆતમાં ફટાફટ વિકેટો પડવા છતાં વચ્ચે હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીની જોડીએ બાજી સંભાળી લીધી હતી.
ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામેની ભારતીય ટીમની જીતમાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાની મહત્ત્વની ભૂમિકા રહી હતી. હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામેની મૅચમાં ત્રણ વિકેટ લીધી હતી.
હાર્દિક પંડ્યા ભારતીય ટીમના એ ખેલાડી છે, જેઓ કોઈ પણ મૅચની બાજી પલટી નાખવા માટે સક્ષમ માનવામાં આવે છે. બૉલિંગની સાથે તેઓ તેમની ઝંઝાવાતી બેટિંગ માટે પણ એટલા જ જાણીતા છે.
જ્યારે હાર્દિક પંડ્યા ભાવુક થયા
ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામેની મૅચમાં હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીની ભાગીદારીએ જીતમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
હાર્દિક અને કોહલીએ પાંચમી વિકેટ પર 113 રનની ભાગીદારી કરી હતી.
હાર્દિક પંડ્યાએ 37 બૉલમાં 40 રન ફટકાર્યા હતા અને ભારતીય ટીમને જીત તરફ આગળ ધપાવી હતી.
ટીમ ઇન્ડિયાની જીત બાદ હાર્દિક પંડ્યા ઘણા ભાવુક થઈ ગયા હતા. તેમણે તેમના દિવગંત પિતાને પણ યાદ કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાર્દિક પંડ્યાએ કહ્યું કે "મેં મૅચ પહેલાં રાહુલસરને કહ્યું હતું કે જ્યાં હું 10 મહિના પહેલાં હતો અને આજે જ્યાં છું તે બહુ મોટી વાત છે. હું આના માટે બહુ મહેનત કરું છું. આ ઇનિંગ મારા પિતા માટે છે. તેઓ અહીં હોત તો બહુ ખુશ થાત. જો મને રમવાનો મોકો ન મળત તો હું અહીં કેવી રીતે હોત. મારા પિતાએ ઘણો ત્યાગ કર્યો છે. તેમણે અમારી માટે અન્ય શહેરમાં જવાનો નિર્ણય લીધો. જ્યારે અમે બંને ભાઈ છ વર્ષના હતા ત્યારે તેમણે શહેર બદલ્યું હતું. હું હંમેશાં મારા પિતાનો આભારી રહીશ."
હાર્દિક પંડ્યાની શરૂઆત
હાર્દિકનાં માતાપિતાએ બંને દીકરા (હાર્દિક પંડ્યા અને કુણાલ પંડ્યા)ને ક્રિકેટની તાલીમ અપાવી હતી.
સુરત નજીક ચોર્યાસી ગામમાં 1993ની 11મી ઑક્ટોબરે હાર્દિક પંડ્યાનો જન્મ થયો. આ સમયે તેમનો પરિવાર સુરતમાં રહેતો હતો, એટલે સ્વાભાવિકપણે જ તેમનું બાળપણ સુરતમાં પસાર થયું હતું.
ચાર વર્ષનો હાર્દિક ટેનિસ બૉલથી તાલીમ લેતા હતા, તો ભાઈ કુણાલ પંડ્યા સિઝન બૉલથી ટ્રેનિંગ લેતા.
રાંદેરના ભાણકી સ્ટેડિયમમાં હાર્દિકની તાલીમ શરૂ થઈ હતી.
એ વખતે સુરત કૉર્પોરેશનના સમીર વ્યાસ કોચિંગ આપતા હતા. જ્યારે તેમની સંસ્થા વડોદરામાં કિરણ મોરેની ઍકેડમી સાથે સંકળાયેલી હોવાથી પંડ્યા પરિવારે વડોદરા જઈને વસવાટ કરવાનો નિર્ણય લીધો.
આમ હાર્દિકનો બરોડા સાથે નાતો જોડાયો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો