અબ્દુ રોઝિક : 'બિગ બૉસ 16'માં આવેલા સવા ત્રણ ફૂટના સ્પર્ધક કોણ છે?

ઇમેજ સ્રોત, insta/abdu_rozik

- 'બિગ બૉસ'માં ભાગ લેવાના સમાચાર આવ્યા ત્યારથી અબ્દુ રોઝિક સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે
- અબ્દુ 'બિગ બૉસ'ની સાથે સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં પણ જોવા મળશે
- અબ્દુ અફઘાનિસ્તાનની સરહદે આવેલા તાજિકિસ્તાનના છે અને ત્યાની સ્થાનિક ભાષામાં રેપ ગીતો ગાય છે. તે
- ફિલ્મ "ઓકે જાનુ" (2017)નું અરિજિત સિંહે ગાયેલું હિન્દી ગીત "ઇન્ના સોના" અબ્દુએ ગાયું અને તે 2021માં સોશિયલ મીડિયા પર વાઇરલ થયું હતું

સિંગર-રેપર અબ્દુ રોઝિક જ્યારે 'બિગ બૉસ 16'માં ભાગ લેવાના સમાચાર આવ્યા ત્યારથી તેઓ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે.
'બિગ બૉસ 16'ના પહેલા કન્ફર્મ કન્ટેસ્ટન્ટ અબ્દુ રોઝિક છે. સલમાન ખાને મુંબઈમાં મંગળવારે આયોજિત 'બિગ બૉસ' ની પ્રમોશનલ ઈવેન્ટમાં સીઝનના પ્રથમ સ્પર્ધક તરીકે અબ્દુનું નામ જાહેર કર્યું હતું અને તેમનો પરિચય કરાવ્યો હતો.
અબ્દુ 'બિગ બૉસ'ની સાથે સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં પણ જોવા મળશે એવી જાહેરાત સલમાને કરી હતી.

પહેલા ઝઘડાનો અને પછી ગાયકીનો વીડિયો લોકપ્રિય

ઇમેજ સ્રોત, Асхаб Тамаев
'ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર, અબ્દુ અફઘાનિસ્તાનને અડીને આવેલા તાજિકિસ્તાનના છે અને ત્યાની સ્થાનિક ભાષામાં રેપ ગીતો ગાય છે. પોતાની યુટ્યુબ ચેનલ પર તેઓ તેના વીડિયો પણ અપલૉડ કરતા રહે છે અને એમાં પોતે અભિનય પણ કરે છે.
અબ્દુનો મ્યુઝિક વીડિયો 'ઓહી દિલી જોર' વાઈરલ થયો હતો જેના પગલે તેઓ દુનિયાભરમાં ફેમસ થઈ ગયા હતા. અબ્દુ ટિકટૉક પર પણ તેમના વીડિયો શૅર કરે છે જ્યાં તેમને લાખો વ્યૂઝ મળે છે.
વાસ્તવમાં, તેમના શરૂઆતના વીડિયોમાં બંને અબ્દુ અને હસબુલ્લા નામની વ્યક્તિ બૂમો પાડતા અને લડતા ઝઘડતા જોવા મળે છે.
વાસ્તવમાં એ વીડિયોમાં બે અબ્દુ અને હસબુલ્લા મોગેમોદેવ વચ્ચે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવે છે. જેમાં બંને ઝઘડી પડે છે, એકબીજાને ભારે વ્યંગ કરે છે. મૉડરેટર બંનેને શારિરિક કૂસ્તીમાં ઉતરતા અટકાવે છે.
સંવાદો, વ્યંગ અને ગુસ્સાથી ભરેલા એ વીડિયો ભારે લોકપ્રિય થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાદમાં, 2021માં અબ્દુ પોતાના ગીતોથી ઈન્ટરનેટ પર ધમાકો મચાવે છે. તાજીક ગીતોને અબ્દુ રેપ સ્ટાઇલમાં ગાય છે. તેમનાં મોટાં ભાગનાં ગીતો એવલોવ મીડિયાના યુટ્યુબ પેજ પર જોઈ, સાંભળી શકાય છે.
યુટ્યુબ પર અપલૉડ કરવામાં "ઓહી દિલી ઝોર" આલ્બમને લાખો લોકોએ જોયું છે.
ફિલ્મ "ઓકે જાનુ" (2017)નું અરિજિત સિંહે ગાયેલું હિન્દી ગીત "ઇન્ના સોના" અબ્દુએ ગાયું અને તે 2021માં સોશિયલ મીડિયા પર વાઇરલ થયું હતું.

લાખો ફૉલોઅર્સ અને અનેક હસ્તિઓ સાથેની તસવીરો

ઇમેજ સ્રોત, abdurozik.ae
અબ્દુ તાજિકના ઇન્સ્ટાગ્રામ પર 38 લાખથી વધુ ફૉલોઅર્સ છે.
નાના બાળક જેવા દેખાતા અબ્દુ વાસ્તવમાં 19 વર્ષના છે. પિંકવિલા લખે છે કે અબ્દુ 16 વર્ષના હતા ત્યારે તેમનું વજન માત્ર 12 કિલોગ્રામ હતું.
રશિયન મૂળના અબ્દુનો જન્મ 3 સપ્ટેમ્બર, 2003ના રોજ થયો હતો. તેમની ઉંચાઈ 3 ફૂટ 2 ઈંચ છે અને વજન 17 કિલોગ્રામ જેટલું છે.
યુટ્યુબ અને ટિકટૉક વીડિયોથી તેઓ ઘણી કમાણી કરે છે.
એક સમય એવો હતો જ્યારે તેમનાં માતા-પિતા તેની બીમારીનો ખર્ચ ઉઠાવવામાં અસમર્થ હતા પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે તેમની કુલ સંપત્તિ 2 કરોડ રૂપિયા જેટલી છે.
અબ્દુને બાળપણમાં 'રિકેટ્સ' નામની બીમારી હતી, જેના કારણે તેની ઊંચાઈ વધી નહaતી. પૈસાની અછતને કારણે તેમનાં માતા-પિતા તેમની સારવાર કરાવી નહોતાં શક્યાં.

ઇમેજ સ્રોત, abdu_rozik
અબ્દુના ઇન્સ્ટાગ્રામ પેજ પર દુનિયાભરની સેલિબ્રિટીઓ સાથે તેમની તસવીરો જોવા છે.
તેમણે મોહમ્મદ સાલાહ અને બૉક્સર અમીર ખાન સહિત વિશ્વભરનાં અનેક જાણીતા લોકોની મુલાકાત લીધી છે.
વિરાટ કોહલી, સારા અલી ખાન, મુનવ્વર ફારૂકી, વરુણ ધવન, અનુષ્કા શર્મા, શિલ્પા શેટ્ટી, શાહિદ કપૂર સોનુ સૂદ સાથેની તેમની તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર જોવા મળે છે.

રહેમાન સાથે જુગલબંદી

ઇમેજ સ્રોત, abdurozik.ae
2022માં, અબ્દુને દુબઈમાં યોજાયેલા આઈફા એવૉર્ડ્સમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું હતુ.
આ ઇવેન્ટમાં, તેમણે ફિલ્મ "1942: અ લવ સ્ટોરી"નું "એક લડકી કો દેખા તો ઐસા લગા" ગીત સલમાન ખાન માટે ગાયુ હતું અને બાદમાં સલમાન તેમને ભેટી પડ્યા હતા.
અબ્દુને સંગીતકાર એ.આર. રહેમાનનાં પુત્રીના ખાતેઝાનાં લગ્નના રિસેપ્શન માટે આમંત્રણ મળ્યું હતું. રહેમાન અને અબ્દુએ 2022માં લાઇવ સ્ટેજ શોમાં એકસાથે સ્ટેજ શૅર કર્યું હતું.

ઇમેજ સ્રોત, abdurozik.ae
અબ્દુએ ગાયેલા પયંગબર મહમદ પરના એક ગીતના યૂટ્યૂબ વીડિયો પર તેમના ચાહક એસ.કે કૉમેન્ટ કરી છે કે 'શુભાનઅલ્લાહ! કેટલો સુંદર અવાજ છે, તેમણે ઈમામ બનવું જોઈએ.'
આ કૉમેન્ટના જવાબમાં એક અન્ય ચાહક એલ્લા હમઝાએ લખ્યું હતું, 'જો તેઓ ઇમામ બને તો દુનિયાના સૌથી ક્યૂટ ઈમામ બનશે. '
આ વીડિયો 18.5 લાખ લોકોએ જોયો છે અને 7.2 હજાર કૉમેન્ટ લખવામાં આવી છે.
તેમના 'ચાકી ચાકી બોરોન' ગીતના વીડિયોને 52 લાખ લોકોએ જોયો છે.

પ્રાણીપ્રેમી અબ્દુ

ઇમેજ સ્રોત, Abdu Rozik@Facebook
જ્યારે અબ્દુએ તેની ગાયકી કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તેઓ માત્ર છ વર્ષના હતા. તેમના ગીતો "ઓહી દિલી જોર" (2019), "ચાકી ચકી બોરોન" (2020), અને "મોદર" (2021) તાજિકિસ્તાનમાં ખુબ જ જાણીતાં થયાં છે.
અબ્દુ રોઝિક પ્રાણીઓને બહુ પ્રેમ કરે છે અને તેમણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રાણીઓ સાથેની તસવીરો પણ શૅર કરી છે.
2022માં તેમને સત્તાવાર રીતે બાર્સેલોના એફસી જર્સી નં. 10 મળી હતી.
અબ્દુ રોઝિકે 'બિગ બૉસ'ની એ ઇવેન્ટમાં કહ્યું હતું, "હું બિગ બૉસના ઘરમાં જવા આતુર છું." તેમણે હાસ્ય સાથે એવું પણ હતું. "હું તમને બધાને પ્રેમ કરું છું, પ્લીઝ મને 'છોટા ભાઈજાન' ગણીને સપોર્ટ આપજો અને મને વોટ આપજો."
તેમણે અંતમાં ઊમેર્યું હતું. "મારી સાથે દલીલ કરશો નહીં, પ્લીઝ. આઈ લવ યુ."

ઇમેજ સ્રોત, abdurozik.ae
સલમાને સ્પષ્ટતા કરવી પડી હતી કે અબ્દુ બાળક નથી અને તેમની ઉંમર 19 વર્ષ કરતાં વધુ છે. એટલે તેઓ 'બિગ બૉસ'ના ઘરમાં પ્રવેશવા માટેની સંપૂર્ણ લાયકાત ધરાવે છે.
ચેનલ દ્વારા શૅર કરવામાં આવેલા બિગબૉસના પ્રોમોમાં અબ્દુ રોઝિક શોના સ્ટેજ પર સલમાન ખાનને ગળે લગાડતા જોવા મળ્યા હતા.
પ્રોમોમાં અબ્દુ સલમાનનું લોકપ્રિય ગીત 'દિલ દિવાના' ગાય છે. કેટલાક મુક્કા મારીને તેની બૉક્સિંગ પ્રતિભાનું પ્રદર્શન પણ કરે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













