You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફ્લોરિડામાં 'ઇયાન' વાવાઝોડું ત્રાટક્યું, અનેક ઘર તબાહ
ઇયાન વાવાઝોડા વિશે
- ઇયાન વાવાઝોડું હાલ કૅટેગરી-1નું વાવાઝોડું બની ગયું છે
- આ પહેલાં તે નબળું પડીને 'ટ્રૉપિકલ હરિકેન' બની ગયું હતું
- હાલમાં ઇયાન વાવાઝોડું ઍટલાન્ટિક મહાસાગર પર છે
- શુક્રવારે તે દક્ષિણ કૅરોલિના પહોંચે તે પહેલાં વધુ શક્તિશાળી થઈ રહ્યું છે
"પ્લીઝ, મારાં માતાપિતાને શોધવામાં મારી મદદ કરો. જો તમે આ વિસ્તારમાં રહેતા હોવ કે ત્યાંની પરિસ્થિતિના વીડિયો હોય તો પ્લીઝ મારી મદદ કરો."
ફ્લોરિડામાં રહેતાં ફીબી ગેવિને ગુરુવારે માતાપિતાની છેલ્લા લોકેશનના ફોટો સાથે આ ટ્વીટ કર્યું હતું.
અમેરિકાના ફ્લોરિડામાં ઇયાન વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. ફીબીને ખ્યાલ નહોતો કે તેમનાં માતાપિતા સુરક્ષિત છે કે કેમ?
છેલ્લે તેમણે બુધવારે બપોરે બે વાગ્યે તેમનાં માતાપિતા સાથે વાત કરી હતી.
તેમના આ ટ્વીટ બાદ સેંકડો લોકો તેમની મદદે આવ્યા હતા. જોકે, ગુરુવારે તેમને રાહત થઈ હતી, જ્યારે તેમનાં માતાએ 30 સેકન્ડનો ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ સુરક્ષિત છે.
ફ્લોરિડામાં તબાહી મચાવનારા ઇયાન વાવાઝોડાથી ફીબીનાં માતાપિતાની જેમ લાખો લોકો વિસ્થાપિત થયા છે.
વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત શાર્લેટ કાઉન્ટીમાં અત્યાર સુધી 10 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમગ્ર ફ્લોરિડામાં લાખો લોકો માટે રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે. આસપાસનાં રાજ્યોમાંથી પણ રાહતકર્મીઓને બોલાવાયા છે.
મૃત્યુઆંક વધે તેવી શક્યતા
રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે ઇયાન વાવાઝોડું ફ્લોરિડાના ઇતિહાસનું સૌથી ભયાનક ચક્રવાત સાબિત થઈ શકે છે.
વાવાઝોડાએ વિનાશક સ્વરૂપ ધારણ કરતા ફ્લોરિડામાં 25 લાખ લોકોએ આખી રાત વીજળી વગર રહેવું પડ્યું હતું.
ફ્લોરિડાના ગવર્નર રૉન ડિસેન્ટિસના કહેવા પ્રમાણે રાજ્યભરમાં 42 હજાર ટેકનિશિયનોએ વીજપુરવઠો યથાવત્ કરવા આખી રાત કામ કર્યું હતું.
ગવર્નરે કહ્યું કે અત્યાર સુધી કેટલાક લોકોનાં મૃત્યુ થયાં છે પણ તેમણે ચોક્કસ આંકડો આપ્યો ન હતો.
ગવર્નર ઑફિસ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, લગભગ 5 હજાર ફ્લોરિડા નેશનલ ગાર્ડ અને પાડોશી રાજ્યોના 2 હજાર ગાર્ડમૅન લોકોને બચાવવાનું કામ કરી રહ્યા છે.
કોસ્ટગાર્ડે રાત્રિ દરમિયાન નેશનલ ગાર્ડ સાથે મળીને રેસ્ક્યૂ ઑપરેશન પાર પાડ્યું હતું. 800 સભ્યોની આઠ ટીમોએ હૅલિકૉપ્ટરથી અંતરિયાળ ટાપુઓ પર ફસાયેલા લોકોને બચાવ્યા છે.
આ વાવાઝોડામાં હજારો લોકોનાં ઘર સંપૂર્ણ કે આંશિકપણે તબાહ થઈ ગયાં છે. અસરગ્રસ્તો માટે 200 શૅલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે.
24 કલાકમાં 10 મિલિયન ડૉલર્સ એકઠા કર્યા
ફ્લોરિડાના ગવર્નરે તેમનાં પત્ની કેસી ડિસેન્ટિસને વાવાઝોડામાં રાહત માટે લોકો પાસેથી ફાળો એકઠો કરવાનું કામ સોંપ્યું હતું અને માત્ર 24 કલાકમાં 20 મિલિયન ડૉલર્સનો ફાળો એકઠો કર્યો હતો.
કેસી ડિસેન્ટિસે એક પત્રકારપરિષદમાં ફાળો આપનાર કંપનીઓ અને લોકોનો આભાર માન્યો હતો અને કહ્યું, "અસરગ્રસ્તો માટે પ્રાર્થનાઓ અને સહાનુભૂતિ છે. તેમને જે વસ્તુની જરૂર છે તેને ઝડપથી તેમના સુધી પહોંચાડવામાં આવશે."
ગવર્નર ડિસેન્ટિસ પ્રમાણે રાજ્યમાં વીજપુરવઠો ખોરવાયેલો હોવાથી સૌથી પહેલા આ પૈસામાંથી 3,30,000 ગેલન ઇંધણ મંગાવવામાં આવ્યું છે અને હજી પણ જીવનજરૂરીના સામાનનો જથ્થો આવી રહ્યો છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો