કિંગ ચાર્લ્સ તૃતીય બ્રિટનના નવા રાજા

મહારાણી એલિઝાબેથના મૃત્યુ બાદ તેમનું સિંહાસન તરત જ તેમના સૌથી મોટા પુત્ર ચાર્લ્સને મળી ગયું. ચાર્લ્સ વેલ્સના પૂર્વ રાજકુમાર છે.

જોકે, રાજા તરીકે રાજ્યાભિષેક થાય તે પહેલાં ચાર્લ્સને ઘણી વ્યાવહારિક અને પરંપરાગત બાબતોને પૂરી કરવી પડશે.

તેમનું શીર્ષક શું હશે?

તેમને કિંગ ચાર્લ્સ તૃતીય તરીકે સંબોધવામાં આવશે.

આ નવા રાજાના શાસનનો પ્રથમ નિર્ણય હતો. તેઓ પોતાનાં ચાર નામ ચાર્લ્સ ફિલિપ આર્થર જ્યોર્જ પૈકી કોઈ પણ એક નામ પસંદ કરી શકતા હતા.

તેઓ એક માત્ર એવી વ્યક્તિ નથી જેમણે આ પ્રકારના પરિવર્તનનો સામનો કર્યો હોય. ઉદાહરણ તરીકે તેમના દાદા જ્યૉર્જ ષષ્ઠમનું પ્રથમ નામ આલ્બર્ટ હતું પરંતુ તેમણે પોતાના મધ્ય નામોમાંથી એકનો ઉપયોગ કરીને શાસન કર્યું હતું.

ચાર્લ્સ સિંહાસનના ઉત્તરાધિકારી છે પરંતુ તેમના પુત્ર પ્રિન્સ વિલિયમ આપમેળે વેલ્સના રાજકુમાર નહીં બને. જોકે, વિલિયમને તેમના પિતાની અન્ય ઉપાધિ ડ્યૂક ઑફ કૉર્નવાલ મળશે. તેમનાં પત્ની કૅથરીનને ડચેસ ઑફ કૉર્નવાલ નામથી ઓળખવામાં આવશે.

ચાર્લ્સનાં પત્ની માટે પણ એક નવો ખિતાબ હશે. તેમનું નામ ક્વીન કંસોર્ટ હશે. કંસોર્ટ શબ્દનો ઉપયોગ રાજાના જીવનસાથી તરીકે કરવામાં આવે છે.

ઔપચારિક સમારોહ

ચાર્લ્સને તેમનાં માતાનાં મૃત્યુ બાદ 24 કલાકમાં સત્તાવાર રીતે રાજા જાહેર કરવામાં આવશે. આ પ્રક્રિયા લંડનના સેન્ટ જેમ્સ પૅલેસમાં એક ઔપચારિક સમૂહની સામે થશે. જેને પરિગ્રહણ પરિષદ તરીકે ઓળખવામાં આવે છે.

આ સમૂહમાં પ્રિવી કાઉન્સિલના સભ્યો, વરિષ્ઠ સાંસદો, ભૂતકાળ અને હાલના સહયોગીઓની સાથેસાથે વરિષ્ઠ નેતાઓ, રાષ્ટ્રમંડળના હાઈ કમિશનરો અને લંડનના લૉર્ડ મેયરનો સમાવેશ થાય છે.

આ પ્રક્રિયામાં 700થી વધુ લોકો ભાગ લઈ શકે છે પરંતુ હાલના સમયને જોતા વાસ્તવિક સંખ્યા ઘણી ઓછી હોવાની સંભાવના છે. આ પહેલાં 1952માં યોજાયેલી રાજ્યારોહણ પરિષદમાં 200 લોકો હાજર રહ્યા હતા.

બેઠકમાં મહારાણી એલિઝાબેથના અવસાનની જાહેરાત પ્રિવી કાઉન્સિલના લૉર્ડ પ્રેસિડન્ટ (પૅની મોર્ડોંટ) દ્વારા કરવામાં આવશે અને એક ઉદ્ઘોષણાને જોરથી વાંચવામાં આવશે.

આ ઉદ્ઘોષણાના શબ્દો જુદાજુદા હોઈ શકે છે પરંતુ તે પરંપરાગત રીતે પ્રાર્થનાઓ અને પ્રતિજ્ઞાઓની એક શ્રૃંખલા છે. જેમાં છેલ્લા રાજાની સ્તુતિ અને નવા રાજાને સમર્થન કરવાનો વાયદો કરવામાં આવે છે.

આ ઉદ્ઘોષણા પર બાદમાં વડા પ્રધાન, કૅંટરબરીના આર્કબિશપ અને લૉર્ડ ચાન્સેલર જેવી ઘણી વરિષ્ઠ હસ્તીઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવશે.

આ સમારોહોની જેમ એક નવા યુગને ચિહ્નિત કરવા માટે શું ફેરફાર કરવામાં આવશે, તેના પર પણ ધ્યાન આપવામાં આવશે.

રાજાની પ્રથમ ઉદ્ઘોષણા

ત્યાર બાદ સામાન્ય રીતે એક દિવસ પછી ફરીથી રાજ્યારોહણ પરિષદની બેઠક યોજાય છે. જેમાં કિંગ્સ પ્રિવી કાઉન્સિલ હાજર હોય છે.

એક બ્રિટિશ રાજાનું શાસન શપથગ્રહણ સમારોહથી શરૂ થતું નથી.

જોકે, નવા રાજાએ એક ઘોષણા કરવાની હોય છે. આ એક હુંકાર કરવાનો હોય છે જે 18મી સદીની શરૂઆતની એક પરંપરા સાથે જોડાયેલો છે. આ હુંકારમાં તેઓ ચર્ચ ઑફ સ્કૉટલેન્ડની રક્ષા કરવાની શપથ લેશે.

બાદમાં ચાર્લ્સને સાર્વજનિક રૂપે નવા રાજા તરીકે જાહેર કરવામાં આવશે. આ જાહેરાત ગાર્ટર કિંગ ઑફ આર્મ્સ નામથી ઓળખાતા એક અધિકારી દ્વારા સેન્ટ જેમ્સ પૅલેસમાં ફ્રાયરી કોર્ટની ઉપરની બાલકનીમાંથી કરવામાં આવશે.

જાહેરાત કરતી વખતે તે પોકારશે, "ભગવાન, રાજાને બચાવો" અને 1952 બાદ પહેલી વખત રાષ્ટ્રગાન 'ગૉડ સેવ ધ કિંગ' શબ્દો સાંભળવા મળશે.

હાઇડ પાર્ક, ટાવર ઑફ લંડન અને નૌસેનાનાં જહાજોમાંથી તોપોની સલામી આપવામાં આવશે અને ઍડિનબર્ગ, કાર્ડિફ અને બેલફાસ્ટમાં ચાર્લ્સને રાજા ઘોષિત કરવાની ઘોષણાને વાંચવામાં આવશે.

રાજ્યાભિષેક

આ રાજ્યારોહણનું પ્રતીકાત્મક ઉચ્ચ બિંદુ રાજ્યાભિષેક હશે, જ્યારે ચાર્લ્સને સત્તાવાર રીતે તાજ પહેરાવવામાં આવશે. જોકે, તેના માટે તૈયારીઓની જરૂર હોવાથી રાજા તરીકે જાહેર થયા બાદ તરત જ રાજ્યાભિષેક થવાની સંભાવના નહિવત્ છે.

મહારાણી એલિઝાબેથ ફેબ્રુઆરી 1952ના રોજ સિંહાસન પર બેઠાં હતાં પરંતુ જૂન 1953 સુધી તેમને તાજ પહેરાવવામાં આવ્યો ન હતો.

છેલ્લાં 900 વર્ષોથી વેસ્ટમિન્સ્ટર ઍબેમાં રાજ્યાભિષેક કરવામાં આવે છે. વિલિયમ ધ કૉન્કરર પ્રથમ રાજા હતા, જેમને ત્યાં તાજ પહેરાવવામાં આવ્યો હતો અને ચાર્લ્સ 40માં રાજા હશે.

રાજ્યાભિષેક એ એંજ્લિકન ધાર્મિક સેવા હોય છે, જે કૅંટરબરીના આર્કબિશપ દ્વારા કરવામાં આવે છે. સમારોહની રોમાંચક ક્ષણ એ હશે જ્યારે સેન્ટ ઍડવર્ડ્સ ક્રાઉનને ચાર્લ્સના શિરે પહેરાવાશે.

સેન્ટ ઍડવર્ડ્સ ક્રાઉન એ સુવર્ણ મુકુટ છે જેને 1661થી રાજાને શિરે પહેરાવવામાં આવે છે.

આ તાજને લંડન ટાવરમાં રાખવામાં આવે છે અને માત્ર રાજ્યાભિષેક દરમિયાન જ રાજાને પહેરાવવામાં આવે છે.

રાજ્યાભિષેક એ રાજ્યનો અવસર હોવાથી સરકાર તેના માટે ચૂકવણી કરે છે અને મહેમાનોની યાદી પણ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવે છે.

સંગીત અને વાચન વચ્ચે સંતરા, તજ, ગુલાબ, કસ્તૂરી અને એમ્બરગ્રીસથી બનેલા તેલથી નવા રાજાનો અભિષેક કરવામાં આવશે.

નવા રાજા સમગ્ર વિશ્વની સામે રાજ્યાભિષેકના શપથ લેશે. સમારોહમાં તેમને પોતાની નવી ભૂમિકાના પ્રતીકરૂપે એક ગોળાકાર (ઑર્બ) અને રાજદંડ પ્રાપ્ત થશે. સાથે જ કૅંટરબરીના આર્કબિશપ તેમના શિરે સોનાનો મુકુટ પહેરાવશે.

રાષ્ટ્રમંડળના પ્રમુખ

ચાર્લ્સ 56 સ્વતંત્ર દેશો અને 2.4 અબજ લોકોના સંગઠન રાષ્ટ્રમંડળના પ્રમુખ બન્યા છે. તેમાંથી 14 દેશો અને યુકે માટે રાજા એ દેશના વડા હોય છે.

રાષ્ટ્રમંડળમાં આવનારા દેશો છે: ઑસ્ટ્રેલિયા, ઍન્ટીગુઆ અને બરમુડા, બહામાસ, બેલીઝ, કૅનેડા, ગ્રેનાડા, જમૈકા, પાપુઆ ન્યૂ ગિની, સેન્ટ ક્રિસ્ટોફર અને નેવિસ, સેન્ટ લૂસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ, ન્યૂ ઝીલૅન્ડ, સોલોમન દ્વીપ સમૂહ, તુવાલુ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો