શ્રીલંકામાં અબજો ડૉલરની મદદ કરી ભારતને શું ફાયદો થશે?

શ્રીલંકા હાલ ભયંકર આર્થિક સંકટમાં ફસાયેલું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શ્રીલંકા હાલ ભયંકર આર્થિક સંકટમાં ફસાયેલું છે

શ્રીલંકામાં સરકાર વિરુદ્ધ ચાલી રહેલાં પ્રદર્શનોમાં પૂર્વ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને તેમના પરિવાર સામે પ્રદર્શનકારીઓ નારા લગાવતા હતા પરંતુ આ પ્રદર્શનોમાં ભારત વિરુદ્ધ નારા પણ લગાવાયા હતા, જેમકે "દેશને ભારત અને યુએસને ન વેચો ", "શ્રીલંકા તમારું કોઈ રાજ્ય નથી" અને "ભારત શ્રીલંકાની પરિસ્થિતિનો ફાયદો ન ઉઠાવે".

પ્રદર્શનમાં ભારતવિરુદ્ધ નારેબાજી થઈ પરંતુ શ્રીલંકા જે રાજકીય અને આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે તેમાં ભારત પ્રત્યે લોકોનું વલણ બદલાઈ રહ્યું છે.

શ્રીલંકા આઝાદી પછીના સૌથી ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને હિંસક વિરોધ પ્રદર્શનને કારણે રાષ્ટ્રપતિએ દેશ છોડીને ભાગવું પડ્યું હતું.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં શ્રીલંકા પર દેવું વધી ગયું હતું, હાલત એટલી ખરાબ થઈ ગઈ કે લોકોને ભોજન, ઈંધણ અને દવાઓ જેવી વસ્તુઓ માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

ગયા અઠવાડિયે દેશ છોડીને ભાગી ગયેલા પૂર્વ રાષ્ટ્રપતિ ગોયબાયા રાજપક્ષેને કેટલાક લોકો આ પરિસ્થિતિ માટે જવાબદાર ઠેરવે છે.

બુધવારે શ્રીલંકની સંસદમાં પૂર્વ વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા તેમને 134 સાંસદોનું સમર્થન મળ્યું

શ્રીલંકમાં કેટલાક રાજકીય જૂથો ભારતને પહેલાંથી શંકાની નજરે જોતા આવ્યા છે.

કેટલાક બહુમતી સિંહાલા રાષ્ટ્રવાદીઓ અને ડાબેરી પક્ષો ભારતવિરુદ્ધ પ્રદર્શન કરતા રહ્યા છે.

પરંતુ પોતાના સૌથી કઠણ સમયમાં શ્રીલંકાએ ભારતીય જનતા પક્ષ અને ભારત તરફ મદદ માટે મીટ માંડી હતી.

line

ભારતને પહેલાં શંકાની નજરે જોતા હતા?

શ્રીલંકા, કોલંબોમાં 17 જુલાઈએ લીધેલી તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શ્રીલંકા, કોલંબોમાં 17 જુલાઈએ લીધેલી તસવીર

આ પહેલી વખત નથી કે જ્યારે ભારત શ્રીલંકાની મદદે આવ્યું હોય. ખરેખર તો છેલ્લા એક વર્ષમાં જેટલી ભારતે શ્રીલંકાની મદદ કરી છે એટલી કોઈ અન્ય દેશ અથવા કોઈ સંસ્થાએ નથી કરી.

નિષ્ણાતો કહે છે કે શ્રીલંકાના આર્થિક સંકટને કારણે ભારતને 2.2 કરોડની વસતી ધરાવતા આ દ્વીપ પર પોતાનો દબદબો ફરી જમાવવાનો મોકો મળ્યો છે. આ મહત્ત્વપૂર્ણ છે કારણ કે ચીને છેલ્લાં 15 વર્ષમાં શ્રીલંકાને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે લૉન અને અન્ય આર્થિક મદદ આપીને પોતાની હાજરી મજબૂત કરી છે.

શ્રીલંકાના મુખ્ય વિપક્ષના નેતા સજિથ પ્રેમદાસાએ બીબીસીને કહ્યું કે, " ભારતે ખૂબ અગત્યની ભૂમિકા ભજવી છે. અમે ભયંકર સંકટમાંથી પસાર થઈ રહ્યા છીએ અન ભારતે આગળ આવીને અમને ટેકો આપ્યો છે".

ભારત અને શ્રીલંકાના સાંસ્કૃતિક, આર્થિક અને ધાર્મિક સંબંધો સદીઓ જૂના છે.

ભારત શ્રીલંકાનું મોટું વ્યાવસાયિક ભાગીદાર છે, શ્રીલંકા ભારતમાંથી ખાવા-પીવાની અનેક વસ્તુઓ સહિત અનેક અન્ય ઉત્પાદનોની આયાત પણ કરે છે.

શ્રીલંકામાં લઘુમતી તામિલ વસતીના ભારતના તામિલનાડુ સાથે સાંસ્કૃતિક સંબંધ છે.

2005 પછી શ્રીલંકા ભારતના પ્રભાવથી દૂર થતું ગયું. આ સમય મહિંદા રાજપક્ષેના રાષ્ટ્રપતિ ચૂંટાયા પછી શરૂ થયો હતો. મહિંદા રાજપક્ષેના બીજા કાર્યકાળ દરમિયાન ભારતનો પ્રભાવ ખૂબ જ ઘટી ગયો હતો.

આ સમયગાળામાં ચીને અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે શ્રીલંકા સાથે કરાર કર્યા હતા જેમકે હમબનટોટા પોર્ટનો પ્રોજેક્ટ.

આંકડાઓ જણાવે છે કે ચીને શ્રીલંકાને અત્યાર સુધી પાંચ અબજ ડૉલરથી વધુની લૉન આપી છે જે શ્રીલંકા પરના કુલ દેવામાંથી 10 ટકા જેટલી છે.

હવે જ્યારે શ્રીલંકાની સામે ઈંધણ અને ખાવા-પીવાની વસ્તુઓની ભારે કમીની સમસ્યા છે ત્યારે શ્રીલંકાને વધુ લૉનની આશા છે. બેઇજિંગ શ્રીલંકાને વધુ લૉન આપવા માટે તૈયાર છે.

બીજી તરફ ભારતે શ્રીલંકાને અલગઅલગ રૂપમાં 3.5 અબજ ડૉલરની મદદ કરી છે.

છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતે ક્રેડિટ લાઇનના રૂપમાં ઈંધણ, ખાવા-પીવાની વસ્તુઓ અને ખાતર શ્રીલંકાને આપ્યું છે.

ભારતમાં કેન્દ્ર સરકાર સિવાય તામિલનાડુની ડીએમકે સરકારે પણ શ્રીલંકાની મદદ માટે ખાવા-પીવાનો સામાન અને દવાઓ મોકલાવી છે.

નિષ્ણાતોનું માનવું છે કે ભારત તરફથી અબજો ડૉલરની મદદ મળતાં શ્રીલંકાના લોકોની નજરોમાં ભારતની છબીમાં ફેરફાર આવ્યા છે.

line

ભારત સાથે સંબંધોમાં નરમાશ

શ્રીલંકાને ભારત તરફથી મદદ મળી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતે ક્રેડિટ લાઇનના રૂપમાં ઈંધણ, ખાવા-પીવાની વસ્તુઓ અને ખાતર શ્રીલંકાને આપ્યું છે.

ખાનગી ક્ષેત્રમાં કામ કરતા ટાઇરૉન સેબેસ્ટિયને કહ્યું, "ભારતે સમયસર ઈંધણ અને ભોજનસામગ્રી મોકલીને મદદ કરી છે. ભારતની મદદ વગર શ્રીલંકા માટે સમય વધારે મુશ્કેલ બન્યો હોત."

સામાજિક કાર્યકર મેલેની ગુનાથિલેક ભારતના લોકોનો આભાર માને છે અને કહે છે કે, "ભારત તરફથી ઘણી મદદ મળી. "

પરંતુ નિષ્ણાતો માને છે કે શ્રીલંકાને મદદ આપવાનો ભાજપનો નિર્ણય વ્યૂહાત્મક રીતે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે આનાથી પાડોશી દેશ શ્રીલંકમાં તેનો પ્રભાવ વધશે.

ભારત તરફથી શરૂઆતમાં મદદની જાહેરાત થઈ ત્યાર બાદ બંને દેશો જાન્યુઆરીમાં શ્રીલંકાના ઉત્તર-પૂર્વમાં આવેલા ટ્રિન્કોમલી બંદર પર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બનાવાલેયાં 61 જેટલાં વિશાળ ઑઇલ ટૅન્ક્સના સંયુક્ત સંચાલન માટે સહમત થયા હતા.

30 વર્ષથી ભારત બ્રિટિશ સામ્રાજ્યમાં ઊભાં કરાયેલાં ટૅન્ક્સના સંચાલન માટે તત્પર હતું કારણ કે અહીં તેલનો સંગ્રહ કરી શકાય છે.

આવી જ રીતે સપ્ટેમ્બરમાં ભારતના અદાણી ગ્રૂપને કોલંબો પોર્ટ પર વેસ્ટર્ન કન્ટેઇનર ટર્મિનલ વિકસાવવા અને તેના સંચાલનમાં મોટી ભાગીદારી આપવામાં આવી હતી.

ડાબેરી પક્ષ નેશનલ પીપલ્સ પાવર એલાયન્સના સાંસદ હરિણી અમરસૂર્યાએ બીબીસીને કહ્યું કે, "કોઈ પણ દેશ નહીં હોય જે મદદના બદલામાં કંઈક નહીં ઇચ્છતો હોય. ભારત પણ પોતાના હિતોનું ધ્યાન રાખશે."

અમરસૂર્યાનું કહેવું છે કે, "ભારતની જેમ જ શ્રીલંકાએ પણ પોતાના હિતોનું ધ્યાન રાખવું જોઈએ અને જોવું રહ્યું કે શું શ્રીલંકા આર્થિક અને વ્યૂહાત્મક રીતે મહત્ત્વનાં સ્થળોનો દોરીસંચાર અન્ય દેશોને સોંપી દેશે."

નિષ્ણાતો અનુસાર શ્રીલંકામાં લઘુમતી તામિલ સમુદાયની અધિકારોની માગો પણ ભારત અને શ્રીલંકાના સંબંધો પર અસર કરશે.

1980માં કેટલાક શ્રીલંકન તામિલ વિદ્રોહીઓએ ભારતમાં શરણ લીધું હતું ત્યાર બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં ખટાશ આવી હતી.

કોલંબોએ ભારત પર શ્રીલંકમાં પોતાની આઝાદી માટે લડતા વિદ્રોહીઓને હથિયારો અને ટ્રેનિંગ આપવાના આક્ષેપ કર્યા હતા.

line
શ્રીલંકા

ઇમેજ સ્રોત, Getty Images

શ્રીલંકામાં મે 2009માં વિદ્રોહીઓની હાર સાથે ગૃહયુદ્ધ પૂરું થયું હતું અને ભારતે ગૃહયુદ્ઘ વખતે શ્રીલંકાની સરકારનો સાથ આપ્યો હતો.

જોકે શ્રીલંકાએ 1987ની ભારત-શ્રીલંકા શાંતિ સમજૂતીને હજુ સુધી પૂર્ણ રીતે લાગુ નથી કરી, આ શાંતિ સમજૂતીમાં બધા પ્રાંતોને સત્તા આપવાની વાત કહેવામાં આવી હતી, આમાં એવા પ્રાંત પણ સામેલ હતા તામિલો બહુમતીમાં હતા.

અમરસૂર્યા કહે છે કે, "ભૂતકાળમાં ભારત તરફથી રાજકારણમાં સીધી દખલની ચિંતા રહેતી હતી".

જોકે હાલના આર્થિક સંકટને કારણે બંને દેશો વચ્ચે રાજકીય સંબંધોમાં બદલાવ આવશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉત્તરી શ્રીલંકમાં તામિલ બહુમતીવાળા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રીલંકન નાગરિકોએ ભારતના તામિલનાડુમાં શરણ લીધું છે અને જો આર્થિક સંકટનું સમાધાન જલદી ન થયું તો આ સંખ્યા પણ વધી શકે છે.

શ્રીલંકાના લઘુમતી તામિલ અને મુસ્લિમ સમુદાયે પોતાના અધિકારોની લડાઈ અને અન્ય સમસ્યાઓમાં હંમેશાં ભારત પાસેથી ટેકાની આશા રાખી છે.

ત્યારે બહુમતી સિંહાલી સમુદાયમાં પણ અનેક લોકો ભારતતરફી વલણ અપનાવે છે.

આઈટી કર્મચારી મહમદ સૂફિયાંએ બીબીસીને કહ્યું, "લંકન-ઇન્ડિયન કૉર્પોરેશન હજી પણ શ્રીલંકાના લોકોને મદદ આપી રહ્યું છે જેનાથી અમે ટકી શક્યા છીએ."

"ભારતે મદદ ન કરી હોત તો શ્રીલંકામાં પેટ્રોલ પંપ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા હોત."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન