એ ભારતીય મહિલાઓ જેમણે લંડનમાં બ્રિટિશરોના વંશજોને ઉછેર્યા પણ પોતે નિરાધાર રહી ગઈ

    • લેેખક, ગગન સભરવાલ
    • પદ, બીબીસી ન્યૂઝ, સાઉથ એશિયા ડાયસ્પોરા રિપોર્ટર

બ્રિટિશ સામ્રાજ્યના ચઢતા સૂર્યના દિવસોમાં ભારત અને એશિયાના અન્ય ભાગોમાંથી બાળકોની સારસંભાળ અને તેમના ઉછેર માટે હજારો મહિલાઓને લંડન લાવવામાં આવી હતી.

પણ એમાંની ઘણી બધી આયાને પાછળથી નિરાધાર છોડી દેવામાં આવી હતી. હવે તેઓ જ્યાં રહેતી હતી તે મકાન બ્લૂ પ્લાકને એક સ્મારકના રૂપમાં વિકસાવવામાં આવી રહ્યું છે.

યુનાઇટેડ કિંગડમની ચૅરિટી સંસ્થા 'ઇંગ્લિશ હેરિટેજ' બ્લૂ પ્લાક સ્કીમ ચલાવે છે અને આ યોજનામાં તે લંડનનાં એવાં ભવનોનું રક્ષણ કરે છે જે મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક વ્યક્તિઓ સાથે ગાઢ રીતે સંકળાયેલાં હોય.

મહાત્મા ગાંધી અને દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુ જેવા સ્વાતંત્ર્યસેનાનીઓ અને ભારતીય બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકર સહિત અનેક ભારતીયોને પ્લાકમાં યાદ કરવામાં આવ્યા છે.

વર્ષ 2020માં બીજા વિશ્વયુદ્ધનાં જાસૂસ નૂર ઇનાયત ખાન એવાં પહેલાં ભારતીય બન્યાં જેમને બ્લૂ પ્લાકથી સન્માનિત કરવામાં આવ્યાં.

પૂર્વ લંડનમાં હૅકનીમાં 26 કિંગ એડ્વર્ડ્સ રોડસ્થિત આયાઘરને અપાઈ રહેલું સન્માન ફરહાના મામૂજીની ઝુંબેશના કારણે મળ્યું છે. ત્રીસ વર્ષીય ફરહાના ભારતીય મૂળનાં છે, જેમણે પહેલી વાર આ જગ્યા વિશે બીબીસીની એક ડૉક્યુમેન્ટરીમાં સાંભળ્યું હતું, જેમાં એમનો આછો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ ઇમારતને સેંકડો નિરાધાર આયા અને આમાના રહેઠાણ તરીકે ઓળખવામાં આવે છે. ચીનમાં દાયણને આમા કહેવામાં આવે છે.

ફરહાના મામૂજી અને એ ઇતિહાસકારો જેમણે આ દાયણોની ભૂમિકા અને એમના યોગદાન અંગે શોધ કરી, તેમને હવે અપેક્ષા જાગી છે કે આ સન્માનના લીધે ભૂલાવી દેવાયેલી એ મહિલાઓની યાદ તાજી થશે.

આ આયાઓ કોણ હતી

એમાંની મોટા ભાગની મહિલાઓ ભારત, ચીન, હૉંગ કૉંગ, બ્રિટિશ સિલોન (હવે શ્રીલંકા), બર્મા (હવે મ્યાનમાર), મલેશિયા અને જાવા (ઇન્ડોનેશિયાનો એક ભાગ)માંથી આવી હતી.

ઇતિહાસકાર અને 'એશિયન્સ ઇન બ્રિટનઃ 400 યર્સ ઑફ હિસ્ટરી'નાં લેખિકા રોઝીના વિસરામે કહ્યું કે, "આયા અને આમા વાસ્તવમાં ઘરેલુ કામવાળી હતી અને વસાહતી ભારતમાં બ્રિટિશ પરિવારો માટે મજબૂત આધાર હતી. તેઓ બાળકોની દેખરેખ રાખતી હતી, એમનું મનોરંજન કરતી હતી, એમને વાર્તાઓ સંભળાવતી હતી અને પારણું ઝુલાવી સુવડાવતી હતી."

તેમણે કહ્યું કે, "સામાન્ય રીતે પરિવાર એમને પોતાના ખર્ચે પાછા આવવાની ટિકિટ પણ આપતો હતો."

પરંતુ બધી આયા એટલી નસીબદાર નહોતી. ઘણી મહિલાઓને કામ પરથી કાઢી મૂકવામાં આવતી હતી અને એમને નોકરી પર રાખનારા એમને પૈસા કે ઘરે પાછા જવાની ટિકિટ આપ્યા વગર નિરાધાર છોડી દેતા હતા.

એમાંની ઘણી બધી આયાઓ એટલા માટે ત્યાં રહેવા માટે મજબૂર હતી, કેમ કે વળતી મુસાફરીમાં એમને સાથ આપવા માટે કોઈ પરિવાર નહોતો મળતો.

યુનિવર્સિટી ઑફ બ્રિસ્ટલમાં સાહિત્ય અને પ્રવાસનના લેક્ચરર ફ્લોરિયન સ્ટૅડલરનું કહેવું છે કે, "એ કારણે આયાને કોઈનો આધાર ન મળ્યો અને તેમને પોતાના ભરોસે રહેવું પડતું હતું."

ફ્લોરિયન સ્ટૅડલરે આ વિષય પર વિસરામ સાથે કામ કર્યું છે.

તેમણે કહ્યું કે આ મહિલાઓ ઘણી વાર સ્થાનિક સમાચારપત્રોમાં જાહેરખબર આપીને ઘરે પાછા જવા માટે મદદની વિનંતી કરતી હતી. એમાંની ઘણી ગંદા સ્થળે રહેવા મજબૂર થતી, જેનું ભાડું પણ ખૂબ વધારે રહેતું હતું.

"અને જ્યારે એમની પાસેના પૈસા ખતમ થઈ જતા ત્યારે એમને આ રહેઠાણની જગ્યાઓએથી પણ બહાર કાઢી મૂકવામાં આવતી હતી. કેટલીક મહિલાઓએ ભારત પાછા જવા માટે ભીખ માગવા મજબૂર થવું પડ્યું હતું."

આયાઘર

ઓપન યુનિવર્સિટીના 'મેકિંગ બ્રિટન' રિસર્ચ પ્રોજેક્ટ અનુસાર, "એવી ધારણા છે કે 1825માં ઍલ્ડગેટમાં આયાઘર બન્યું હતું."

તે એલિઝાબેથ રૉજર્સ નામની મહિલાએ બનાવ્યું હતું. એમના અવસાન (કયા વર્ષે થયું તે નિશ્ચિત નથી.) પછી આ ઘર એક યુગલે લઈ લીધું હતું, તેમણે એને ભ્રમણશીલ આયાના આવાસ તરીકે જાહેર કર્યું હતું.

તેઓ આ ઘરને એક રોજગાર કેન્દ્રની જેમ ચલાવતાં હતાં અને પરિવારો અહીં દાયણોની શોધમાં આવતા હતા.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં જેમ જેમ સામ્રાજ્યનો સૂરજ તપતો ગયો, ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચે નિયમિત મુસાફરીઓ થવા લાગી અને તેની સાથે જ બ્રિટન આવનારી દાયણોની સંખ્યા પણ વધતી ગઈ.

ડૉક્ટર વિસરામ અનુસાર, "દર વર્ષે 200 જેટલી આયા આયાઘરમાં રોકાતી હતી. કેટલીક તો થોડા દિવસો માટે રોકાતી અને કેટલીક મહિનાઓ સુધી."

આયાએ પોતાના રોકાણનો ખર્ચ નહોતો આપવાનો. આ ઘરને, જે ડૉક્ટર વિસરામે જણાવ્યું, "સ્થાનિક ચર્ચામાંથી દાન મળતું હતું. એવી દાયણો પણ હતી જેમની પાસે પાછા જવાની ટિકિટ તો હતી પરંતુ પૈસા ઓછા હોવાના કારણે અથવા કોઈ સાથે જનારું ના મળવાના કારણે તેઓ ઘરે પાછી ના જઈ શકી."

"એવા મામલામાં આયાઘરની મેટ્રન એ ટિકિટ કોઈ એવા પરિવારને વેચી દેતી હતી જેમને ભારતની દરિયાઈ મુસાફરીમાં એમની સેવાઓની જરૂર હતી, જેનાથી થોડાક પૈસા ભેગા થઈ જતા હતા."

પરંતુ આયાઘર માત્ર એક હૉસ્ટેલ કે શરણની જગ્યા નહોતું.

ડૉક્ટર સ્ટૅડલરે કહ્યું કે એનો એક ખાસ હેતુ આ આયાઓને ખ્રિસ્તી બનાવવાનો પ્રયાસ કરવાનો પણ હતો.

એમણે કહ્યું, "પરંતુ એમને ચોક્કસ ખબર નથી કે આ દાયણોમાંથી કેટલી ધર્મ પરિવર્તન કરીને ઇંગ્લૅન્ડમાં ખ્રિસ્તી બની ગઈ. કેમ કે એનો કોઈ રેકૉર્ડ નથી. એ વાતનો પણ કોઈ દસ્તાવેજ નથી કે ઇંગ્લૅન્ડમાં વાસ્તવમાં એમને ખ્રિસ્તી ધર્મ આપનાવવા માટે મજબૂર કરવામાં આવી હતી."

ઈ.સ. 1900માં એક ખ્રિસ્તી સમૂહ 'લંડન સિટી મિશન'એ આ ઘર લઈ લીધું. તે પહેલાં તો એને 26 કિંગ એડ્વર્ડ્સ રોડ, હૅકની લઈ ગયો અને પછી 1921માં 4 કિંગ એડ્વર્ડ્સ રોડ લઈ ગયો.

બ્લૂ પ્લાક સુધીની યાત્રા

વીસમી સદીના મધ્યમાં બ્રિટિશ સામ્રાજ્યના પતનની સાથે જ આયાની જરૂરિયાત ઓછી થતી ગઈ. 4 કિંગ એડ્વર્ડ્સ રોડના મકાનને ખાનગી આવાસમાં ફેરવી દેવાયું.

ફરહાના મામૂજીએ 2018માં આયાઘર વિશે પહેલી વાર બીબીસીની એ ડૉક્યુમેન્ટરીમાં સાંભળ્યું જેનું નામ હતું - 'અ પૅસેજ ટૂ બ્રિટન'.

એમાં હૅકની સ્થિત એ ભાડાના ઘરની આછી ચર્ચા હતી. મામૂજી ત્યાં નજીકમાં જ રહેતાં હતાં.

"પૂર્વ લંડનમાં રહેતી એક દક્ષિણ એશિયાઈ મહિલાની રૂએ મને આ આયાઓ સાથે એક જોડાણ અનુભવાયું અને એમની અણકથ વાતો જાણવાની ઇચ્છા થઈ." એમ કહેતાં ફરહાના મામૂજીએ જણાવ્યું કે એમણે એ ઇમારતને જોવાનો નિર્ણય કરી લીધો.

"મને એ વાતે ખૂબ ગુસ્સો આવ્યો કે દુનિયાભરની અનેક એશિયાઈ મહિલાઓ માટે જે જગ્યા એટલી બધી ખાસ હતી એના વિશે જણાવવા માટે કશું જ નહોતું. ત્યારે જ મને એમ પણ થયું તે મારે આના માટે કશુંક કરવું જોઈએ."

તેથી એમણે આયાઘર પ્રોજેક્ટ શરૂ કર્યો, જેમાં સારસંભાળ રાખનારી દાયણોની કથાઓ નોંધવામાં આવે છે. એમણે એ ઘર માટે બ્લૂ પ્લાક દરજ્જા માટે પણ આવેદન આપ્યું.

માર્ચ, 2020માં જ્યારે તેઓ 'ઇંગ્લિશ હેરિટેજ'ને આપેલા પોતાના આવેદનની સ્થિતિ જાણવા માટે ઉત્સુક હતાં ત્યારે ફરહાના મામૂજીએ હૅકની મ્યુઝિયમમાં એક સમારંભનું આયોજન કર્યું. જેમાં બ્રિટિશ સામ્રાજ્યના જમાનામાં આયાની ભૂમિકાની ચર્ચા કરવામાં આવી હતી.

એમના ઉત્સાહથી પ્રભાવિત થઈને મ્યુઝિયમના સ્ટાફે પણ એ વિષયમાં રિસર્ચ શરૂ કર્યું.

આ મ્યુઝિયમનાં મૅનેજર નીતિ આચાર્યએ કહ્યું કે એમણે વિભિન્ન સ્રોતો પાસેથી આ ઘરમાં રહેનારા લોકોની ઓળખ મેળવવાની કોશિશ કરી. એ સ્રોતોમાં 1878થી 1960 સુધી યુનાઇટેડ કિંગડમ આવનારા અને અહીંથી જનારા લોકોનું લિસ્ટ, વસ્તી ગણતરીનું રજિસ્ટર અને લેખાગારના સ્રોત સામેલ હતા.

તેમણે કહ્યું, "આ બધા પ્રકારના સ્રોતોમાંથી મળેલી નાની નાની માહિતીથી એ વાર્તા ગૂંથવામાં મદદ મળી જેનાથી એક મોટું ચિત્ર ઊભરીને સામે આવ્યું."

પરંતુ આ પડકારભર્યું કામ હતું, કેમ કે દાયણો વિશે ખૂબ ઓછી માહિતી ઉપલબ્ધ છે.

તેમણે કહ્યું કે, "અભિલેખાગારોમાં ઉપલબ્ધ માહિતી મુખ્યત્વે એવા પરિવારો વિશેની છે જે આયા અને આમાની સેવા લેતા હતા અને ખુદ એ મહિલાઓ વિશે નહીં. ઘણી વાર ખ્રિસ્તી નામના કારણે એવી મહિલાની ઓળખ ભૂંસાઈ ગઈ જેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હતો અથવા જેમને કોઈ પારિવારિક નામ આપી દેવાતું, જેમ કે, આયા બર્ડ."

ફરહાના મામૂજી અને અન્યોને એવી આશા છે કે બ્લૂ પ્લાક મળવાના લીધે ભુલાઈ ગયેલી એ મહિલાઓની ચર્ચા વધશે.

તેમણે કહ્યું કે, "સાચી વાત તો એ છે કે એ મહિલાઓ આ સન્માનની અધિકારી છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો