કેજરીવાલની ગુજરાત મુલાકાતને લઈને ભાજપ અને આપ વચ્ચે જુબાની જંગ - પ્રેસ રિવ્યૂ

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવનિયુક્ત મુખ્ય મંત્રી ભગવંત માન બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે.

ત્યારે પત્રકારપરિષદમાં અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતને લઈને ગુજરાત સરકારના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીને પ્રશ્ન કરાયો હતો કે "કેજરીવાલ અત્યારે અમદાવાદમાં છે, ગુજરાતની મુલાકાતે છે, રોડ શો કરી રહ્યા છે."... સવાલને વચ્ચેથી કાપતાં જવાબમાં તેમણે કહ્યું, "આ પ્રવાસી લોકો છે. એક મોટા ગામના મેયર છે."

જિતુ વાઘાણીએ કહ્યું, "ગુજરાત છે, ગુજરાત તો બધાને વકારતું હોય છે, ગુજરાતમાં મહેમાન તરીકે સૌ આવે, તેને મહેમાન જ રાખવામાં છે અને ક્યારેય ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈને રાજ્યની જનતાએ પ્રેમ આપ્યો નથી. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અમને જ 2022માં પ્રેમ મળવાનો છે. આ પ્રવાસી લોકો છે, એક મોટા ગામના મેયર છે."

જિતુભાઈ આ વાક્યના પ્રયોગ પછી હળવું હસ્યા હતા.

આ કટાક્ષ સામે આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું, કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવ્યા હોય ત્યારે ગુજરાતની ભાજપ સરકારની એ જવાબદારી છે કે તેમનું ખેલદિલી સાથે સ્વાગત કરે. પરંતુ સત્તામાં ઘણાં વર્ષો પછી રહ્યા પછી સત્તાનો નશો ચડ્યો છે અને નશામાં જિતુ વાઘાણીએ એવું કહ્યુ કે મેયર કક્ષાના મુખ્ય મંત્રી આવ્યા છે. આ અહંકાર છે. મુખ્ય મંત્રી હંમેશાં મુખ્ય મંત્રી કક્ષાના જ હોય છે.

આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ કહ્યું, "જિતુ વાઘાણીએ નિમ્ન કક્ષાનું નિવેદન આપ્યું અને નિમ્ન કક્ષાની રાજનીતિ કરી છે. આટલો અહંકાર? ઇન્સાનને ઇન્સાન રહેવા દો. દરેકે પોતાનું સન્માન જાળવવું જોઈએ અને બીજાનું પણ સન્માન જાળવવું જોઈએ."

તેમણે ઉમેર્યું. "તમારામાં રઘવાટ હશે, ડર હશે તે સમજી શકાય છે. રાજનીતિમાં ખેલદિલી હોવી જોઈએ. કોઈને ઉતારી પાડવું એ ગુજરાતની સંસ્કૃતિ નથી. આ ગુજરાતની જનતાનું અપમાન છે. આટલો અહંકાર? ગુજરાતની જનતા આ અહંકારનો સમય આવ્યે જવાબ આપશે."

ઉલ્લેખનીય છે કે, કેજરીવાલ અને ભગવંત માને શનિવારે સવારે ગાંધીઆશ્રમની મુલાકાત લીધી હતી, જ્યાં બન્નેએ રેંટિયો પણ કાંત્યો હતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવનિયુક્ત મુખ્ય મંત્રી ભગવંત માન બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે.

કેજરીવાલ અને ભગવંત માને શનિવારે સવારે ગાંધીઆશ્રમની મુલાકાત લીધી હતી, જ્યાં બન્નેએ રેંટિયો પણ કાંત્યો હતો.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો, 12 દિવસમાં 7.20 રૂપિયાનો વધારો

શનિવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. આ વખતે બન્ને ઇંધણના ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે છેલ્લા 12 દિવસમાં આ 10મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

દસ દિવસ માટે ભાવ વધ્યા બાદ અત્યાર સુધી કુલ 7.20 રૂપિયાનો વધારો થયો છે.

સમાચાર એજન્સી એએનઆઈ મુજબ રાજધાની દિલ્હીમાં હવે પેટ્રોલની કિંમત 102.61 રૂપિયા અને ડીઝલ 93.87 રૂપિયા પ્રતિ લિટર પહોંચી છે.

જ્યારે મુંબઈમાં આ કિંમત ક્રમશઃ 117.57 રૂપિયા અને 101.79 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં શનિવારે ભાવમાં 85 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી પાંચ વર્ષમાં બમણી થઈ : કૅગ

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સબસિડી છેલ્લા પાંચ વર્ષમાં બમણી થઈ હોવાનું કૅગના તાજેતરના રિપોર્ટમાં સામે આવ્યું છે.

ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે વર્ષ 2016-17માં સરકાર દ્વારા સબસિડી પેટે 11,082 કરોડ રૂપિયા સબસિડી પેટે ફાળવવામાં આવ્યા હતા. જે વર્ષ 2020-21માં વધીને 22,141 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી.

વર્ષ 2019-20ની સરખામણીએ 2020-21માં 20 ટકાનો વધારો જોવા મળ્યો છે.

વર્ષ 2020-21માં સૌથી વધુ 9,178 કરોડ રૂપિયા સબસિડી ઊર્જા અને પેટ્રોકૅમિકલ્સ વિભાગને આપવામાં આવી હતી. આ કુલ સબસિડીના 41 ટકા ભાગ હતો.

જ્યારે કૃષિ ક્ષેત્રને કુલ સબસિડીમાંથી 10 ટકા ભાગ ફાળવવામાં આવ્યો હતો.

વડા પ્રધાન મોદીએ રશિયાના વિદેશમંત્રીને કહ્યું, યુક્રેનમાં હિંસા રોકવા અમે મધ્યસ્થી કરવા તૈયાર

રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે વડા પ્રધાન મોદી સાથે વાતચીત કરી હતી. જેમાં વડા પ્રધાને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે વાતચીતમાં મધ્યસ્થી કરવાની તૈયારી દર્શાવી હતી.

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે વડા પ્રધાન મોદી શુક્રવારે રશિયન વિદેશમંત્રીને મળ્યા હતા અને શાંતિવાર્તા માટે મધ્યસ્થીની તૈયારી દર્શાવી હતી.

છેલ્લા કેટલાક સપ્તાહ દરમિયાન રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં વડા પ્રધાન મોદીએ હિંસા છોડીને વાટાઘાટ દ્વારા સમસ્યાને ઉકેલવા માટે અપીલ કરી હતી.

રશિયાના વિદેશમંત્રી શુક્રવારે ભારતમાં એસ. જયશંકરને મળ્યા બાદ વડા પ્રધાન મોદીને મળ્યા હતા.

લાવરોવે વડા પ્રધાન મોદીને યુક્રેનની પરિસ્થિતિ અને છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી ઘટનાઓ અંગે માહિતી આપી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો