સિયાચીન : શું ભારત અને પાકિસ્તાન વિશ્વના સૌથી ઊંચા મોરચેથી સેના ખસેડશે?

    • લેેખક, અમ્માદ ખાલિખ
    • પદ, બીબીસી ઉર્દૂ

ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ હાલમાં જ એક નિવેદન આપ્યું છે કે ભારત સિયાચીન ગ્લેશિયર (જેને વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર માનવામાં આવે છે) પરથી સેનાને હઠાવવાનાં વિરોધમાં નથી.

આ નિવેદન બાદ ફરી એક વખત વિવાદ ઊભો થયો છે કે શું સિયાચીન ગ્લેશિયર ડિમિલિટરાઇઝ્ડ (જ્યાં સેનાની હાજરી ન હોય) ક્ષેત્ર બની શકે છે કે નહીં?

ગ્યારી સેક્ટરની એ જગ્યા, જ્યાં હિમસ્ખલનનાં કારણે 100થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા
ઇમેજ કૅપ્શન, ગ્યારી સેક્ટરની એ જગ્યા, જ્યાં હિમસ્ખલનનાં કારણે 100થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા

12 જાન્યુઆરીએ વાર્ષિક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરતી વખતે જનરલ મનોજ નરવણેએ કહ્યું કે ભારત સિયાચીન ગ્લેશિયર પરથી સેના હઠાવવાનાં વિરોધમાં નથી.

તેમણે કહ્યું કે, “અમે સિયાચીન ગ્લેશિયરને ડિમિલિટરાઇઝ્ડ ક્ષેત્ર બનાવવાનાં વિરોધમાં નથી, પરંતુ તેના માટે પહેલી શરત એ છે કે પાકિસ્તાને ઍક્ચ્યુઅલ ગ્રાઉન્ડ પોઝિશન લાઇન (એજીપીએલ)નો સ્વીકાર કરવો પડશે.”

line

ઍક્ચ્યુઅલ ગ્રાઉન્ડ પૉઝિશન લાઇન શું છે?

સિયાચીન ગ્લેશિયર
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાન અને ભારતીય સેનાઓ અહીં 35થી પણ વધારે વર્ષોથી આમનેસામને છે અને આ સમય દરમિયાન લગભગ ત્રણથી પાંચ હજાર સૈનિકો અને કરોડો ડૉલર્સ ગુમાવ્યા બાદ બન્ને દેશોનાં સૈન્ય અધિકારીઓ આ મોરચેથી વાપસી માટે રાજી થઈ રહ્યા નથી.(સિયાચીન ગ્લેશિયર)

ઍક્ચ્યુઅલ ગ્રાઉન્ડ પોઝિશન લાઇન (એજીપીએલ) એ રેખા છે, જે સિયાચીન ગ્લેશિયર પર પાકિસ્તાન અને ભારતીય સેનાની વર્તમાન સ્થિતિ વચ્ચે બનાવવામાં આવી છે. 110 કિલોમીટર લાંબી આ લાઇનની શરૂઆત ભારત અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરને વિભાજિત કરનારી લાઇન ઑફ કન્ટ્રોલના ઉત્તરમાં અંતિમ પૉઇન્ટથી થાય છે.

જનરલ નરવણેએ કહ્યું કે, “આ ઍક્ચ્યુઅલ ગ્રાઉન્ડ પોઝિશનની લાઇન છે. પાકિસ્તાનને એ સ્વીકાર કરવો પડશે કે તેમની પૉઝિશન શું છે અને અમારી પૉઝિશન શું છે અને કોઈ પણ પ્રકારનાં ડિસ-ઍન્ગેજમેન્ટ પહેલાં તેના પર સહમત થવું પડશે.”

તેમણે એમ પણ કહ્યું કે, આ સ્થિતિ એવી જ છે. જેનો સામનો ભારત પૂર્વ લદ્દાખમાં પણ કરી રહ્યું છે. “પહેલા તમારે ડિસ-ઍન્ગેજ થવું પડશે, ત્યાર બાદ ડિ-ઍસ્કેલેટ થવાની વાત થઈ શકે છે. જે ક્ષેત્રને ડિમિલિટરાઇઝ્ડ બનાવવાનું બીજું નામ છે. એજીપીએલને માન્યતા આપવી એ આ પ્રક્રિયાનું પહેલું પગેરું છે અને તે એવું કામ છે જેને પાકિસ્તાન પસંદ કરતું નથી.”

ભારતીય સેના પ્રમુખનાં આ નિવેદન પર પાકિસ્તાની સરકાર કે સેના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

line

બન્ને દેશો વચ્ચે એજીપીએલને લઈને શું વિવાદ છે?

સિયાચીન ગ્લેશિયર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જનરલ મનોજ નરવણેએ કહ્યું કે ભારત સિયાચીન ગ્લેશિયર પરથી સેના હઠાવવાનાં વિરોધમાં નથી. (સિયાચીન ગ્લેશિયર)

દુનિયાનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર કહેવામાં આવતું સિયાચીન ગ્લેશિયર વર્ષ 1984થી ભારત-પાકિસ્તાન વચ્ચે એક વિવાદિત ક્ષેત્ર છે.

ભારતનાં સેના પ્રમુખ જનરલ નરવણેએ નિવેદનમાં કહ્યું હતું કે, “નિયંત્રણ રેખા(એલઓસી)ને એનજે 9842 નામની જગ્યા સુધી નિર્ધારિત કરવામાં આવી છે અને પાકિસ્તાને આ જગ્યાની આગળ આવીને કબજો કરવાનો પ્રયત્ન કર્યો. જેના જવાબમાં તેમને કાર્યવાહી કરવી પડી.”

જોકે, પાકિસ્તાન સેનાનાં એક પૂર્વ મેજર જનરલ અને રક્ષા વિશ્લેષક એજાઝ અવાને બીબીસી ઉર્દૂને જણાવ્યું કે વર્ષ 1971ના યુદ્ધ બાદ બન્ને દેશો વચ્ચે નિયંત્રણ રેખાનાં ઉત્તરમાં અંતિમ પૉઇન્ટ એનજે 9847થી આગળનાં ક્ષેત્રમાં જમીન પર સીમાનું રેખાંકન કરવામાં આવ્યું નથી, પરંતુ સૈદ્ધાંતિક રીતે નકશા પર સહમતિ થઈ હતી અને તેની આગળનાં ક્ષેત્ર અંગે એમ જ માનવામાં આવે છે કે તેના પર કોઈ કબજો નહીં કરે.

સિયાચિન

ઇમેજ સ્રોત, PRASHANT PANJIAR

ઇમેજ કૅપ્શન, શું ભારત અને પાકિસ્તાન વિશ્વનાં સૌથી ઊંચા મોરચેથી સેના હઠાવશે?

તેઓ અનુસાર, વર્ષ 1982ના અંતમાં ભારતે તેનું ઉલ્લંઘન કરીને ત્યારે એ ક્ષેત્રો પર કબજો કરી લીધો હતો જ્યારે પાકિસ્તાન અમેરિકા સાથે મળીને અફઘાનિસ્તાન પર સોવિયત હુમલાની વિરુદ્ધ કામ કરવામાં વ્યસ્ત હતું.

મેજર જનરલ (સેવાનિવૃત્ત) એજાઝ અવાનનો દાવો છે કે ભારતે એ અવસરનો ફાયદો ઉઠાવ્યો હતો અને એ ઊંચા પહાડો પર અડિંગો જમાવી દીધો હતો અને ત્યારથી તેને ખાલી નથી કરી રહ્યું.

તેમના અનુસાર, ભારત સિયાચીન ક્ષેત્રમાં ઉત્તર-પશ્ચિમ તરફ વધવા માગતું હતું અને પાકિસ્તાન ઉત્તર-પૂર્વનાં શિખરો તરફ આગળ વધવા માગતું હતું.

જ્યારે બન્ને દેશો એકબીજા પર સિયાચીન ક્ષેત્ર પર કબજો કરવાની કોશિશનો આરોપ લગાવે છે તો આ સ્થિતિમાં આ વાતની કેટલી સંભાવના છે કે બન્ને દેશોની સેનાઓ સિયાચીન પરથી હઠી જશે?

line

શું સિયાચીન પરથી બન્ને દેશોની સેનાઓનું હઠવું સંભવ છે?

સિયાચીનમાં ભારત અને પાકિસ્તાન તેની સૈન્ય ઉપસ્થિતિ માટે મોટી રકમ ખર્ચ કરે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સિયાચીનમાં ભારત અને પાકિસ્તાન તેની સૈન્ય ઉપસ્થિતિ માટે મોટી રકમ ખર્ચ કરે છે

આ સવાલનો જવાબ આપતા મેજર જનરલ (સેવાનિવૃત્ત) એજાઝ અવાને કહ્યું કે જો ભારત તેને વિવાદિત ક્ષેત્રનાં રૂપમાં માન્યતા આપે છે અને વર્ષ 1982ની પૉઝિશન પર પરત જાય, તો આ વિષય પર વાત થઈ શકે છે.

મેજર જનરલ એજાઝ અવાને કહ્યું કે, “જોકે વર્તમાન સ્થિતિમાં ભારત તરફથી ભારત પ્રશાસિત કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા બાદ હવે આ વિવાદમાં માત્ર પાકિસ્તાન અને ભારત જ પક્ષકાર નથી, પરંતુ ચીન પણ આ વિવાદમાં ત્રીજા પક્ષકાર તરીકે સામેલ છે.”

તેઓ વધુમાં કહે છે કે, “ભારતે કાશ્મીરને પોતાનું ‘અભિન્ન અંગ’ ઘોષિત કર્યા બાદ ચીન સાથેની પોતાની વિવાદિત સીમા (જેને વાસ્તવિક નિયંત્રણ રેખા કહેવામાં આવે છે) ને આંતરરાષ્ટ્રીય સીમા ઘોષિત કરી દીધી છે. આ માટે આ તમામ ક્ષેત્રનું રેખાંકન કરીને ત્રણેય દેશોએ તેને સ્વીકારવું પડશે. આ સ્થિતિમાં સિયાચીનથી સેનાની વાપસી અત્યાર સુધી એક જટિલ પ્રક્રિયા બની ગઈ છે. જોકે, ભારતીય સેનાપ્રમુખનું નિવેદન સ્વાગત કરવા યોગ્ય છે. કારણ કે પાકિસ્તાન છેલ્લા ત્રણ દાયકાથી પણ વધારે સમયથી સિયાચીન ગ્લેશિયર પરથી સૈનિકોની વાપસી પર જોર આપી રહ્યું છે.”

સુરક્ષા વિશેષજ્ઞ અને વિશ્લેષક આમિર રાણાએ બીબીસીને જણાવ્યું કે, "ભારતીય સેના પ્રમુખનું નિવેદન સ્વાગત યોગ્ય છે, પરંતુ સિયાચીનથી સૈનિકોની વાપસીનું પ્રમાણ હાલમાં ઘણું ઓછું છે."

તેમનું કહેવું છે કે, "લાંબા સમયથી પાકિસ્તાન એ જ ચાહે છે, પરંતુ ભારતે જે શરતો મૂકી છે, તે આ પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી કરી શકે છે."

"ભારત તરફથી સ્પષ્ટ શરતો સામે આવ્યા બાદ જ તેના ભવિષ્ય અંગે નિર્ણય લેવાઈ શકે છે."

સિયાચિન

ઇમેજ સ્રોત, PRASHANT PANJIAR

ઇમેજ કૅપ્શન, કારાકોરમ પર્વતશ્રેણીમાં લગભગ 20 હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત સિયાચીન ગ્લેશિયરને દુનિયાનાં એક અનોખા યુદ્ધક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે.

રક્ષા વિશ્લેષક લૅફ્ટનન્ટ જનરલ (સેવાનિવૃત્ત) અમજદ શુએબનું કહેવું છે કે હાલની પરિસ્થિતિમાં પાકિસ્તાને સિયાચીન પરથી પરત ન ફરવું જોઈએ. આ વાપસી સંભવ તો છે, પરંતુ તેના માટે ભારતે ભરોસાનો માહોલ ઊભો કરવો પડશે.

તેમણે વધુમાં કહ્યું કે, “મને લાગે છે કે ત્યાંથી સૈનિકોની વાપસી હવે મુશ્કેલ છે. કારણ કે ભારત પર ભરોસો કરી શકાય તેમ નથી. ભારતે ભૂતકાળમાં આ ક્ષેત્રો પર કબજો કરી લીધો હતો અને આજે તે ચીનનાં હાથોમાં મુશ્કેલીમાં છે.”

મેજર જનરલ (સેવાનિવૃત્ત) એજાઝ અવાને કહ્યું કે, "આ પાકિસ્તાનને ત્યારે સ્વીકાર્ય થઈ શકે છે જ્યારે ભારત વર્ષ 1982ની પોતાની પૉઝિશન પર પરત જતું રહે."

તેઓ આગળ જણાવે છે કે, “મને લાગે છે કે ભારત સાથે કોઈ સહમતિ કે સમજૂતી કરતાં પહેલાં પાકિસ્તાને ચીનને વિશ્વાસમાં લેવું પડશે.”

તેમણે કહ્યું કે, “સિયાચીન પરથી સૈનિકોની વાપસી સંભવ છે, પરંતુ તેના માટે ત્રણેય દેશ ભારત, પાકિસ્તાન અને ચીને સહમતિ દર્શાવવી અનિવાર્ય છે અને હવે એ જોવાનું બાકી છે કે એ શરતો શું હશે. શરતો અને નિયમો સ્પષ્ટ કરવાની પણ આવશ્યક્તા છે.”

એજાઝ અવામે ટિપ્પણી કરતાં કહ્યું કે સિયાચીન દુનિયાનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર છે અને ત્યાં સૈનિકોને રાખવા બન્ને દેશો માટે ઘણા મુશ્કેલ અને ખર્ચાળ છે.

તેમના પ્રમાણે, "શિયાળામાં જ્યારે તાપમાન શૂન્યથી 50 ડિગ્રી સૅલ્સિયસ નીચે જતું રહે છે, તો ત્યાંથી બન્ને દેશોના સૈનિકોને નીકાળવાથી વધુ સારું કંઈ ના હોઈ શકે."

line

સિયાચીનથી સૈનિકોની વાપસીનો કોણે ફાયદો?

ગ્યારી સેક્ટરની એ જગ્યા જ્યાં હિમસ્ખલનને કારણે 140 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા
ઇમેજ કૅપ્શન, ગ્યારી સેક્ટરની એ જગ્યા જ્યાં હિમસ્ખલનને કારણે 140 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા

મેજર જનરલ (સેવાનિવૃત્ત) એજાઝ અવાન મુજબ હાલમાં ભારત તરફથી આ નિવેદન આવવાનો અર્થ એ છે કે, “ભારત પોતાના હિતમાં વિચારે છે.”

તેમનું કહેવું છે કે, "ચીન અને ભારત વચ્ચે ગલવાન ઘાટીના વિવાદ બાદ ભારત ત્યાંથી પોતાના લગભગ ત્રણ હજાર સૈનિકો નીકાળીને ન માત્ર આર્થિક રીતે બચત અંગે, પરંતુ તેમને ગલવાન સીમા પર તહેનાત કરીને પોતાની હાજરી વધારવાનું પણ વિચારી રહ્યું છે."

તેઓ વધુમાં કહે છે કે, “ગલવાન ઘાટીમાં ચીન સાથે સીમાવિવાદ બાદ ભારત ત્યાં પોતાની હાજરી વધારવા માગે છે, કારણ કે તેમને ડર છે કે જો ચીન ભવિષ્યમાં કોઈ હરકત કરશે તો તેનો બોજ ઉત્તરમાં ભારતીય સેના પર પડશે. એવામાં ભારત માટે આ એટલું હાથીને પહાડ પર ચઢાવવા જેટલું અઘરું હશે.”

રક્ષા વિશ્લેષક લૅફ્ટનન્ટ જનરલ (સેવાનિવૃત્ત) અમજદ શુએબે બીબીસીને જણાવ્યું કે, ”ભારત આજે પોતાના ફાયદા માટે સિયાચીનના ડિમિલિટરાઇઝેશનની વાત કરી રહ્યું છે, કારણ કે તેઓ લદ્દાખમાં ચીન સામે ફસાઈ ગયા છે.”

ભારતની સિયાચીનની એ ચોકી જ્યાં ગત વર્ષે બર્ફીલા તોફાનથી તબાહી મચી હતી, આ દુર્ઘટનામાં નવ સૈનિકો માર્યા ગયા હતા
ઇમેજ કૅપ્શન, ભારતની સિયાચીનની એ ચોકી જ્યાં ગત વર્ષે બર્ફીલા તોફાનથી તબાહી મચી હતી, આ દુર્ઘટનામાં નવ સૈનિકો માર્યા ગયા હતા

તેમનું કહેવું છે કે લદ્દાખ પણ સિયાચીન જેમ શીત અને ઊંચો મોરચો છે, તેથી ભારતને સમજાઈ ગયું છે કે તેણે ચીનની સામે ઊભા રહેવું પડશે અને બીજો પોતાનો ખર્ચ પણ બચાવવો પડશે.

તેમણે કહ્યું, "ભારત પોતાની શરતો પર વિશ્વના સૌથી મુશ્કેલ મોરચાથી છૂટકારો મેળવવા માગે છે."

તેમણે કહ્યું કે, "ભારત આ સમયે ફસાયેલું છે, તો પાકિસ્તાન ભારતને પાછળ ધકેલીને આ સ્થિતિનો ફાયદો ઉઠાવી શકે છે."

આમીર રાણાના કહેવા પ્રમાણે, "વર્તમાન સ્થિતિમાં તેનાથી ભારત અને પાકિસ્તાનને ફાયદો થશે સાથે જ ચીનને પણ આર્થિક રીતે ફાયદો થશે."

તેમનું કહેવું છે કે, "જ્યાં ભારત અને પાકિસ્તાનને ત્યાંથી તેમના સૈનિકો હઠાવીને આર્થિક લાભ થશે, ત્યારે ચીનને બૅલ્ટ ઍન્ડ રોડ પ્રોજેક્ટ હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરીને ફાયદો થશે."

"જો કે લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેના તણાવ બાદ ચીનની ભૂમિકા મુખ્ય થઈ ગઈ છે અને પાકિસ્તાન ચોક્કસપણે આ મામલે ચીનને વિશ્વાસમાં લેશે."

"ભારત-પાકિસ્તાનના સંબંધો અને અફઘાનિસ્તાનની પરિસ્થિતિ ચીનના બૅલ્ટ ઍન્ડ રોડ પ્રોજૅક્ટની સફળતામાં ખૂબ જ હસ્તક્ષેપ કરી રહી છે."

line

સિયાચીન વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર

સિયાચિન

ઇમેજ સ્રોત, PRASHANT PANJAR

કારાકોરમ પર્વતશ્રેણીમાં લગભગ 20 હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત સિયાચીન ગ્લેશિયરને દુનિયાનાં એક અનોખા યુદ્ધક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે.

પાકિસ્તાન અને ભારતીય સેનાઓ અહીં 35થી પણ વધારે વર્ષોથી આમનેસામને છે અને આ સમય દરમિયાન લગભગ ત્રણથી પાંચ હજાર સૈનિકો અને કરોડો ડૉલર્સ ગુમાવ્યા બાદ બન્ને દેશોનાં સૈન્ય અધિકારીઓ આ મોરચેથી વાપસી માટે રાજી થઈ રહ્યા નથી.

ભારત સરકારે વર્ષ 2018માં સંસદમાં જણાવ્યું હતું કે, વર્ષ 1984 બાદથી સરકારે સિયાચીન ગ્લેશિયર પર તહેનાત સૈનિકો માટે કપડાં અને પર્વતારોહણ ઉપકરણો ખરીદવા પાછળ 7,500 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો છે.

વર્ષ 1999માં પાકિસ્તાન અને ભારત વચ્ચે કારગિલની ઘટના બાદ સિયાચીન પણ તેનાથી પ્રભાવિત થયું હતું, પરંતુ વર્ષ 2003 સુધી પાકિસ્તાનનાં જનરલ પરવેઝ મુશર્રફ અને ભારતીય વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ વિશ્વાસ કાયમ રાખવા માટે સકારાત્મક પગલાં લીધાં હતાં અને તે વર્ષનાં અંતમાં જ એલઓસીની સાથે-સાથે સિયાચીન મોરચે યુદ્ધવિરામની સમજૂતી થઈ હતી.

ગ્યારી દુર્ઘટના બાદ પાકિસ્તાન સેનાના તત્કાલીન પ્રમુખ જનરલ અશફાક પરવેઝ કયાનીએ સિયાચીનમાંથી સૈનિકોની વાપસીની સલાહ આપી હતી

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ગ્યારી દુર્ઘટના બાદ પાકિસ્તાન સેનાના તત્કાલીન પ્રમુખ જનરલ અશફાક પરવેઝ કયાનીએ સિયાચીનમાંથી સૈનિકોની વાપસીની સલાહ આપી હતી

જોકે, સૈનિકોની વાપસી અને સીમાઓના રેખાંકનનો મામલો સંકેલાયો ન હતો.

એપ્રિલ 2012માં ગ્યારી ખાતે હિમસ્ખલન બાદ પાકિસ્તાન આર્મીનું એક બટાલિયન હેડક્વૉર્ટર બરફ હેઠળ દટાઈ ગયું હતું. જેમાં 140 સૈનિકો માર્યા ગયા હતા.

તે સમયે પાકિસ્તાનના તત્કાલિન આર્મી ચીફ જનરલ અશફાક પરવેઝ કયાનીએ સૈનિકો હઠાવવા અને સિયાચીન મોરચાને ખતમ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યાર બાદ તે જ વર્ષે બન્ને દેશોએ સંયુક્ત બેઠક કરી હતી, પરંતુ મામલો આગળ વધી શક્યો નહોતો.

સિયાચીનમાં દોઢ દાયકાથી વધુ સમયથી બંદૂકોની ગેરહાજરી હોવા છતાં બન્ને પક્ષોએ તેમની મૂળ સ્થિતિમાં કોઈ ફેરફાર દર્શાવ્યો નથી.

ભારત એ વાત પર અડગ રહ્યું છે કે સિયાચીનમાં તેમનાં સૈન્ય વર્ચસ્વ અને એજીપીએલને કાયદેસરની માન્યતા આપવામાં આવે અને તેને કોઈ પણ વાદવિવાદ વગર સ્વીકારવામાં આવે.

બીજી તરફ પાકિસ્તાનનું કહેવું છે કે શિમલા સમજૂતીનું પાલન કરવામાં આવે અને તેના અંતર્ગત સેનાની પૉઝિશન નિર્ધારિત કરવામાં આવે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો