India Vs NZ : ટી20 વર્લ્ડકપમાં ભારતની કપરી સ્થિતિ, ન્યૂઝીલૅન્ડે આઠ વિકેટથી હરાવ્યું

રવિવારે ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાયેલી મૅચમાં ભારતીય ટીમને હરાવી ન્યૂઝીલૅન્ડનો આઠ વિકેટથી વિજય થયો છે.

નોંધનીય છે કે ભારતીય ટીમ સાત વિકેટના નુકસાને 110 રન બનાવી શકી હતી.

આમ, ન્યૂઝીલૅન્ડની ટીમે 20 ઓવરમાં માત્ર 111 રનનો ટાર્ગેટ ચૅઝ કરવાનો હતો જે તેણે 15 ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

મૅચમાં શરૂઆતથી જ ન્યૂઝીલૅન્ડ ભારત પર હાવી હતું. પહેલાં શાનદાર બૉલિંગ અને પછી બૅટિંગના આધારે ન્યૂઝીલૅન્ડે ભારતને સરળતાથી હરાવી દીધું હતું.

નોંધનીય છે કે સેમિફાઇનલમાં જગ્યા બનાવવાના હેતુથી જોઈએ તો આ મૅચ ભારત અને ન્યૂઝીલૅન્ડ બંને માટે અતિમહત્ત્વપૂર્ણ હતી.

111 રનનો પીછો કરતા ન્યૂઝીલૅન્ડ તરફથી સૌથી વધારે 49 રન ડેરિલ મિચેલે બનાવ્યા.

કેન વિલિયમસન 33 બનાવીને નૉટ આઉટ રહ્યા અને માર્ટિન ગુપ્ટિલે 20 રન ફટકાર્યા.

ભારત તરફથી જસપ્રીત બુમરાહે બે વિકેટ લીધી.

ભારતીય બૅટ્સમૅને હતાશ કર્યા

ન્યૂઝીલૅન્ડે ટૉસ જીતી પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ક્રીઝ પર જીતના ઇરાદે ઊતરેલા ભારતીય ઑપનરોએ ફરી વાર પ્રશંસકોને નિરાશ કર્યા હતા.

કે. એલ. રાહુલ, ઇશાન કિશન, રોહિત શર્મા, વિરાટ કોહલી અને રિષભ પંત જેવા ધુરંધર બૅટ્સમૅન 20 રનનો આંકડો પણ પાર નહોતા કરી શક્યા. ગુજરાતી બૅટ્સમૅનની જોડી હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાએ અનુક્રમે 23 અને 26 રન બનાવ્યા હતા.

ન્યૂઝીલૅન્ડની બૉલિંગની વાત કરીએ તો ટ્રેન્ટ બૉલ્ટને ત્રણ, ઈશ સોઢીને બે, ટિમ સાઉધી અને એડમને એક-એક વિકેટ હાંસલ થઈ હતી.

બીજી તરફ લક્ષ્ય પાર પાડવા ઊતરેલા ન્યૂઝીલૅન્ડના ખેલાડીઓ શરૂઆતથી જ જીતનો મક્કમ ઇરાદો કરીને ક્રીઝ ઉપર ઊતર્યા હોય તેવું લાગી રહ્યું હતું.

સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે આ મૅચ ભારત અને ન્યૂઝીલૅન્ડ બંને માટે મહત્ત્વપૂર્ણ હતી.

ભારતીય ટીમે બે બદલાવ કર્યા હતા. સૂર્યકુમાર યાદવ અને ભુવનેશ્વર કુમારની જગ્યાએ ઇશાન કિશન અને શાર્દૂલ ઠાકુરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું .

પાકિસ્તાન સામેની મૅચમાં ભારત માટે રોહિત શર્મા અને કે એલ રાહુલ ઓપનિંગ કરવા આવ્યા હતા. જોકે ન્યૂઝીલૅન્ડની સામે રોહિત શર્મા મિડલ ઑર્ડરમાં રમવા આવ્યા.

પાકિસ્તાન સામેની મૅચમાં ઓપનર્સ કંઈ કમાલ દેખાડી શક્યા ન હતા અને ન્યૂઝીલૅન્ડ સામે પણ ઓપનર્સ કંઈ ખાસ કરી શક્યા નહોતા.

પાવર પ્લેની છ ઓવરમાં ભારતે 35 રન બનાવ્યા હતા પરંતુ બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા હતા.

કે.એલ.રાહુલ 18 રન બનાવીને આઉટ થયા ત્યારે ઇશાન કિશને ચાર રન બનાવ્યા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો