પ્રેમ માટે કરોડોનું રાજપાટ ઠુકરાવીને સામાન્ય પ્રેમી સાથે લગ્ન કરનારી રાજકુમારી

જાપાનનાં તત્કાલીન રાજકુમારી માકોએ તેમના ભૂતપૂર્વ સહાધ્યાયી કેઈ કોમુરો સાથે સગાઈની જાહેરાત 2017માં કરી ત્યારે જણાવ્યું હતું કે કેઈએ “સૂર્ય જેવા તેજસ્વી સ્મિત” સાથે તેમનું હૈયું જીતી લીધું છે.

માકો તથા કેઈની મુલાકાત પાંચ વર્ષ પહેલાં તેઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે થઈ હતી અને એ પછીના વર્ષે તેમણે લગ્નની ઈચ્છા જાહેર કરી હતી.

તેનો અર્થ એ હતો કે રાજકુમારી માકો સામાન્ય નાગરિક બની જશે, કારણ કે જાપાનમાં શાહી પરિવારની કોઈ મહિલા સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેણે શાહી દરજ્જો છોડવો પડે છે.

જાપાનમાં શાહી પરિવારની કોઈ મહિલા સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેણે શાહી દરજ્જો છોડવો પડે છે.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, જાપાનમાં શાહી પરિવારની કોઈ મહિલા સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેણે શાહી દરજ્જો છોડવો પડે છે.

તેમના સ્મિતે એક એવા દેશનું હૈયું જીતી લીધું હતું, જ્યાં રાજવી પરિવારના દરેક પગલાંને ઝીણવટપૂર્વક નાણવામાં આવે છે અને શાહી પરિવારના સભ્યો પરંપરાના રક્ષક બની રહે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

માકો અને કેઈ વિશેનું સઘન મીડિયા કવરેજ મોટા ભાગે હકારાત્મક રહ્યું હતું, પરંતુ તેમાં ઝડપભેર પરિવર્તન થયું હતું.

બે મહિના પછી, કોમુરોનાં માતા અને તેમના પૂર્વ મંગેતર વચ્ચેના કથિત નાણાકીય વિવાદ વિશેનો સૌપ્રથમ અહેવાલ પ્રકાશિત થયો હતો.

મંગેતરે દાવો કર્યો હતો કે કોમુરો અને તેમનાં માતા, તેમની પાસેથી લીધેલાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ રહ્યાં છે.

કોમુરોએ ભવિષ્યમાં નાણાકીય તકલીફનો સામનો કરવો પડશે કે કેમ, તેવો સવાલ પણ કેટલાકે કર્યો હતો. પરિણામે લોકોની ધારણા બદલાઈ હતી.

માકો અને કેઈને તેમના લગ્નસંબંધી વ્યવસ્થા કરવા માટે વધુ સમયની જરૂર છે એવી સત્તાવાર સ્પષ્ટતા સાથે લગ્ન મોકૂફ રાખવામાં આવ્યાં હતાં.

line

જાપાનના રાજકુમારીએ પરંપરા તોડી

માકોની કોમુરો સાથે સૌપ્રથમ મુલાકાત 2012માં વિદેશ જવાની યોજના ઘડતા વિદ્યાર્થીઓની એક મીટિંગમાં થઈ હતી.

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, માકોની કોમુરો સાથે સૌપ્રથમ મુલાકાત 2012માં વિદેશ જવાની યોજના ઘડતા વિદ્યાર્થીઓની એક મિટિંગમાં થઈ હતી.

હવે માકો કોમુરો નામે ઓળખાતાં ભૂતપૂર્વ રાજકુમારી વર્તમાન સમ્રાટના નાનાભાઈ પ્રિન્સ અકિશિનો અને તેમનાં પત્ની પ્રિન્સેસ કિકોનું પ્રથમ સંતાન છે.

માકોનો જન્મ 1991ની 23 ઑક્ટોબરે થયો હતો. પ્રારંભે તેમણે શાહી પરંપરાનું અનુસરણ કર્યું હતું અને કુલીન ગણાતી ગાકુશુઈન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. શાહી પરિવારના સભ્યો સામાન્ય રીતે આ સ્કૂલમાં જ અભ્યાસ કરતા હોય છે.

જોકે, યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આ સંસ્થા છોડીને માકોએ પરંપરા તોડી હતી. માકોએ ટોક્યોની ઇન્ટરનેશનલ ક્રિશ્ચિયન યુનિવર્સિટીમાં કળા તથા સાસ્કૃતિક વારસાનો અભ્યાસ કર્યો હતો અને એક વર્ષ ઍડિનબર્ગ યુનિવર્સિટીમાં પણ પસાર કર્યું હતું. બાદમાં તેમણે લૅસ્ટર યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને તે અનુભવ "અદ્ભૂત" હોવાનું માકોએ જણાવ્યું હતું.

જાપાનની ક્યોડો ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, માકોની નજીકનાં લોકો માકોને શાહી કર્તવ્યોનું પાલન કરીને પોતાની કારકિર્દી ઘડનારા એક સ્વતંત્ર તથા મૈત્રીપૂર્ણ મહિલા તરીકે ઓળખાવે છે.

કોમુરોનો જન્મ પણ 1991માં જ થયો છે અને માકોની કોમુરો સાથે સૌપ્રથમ મુલાકાત 2012માં વિદેશ જવાની યોજના ઘડતાં વિદ્યાર્થીઓની એક બેઠકમાં થઈ હતી.

કૌભાંડના સમાચાર વચ્ચે કોમુરો ફૉર્ધામ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરવા 2018માં ન્યૂયોર્ક ગયા હતા. માકો અને કોમુરોએ એકમેક સાથે ઈન્ટરનેટ મારફત સંપર્ક જાળવી રાખ્યો હતો.

કોમુરો ગયા સપ્ટેમ્બરમાં જ જાપાન પરત આવ્યા હતા અને તેમાં પણ વિવાદ સર્જાયો હતો. એ સમયે પોનીટેઈલ રાખતા કોમુરોએ કેઝ્યુઅલ વસ્ત્રો પહેર્યાં હતાં, જે કેટલાક લોકો માટે એ વાતનો પૂરાવો હતા કે કોમુરો તત્કાલીન રાજકુમારીને પરણવા લાયક વ્યક્તિ નથી.

line

રાજકુમારીએ શાહી લગ્નની પરંપરાઓનું પાલન પણ ટાળ્યું

પ્રિન્સેસ માકો

ઇમેજ સ્રોત, NORBERTO DUARTE

ઇમેજ કૅપ્શન, માકો અને કોમુરાની સૌપ્રથમ મુલાકાત યુનિવર્સિટીમાં 2012માં થઈ હતી

આખરે ઑક્ટોબરમાં કોમુરો અને માકોએ લગ્ન કર્યાં હતાં. માકોએ શાહી લગ્ન સંબંધી સામાન્ય પરંપરાનું પાલન કરવાનું ટાળ્યું હતું અને શાહી પરિવારની મહિલા સભ્ય લગ્ન બાદ ઘર છોડે ત્યારે તેને આપવામાં આવતા આશરે તેર લાખ ડૉલર સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો.

આ રીતે માકોએ શાહી પરંપરામાંથી બીજી વખત ચીલો ચાતર્યો હતો અને આવું કરનારા સૌપ્રથમ મહિલા બન્યાં હતાં.

જોકે, નાણાકીય વિવાદના કેન્દ્રમાંના આશરે 35,000 ડૉલર લૉન નહીં, પણ ભેટસ્વરૂપે આપવામાં આવ્યા હતા અને પોતે તેની ચૂકવણી કરશે, તેવી ચોખવટ છતાં કોમુરોની નાણાકીય સ્થિતિ વિશેના સવાલો યથાવત છે.

તેમનાં લગ્નના દિવસે કમસેકમ એક વિરોધપ્રદર્શન યોજાયું હતું, જેમાં "આપણા પરિવારની રક્ષા કરો" અને "શાહી પરિવાર જાપાનનો આત્મા છે" એવું દર્શાવતા પોસ્ટરો જોવા મળ્યાં હતાં.

'ઇમ્પીરિયલ હાઉસહોલ્ડ એજન્સી'ના જણાવ્યા મુજબ, પ્રચૂર પ્રેસ કવરેજ તેમજ સોશિયલ મીડિયા પર સતત થઈ રહેલા આક્રમણની અસર માકોની માનસિક સ્થિતિ પર થઈ છે અને હાલ તેઓ પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસોર્ડરથી પીડાઈ રહ્યાં છે.

લગ્ન બાદ પોતાના પતિ સાથેની પત્રકારપરિષદમાં માકોએ જણાવ્યું હતું કે કોમુરો વિશેના "ખોટા" અહેવાલોને કારણે તેઓ "ભય, તાણ અને વિષાદ" અનુભવી રહ્યાં છે.

માકોએ કહ્યું હતું કે "કેઈ મારા માટે મૂલ્યવાન છે. અમારે મન લગ્ન, એકમેકને ચાહવાની સાથે જીવન જીવવાનો અનિવાર્ય વિકલ્પ છે."

લગ્ન પહેલાં પોતાની પોનીટેઈલ કપાવી ચૂકેલા કોમુરોએ તેમનાં પત્નીના રક્ષણની અને તેમનો આધાર બની રહેવાની પ્રતિજ્ઞા કરી હતી. તેમણે કહ્યું હતું કે "હું માકોને પ્રેમ કરું છું. હું જેને પ્રેમ કરું છું તેની સાથે જ આખું જીવન જીવવા ઈચ્છું છું."

કોમુરો અમેરિકામાં વકીલ તરીકે કામ કરે છે અને નવદંપતિ અમેરિકામાં સ્થાયી થશે તેવી અપેક્ષા છે. માકો અને કોમુરાના લગ્નની સરખામણી બ્રિટનના રાજવી પરિવારના પ્રિન્સ હૅરી તથા મૅઘન મર્કલનાં લગ્ન સાથે કરવામાં આવી રહી છે.

માકો અને કોમુરાને "જાપાનનાં હૅરી અને મૅગન" એવું હુલામણું નામ પણ મળ્યું છે.

રોઈટર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, માકો ભાવિ જીવનની તૈયારી માટે થોડો સમય ટોક્યોમાં જ રહેશે. એ તૈયારીમાં પોતાના જીવનના સૌપ્રથમ પાસપોર્ટ માટે અરજી કરવાના કામનો સમાવેશ થાય છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો