અફઘાનિસ્તાનમાં દાનિશ સિદ્દીકીની હત્યા પહેલાં અને એ પછી શું થયું હતું?

ઇમેજ સ્રોત, ANADOLU AGENCY/GETTY
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતીય ફોટો જર્નલિસ્ટ દાનિશ સિદ્દીકીની તાજેતરમાં અફઘાનિસ્તાનમાં કરાયેલી હત્યાથી તેમનો પરિવાર, દોસ્તો અને સમગ્ર વિશ્વની પત્રકાર આલમ ગૂંચવાયેલાં છે.
વારંવાર એવો સવાલ કરવામાં આવી રહ્યો છે કે 16 જુલાઈએ કેવા સંજોગોમાં દાનિશની હત્યા કરવામાં આવી હતી?
દાનિશના મૃત્યુ પહેલાં અને પછી શું થયું હતું એ સમજવા માટે બીબીસીએ કાબુલ, કંદહાર અને સ્પિન બોલ્ડકમાંના અધિકારીઓ, પત્રકારો તેમજ સ્થાનિક લોકો સાથે વાત કરી હતી.
એ પૈકીના ઘણા લોકોએ સલામતીના કારણસર પોતાની ઓળખ જાહેર નહીં કરવા જણાવ્યું હતું.
સ્પિન બોલ્ડક પાકિસ્તાનની પાસે આવેલું એક નાનકડું શહેર છે. તાલિબાન અને અફઘાનિસ્તાનના સરકારી સૈન્ય વચ્ચેની લડાઈ સંબંધે અફઘાન સૈન્ય સાથે રિપોર્ટિંગ માટે સ્પિન બોલ્ડક જતાં પહેલાં દાનિશ કંદહારના ગવર્નરની ઑફિસે ગયા હતા.
દાનિશ, કંદહારના ગવર્નર અને બીજા લોકોને સલામતીના કારણસર જણાવવામાં આવ્યું હતું કે બધાએ ઑફિસમાં જ રહેવું જોઈએ. કંદહારના ગવર્નરના પ્રવક્તા બહીર અહમદીએ પુલિત્ઝર પુરસ્કારવિજેતા દાનિશ સિદ્દીકી સાથે ગવર્નરની ઑફિસમાં ત્રણ દિવસ પસાર કર્યા હતા.
એ સમયને યાદ કરતાં બહીર અહમદીએ કહે છે, "એ દિવસો સલમાન ખાનના ટીવી શો બિગ બૉસ જેવા હતા. અમે એક ઘરમાં, એક જ ઓરડામાં સમય પસાર કર્યો હતો."
બહીર અહમદીના જણાવ્યા મુજબ, "દાનિશ એક બહાદુર વ્યક્તિ, એક બહાદુર ફોટોગ્રાફર હતા. તેમના જેવું કોઈ ન હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગવર્નરની ઑફિસમાં પસાર કરેલા ત્રણ દિવસમાં તેઓ સાથે જમ્યા હતા, સાથે રહ્યા હતા.
બહીર અહમદી કહે છે, "મેં અને દાનિશે અફઘાનિસ્તાન, કંદહાર અને દેશની વર્તમાન હાલત વિશે ચર્ચા કરી હતી. અમે પાક્કા દોસ્ત બની ગયા હતા. તેમની સાથે પસાર કરેલો સમય મને હંમેશાં યાદ રહેશે."
દાનિશ સિદ્દીકી અફઘાન સૈન્યની એક ટુકડી સાથે હતા ત્યારે તાલિબાન ઉગ્રવાદીઓએ તેમના પર હુમલો કર્યો હતો.

મૃતદેહોનું 'પ્રદર્શન'

ઇમેજ સ્રોત, Getty Images
કંદહારથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલા સ્પિન બોલ્ડકના બહારના વિસ્તારમાં કરવામાં આવેલા હુમલામાં દાનિશ સિદ્દીકીની સાથે બે અફઘાન સૈનિકો પણ માર્યા ગયા હતા.
મૃતકોમાં અફઘાન સ્પેશિયલ ફોર્સિસના કમાન્ડર સેદીક કરઝઈનો પણ સમાવેશ થતો હતો.
અધિકારીઓ અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, એ ત્રણેયને 16 જુલાઈની સવારે આઠથી નવ વાગ્યા દરમિયાન ઠાર કરવામાં આવ્યા હતા.
સ્પિન બોલ્ડકના એક રહેવાસીએ બીબીસીને જણાવ્યું હતું કે તાલિબાન ઉગ્રવાદીઓ ત્રણેયના મૃતદેહોને ત્યાંના એક ચોકમાં લઈ આવ્યા હતા અને મૃતદેહોનું 'પ્રદર્શન' કર્યું હતું તથા હવામાં ગોળીબાર કર્યો હતો.
તેમના જણાવ્યા મુજબ, બપોરે બારેક વાગ્યે તેઓ પોતે ચોકમાં પહોંચ્યા ત્યાં સુધીમાં દાનિશના મૃતદેહને વિકૃત કરી નાખવામાં આવ્યો હતો.
સ્પિન બોલ્ડરના રહેવાસીએ એવું પણ જણાવ્યું હતું કે મૃતદેહોને જોવા માટે અનેક લોકો એકઠા થયા હતા. એ પૈકીના કોઈએ તેમને એવું જણાવ્યું હતું કે તાલિબાન ઉગ્રવાદીઓએ બખ્તરિયા મોટરકારથી દાનિશના ચહેરાને કચડી નાખ્યો હતો.
એ વ્યક્તિએ ઉમેર્યું હતું કે પોતે એક ભારતીય જાસૂસને પકડી પાડ્યો છે અને તેની હત્યા કરી છે એવું તાલિબાન ઉગ્રવાદીઓ ત્યારે કહેતા હતા. તેઓ અત્યારે પણ એવું કહી રહ્યા છે. જોકે, તાલિબાને દાનિશ સિદ્દીકીની હત્યાનો ઇનકાર કર્યો છે.
દાનિશ સમાચાર સંસ્થા રૉયટર્સ માટે કામ કરતા હતા. રૉયટર્સે તેના અહેવાલમાં તાલિબાનના પ્રવક્તા જબીહ-ઉલ્લાહ મુજાહિદને એવું કહેતા ટાંક્યા હતા કે જે જગ્યાએ "ભીષણ લડાઈ" થઈ હતી ત્યાં એક પત્રકાર રિપોર્ટિંગ કરતો હતો તે તાલિબાન જાણતા ન હતા અને દાનિશ સિદ્દીકીની હત્યા કેવી રીતે થઈ એ હજુ સ્પષ્ટ નથી.

મૃતદેહો માટે માથાકૂટ

ઇમેજ સ્રોત, DANISH SIDDIQUI/INSTAGRAM
બહીર અહમદીના જણાવ્યા મુજબ, શરૂઆતમાં તાલિબાન મૃતદેહોની સોંપણી કરવા તૈયાર ન હતા. તેમને એ માટે "રાજી કરવા પડ્યા હતા." અફઘાન સરકારના આગ્રહથી રેડ ક્રૉસની એક ટીમે મૃતદેહોને સ્પિન બોલ્ડકથી કંદહારની મીરવાઇસ હૉસ્પિટલે પહોંચાડ્યા હતા.
હૉસ્પિટલના એક અધિકારીએ કહ્યું હતું, "અમને દાનિશનો મૃતદેહ મળ્યો ત્યારે તેનો ચહેરો વિકૃત થઈ ગયો હતો. તેમની ઓળખ કરવાનું મુશ્કેલ હતું."
એ અધિકારીના જણાવ્યા મુજબ, દાનિશના મૃતદેહને બીજા દિવસે સવારે ફૉરેન્સિક તપાસ માટે હવાઈ માર્ગે કાબુલ લઈ જવામાં આવ્યો હતો.
બહીર અહમદી અને કંદહારની હૉસ્પિટલમાં ત્રણેય મૃતદેહોના નિહાળી ચૂકેલા એક પત્રકારના જણાવ્યા મુજબ, સેદીક કરઝઈના ચહેરાને વિકૃત કરવામાં આવ્યો ન હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અમને દાનિશના મૃતદેહની ફૉરેન્સિક તપાસનો રિપોર્ટ મળી શક્યો નથી, પરંતુ કંદહારના એ પત્રકારના જણાવ્યા મુજબ, તેમને દાનિશની ગરદનની નીચે ગોળીના કોઈ નિશાન જોવાં મળ્યાં ન હતાં. દાનિશના મૃતદેહને વિકૃત કરવા સંબંધી કેટલાક મીડિયા રિપોર્ટ્સ બાબતે પણ તાલિબાને હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી. તાલિબાને એવું કર્યું હોય તો પણ તેનું કોઈ કારણ સ્પષ્ટ નથી.
અફઘાન જર્નલિસ્ટ્સ સેફટી કમિટીના પ્રમુખ નજીબ શરીફી કહે છે, "જે રીતે દાનિશના મૃતદેહને વિકૃત કરવામાં આવ્યો હતો એ નિંદનીય છે."
નજીબ શરીફીના કહેવા મુજબ, "એવું કરવાનાં બે કારણ હોઈ શકે. એક, તેઓ પત્રકાર હતા અને બીજું, તેઓ ભારતીય હતા."
તાલિબાન માટે દાનિશ સિદ્દીકી ક્યા દેશના નાગરિક છે એ શોધવાનું મુશ્કેલ ન હતું. દાનિશ ટ્વિટર પર બહુ સક્રિય હતા અને તેમની પાસે પાસપોર્ટ તથા મીડિયા સંબંધી તમામ દસ્તાવેજો પણ જરૂર હશે.
વાસ્તવમાં દાનિશ સિદ્દીકીએ તેમની હત્યાના થોડા કલાકો પહેલાં જ ઘટનાસ્થળેથી લડાઈની પરિસ્થિતિ બાબતે ટ્વીટ પણ કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

16 જુલાઈએ શું થયું હતું?

ઇમેજ સ્રોત, BAHIR AHMADI
બહીર અહમદી 16 જુલાઈની સવારે કંદહારના ગવર્નરની ઑફિસમાં હતા. તેમના સાથે ગવર્નર ઉપરાંત લશ્કરી કમાન્ડર પણ હતા. તેઓ અફઘાન સૈન્યની કાર્યવાહી પર નજર રાખી રહ્યા હતા.
અફઘાન સ્પેશિયલ ફોર્સિસના કમાન્ડર સેદીક કરઝઈ ઑફિસની એક વ્યક્તિને લડાઈની વાસ્તવિક પરિસ્થિતિ બાબતે સતત અપડેટ આપી રહ્યા હતા અને તે વ્યક્તિ ઑફિસમાં બેઠેલા લોકોને અપડેટ આપી રહી હતી.
એ સમયને યાદ કરતાં બહીર અહમદી કહે છે, "એ સમયે લડાઈની સ્થિતિ હતી. સેદીકે અમને જણાવ્યું હતું કે અફઘાન સૈન્ય આગળ વધી રહ્યું છે અને તાલિબાનોને ખતમ કરી રહ્યું છે. તેઓ સારું કામ કરી રહ્યા છે. એ સમાચારથી બધાનો જુસ્સો બુલંદ હતો."
"અલબત્ત, એ પછી એવા સમાચાર આવ્યા હતા કે સેદીક કરઝઈનો ફોન મારફત સંપર્ક સાધી શકાતો નથી. થોડી મિનિટોમાં જ ખબર પડી હતી કે તેઓ માર્યા ગયા છે અને તેમનો મૃતદેહ તાલિબાનના કબજામાં છે."
બહીર અહમદી ઉમેરે છે, "સેદીક કરઝઈ અમારા ઉત્તમ યોદ્ધાઓ પૈકીના એક હતા. પાછલાં 20 વર્ષની લડાઈમાં તેમણે તેમના પરિવારના 13 સભ્યોને ગુમાવ્યા હતા."
થોડા સમયમાં જ દાનિશ સિદ્દીકી પણ માર્યા ગયાના સમાચાર આવ્યા હતા.

ઇમેજ સ્રોત, DANISH SIDDIQUI/INSTAGRAM
બહીર અહમદીના કહેવા મુજબ, "ગવર્નર, કમાન્ડર્સ બધા મુશ્કેલીમાં હતા. હજુ થોડા સમય પહેલાં તો અમે દાનિશ સાથે લંચ અને ડિનર કર્યું હતું."
"દાનિશ માર્યા જશે એવું અમે ક્યારેય વિચાર્યું ન હતું, કારણ કે સેદીક કરઝઈનો વિજય થશે તેની અમને ખાતરી હતી."
દાનિશ સિદ્દીકીનું મોત કયા કારણસર થયું હતું તેની પુષ્ટિ કરવાનું મુશ્કેલ છે, કારણ કે એ મિશન પછી જીવંત હોય એવા એકેય અફઘાન સૈનિક વિશે અમારા પાસે કોઈ જાણકારી નથી.
એક ધારણા એવી છે કે એ બધા લોકો પર છુપાઈને અથવા આરપીજીથી હુમલો કરવામાં આવ્યો હશે અને તેમાં બધા માર્યા ગયા હશે.
બીજી ધારણા એવી છે કે તેમની બખ્તરિયા ગાડી તાલિબાનના હુમલાને કારણે નકામી થઈ ગઈ હશે, તાલિબાને તેમને ઘેરી લીધા હશે અને તેમને ગાડીમાંથી બહાર કાઢીને ઠાર કર્યા હશે.
સ્પિન બોલ્ડકના એક રહેવાસીના જણાવ્યા મુજબ, તેમનું ઘર દાનિશ સિદ્દીકીની જ્યાં હત્યા કરવામાં આવી હતી તે સ્થળથી બહુ નજીક છે. તેઓ ઘરમાં હતા ત્યારે તેમણે ગોળીબારના અવાજ સાંભળ્યા હતા.
"એ સ્થળે એટલો જોરદાર ગોળીબાર થયો હતો કે અમે ગભરાઈ ગયા હતા."
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક ફોટોગ્રાફમાં દાનિશનો મૃતદેહ જમીન પર રખાયેલો જોવા મળે છે અને તેમનો ચહેરો પણ બરાબર છે.
કંદહારના એક પત્રકારે સ્પિન બોલ્ડકના રહેવાસીઓનો હવાલો આપીને જણાવ્યું હતું કે ત્રણેયની હત્યા બાદ તાલિબાન બખ્તરબંધ ગાડી લઈને ચાલ્યા ગયા હતા. થોડી વારમાં તેઓ પાછા ફર્યા હતા અને તેમણે માત્ર દાનિશના મૃતદેહ પર જ ગાડી ચલાવી હતી.

રેડ ક્રૉસની ટીમ મૃતદેહ લેવા પહોંચી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
અધિકારીઓ અને સ્પિન બોલ્ડકમાંના લોકો સાથેની વાતચીતમાંથી એવા સંકેત મળે છે કે રેડ ક્રૉસની ટીમ ત્રણેયના મૃતદેહોને લઈને કંદહાર હૉસ્પિટલે ન પહોંચી ત્યાં સુધી ત્રણેય મૃતદેહો સ્પિન બોલ્ડકના ચોકમાં મોડી બપોર કે સાંજ સુધી જમીન પર જ પડ્યા રહ્યા હતા.
સ્પિન બોલ્ડકના જ એક અન્ય રહેવાસીના જણાવ્યા મુજબ, એક ભારતીય પત્રકારના હત્યા કરવામાં આવી હોવાનું તેમને બીજી વ્યક્તિએ સ્થાનિક મીડિયાના સમાચારના આધારે જણાવ્યું હતું. તેઓ મૃતદેહો રાખવામાં આવ્યા હતા એ ચોકમાં બપોરે ચારેક વાગ્યે પહોંચ્યા હતા.
તેમણે કહ્યું હતું, "શહેરના એ ચોકમાં અનેક લોકો એકઠા થયા હતા."
પાકિસ્તાનની એકદમ નજીક આવેલા સ્પિન બોલ્ડક શહેર પર હાલ તાલિબાનનો કબજો છે.
મીડિયા અહેવાલોમાં જણાવ્યા અનુસાર, તાલિબાને નવા વિસ્તારમાં નવા કરની વસૂલી શરૂ કરી છે અને તેઓ સીમા પાર જતા માલસામાન પર કર વસૂલી રહ્યા છે.
રૉયટર્સે 17 જુલાઈએ પ્રકાશિત એક અહેવાલમાં જણાવ્યું હતું કે "શુક્રવારની લડાઈનું રિપોર્ટિંગ કરતી વખતે તેમના (દાનિશ) હાથમાં છરા ઘૂસી ગયા હતા. તેમની સારવાર કરવામાં આવી હતી અને પછી તાલિબાન ઉગ્રવાદીઓએ સ્પિન બોલ્ડકની લડાઈમાં પીછેહઠ કરી હતી, એવું દાનિશે સમાચાર સંસ્થાને જણાવ્યું હતું"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
એક સ્થાનિક કમાન્ડરને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે તાલિબાને ફરી હુમલો કર્યો ત્યારે દાનિશ સિદ્દીકી દુકાનદારો સાથે વાતચીત કરી રહ્યા હતા.
સ્થાનિક પત્રકારોએ એવો સવાલ કર્યો હતો કે દાનિશ સિદ્દીકી ઘાયલ થયા હોવા છતાં તેમને એ વિસ્તારમાં જ શા માટે રાખવામાં આવ્યા હતા?
અફઘાન જર્નલિસ્ટ્સ સેફટી કમિટીના પ્રમુખ નજીબ શરીફી કહે છે, "(રૉયટર્સને તેમની ઈજા બાબતે ખબર પડી ત્યારે) રૉયટર્સે દાનિશને ત્યાંથી સલામત સ્થળે લઈ જવા જોઈતા હતા."
બીબીસીને મોકલેલા એક નિવેદનમાં રૉયટર્સે જણાવ્યું હતું કે "અમારા સાથી દાનિશ સિદ્દીકીના મૃત્યુનું અમને બહુ જ દુઃખ છે. દાનિશના મૃત્યુનું કારણ જાણવા માટે અમે તથ્યોની તપાસ કરી રહ્યા છીએ."
નજીબ શરીફી કહે છે, "અમે એ જાણવાના પ્રયાસ કરી રહ્યા છીએ કે દાનિશને બંદી બનાવીને તેમની હત્યા કરવામાં આવી હતી કે પછી તેમનું મોત ગોળીબારમાં થયું હતું."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













