રશિયામાં 28 લોકોને લઈને જઈ રહેલું વિમાન ગાયબ

રશિયાના પૅટ્રોપાવ્લોસ્ક-કામચાત્સકાયથી પાલના ગામ જઈ રહેલું એએન-26 ઍરક્રાફ્ટ ગાયબ થયું છે. આ વિમાનમાં 22 મુસાફરો અને ક્રૂના છ સભ્યો છે, વિમાનમાં કુલ 28 લોકો સવાર હતા.

ઇમરજન્સી બાબતોના મંત્રાલયના સ્થાનિક વિભાગે જણાવ્યું કે તારીખ છ જુલાઈની સાંજે વિભાગને જાણ થઈ હતી કે એએન-26 ઍરક્રાફ્ટ નિશ્ચિત સમયે પહોંચી શક્યું નથી અને તેનો સંપર્ક સાધવાના પ્રયત્ન કર્યા તો પણ સંપર્ક થઈ શક્યો નથી.

પ્રાથમિક વિગતો અનુસાર 22 મુસાફરોમાંથી બે મુસાફર 12 વર્ષથી નાની ઉંમરના છે. જોકે ટ્રાન્સપોર્ટ પ્રૉસિક્યૂશન ઑફિસે દાવો કર્યો છે કે આ વિમાનમાં 23 મુસાફર હતા.

કામચાત્કા વિસ્તારની સરકારી પ્રેસ સર્વિસે જણાવ્યું હતું કે વિમાનના ક્રૂ સાથે સંપર્ક થઈ શક્યો ન હતો અને રડાર પરથી પણ ગાયબ થયું હતું.

તપાસ એજન્સીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે પાલનાની આસપાસની કોલસાની ખાણ પાસે તપાસ કરાઈ રહી છે ત્યાં ક્રેશ થયું હોવાની સંભાવના છે.

સ્થાનિક સરકારી પ્રેસ દ્વારા કહેવામાં આવ્યું કે એન-26ના માર્ગે એક વિમાન અને બે હેલિકૉપ્ટર મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત દરિયામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો