છ વર્ષની એ બાળકી જે ઇઝરાયલના ઘાતક હુમલામાં જીવતી બચી ગઈ

ઇમેજ સ્રોત, Reuters
સુઝી એશકુંતાનાનું ઘર ગાઝામાં તારીખ 16 મેના રોજ ઇઝરાયલના એક હુમલામાં પડી ગયું હતું.
સુઝી અને તેમના પિતા આ હુમલામાં બચી ગયાં, પરંતુ તેમનાં માતા અને ચાર ભાઈ-બહેનો બચી ન શક્યાં.

ઇમેજ સ્રોત, Reuters
પેલેસ્ટાઇની બાળકી સુઝીનું ઘર ગાઝામાં આવેલું હતું. તારીખ 16 મેના ઇઝરાયલના એક હુમલામાં તેમનું ઘર ધ્વસ્ત થઈ ગયું હતું.
ગાઝાના અધિકારીઓનું કહેવું છે કે ઇઝરાયલના હુમલામાં ગાઝામાં 232 લોકોમાં મૃત્યુ પામ્યાં, જેમાં 100 બાળ અને મહિલાઓ છે.

ઇમેજ સ્રોત, Reuters
ઇઝરાયલનો દાવો હતો કે તે ગાઝા પટ્ટી પર નિયંત્રણ ધરાવતા ઇસ્લામિક જૂથ હમાસ પર હુમલો કર્યો અને આ કાર્યવાહીમાં 150 ચરમપંથીઓ માર્યા ગયા.

ઇમેજ સ્રોત, Reuters
છ વર્ષીય સુઝીનું ઘર એ વિસ્તારમાં આવેલું હતું જ્યાં હમાસની ટનલ સિસ્ટમ પર ઇઝરાયલે હુમલો કર્યો હતો.
ઇઝરાયલનું કહેવું છે કે "આ ટનલના પડી ભાંગવાથી તેની પર બનેલાં મકાનો પણ તૂટી પડ્યાં હતાં અને અનિચ્છનીય નાગરિક જાનહાનિ થવા પામી હતી."

ઇમેજ સ્રોત, Reuters
સુઝીનું ઘર હુમલામાં પડી ભાંગતા, ડઝનબંધ બચાવકર્મીઓ, પોલીસ અધિકારીઓ, સંબંધીઓ અને પાડોશીઓ ઘટનાસ્થળ પર ભેગા થઈ ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કલાકો સુધી સુઝીના પરિવારમાંથી બચેલા સભ્યોને બહાર કાઢવા માટે પ્રયત્ન રહ્યા હતા.
કલાકો સુધી મથ્યા બાદ બચાવકર્મીઓએ જ્યારે અંદર જીવતાં બચી ગયેલાં સભ્યોની ભાળ મેળવી તો ચારે તરફ "અલ્લાહૂ-અકબર"ના નારા ગૂંજી ઊઠ્યા.

ઇમેજ સ્રોત, Reuters
કાટમાળની ધૂળમાં ઢંકાયેલી સુઝીને જ્યારે બહાર કાઢવામાં આવી ત્યારે તે ખૂબ નબળી થઈ ગઈ હતી. છ વર્ષની આ બાળકી કલાકો સુધી પોતાના તૂટલા ઘરના કાટમાળમાં ફસાયેલી રહી હતી અને જ્યારે તેને બહાર કાઢવામાં આવી ત્યારે તેનાં આંસુ રોકાતાં નહોતાં.
તરત તેને ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ જવામાં આવી. હૉસ્પિટલમાં ઈજાગ્રસ્તોની ભીડ લાગેલી હતી અને સ્વજનોના ખબર પૂછવાવાળા લોકો ઊમટી પડ્યા હતા.
ડૉક્ટરોનું કહેવું છે કે સુઝીના ચાર વર્ષનો ભાઈ આ હુમલામાં મૃત્યુ પામ્યો છે. સુઝીને હૉસ્પિટલ પહોંચાડવામાં આવી, તેની થોડી જ મિનિટો પછી સુઝીના એક અન્ય ભાઈ અને બે બહેનોના મૃતદેહો હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Reuters
હૉસ્પિટલમાં લાવ્યા પછી થોડી વારમાં જ્યારે સુઝીએ આંખો ખોલી ત્યારે ડૉક્ટરોના જીવમાં જીવ આવ્યો. ડૉક્ટરોને ખુશી હતી કે તેમની પાસે સુઝીને બચાવવાનો મોકો છે.
તેને તરત જ એક્સ રે માટે લઈ જવામાં આવી, ડૉક્ટરોનું કહેવું છે કે તેને નાની મોટી ઈજા થઈ છે, કોઈ મોટી ઈજા નથી થઈ.

ઇમેજ સ્રોત, Reuters
સુઝીના પિતા રિયાદ એશકુન્તાનાને પણ બચાવી શકાયા હતા.
તેમણે કહ્યું કે તેમને લાગ્યું હતું કે તેમનો પરિવાર સુરક્ષિત છે, કારણ કે એ ઇમારતમાં ડૉક્ટરો પણ રહેતા હતા અને તેમણે બધાં બાળકોને એક સુરક્ષિત રૂમમાં છુપાવી દીધાં હતાં.
તેમણે કહ્યું, "મેં મારા દીકરા ઝૈનને ડેડી-ડેડી કહેતા સાંભળ્યો હતો. તેનો અવાજ બરાબર સંભળાતો હતો. પરંતુ હું પાછળ વળીને જોઈ ન શક્યો, કારણ કે હું દબાયેલો હતો."

ઇમેજ સ્રોત, Reuters
રિયાદ હૉસ્પિટલમાં પોતાની એકમાત્ર બચેલી પુત્રીને મળ્યા હતા.
હુમલાને યાદ કરતા તેઓ કહે છે, "હું મારી પુત્રીઓને જોવા માટે દોડ્યો. મારાં પત્ની કૂદી પડ્યાં અને છોકરીઓને રૂમમાંથી બહાર લઈ ગયાં, પછી બીજો ધડાકો થયો."
"હું પડી ગયો. મકાનની છત પડી ગઈ અને હું કાટમાળમાં દબાઈ ગયો. મારાં પત્નીની આખરી ક્ષણો મેં જોઈ હતી, તે જમીન પર પડી ગયાં અને તેમના માથા પર છત પડી ગઈ. અમને નહોતું લાગતું કે છત અને દીવાલો આ રીતે પડી જશે."

ઇમેજ સ્રોત, Reuters
પરિવારમાં પત્ની અને ચાર બાળકોને ગુમાવી ચૂકેલા રિયાદનું કહેવું છે કે તેઓ જીવવા જ નહોતા માગતા, પરંતુ પછી તેમને હૉસ્પિટલમાં તેમની એકમાત્ર બચી ગયેલી પુત્રી મળી.
"મને સંસાર પર ગુસ્સો આવતો હતો પરંતુ જ્યારે મને ખબર પડી કે મારી એક દીકરી જીવે છે તો મે અલ્લાહનો આભાર માન્યો."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












