કોરોના બાદ અમેરિકાએ પ્રથમ વખત પોતાનાં દ્વાર વિદેશીઓ માટે ખુલ્લાં મૂક્યાં TOP NEWS
20 મહિના બાદ પહેલી વખત અમેરિકાએ બંને વૅક્સિન લીધી હોય તેવા વિદેશી મુલાકાતીઓ માટે દેશના દરવાજા ખોલી નાખ્યા છે.
હવે યુકે, કૅનેડા અને યુરોપિયન દેશો સહિત 30 જેટલા દેશ માટે અમેરિકાએ પોતાના દરવાજા ખોલી નાખ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, અમેરિકા જવા માગતા પ્રવાસીઓએ બંને વૅક્સિન લીધેલી હોવી જોઈએ; છેલ્લા ત્રણ દિવસમાં તેમનો કોરોનાનો ટેસ્ટ થયેલો હોવો જોઈએ, જેનો રિપોર્ટ નૅગેટિવ હોવો જોઈએ. આ ઉપરાંત પ્રવાસીએ સંપર્કની માહિતી પણ આપવાની રહેશે.
એવું માનવામાં આવે છે કે અમેરિકાની સરકારના આ પગલાથી પર્યટનઉદ્યોગને વેગ મળશે તથા મોટા પાયે ઍરલાઇન્સ કંપનીઓ માટે માગ ઊભી થશે.
કોરોનાના કારણે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રતિબંધ લાદ્યા હતા.
વર્ષ 2020ના પ્રારંભમાં અમેરિકાએ શરૂઆતમાં ચીનથી આવતા મુસાફરો માટે અને પછી અન્ય દેશોના મુલાકાતીઓ માટે પણ નિષેધાત્મક આદેશ લાગુ કરી દીધા હતા.

ગુજરાતનાં દોઢ લાખથી વધુ બાળકો અતિકુપોષણથી પીડિત, મોદી સરકારનો સ્વીકાર

ઇમેજ સ્રોત, Getty Images
દેશમાં 33 લાખ 23 હજાર બાળકો કુપોષણથી પીડિત છે, જેમાંથી 17 લાખ 76 હજાર જેટલાં બાળકો અતિકુપોષણથી પીડિત છે. આ યાદીમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને બિહાર ટોચ ઉપર છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી આરટીઆઈ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) અરજીનો જવાબ આપતાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના મહિલા અને બાળવિકાસ મંત્રાલયે આ વાતનો સ્વીકાર કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જવાબ મુજબ ગુજરાતમાં ત્રણ લાખ 20 હજાર બાળકો કુપોષણથી પીડિત છે, જેમાંથી એક લાખ 65 હજાર બાળકો ભારે કુપોષણથી પીડિત છે, જ્યારે એક લાખ 55 હજાર જેટલાં બાળકો આંશિક રીતે કુપોષણથી પીડિત છે. ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે છે.
ચાર લાખ 58 હજાર ગંભીર તથા એક લાખ 57 હજાર આંશિક કુપોષણપીડિત બાળકોની સાથે મહારાષ્ટ્ર આ યાદીમાં ટોચ ઉપર છે. જ્યારે પોણા પાંચ લાખ બાળકો સાથે બિહાર સમગ્ર દેશમાં બીજા ક્રમે છે.
દેશની તમામ આંગણવાડીને પોષણ ટ્રૅકર ઍપ્લિકેશન દ્વારા જોડવામાં આવી છે, જેમાં બાળકોના આરોગ્ય અંગેની માહિતી સીધી જ દાખલ કરવામાં આવે છે, જેના આધારે આ માહિતી એકઠી કરવામાં આવી હતી.

આર્યનખાને NCBના સમન્સ ટાળ્યા

ઇમેજ સ્રોત, Getty images
ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસમાં ફિલ્મઅભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાને કેન્દ્રીય તપાસ એજન્સી એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો) દ્વારા પાઠવવામાં આવેલા સમન્સને ટાળ્યા હતા.
એનસીબીની એસઆઈટી (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)એ રવિવારે હાજર રહેવા માટે આર્યન ખાનને જણાવ્યું હતું, પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા.
હિંદુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે આર્યન ખાન તરફથી જણાવવામાં આવ્યું હતું કે તેમને તાવ જેવું છે એટલે તેઓ હાજર નહીં રહી શકે.
ઉલ્લેખનીય છે કે ગત મહિને ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી.
તેઓ લગભગ 25 દિવસ જેટલો સમય જેલમાં રહ્યા હતા અને બૉમ્બે હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતા.

નોટબંધી છતાં રોકડના વ્યવહાર વધ્યા

ઇમેજ સ્રોત, Getty Images
પાંચ વર્ષ અગાઉ આઠમી નવેમ્બરના રોજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ચલણમાં રહેલી રૂપિયા 500 તથા રૂપિયા એક હજારની નોટોને અમાન્ય ઠેરવી દેવામાં આવી હતી.
એ સમયે સરકાર દ્વારા એવું કારણ આપવામાં આવ્યું હતું કે તેનાથી કાળાનાણા, આતંકવાદ, નક્સલવાદ તથા અન્ય અસામાજિક પ્રવૃત્તિઓમાં રોકડ નાણાકીય હેરફેર ઉપર લગામ લાગશે.
જોકે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના આંકડાને ટાંકતાં એનડીટીવીનો રિપોર્ટ જણાવે છે, કે ચાર નવેમ્બર 2016ના દિવસે (નોટબંધી જાહેર કરવામાં આવી તેના અમુક દિવસ પૂર્વે) દેશમાં કુલ રૂપિયા 17 લાખ 74 હજાર કરોડની નોટો ચલણમાં હતી. જે હાલમાં (29મી ઑક્ટોબરના રોજ) 29 લાખ 17 હજાર ઉપર પહોંચી ગઈ છે, જે 64 ટકાનો જંગી ઉછાળો સૂચવે છે.
ગત વર્ષે ઑક્ટોબર મહિનામાં આ આંક લગભગ ચાર લાખ 57 હજાર જેટલો હતો.
નોટબંધી વખતે ડિજિટલ વ્યવહાર કરવાની વાતને પણ મહત્ત્વ અપાઈ રહ્યું હતું. જોકે, ઉપરનો આંક જણાવે છે કે સરકારનું ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહિત કરવાનું લક્ષ્ય હાંસલ થઈ શક્યું નથી.

'કેન્દ્ર સરકાર કૂતરું મરે તો શોક કરે...'

ઇમેજ સ્રોત, Getty Images
મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકનું કહેવું છે કે કેન્દ્ર સરકાર દ્વારા કૂતરું મરે તો શોક વ્યક્ત કરવામાં આવે છે, પરંતુ 600 જેટલા ખેડૂતનાં મૃત્યુ થવા છતાં તે ત્રણ કૃષિકાયદા વિશે પુનર્વિચાર કરવા તૈયાર નથી.
'ઇન્ડિયા ટુડે'ના રિપોર્ટ મુજબ, મલિકે રવિવારે જયપુર ખાતે આયોજિત એક સામાજિક મેળાવડાને સંબોધિત કરતી વખતે આ વાત કહી હતી. મલિકે કહ્યું હતું કે "સત્તામાં રહેલા લોકો મદમાં છે, પરંતુ આવતીકાલે કંઈ પણ થઈ શકે છે."
મલિકે ઉમેર્યું હતું કે જો કેન્દ્ર સરકારને તેમનાં નિવેદનોથી વાંધો હોય તો તેઓ પળભરમાં રાજ્યપાલપદેથી રાજીનામું આપી દેવાય તૈયાર છે.
મલિકે નવી દિલ્હીમાં સૅન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની ટીકા કરતાં કહ્યું હતું કે નવી સંસદની ઇમારત બાંધવાના બદલે નવી વિશ્વકક્ષાની કૉલેજ બાંધવી જોઈએ. મલિક જમ્મુ-કાશ્મીર ઉપરાંત ગોવાના રાજ્યપાલપદે રહી ચૂક્યા છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI














