જેરૂસલેમ અલ-અક્સા મસ્જિદ : ફરીથી હિંસક અથડામણ, ગાઝાથી રૉકેટ હુમલો

જેરૂસલેમમાં પેલેસ્ટાઇનવાસીઓ અને ઇઝરાયલની પોલીસ વચ્ચે ફરીથી હિંસક અથડામણ થઈ છે. જેરૂસલેમમાં પેલેસ્ટાઇનવાસીઓ અને ઇઝરાયલ પોલીસ વચ્ચેની હિંસક અથડામણ અને તણાવ વચ્ચે ગાઝામાંથી રૉકેટ હુમલો કરવામાં આવ્યો છે.

આ રૉકેટ હુમલામાં કોઈ ઈજાના સમાચાર નથી. આ હુમલો તરફ જેરૂસલેમ પર કરવામાં આવ્યો છે. હુમલાને પગલે ઇઝરાયેલ પાર્લામેન્ટને ખાલી કરી દેવામાં આવી છે.

ગાઝાના હમાસ સત્તાધિકારીઓએ અનેક ઇઝરાયલ પોલીસ સાથેની અથડામણમાં અનેક પેલેસ્ટાઇનવાસીઓ ઈજાગ્રસ્ત થયા બાદ હુમલાની ચેતવણી આપી હતી.

શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી તણાવ છે અને ઇઝરાયેલ પોલીસ સાથે અલ-અક્સા મસ્જિદ પરની અથડામણમાં 300થી વધારે પેલેસ્ટાઇનવાસીઓ ઈજાગ્રસ્ત થયાં છે.

કહેવામાં આવી રહ્યું છે જૂનાં શહેરમાં અલ-અક્સા મસ્જિદ પાસે પેલેસ્ટાઇનવાસીઓએ ઇઝરાયેલના સુરક્ષાદળો પર પથ્થરબાજી કરી અને તેનાં જવાબમાં એમણે ભીડ પર ગ્રૅનેડ ચલાવ્યા.

આ ઘટના જેરૂસલેમમાં યહૂદીઓની નેશનાલિસ્ટ માર્ચ અગાઉ બની છે અને તેને લીધે વિસ્તારમા તણાવ વધી ગયો છે.

સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી હિંસામાં 20થી વધારે ઇઝરાયેલી પોલીસકર્મી અને સેંકડો પેલેસ્ટાઇનવાસીઓ ઘાયલ થયાં છે.

અનુમાન છે કે સોમવારે જેરૂસલેમ દિવસ નિમિત્તે થનારી ફ્લેગ માર્ચ દરમિયાન શહેરમાં વધારે હિંસા થઈ શકે છે.

જેરૂસલેમ દિવસ 1967માં ઇઝરાયેલ દ્વારા પૂર્વ જેરૂસલેમ પર કબજો કરવામાં આવ્યો તેની યાદમાં મનાવવામાં આવે છે અને આ પ્રસંગે યહૂદી યુવાનો મુસ્લિમ વિસ્તારોમાંથી એક સરઘસ કાઢે છે.

અનેક પેલેસ્ટાઇનવાસીઓ તેને જાણી જોઈને ઉશ્કેરવા માટે કરવામાં આવતી હરકત માને છે. અનેક વાર આવા આયોજનમાં હજારોની ભીડ જોવા મળી છે.

આ અવસરે યહૂદી લોકો જૂનાં જેરૂસલેમસ્થિત વેસ્ટર્ન વૉલ સુધી માર્ચ કરે છે. વેસ્ટર્ન વૉલને યહૂદીઓમાં એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે.

સોમવારે ઇઝરાયેલની સુપ્રીમ કોર્ટમાં એક બેદખલીની આદેશ સામે 70થી વધારે લોકોની અપીલ પર સુનાવણી થવાની હતી જેને હાલની હિંસાની ઘટનાઓ બાદ સ્થગિત કરી દેવામાં આવી છે.

હાલની હિંસક ઘટનાઓ અલ-અક્સા મસ્જિદ પરિસરની પાસે થઈ છે જે જૂનાં જેરૂસલેમ શહેરમાં આવેલી છે.

આ મસ્જિદને મુસલમાનોની સૌથી પવિત્ર જગ્યા પૈકી એક માનવામાં આવે છે. જોકે, યહૂદીઓ આને ટૅમ્પલ માઉન્ટ કહે છે અને યહૂદીઓ માટે પણ આ એક મહત્ત્વનું ધર્મસ્થળ ગણાય છે.

સમાચાર સંસ્થા એએફપી અનુસાર ઇઝરાયલી પોલીસે ભીડ પર ટિયરગૅસ અને રબર બુલેટનો પ્રયોગ કર્યો હતો.

હિંસાની શરૂઆત શનિવારે થઈ

શનિવારે હજારો મુસ્લિમ અલ-અક્સા મસ્જિદના દમાસ્કસ ગેટની પાસે લાયલાત-અલ-કદર એટલે રમઝાનની સૌથી પવિત્ર રાતે પ્રાર્થના માટે એકઠા થયા.

શનિવારે સવારે ઇઝરાયલની પોલીસે મસ્જિદની તરફ જતી હજારો બસોને રસ્તામાં રોકી લીધી હતી.

27 વર્ષના મહમૂદ અલ મરબુઆએ સમાચાર એજન્સી રૉયટર્સને કહ્યું, "તેઓ અમને નમાઝ નથી પઢવા દેવા માગતા. દરરોજ લડાઈ થાય છે, દરેક દિવસે લડાઈ થાય છે."

શું છે વિવાદ?

અલ-અક્સા મસ્જિદ પરિસર જૂના જેરૂસલેમ શહેરમાં આવેલી છે અને તેને મુસ્લિમોની સૌથી પવિત્ર જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે. પરંતુ આ જગ્યા પર યહુદીઓનું પવિત્ર મંદિર માઉન્ટ ટૅમ્પલ પણ આવેલું છે.

અહીં પહેલાં પણ હિંસા થતી રહી છે.

શુક્રવારે રાત્રે રમઝાનના છેલ્લા શુક્રવારના અવસરે હજારો લોકો અહીં એકઠા થયા, જે પછી હિંસા શરૂ થઈ.

શુક્રવારનો દિવસ છેલ્લાં અનેક વર્ષોમાં હિંસાની બાબતમાં સૌથી ખરાબ દિવસમાંથી એક રહ્યો.

1967માં મધ્ય પૂર્વ યુદ્ધ પછી ઇઝરાયલે પૂર્વ જેરૂસલેમ પર નિયંત્રણ મેળવી લીધું હતું અને તે આ શહેરને પોતાની રાજધાની માને છે. જોકે આંતરરાષ્ટ્રીય સમુદાય આનું સમર્થન કરતું નથી.

પેલેસ્ટાઇન પૂર્વ જેરૂસલેમને ભવિષ્યના એક આઝાદ દેશની રાજધાની તરીકે જુએ છે.

છેલ્લા કેટલાક દિવસોથી વિસ્તારમાં તણાવ વધ્યો છે. આરોપ છે કે જમીનના આ ભાગ પર હક મેળવવા માટે ઇઝરાયલ પેલેસ્ટાઇનના લોકોને અહીંથી હઠાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

ઑક્ટોબર 2016માં સંયુક્ત રાષ્ટ્રની સાંસ્કૃતિક શાખા યુનેસ્કોના કાર્યકારી બોર્ડે એક વિવાદિત પ્રસ્તાવ પસાર કરીને કહ્યું હતું કે જેરુસલેમમાં રહેલી ઐતિહાસિક અલ-અક્સા મસ્જિદ પર યહુદીઓનો કોઈ દાવો નથી.

યુનેસ્કોની કાર્યકારી સમિતિએ આ પ્રસ્તાવ પાસ કર્યો હતો.

આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે અલ-અક્સા મસ્જિદ પર મુસ્લિમોનો અધિકાર છે અને યહુદીઓ સાથે તેનો કોઈ ઐતિહાસિક સંબંધ નથી.

યહૂદી તેને ટૅમ્પલ માઉન્ટ કહી રહ્યા છે અને યહૂદીઓ માટે આ એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ માનવામાં આવે છે.

અનેક દેશોએ ચિંતા વ્યક્ત કરી

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે તેમનો દેશ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે જવાબદારી સાથે કામ કરી રહ્યો છે.

પેલેસ્ટાઇનના નેતા મહમૂદ અબ્બાસે આ વાતની ટીકા કરતા ઇઝરાયલના આ હુમલાને 'ગુનો' કહ્યો છે.

અમેરિકા, યુરોપીય સંઘ, રશિયા અને સંયુક્ત રાષ્ટ્રે શનિવારે વધી રહેલી હિંસા પર 'આકરી ચિંતા' વ્યક્ત કરી છે.

તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને ઇઝરાયલના વલણની નિંદા કરી છે.

તેમણે એક ટ્વીટ કર્યું, "અમે અલ-અક્સા મસ્જિદ પર ઇઝરાયલના જઘન્ય હુમલાની નિંદા કરીએ છીએ, જોકે દુર્ભાગ્યપૂર્ણ રીતે દરેક રમજાન દરમિયાન આવું કરવામાં આવે છે. તુર્કી પોતાનાં પેલેસ્ટાઇનિયન ભાઈઓ અને બહેનોની સાથે મુશ્કેલ સમયમાં ઊભું રહેશે."

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ હિંસાની નિંદા કરતાં લખ્યું :

"અલ-અક્સા મસ્જિદ જેના પર ઇઝરાયલે કબજો કરી રાખ્યો છે, ત્યાં નિર્દોષ લોકો પર રમઝાનના મહિનામાં હુમલાની નિંદા કરું છું."

"આ પ્રકારની ક્રૂરતા માનવતા અને માનવઅધિકારના કાયદાઓની ભાવનાની વિરુદ્ધમાં છે. અમે પેલેસ્ટાઇનની સાથે ઊભા છીએ."

સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતે પણ હિંસાની નિંદા કરી

સમાચાર સંસ્થા રૉયટર્સ પ્રમાણે, સાઉદી અરેબિયાના વિદેશમંત્રીએ 'અલ અરેબિયા ચેનલ'ને આપેલા નિવેદનમાં કહ્યું, "સાઉદી અરેબિયા ઇઝરાયલ દ્વારા અનેક પેલેસ્ટાઇન પરિવારોને તેમના ઘરોથી બહાર કાઢવાની યોજનાને રદબાતલ કરે છે."

આરબ રાષ્ટ્રોએ આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે તે આ ઘટનામાં રસ દાખવે, જેથી આ વિસ્તારમાંથી કોઈને હઠાવવામાં ન આવે.

સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે ઇઝરાયલે કોઈને પણ ત્યાંથી હઠાવવાથી બચવું જોઈએ અને પ્રદર્શનકારીઓની સામે 'બળ પ્રયોગમાં વધારે સંયમ' રાખવો જોઈએ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો