વિટામિન D કોરોના વાઇરસ સામે લડવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે?

- લેેખક, એમિલી થૉમ્સન અને સાઇમન ટ્યુલેટ
- પદ, બીબીસી, ધ ફૂડ ચેઈન
વિટામિન ડી આપણા હાડકાં, દાંત અને સ્નાયુઓને મજબૂતી આપે છે અને તેમને તંદુરસ્ત રાખે છે તે વાત જાણીતી છે. પરંતુ હવે વૈજ્ઞાનિકો માને છે કે રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ વિટામિન ડી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેથી કોવિડ-19 જેવા વાઈરસનો સામનો કરવામાં તે ઉપયોગી બની શકે છે.
વિટામિન ડી શું છે?
વિટામિન ડીને સામાન્ય રીતે 'સનશાઈન વિટામિન' તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે એકમાત્ર એવું પોષકતત્વ છે જે તમારી ત્વચા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે પેદા થાય છે.
રિસર્ચ અનુસાર તે તમારી ચયાપચય (મેટાબોલિઝમ) પ્રક્રિયામાં પ્રવેશે, ત્યારે તે કેલ્શિયમ અને ફોસ્ફેટને શોષવામાં મદદ કરે છે. તંદુરસ્ત દાંત, સ્નાયુઓ અને હાડકાં માટે આ પોષકતત્વો જરૂરી છે.
બાયૉમેડિકલ અભ્યાસ પરથી જાણવા મળે છે કે સુક્તાન (રિકેટ્સ), હાડકાં પોચા થઈ જવાં (ઓસ્ટિયોમેલેસિયા) અને હાડકાં નબળા પડી જવાં (ઓસ્ટિયોપોરોસિસ) જેવી હાડકાંની બીમારીઓ થવા માટે શરીરમાં વિટામિન ડીની ઉણપ જવાબદાર હોય છે.
પરંતુ આયર્લૅન્ડની યુનિવર્સિટી કૉલેજ કૉર્ક ખાતે વિટામિન ડી, ન્યુટ્રીશન અને હાડકાંની તંદુરસ્તીના નિષ્ણાત પ્રોફેસર કૅવિન કૅશમૅન જણાવે છે કે "વિટામિન ડીના બીજા ફાયદા પણ છે." તેઓ કહે છે કે "આ વિટામિનની ઉણપ હોય તો ચેપ અને સોજાનું જોખમ વધી જાય છે. હાલના વર્ષમાં આ બંને બાબતો અત્યંત મહત્ત્વની છે."
તેઓ કહે છે કે, "છેલ્લા બે દાયકામાં એવું દર્શાવતા પુરાવા મળ્યા છે કે વિટામિન ડી આપણા હાડપિંજર બહાર પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે."
"વિટામિન ડી રોગપ્રતિકારકતંત્રનું નિયમન કરવામાં મદદ કરે છે."

વિટામિન ડી કોવિડ-19 જેવા વાઈરસનો સામનો કરવામાં ઉપયોગી બની શકે?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર કૅશમૅન જણાવે છે કે વિટામિન ડીની ઓછા પ્રમાણમાં ઉણપ હોય તો પણ કાર્ડિયોવેસ્ક્યુલર બીમારીઓ, ડાયાબિટિસ, ચોક્કસ પ્રકારના કેન્સર, ચેપી બીમારીઓ અને કેટલીક સોજાને લગતી બીમારીઓનું જોખમ વધી જાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ શું વિટામિન ડી અને કોવિડ વચ્ચે કોઈ સીધો સહસંબંધ છે?
પ્રો. કેશમેન જણાવે છે કે, વૈજ્ઞાનિકોની સમીક્ષા અનુસાર "વિટામિન ડીની ઉણપ અને કોવિડની આપણા શરીર પર અસર વચ્ચે સીધો સંબંધ જોવા મળે છે. પરંતુ હાલના તબક્કે હજુ એવા નક્કર પુરાવા નથી મળ્યા કે કોવિડને અટકાવવા કે તેની સારવાર માટે પણ વિટામિન ડીના સપ્લિમેન્ટની ભલામણ કરી શકાય."
જોકે, વૈજ્ઞાનિકો માને છે કે આ અંગે યોગ્ય દિશામાં સંશોધન આગળ વધી રહ્યું છે અને હાલની મહામારીના કારણે વિટામિન ડીની ઉણપથી થતી સમસ્યાઓ સૌના ધ્યાનમાં આવી છે.
"હાલમાં એક સર્વાનુમત એવો છે કે આ બાબતના પુરાવા પૂરતા મજબૂત નથી. પરંતુ આ અંગે પરીક્ષણો ચાલે છે અને નવા પુરાવા પણ મળી રહ્યા છે. કોવિડ-19 હજુ માત્ર એક વર્ષ જૂનો છે. તેથી તેનો ડેટા એકત્ર કરવામાં થોડો સમય લાગશે."
"રસપ્રદ વાત એ છે કે વિટામિન ડીની ઉણપથી શ્વસનતંત્રને લગતી બીમારીઓ, ફ્લૂ, શરદી વગેરે થાય છે તે વાત તમે સ્વીકારશો કે નહીં."
"આપણે જાણીએ છીએ કે આપણા શરીરને સૌથી પહેલાં હાડકાંની મજબૂતી માટે વિટામિન ડીની જરૂર પડે છે. તેથી જો તે શ્વસનને લગતી બીમારીઓ સામે રક્ષણ આપવાનું કામ કરે તો તે વધારાનો ફાયદો ગણાશે."

વિટામિન ડી ક્યાંથી મેળવી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર કૅશમૅન જણાવે છે કે વિટામિન ડીનો સૌથી મોટો સ્રોત સૂર્યપ્રકાશ છે. પરંતુ તેમાં કેટલો જથ્થો પ્રાપ્ત થશે તેનો આધાર આપણી ત્વચા પર રહેલો છે.
તમે વિશ્વમાં કઈ જગ્યાએ રહો છો અને હવામાન કેવું છે તેના પર સૂર્યપ્રકાશનો આધાર છે.
આપણે વિષુવવૃત્તથી જેટલા નજીક જઈએ તેટલા પ્રમાણમાં સૂર્યપ્રકાશ વધી જાય છે અને તમને વધારે વિટામિન ડી મળે છે. જોકે, ભારત અને આફ્રિકાના કેટલાક દેશોમાં પુષ્કળ સૂર્યપ્રકાશ મળતો હોવા છતાં ત્યાં વિટામિન ડીની ઉણપ પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આવું શા માટે?
પ્રો. કૅશમૅન કહે છે કે, "તેના સાંસ્કૃતિક કારણો હોઈ શકે. લોકો ધાર્મિક કારણોથી શરીર ઢાંકતા હોય, તે મુજબના કપડાં પહેરતા હોય અથવા લોકો ગરમીથી બચવા માટે તડકામાં બહાર નીકળતા ન હોય."
પોતાની દલીલના સમર્થનમાં પ્રોફેસર બીજાં કારણોને પણ ટાંકે છે, જેમ કે પ્રદૂષણના કારણે સૂર્યપ્રકાશ અવરોધાતો હોય અથવા લોકો શહેરી વિસ્તારમાં વસતા હોય.
ત્વચાનો રંગ પણ તેમાં ભૂમિકા ભજવે છે. યુરોપિયન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત ડેટા પ્રમાણે યુરોપના 12 ટકા લોકો વિટામિન ડીની ઉણપ ધરાવે છે. પરંતુ કેટલાક યુરોપિયન દેશોમાં ચોક્કસ વંશીય જુથોનો અભ્યાસ કરવામાં આવે તો "આ આંકડો બમણો અથવા ઘણી વખત ત્રણ ગણો થઈ જાય છે" કારણ કે મૅલેનિન નામનું તત્વ કુદરતી રીતે સૂર્યપ્રકાશને અટકાવે છે.

આપણા આહારમાં વિટામિન ડી કઈ રીતે મેળવી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
સદનસીબે ખોરાક દ્વારા વિટામિન ડીનો વૈકલ્પિક સ્રોત પૂરો પાડી શકાય છે. તે ઑઇલી ફિશ, રેડ મીટ, ઈંડાંની જરદી (પીળો ભાગ) અને ડેરીનાં ઉત્પાદનોમાંથી મળી શકે છે. પરંતુ મોટા ભાગના લોકો માટે માત્ર ખોરાક દ્વારા પૂરતા પ્રમાણમાં વિટામિન ડી લેવું મુશ્કેલ હોય છે.
પ્રો. કૅશમૅન જણાવે છે કે, "વિટામિન ડીથી ભરપૂર મોટા ભાગના ખાદ્યપદાર્થો પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે. સામાન્ય વાત કરીએ તો વનસ્પતિમાં કોઈ વિટામિન ડી હોતું નથી. તેથી જે લોકો માત્ર શાકાહાર કરે છે અથવા જેમને વિટામિન ડીથી ભરપૂર ખોરાક ખરીદવો પોસાતો નથી તેમના માટે જોખમ રહે છે."
મોંગોલિયામાં આવી જ સ્થિતિ છે. બીબીસીના ફૂડ ચેઇન પ્રોગ્રામ હેઠળ અહીં કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે પુખ્ત વયના 70થી 80 ટકા લોકો અને 90 ટકા બાળકોમાં વિટામિન ડીની ઉણપ છે.
મોંગોલિયા ખાતે ક્રિસ્ટિના નોબલ ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશન ખાતે ઑપરેશન્સ મૅનેજર અમેરા બોર જણાવે છે કે, "ગરીબ વર્ગના લોકો માટે વિટામિન ડીથી ભરપૂર ખોરાક બહુ મોંઘો પડે છે. જોકે, સરકારે ઘઉંના લોટમાં વિટામિન ડી ઉમેરવાની યોજના જાહેર કરી છે. ઘઉં સૌથી વધુ ખાવામાં આવે છે અને મોટા ભાગના લોકો સુધી વિટામિન ડી પહોંચાડવા માટે આ શ્રેષ્ઠ રસ્તો છે."

તમે વધારે પડતું વિટામિન ડી મેળવો એવું બની શકે?

ઇમેજ સ્રોત, Getty Images
મોટા ભાગની જાહેર આરોગ્ય સંસ્થાઓ દરરોજ ઓછામાં ઓછા 10 માઇક્રોગ્રામ વિટામિન ડી લેવાની ભલામણ કરે છે.
પરંતુ 100 માઇક્રોગ્રામથી વધારે વિટામિન ડી નુકસાનકારક બની શકે છે. લાંબા સમય સુધી વધારે પડતો ઊંચો ડોઝ લેવામાં આવે તો શરીરમાં વધારે પડતું કૅલ્શિયમ જમા થઈ શકે છે. તેનાથી હાડકાં નબળાં પડે છે અને કિડની તથા હૃદયને નુકસાન થઈ શકે છે.
પ્રો. કૅશમૅન જણાવે છે કે, "કેટલીક વખત તમે વધારે પડતું વિટામિન ડી હોય તેવા સપ્લિમેન્ટ ખરીદીને અથવા વધુ પડતી ટૅબ્લેટ ખાઈને અજાણતા જ તમારા શરીરમાં તેનું પ્રમાણ વધારી દો છો."
"પરંતુ ખોરાક દ્વારા વધારે પડતું વિટામિન ડી લેવું શક્ય નથી કારણ કે ખોરાકમાં તે બહુ ઓછા પ્રમાણમાં ઊમેરાર્યું હોય છે."

આપણે બીજી કઈ રીતે વિટામિન ડી મેળવી શકીએ?

ઇમેજ સ્રોત, Getty Images
વિટામિનની ગોળીઓ અથવા સપ્લિમેન્ટ લેવાનો વિકલ્પ હાજર છે. પરંતુ વિશ્વના કરોડો લોકો માટે તે વધારે પડતો ખર્ચાળ છે.
પ્રો. કૅશમૅન કહે છે કે, "તેથી બીજો રસ્તો એ છે કે ફૂડ ચેઇનમાં જ વિટામિન ડી ઉમેરવામાં આવે. લોકો જે આહારનો મોટા પાયે ઉપયોગ કરતા હોય તેમાં વિટામિન ડી ઉમેરી શકાય."
આ પ્રક્રિયાને ફૉર્ટિફિકેશન કહે છે. ઔદ્યોગિક દેશોમાં 80 વર્ષ કરતાં વધુ સમયથી આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં પણ હવે ફૉર્ટિફિકેશન બહુ સામાન્ય થઈ ગયું છે. કુપોષણક્ષેત્રના ઘણા નિષ્ણાતો માને છે કે વિશ્વભરમાં વિટામિન ડીની ઉણપનો સામનો કરવા માટે આ શ્રેષ્ઠ રસ્તો છે.
કયા આહારને કેટલા પ્રમાણમાં સમૃદ્ધ બનાવી શકાય તેનું પ્રમાણ દરેક જગ્યાએ અલગ હોય છે. પરંતુ તેમાં દૂધ, છોડ આધારિત વિકલ્પો (જેમ કે સોયા, ઓટ, બદામ, ચોખા), ફળોના રસ, દહીં, ખાટા ક્રીમ, માર્ગેરિન, ઘઉંનો લોટ, તેલ,
ઑટમીલ, બ્રૅકફાસ્ટ સિરિયલ્સ અને ઈંડાંનો સમાવેશ થઈ શકે છે.
વિટામિન ડીની ઉણપના રાષ્ટ્રીય સ્તરને ધ્યાનમાં લેતા સરકાર ચોક્કસ આહારને વિટામિનથી સમૃદ્ધ બનાવવા ફરજિયાત કાર્યક્રમ નક્કી કરી શકે છે અથવા આ કામ ફૂડ ઉત્પાદકો પર છોડી શકે છે.
હાલમાં કૅનેડા અને ફિનલૅન્ડ જેવા મુઠ્ઠીભર દેશો જ વિટામિન ડીનો ફૉર્ટિફિકેશન કાર્યક્રમ ધરાવે છે. આ એવા દેશો છે જ્યાં વર્ષ દરમિયાન બહુ ઓછો સૂર્યપ્રકાશ મળે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ફિનલૅન્ડની યુનિવર્સિટી ઑફ હૅલસિંકી ખાતે ફુડ ઍન્ડ ન્યુટ્રીશિયનના પ્રોફેસર ક્રિસ્ટલ લૅમ્બર્ગ-ૅલેર્ટ જણાવે છે કે, "તેની પાછળની યોજના મોટા ભાગના લોકો જેનો ઉપયોગ કરતા હોય તેવા ફૂડ સોર્સ શોધવાની છે જેથી તેઓ ગમે તે ખાતા હોય તો પણ વિટામિન ડી પહોંચાડી શકાય. પ્રોફેસર ક્રિસ્ટલે ખોરાકમાં વિટામિન ડી ઉમેરવાની નીતિ અંગે સરકાર સાથે કામ કર્યું છે.
પ્રોફેસર કૅશમૅન માને છે કે હાલની મહામારીના કારણે બીજા દેશો પણ ફિનલૅન્ડ જેવી સ્ટ્રેટેજીનો વિચાર કરશે અને ઘણાં કારણોથી તે રોકાણ કરવું ફાયદાકારક છે.
ઉદાહરણ તરીકે તેઓ સમજાવે છે કે, "આ બહુ સસ્તું પડે છે. એક ટન ઘઉંના લોટમાં વિટામિન ડી ઉમેરવાનો ખર્ચ માત્ર અમુક 'સેન્ટ' આવે છે."
"સાથે સાથે તંદુરસ્ત અને સારું પોષણ મેળવતી વસતી હોય તેના લાંબા ગાળાના ફાયદા પણ છે."
જર્મનીના આરોગ્ય તંત્રે 2015માં કરેલા એક અભ્યાસ પ્રમાણે બ્રૅડને વિટામિન ડી વડે ફૉર્ટિફાઇ કરવાથી 65 વર્ષથી વધુ વયની મહિલાઓમાં ફ્રૅક્ચરનું પ્રમાણ 10 ટકા કરતા વધારે ઘટાડી શકાશે. તેનાથી દર વર્ષે આરોગ્ય ખર્ચમાં 38 કરોડ ડોલરની બચત થશે.
પ્રો. કૅશમૅન કહે છે, "આ બહુ મોટી બચત કહેવાય."
આ અહેવાલ બીબીસી વર્લ્ડ સર્વિસના રેડિયો પ્રોગ્રામ ધ ફૂડ ચેઈનમાંથી લેવાયો છે. તેને સાંભળવા માટે અહીં મુલાકાત લો.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













