વૉટ્સઍપે નવી પ્રાઇવસી શરતોને લાગુ કરવા મુદત વધારી - BBC TOP NEWS

વૉટ્સઍપે નવી પ્રાઇવસી શરતોને લાગુ કરવાની ડેડલાઇન વધારી દીધી છે. પહેલાં વૉટ્સઍપે કહ્યું હતું કે આઠ ફેબ્રુઆરી સુધી જે લોકો નવા પ્રાઇવસી નિયમોને સ્વીકાર નહીં કરે તેઓ તેની સેવા નહીં લઈ શકે.

પણ હવે કંપનીનું કહેવું છે કે યૂઝર્સને 15 મે સુધીનો સમય આપ્યો છે.

વૉટ્સઍપે જ્યારે નવી શરતો સંબંધિત નોટિફિકેશન મોકલવાનું શરૂ કર્યું ત્યારે દુનિયાભરમાં તેની ટીકા થઈ હતી.

આ સમયે દુનિયાભરમાં અંદાજે બે અબજ લોકો વૉટ્સઍપનો ઉપયોગ કરે છે.

વૉટ્સઍપના આ નોટિફિકેશન બાદ ઘણા લોકોએ સિગ્નલ અને ટેલિગ્રામ જેવી અન્ય મૅસેજિંગ ઍપ્સ ડાઉનલોડ કરવાનું પણ શરૂ કરી દીધી હતું.

એ દેશ જ્યાં કોરોના રસીના ડોઝ બાદ 23નાં મૃત્યુ થયાં

નોર્વેનું કહેવું છે કે કોરોના વાઇરસની રસી ઘરડા લોકો માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે.

એનડીટીવીના અહેવાલ પ્રમાણે નોર્વેના અધિકારીઓએ કહ્યું છે કે રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ 23 લોકોનો મૃત્યુ થયાં છે.

23 મૃતકો પૈકી 13ના ઑટોપ્સી રિપોર્ટ સૂચવે છે કે ઘરડા લોકોને અને ગંભીર રીતે બીમાર લોકોને આડઅસર થઈ હોવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે રસીનો પ્રથમ ડોઝ નોર્વેમાં ઓછામાં ઓછા 33 હજાર લોકોને આપવામાં આવ્યો હતો.

વિશ્વમાં કોરોનાને કારણે 20 લાખથી વધુ લોકોનાં મૃત્યુ

ભારતમાં આજે કોરોના વાઇરસને નાથવા માટે રસીકરણની શરૂઆત થવાની છે. બીજી તરફ કોરોનાથી મોતનો આંકડો 20 લાખને પાર કરી ગયો છે.

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના તાજા આંકડાઓ અનુસાર, દુનિયાભરમાં કોરોના વાઇરસને કારણે 20 લાખથી વધુ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

અમેરિકામાં સૌથી વધુ ત્રણ લાખ 90 હજાર લોકો કોરોનાના શિકાર થયા છે.

બાદમાં બ્રાઝિલમાં અંદાજે બે લાખ અને ભારતમાં અંદાજે દોઢ લાખ લોકો અત્યાર સુધીમાં કોરોનાને કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.

તો દુનિયાભરમાં નવ કરોડ ત્રીસ લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

દેશભરમાંથી કેવડિયા સુધી અલગઅલગ ટ્રેનો શરૂ કરાશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશ સાથે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની કનેક્ટિવિટી વધારવા માટે આઠ ટ્રેનોને લીલી ઝંડી આપશે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર દેશના અલગઅલગ ભાગમાંથી કેવડિયાને જોડતી ટ્રેનને લીલી ઝંડી અપાશે.

વડા પ્રધાન કાર્યાલયે શુક્રવારે કહ્યું હતું કે વડા પ્રધાન મોદી વીડિયો કૉન્ફરન્સ દરમિયાન ગુજરાત સાથે જોડાયેલા અન્ય અનેક રેલવે પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે.

તેઓ નવી બ્રોડગેજ લાઇન અને ડભોઈ, ચાંદોદ અને કેવડિયાનાં નવા સ્ટેશન બિલ્ડિંગ્સનું પણ લોકાર્પણ કરશે.

આ પ્રોજેક્ટ્સ હેઠળ આસપાસના આદિવાસી પ્રદેશોમાં વિકાસ પ્રવૃત્તિઓમાં વધારો કરાશે.

નર્મદા નદીના કાંઠે વસેલા મહત્ત્વનાં ધાર્મિક અને પ્રાચીન તીર્થ સ્થાનો સાથે જોડાણ વધારાશે.

આ આઠ ટ્રેનોને લીલી ઝંડી અપાશે, તેમાં વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન, રેવા, ચેન્નાઈ અને પ્રતાપનગરનો સમાવેશ થાય છે.

'સેક્યુલર નહેરુએ મંદિર ન બંધાવ્યાં'

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે અમદાવાદમાં દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અંગે એક નિવેદેન આપ્યું છે.

નીતિન પટેલે કહ્યું કે "સોમનાથ મંદિર બનાવનારા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને લોકો યાદ કરશે, જ્યારે 'ધર્મનિરપેક્ષ' રહેલા પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ લોકોની સ્મૃતિમાંથી 'ભૂલાતા' જાય છે."

"સરદાર વલ્લભભાઈએ સોમનાથ મંદિર બનાવ્યું. સારું કામ કર્યા પછી તેઓ અમર થઈ ગયા. જવાહરલાલ નહેરુએ ક્યારેય મંદિર બનાવ્યું નહીં. તેઓ બિનસાંપ્રદાયિક રહ્યા અને ધીમેધીમે તેમને ભૂલવાની શરૂઆત થઈ, લોકો તેમને યાદ કરતા નથી."

તેઓએ કહ્યું કે આપણે સોમનાથની મુલાકાત લઈએ ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીએ છીએ.

અમદાવાદના પાલડીમાં વિશ્વની હિન્દુ પરિષદ દ્વારા 'નિધિ સમર્પણ સમરોહ' યોજાયો હતો. આ કાર્યક્રમમાં નીતિન પટેલે સંબોધન કર્યું હતું.

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે દાન એકત્ર કરવા આ કાર્યક્રમ યોજાયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો