ઝુલ્ફીકાર અલી ભુટ્ટો : પાકિસ્તાનના રાષ્ટ્રપતિપદથી ફાંસીના ગાળિયા સુધીની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ બનતાની સાથે જ રાષ્ટ્રપતિ યાહ્યા ખાનને તેમના ઘરમાં નજરબંધ કરી દીધા અને જનરલ ગુલ હસનને સેનાનું નેતૃત્ત્વ કરવા જણાવ્યું.
ત્યાર પછી તેમણે સેના, નૌકાદળ અને વાયુસેનાના 44 વરિષ્ઠ અધિકારીઓને એમ કહીને બરખાસ્ત કરી દીધા કે 'તેઓ વધારે પડતા સ્થૂળકાય થઈ ગયા છે અને તેમની ફાંદ બહાર આવી ગઈ છે.'
પૂર્વ પાકિસ્તાનમાં પરાજયના કારણે પાકિસ્તાની સેના બેકફૂટ પર આવી ગઈ હતી. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો.
થોડા દિવસો પછી તેમને જનરલ ગુલ હસન સામે પણ વાંધો પડ્યો અને તેમને સૈન્યના એક નવા વડાની જરૂર પડી જે આંખો મિંચીને ભુટ્ટોના દરેક આદેશનું પાલન કરી શકે.
ઓવેન બેનેટ જોન્સ પોતાના પુસ્તક, 'ધ ભુટ્ટો ડાયનેસ્ટીઃ સ્ટ્રગલ ફૉર પાવર ઇન પાકિસ્તાન'માં લખે છે, ભુટ્ટોએ ગુલ હસનને બરખાસ્ત કરવાનો આદેશ પોતાના સ્ટેનોગ્રાફર પાસે ટાઇપ કરાવવાના બદલે પોતાના એક વરિષ્ઠ સહયોગી પાસે ટાઇપ કરાવ્યો. જનરલ ગુલ હસનની હકાલપટ્ટીના આદેશ આપ્યા પછી તેમણે પોતાના વિશ્વસનીય સાથીદાર ગુલામ મુસ્તફા ખાનને જનરલ ગુલ હસનની સાથે લાહોર જવા માટે જણાવ્યું જેથી ગુલ હસન પછીના જનરલની નિમણૂકના આદેશ જારી ન થાય ત્યાં સુધી ગુલ હસન સાથે કોઈ સંપર્ક ન રહે.
"આ ચુકાદાનો વિરોધ કરી શકે તેવા સંભવિત અધિકારીઓને એક બનાવટી બેઠકમાં બોલાવવામાં આવ્યા અને ગુલ હસનનું રાજીનામું લેવામાં આવ્યું ત્યાં સુધી તેમને બેઠકમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. રેડિયો અને ટીવી સ્ટેશન પર પોલીસ ગોઠવી દેવામાં આવી અને રાષ્ટ્રપતિ ભુટ્ટોને આ મુદ્દે જનસમર્થનની જરૂર પડે તો તે અપાવવા માટે પીપલ્સ પાર્ટીએ રાવલપિંડીમાં એક જનસભાનું આયોજન પણ કર્યું."
ગુલ હસન પછી ભુટ્ટોએ પોતાના વિશ્વાસુ જનરલ ટિક્કા ખાનને પાકિસ્તાની સેનાના વડા તરીકે નિયુક્ત કર્યા.

જલાલુદ્દીન રહીમને માર પડ્યો

ઇમેજ સ્રોત, Book Cover
થોડા મહિનાની અંદર જ ભુટ્ટોનો અહંકાર એટલો બધો વધી ગયો કે તેઓ પાર્ટીમાં પોતાના વરિષ્ઠ સહયોગીઓનું પણ અપમાન કરવા લાગ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભુટ્ટોના જીવનચરિત્ર 'ઝુલ્ફી ભુટ્ટો ઑફ પાકિસ્તાન'માં સ્ટેન્લી વોલ્પર્ટ લખે છે, "2 જુલાઈ 1974ના રોજ ભુટ્ટોએ રાષ્ટ્રપતિ બાબતોના મંત્રી જલાલુદ્દીન અબ્દુર રહીમ અને બીજા કેટલાક વરિષ્ઠ સહયોગીઓને ડિનર માટે બોલાવ્યા. ભોજનનો સમય રાતના 8 વાગ્યાનો હતો પરંતુ મેજબાન ભુટ્ટો પોતે ત્યાં પહોંચ્યા ન હતા."
"રાતના 12 વાગી ગયા ત્યારે રહીમે પોતાનો ગ્લાસ મેજ પર મૂકીને બૂમ પાડીને પૂછ્યું, 'તમે બધા ચમચા જ્યાં સુધી ઇચ્છો ત્યાં સુધી લરકાનાના મહારાજાની રાહ જોઈ શકો છો. હું તો મારા ઘરે જાઉં છું.' ભુટ્ટો જ્યારે ડિનર માટે પહોંચ્યા ત્યારે હકીમ પીરઝાદાએ તેમને રહીમના વ્યવહાર વિશે જણાવ્યું."
"મોડી રાત્રે વડાપ્રધાનની સુરક્ષાના પ્રમુખે રહીમના ઘરે જઈને તેમને એટલો માર માર્યો કે તેઓ બેહોશ થઈ ગયા. રહીમના પુત્ર સિકંદરે આ મામલામાં વચ્ચે પડીને બચાવ કરવાની કોશિશ કરી તો તેમને પણ ભારે માર મારવામાં આવ્યો."

ટિક્કા ખાનની સલાહથી વિરુદ્ધ જઈ ઝિયાને મહત્ત્વ આપ્યું

ઇમેજ સ્રોત, Getty Images
ટિક્કા ખાનનો કાર્યકાળ પૂરો થયો ત્યારે તેમણે પોતાના ઉત્તરાધિકારી બની શકે તેવા સાત લોકોની યાદી ભુટ્ટો પાસે મોકલી.
તેમાં તેમણે જાણી જોઈને જનરલ ઝિયાનું નામ નહોતું લખ્યાં કારણ કે તેમને તાજેતરમાં જ લેફ્ટનન્ટ જનરલ તરીકે બઢતી આપવામાં આવી હતી. પરંતુ ભુટ્ટો એ ઝિયાના નામ પર જ મંજૂરીની મહોર લગાવી.
તેનું કારણ કદાચ એ હતું કે ઝિયાએ ભુટ્ટોની ચમચાગીરી કરવામાં કોઈ કમી રાખી ન હતી. ઓવેન બેનેટ જોન્સ લખે છે, "ઘણી વખત ઝિયાએ ભુટ્ટોને રાષ્ટ્ર અને સેના પ્રત્યે તેમની સેવાઓના બદલામાં તલવાર ભેટમાં આપી હતી. એક વખત તેમણે ભુટ્ટોને માત્ર આર્મર્ડ કોરના અવેતન કમાન્ડર ઇન ચીફ ઘોષિત કર્યા એટલું જ નહીં, તેમના માટે એક યુનિફોર્મ પણ સિવડાવ્યો."
ભુટ્ટોના જીવનચરિત્રમાં સ્ટેન્લી વોલપર્ટ લખે છે, "ઝિયાએ ક્યારેય એવા સંકેત નહોતા આપ્યા કે તેઓ સૈન્ય બળવો કરી શકે છે. ભુટ્ટોએ તેમને ક્યારેય ગંભીરતાથી ન લીધા. તેઓ ઘણી વખત ઝિયાના દાંતની મજાક ઉડાવતા હતા."

ઇમેજ સ્રોત, Getty Images
"તેમના વિશે એક વાત બહુ જાણીતી હતી. એક વખત ઝિયા સિગરેટ પીતા હતા ત્યારે ભુટ્ટો અચાનક ઓરડામાં આવી ગયા. પોતે ભુટ્ટોની સામે સિગરેટ પીવે છે તેનાથી ભુટ્ટો નારાજ થઈ જશે તે જોઈને ઝિયાએ તરત સિગરેટ પોતાના ખિસ્સામાં નાખી દીધી. થોડી વારમાં કપડું સળગતું હોય તેવી ગંધ આખા ઓરડામાં ફેલાઈ ગઈ. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ વિચાર્યું કે જે વ્યક્તિ તેમનાથી આટલી બધી ડરતી હોય તે તેમની સામે સૈન્ય બળવો કઈ રીતે કરી શકે?"
આ દરમિયાન સરકાર વિરુદ્ધ આખા દેશમાં પ્રદર્શનો શરૂ થઈ ગયા. ભુટ્ટોએ ઘણી કોશિશ કરી પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવી શકાતા ન હતા.
લાહોરમાં ત્રણ બ્રિગેડિયરોએ લોકો પર ગોળી ચલાવવાનો ઇનકાર કરી દીધો. એક જગ્યાએ સૈનિકોએ ગોળી ચલાવવાનો આદેશ માન્યો, પરંતુ તેમણે લોકોના માથા પરથી ગોળીઓ ચલાવી.
ઓવેન બેનેટ જોન્સ લખે છે, "ભુટ્ટોની સૌથી મોટી ભૂલ એ હતી કે પોતાના વિરોધીઓ સાથેની વાતચીતમાં તેમણે સેનાના કોર કમાન્ડરોને સામેલ કર્યા."
તેઓ લખે છે, "ભુટ્ટોની નજરે જોવામાં આવે તો તેઓ સેનાને સાથે રાખીને ચાલવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ સેનાના અધિકારીઓ તેમને બીજી નજરે જોતા હતા. તેમના માનવા પ્રમાણે ભુટ્ટોનું આ પગલું દર્શાવતું હતું કે તેઓ નબળા હતા અને સરકાર ચલાવવાની સ્થિતિમાં નથી."

ચૂંટણીમાં ગરબડ

ઇમેજ સ્રોત, Getty Images
તમામ વિરોધ વચ્ચે ભુટ્ટોએ 7 માર્ચ, 1977ના રોજ સામાન્ય ચૂંટણી કરાવી. તેમાં જે પરિણામ આવ્યા તેના પર સામાન્ય પાકિસ્તાનીઓને ભરોસો ન હતો.
રાષ્ટ્રીય એસેમ્બલીમાં ભુટ્ટોની પીપલ્સ પાર્ટીને 200માંથી 155 બેઠકો મળી જ્યારે વિપક્ષ પીપલ્સ નેશનલ એલાયન્સને આટલા જંગી પ્રચાર છતાં માત્ર 36 બેઠકો મળી.
1970ની ચૂંટણી વખતે પીપલ્સ પાર્ટીની લોકપ્રિયતા ચરમસીમાએ હતી ત્યારે પણ તેને માત્ર 39 ટકા મત મળ્યા હતા, જ્યારે આ ચૂંટણીમાં તેના મતની ટકાવારી 55 હતી.
વિરોધપક્ષોએ ભુટ્ટો વિરુદ્ધ ભારે ચૂંટણીપ્રચાર કર્યો હતો છતાં તેમને ફક્ત 39 ટકા મત મળી શક્યા હતા.
ચૂંટણી પછીના માહોલનું વર્ણન કરતા કૌસર નિયાઝીએ પોતાના પુસ્તક 'લાસ્ટ ડેઝ ઑફ પ્રીમિયર ભુટ્ટો'માં લખ્યું છે, "હફીઝ પીરઝાદા, રફી રઝા અને પોતાના બે મિત્રોની સાથે ભુટ્ટો વડાપ્રધાનના નિવાસસ્થાને બેઠા હતા. પીરઝાદા તરફ જોઈને તેમણે પૂછ્યું, 'હફીઝ, કેટલી બેઠકો પર ચૂંટણીમાં ગરબડ થઈ હશે?', તેમને જવાબ હતોઃ 'સર, 30 કે 40'."
"આ વિશે ભુટ્ટો બોલ્યા, 'શું આપણે વિપક્ષને ન કહી શકીએ કે તેઓ આ બેઠકો પર ફરીથી ચૂંટણી લડી લે? આ બેઠકો પર આપણે તેમની સામે આપણા ઉમેદવાર ઊભા નહીં રાખીએ."
"ભુટ્ટો ઇચ્છતા હતા કે તેમને લરકાનામાંથી બિનહરીફ ચૂંટવામાં આવે, જ્યારે તેમના સલાહકાર રફી રઝા તેની વિરુદ્ધ હતા. ભુટ્ટોની સામે લડનારા પીએનઆરના ઉમેદવારને બીજી બેઠક પરથી લડવાની ઑફર કરવામાં આવી અને એમ પણ કહેવામાં આવ્યું કે તેમને બિનહરીફ જીતવા દેવામાં આવશે. પરંતુ તેમણે આ દરખાસ્ત ફગાવી દીધી."
"પરિણામે તેમનું અપહરણ કરવામાં આવ્યું જેથી તે ઉમેદવારીપત્ર ભરી ન શકે."
ઓવેન બેનેટ જોન્સ લખે છે કે હફીઝ પીરઝાદાએ તેમને જણાવ્યું કે 'ચૂંટણીમાં ગોટાળાની શરૂઆત આ ઘટનાથી થઈ હતી.' ભુટ્ટોની દેખાદેખીમાં પીપલ્સ પાર્ટીના 18 ઉમેદવારોએ એ સુનિશ્ચિત કર્યું કે તેમની સામે કોઈ ઉમેદવાર ઊભા જ ન રહે."

ભુટ્ટો છેલ્લી ઘડી સુધી ઝિયાને ઓળખી ન શક્યા

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના જાણીતા પત્રકાર ખાલીદ હસન પોતાના પુસ્તક 'રિયરવ્યૂ મિરરઃ ફૉર મેમોઅર્સ'માં લખે છે, "ભુટોના એક સલાહકાર રાજા અનવરે સૈનિક બળવાથી થોડા જ સમય અગાઉ ભુટ્ટો અને જનરલ ટિક્કા ખાન વચ્ચેની એક મુલાકાત જોઈ હતી."
ભુટ્ટોએ ટિક્કા ખાનને જણાવ્યું હતું, 'જનરલ, તમને યાદ છે તમે ઝિયાને સેનાના વડા બનાવવાનો વિરોધ કર્યો હતો. હવે તમારે સ્વીકારવું પડશે કે મેં યોગ્ય નિર્ણય લીધો હતો. બીજું કોઈ હોત તો કાયદો અને વ્યવસ્થાનું બહાનું કાઢીને અત્યાર સુધીમાં સત્તા કબ્જે કરી ચૂક્યું હોત.' સાત કલાક પછી ઝિયાએ બિલકુલ આવું જ કર્યું.

ન્યાયાધીશે જૂનો હિસાબ સરભર કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
ભુટ્ટોની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમના પર પોતાના રાજકીય હરીફ મોહમ્મદ અહમદ ખાન કસૂરીની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
સરકારી સાક્ષી મહમુદ મસૂદે કોર્ટમાં જુબાની આપતા કહ્યું કે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ જ તેમને કસૂરીની હત્યા કરવાનો આદેશ આપ્યો હતો.
વિક્ટોરિયા સ્કોફિલ્ડ પોતાના પુસ્તક 'ભુટ્ટોઃ ટ્રાયલ ઍન્ડ એક્ઝિક્યુશન'માં લખે છે, "પાંચ જજની બેન્ચના અધ્યક્ષ હતા મૌલવી મુશ્તાક હુસૈન. ભુટ્ટો સાથે તેમની જૂની દુશ્મનાવટ હતી. ભુટ્ટો સત્તા પર હતા ત્યારે તેમણે આ જજને એક બાજુ રાખીને બે વખત તેમના કરતા જુનિયર જજને પ્રમોટ કર્યા હતા."

ઇમેજ સ્રોત, Getty Images
"સુનાવણી દરમિયાન ભુટ્ટોએ જ્યારે એ બાબતે નારાજગી વ્યક્ત કરી કે તેમને અદાલતમાં વિશેષ રૂપથી બનાવવામાં આવેલા આરોપીના પાંજરામાં બેસવા માટે જણાવાઈ રહ્યું છે, ત્યારે મુશ્તાક હુસૈને તેમના પર કટાક્ષ કરતા કહ્યું હતું. 'અમે જાણીએ છીએ કે તમે આરામપ્રદ જીવન જીવવા માટે ટેવાયેલા છો. આ બાબતને ધ્યાનમાં રાખીને જ અમે આરોપીના પાંજરામાં તમારા માટે ખુરશીની વ્યવસ્થા કરી છે. નહીંતર તમને સામાન્ય ગુનેગારોની જેમ બેન્ચ પર બેસવું પડ્યું હોત'."

ઝિયાએ આખી દુનિયાની વાત ન માની

ઇમેજ સ્રોત, Getty Images
મુશ્તાકે ભુટ્ટોને મોતની સજા સંભળાવી. ભુટ્ટોએ તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી.
ફેબ્રુઆરી 1979માં સુપ્રીમ કોર્ટે પણ 4-3ની બહુમતીથી હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો.
ઓવેન બેનેટ જોન્સ જણાવે છે, "આ અગાઉ ક્યારેય હત્યાના ષડયંત્રના મામલે મોતની સજા સુનાવવામાં આવી ન હતી. સુપ્રીમ કોર્ટના જજ પણ સજા અને આરોપીના અપરાધના મામલે એકમત ન હતા. આ સજા વિશે સવાલો ઉઠ્યા હતા કારણ કે તેમાં આરોપી ઘટનાસ્થળે હાજર ન હતા, છતાં તેમને હત્યા માટે દોષી જાહેર કરાયા હતા."
ભુટ્ટોએ આ ચુકાદા વિરુદ્ધ એક રિવ્યૂ પિટિશન પણ દાખલ કરી હતી. પરંતુ તેને એમ જણાવીને ફગાવી દેવામાં આવી કે છેલ્લા બે તબક્કાના ચુકાદામાં કાયદાનું ઉલ્લંઘન થયું છે એવી કોઈ દલીલ આ અરજીમાં કરવામાં આવી નથી.
વિશ્વભરના ઘણા નેતાઓએ ભુટ્ટોને માફ કરી દેવા માટે અપીલ કરી હતી, જેમાં રશિયાના રાષ્ટ્રપતિ બ્રેઝનેવ, ચીનના હુઆ ગ્યોફેંગ અને સાઉદી અરેબિયાના શાહ ખાલેદ પણ સામેલ હતા.
બ્રિટનના વડાપ્રધાન જેમ્સ કેલેઘને જનરલ ઝિયાને ત્રણ પત્ર લખ્યા જેમાં એક પત્રના અંતમાં તેમણે લખ્યું હતું, "એક સૈનિક તરીકે તમને જૂની કહેવત યાદ હશે કે યુદ્ધના મેદાનમાં ઘાસ બહુ ઝડપથી ઉગી જાય છે, પરંતુ ફાંસીના તખ્તા પર ક્યારેય નથી ઉગતું." (પાકિસ્તાનઃ ધ કેસ ઑફ મિસ્ટર ભુટ્ટો, નેશનલ આર્કાઇવ્ઝ ઓફ યૂ કે એફસીઓ 37/2195)
પરંતુ ઝિયાએ ભુટ્ટોને ફાંસી આપવાનો નિર્ણય લઈ લીધો હતો. અંતમાં વાત દયાઅરજી સુધી પહોંચી. પાકિસ્તાનમાં દોષિત અથવા તેના પરિવારજનો તરફથી રાષ્ટ્રપતિને દયા અરજી કરવામાં આવે તે જરૂરી નથી. આમ છતાં, ઝિયા ભુટ્ટોના પરિવારજનોએ તેમના માટે કંઇ કર્યું ન હતું એવું બહાનું કાઢીને તેમને ફાંસી પર ચઢાવી ન દે, તે માટે ભુટ્ટોની એક બહેન શહરબાનો ઇમ્તિયાઝ તરફથી એક અપીલ કરવામાં આવી હતી.
1 એપ્રિલ, 1979ની સાંજે જનરલ ઝિયાએ તે અપીલ પર લાલ શાહીથી ત્રણ અક્ષર લખ્યા હતાઃ 'પિટિશન ઇઝ રિજેક્ટેડ.'


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












