You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગાંધીજીના વંશજ સતીશ ધુપેલિયાનું કોરાનાથી આફ્રિકામાં નિધન
મહાત્મા ગાંધીના વંશજ સતીષ ધુપેલિયાનું કોરોના વાઇરસના સંક્રમણથી દક્ષિણ આફ્રિકામાં નિધન થયું છે.
ગાંધીજીના પપૌત્રએ ગઈ કાલે ટ્વીટ કર્યું હતું કે "ગઈકાલ સુધી કોરોના વાઇરસ મહામારી હતી, આજે સાંજે એ ટ્રેજેડી બની ગઈ."
ત્યારબાદ તેમને એક વ્યક્તિએ કૉમેન્ટમાં પુછ્યું તો તેમણે લખ્યું કે "મારા ભાઈનું મૃત્યુ થયું છે."
તેમનાં બહેન ઉમા ધુપેલિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે તેમના ભાઈ છેલ્લાં એક મહિનાથી ન્યુમોનિયાથી પીડાતા હતા, ત્યારબાદ તેઓ કોરોના વાઇરસની ઝપેટમાં આવ્યા હતા. તેમને ગત રાત્રે કાર્ડિઆક અરેસ્ટનો હુમલો થયો હતો.
સતીશ ધુપેલિયાના બીજાં બહેન કીર્તિ મેનન છે. જેઓ જૉહાનિસબર્ગમાં રહે છે. જ્યાં તેઓ ગાંધીજીની યાદગીરીને સાચવવાના અનેક પ્રૉજેક્ટ સાથે જોડાયેલાં છે.
આ ત્રણેય ભાઈ-બહેન સીતા ગાંધી અને શશિકાંત ધુપેલિયાનાં સંતાનો છે.
સીતા ગાંધી મણિલાલ ગાંધીનાં દીકરી છે. મહાત્મા ગાંધીએ જ્યારે ભારત આવવા સાઉથ આફ્રિકા છોડ્યું ત્યારે તેમના કામને ચાલુ રાખવા માટે મણિલાલ ગાંધી ત્યાં રહ્યા હતા.
સતીશ ધુપેલિયાનો જન્મ 19 નવેમ્બર, 1954માં થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓએ જીવનનો ઘણો સમય મીડિયામાં પસાર કર્યો હતો. ખાસ કરીને વીડિયોગ્રાફર અને ફોટોગ્રાફર તરીકે.
તેઓ ડરબન ખાતે 'ગાંધી ડેવલપમૅન્ટ ટ્રસ્ટ' હેઠળ ગાંધીજીએ શરૂ કરેલાં કાર્યો ચાલુ રાખવામાં મદદ કરતા હતા.
સતીશ ધુપેલિયા 1860ના એ હૅરિટેજ ફાઉન્ડેશનના બોર્ડના સભ્ય પણ હતા, જેમણે 16 નવેમ્બરના રોજ ડરબનના શેરડીના ખેતરોમાં કામ કરવા માટે ભારતથી આવેલા મજૂરોના આગમનની ઉજવણી કરી હતી.
તે બધા સમુદાયોના જરૂરિયાતમંદોને સહાય કરવા માટે જાણીતા હતા અને સમાજકલ્યાણની કેટલીય સંસ્થાઓમાં સક્રિય હતા.
સતીશ ધુપેલિયાને બે સંતાનો છે કબીર ધુપેલિયા અને મિશા ધુપેલિયા.
કોણ છે મણીલાલ ગાંધી?
સતીશ ગાંધીજીના બીજા દીકરા મણિલાલ ગાંધીના દોહિત્ર હતા.
ગાંધી 1914માં દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા હતા. મણિલાલ પણ પાછા ફર્યા પણ થોડા સમય બાદ ગાંધીજીએ તેમને ડરબન પાછા મોકલી દીધા હતા.
ગાંધીજીએ 1903માં ડરબન નજીક ફિનિક્સ સેટલમૅન્ટમાં એક આશ્રમ બનાવ્યો હતો, જ્યાંથી તેઓ 'ઇંડિયન ઑપિનિયન' નામનું એક અખબાર પ્રકાશિત કરતા હતા.
મણિલાલ 1920માં આના સંપાદક બન્યા હતા અને 1954માં પોતાના મૃત્યુ સુધી આ પદ પર રહ્યા હતા.
ગાંધીજીનો 'ભારેખમ વારસો'
કબીર ધુપેલિયા અને મિશા ધુપેલિયા સાથે બે વર્ષ પહેલાં બીબીસીએ દક્ષિણ આફ્રિકામાં વાતચીત કરી હતી. જે દરમિયાન તેમણે ગાંધીજીના 'ભારેખમ વારસા' વિશે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
કબીરે કહ્યું હતું, ''મારી દૃષ્ટિએ એ વાતથી હું ઘણો પ્રભાવિત છું કે કઈ રીતે તેઓ પોતાના મુદ્દાઓને શાંતિથી વળગી રહ્યા હતા. આ વસ્તુ આજે તમને જોવા નહીં મળે. ગાંધીજીએ શાંતિ સાથે પોતાની વાતો મનાવડાવી અને આ જ કારણે એ સમયે કેટલાક લોકો એમનાથી નારાજ પણ રહ્યા હશે.''
ગાંધીવારસાનું મહત્ત્વ તેઓ સારી રીતે જાણે છે. પણ તેમને લાગે છે કે આ ભારેખમ વારસો એમના માટે એક બોજારૂપ પણ બની જાય છે.
કબીર ઉમેરે છે કે એમના ઘણા મિત્રોને તો વર્ષો સુધી ખબર પણ પડી નહોતી કે તેઓ ગાંધી પરિવારમાંથી આવે છે.
મીશા જણાવે છે, ''હું જાણીજોઈને લોકોમાં ઢંઢેરો પીટવા નથી માંગતી કે હું કોણ છું.''
કબીર જણાવે છે, ''ઘણાં લોકો એમ માને છે કે અહિંસા અપનાવવા માટે તમારે ગાંધીવાદી બનવું પડે. અહિંસાની પ્રેરણા તમે ગાંધી પાસેથી લઈ શકો પણ જો તમે તેમના ટીકાકાર છો અને અહિંસાના માર્ગે ચાલવા માંગો છો તો તમે ગાંધીવાદની વિરૂદ્ધ નથી.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો