અમેરિકામાં 70 વર્ષ પછી મહિલા કેદીને મૃત્યુદંડ અપાયો

અમેરિકામાં 70 વર્ષ બાદ કોઈ મહિલા કેદીને મૃત્યુદંડ આપવામાં આવ્યો છે. 52 વર્ષીય લીસા મૉન્ટગોમરીને 2007માં એક જઘન્ય અપરાધમાં દોષી જાહેર કરવામાં આવ્યા હતા.

બુધવારે અમેરિકાના ઇન્ડિયાના પ્રાંતની એક જેલમાં એમને ઝેરનું ઇંજેક્ષન આપી મૃત્યુદંડ આપવામાં આવ્યો.

અમેરિકાની સુપ્રીમ કોર્ટે એમની સજા પર સ્ટે આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

અગાઉ મંગળવારે તેમની સજા પર અમલ કરાયાના અમુક કલાકો પહેલાં જ ન્યાયાધીશ જેમ્સ હેનલને આ સજા પર રોક લગાવી દીધી હતી.

એ વખતે જજે કહ્યું કે મૃત્યુદંડ આપતાં પહેલાં તેમની સક્ષમતા અંગેની સુનાવણી હાથ ધરવામાં આવે.

નોંધનીય છે કે લીસાના વકીલે દલીલ કરી હતી કે તેઓ મૃત્યુદંડ માટે માનસિક અક્ષમ છે તેમજ તેઓ જન્મથી મગજના વિકારથી પીડિત છે.

જોકે, અમેરિકાની સર્વોચ્ચ અદાલતે મૃત્યુદંડ સામેની અપીલ ફગાવી દીધી હતી.

લીસાએ વર્ષ 2004માં અમેરિકાના મિસોરી રાજ્યમાં એક ગર્ભવતી મહિલાનું ગળું દબાવીને હત્યા કર્યાં બાદ તેમનું પેટ ચીરીને તેમનાં બાળકનું અપહરણ કર્યું હતું.

52 વર્ષીય લીસાને 12 જાન્યુઆરીના દિવસે ઇન્ડિયાનાના તેરે હૌતે ખાતે મૃત્યુદંડ આપવાનું ઠરાવાયું હતું, ન્યાયાધીશી રોક બાદ એમને 13 જાન્યુઆરીએ મૃત્યુદંડ આપવામાં આવ્યો. તેઓ મૃત્યુદંડ મેળવનાર 70 વર્ષમાં પ્રથમ મહિલા સંઘીય કેદી બની ગયાં છે.

આ અગાઉ અમેરિકન સરકારે વર્ષ 1953માં આવી સજા આપી હતી.

અમેરિકામાં મૃત્યુદંડની સજાની વિગતો રાખનાર કેન્દ્ર (ડીપીઆઈ સેન્ટર) મુજબ, 1953માં મિસોરી રાજ્યની એક મહિલા બોની હેડીને ગૅસ ચૅમ્બરમાં મોતની સજા આપવામાં આવી હતી.

ગત વર્ષે જ ટ્રમ્પ સરકારે કહ્યું હતું કે તેઓ સરકાર દ્વારા મોતની સજાની કાર્યવાહી ફરી શરૂ કરાવશે.

સોમવારે મળેલી રાહત ન કામ લાગી

સોમવારની સુનાવણીમાં દક્ષિણી જિલ્લા ઇન્ડિયાનાની ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ હેન્લને લીસાનાં મૃત્યુદંડ પર રોક લગાવતા કહ્યું હતું કે, "લીસાની મૃત્યુદંડ પર રોક લગાવવાની માગ ગ્રાહ્ય રાખવામાં આવે છે. જેથી કોર્ટ તેઓ મૃત્યુદંડ માટે સક્ષમ છે કે કેમ તે નક્કી કરી શકે."

તેમણે કહ્યું કે, "લીસાની હાલની માનસિક સ્થિતિ વાસ્તવિકતાથી સાવ દૂર છે તેથી તેઓ સરકાર દ્વારા તેમને અપાઈ રહેલા મૃત્યુદંડનો તર્ક સમજી નહીં શકે."

"કોર્ટ અલગ હુકમ જારી કરીને સુનાવણીનો દિવસ અને સમય નક્કી કરશે."

એ વખતે લીસાના વકીલે આ નિર્ણયને આવકાર્યો હતો.

લીસાના વકીલ કેલી હેન્રીએ કહ્યું કે, "કોર્ટે લીસાનાં મૃત્યુદંડ પર રોક લગાવીને ઠીક પગલું ભર્યું છે."

કોણ છે લીસા મૉન્ટગોમરી?

ડિસેમ્બર 2004માં લીસા મૉન્ટગોમરીની બૉબી જો સ્ટિન્નેટ સાથે વાત થઈ હતી. લીસા એક ગલૂડિયું ખરીદવા માગતાં હતાં.

ન્યાય વિભાગની અખબારી નોંધ મુજબ આને માટે લીસા કેન્સસથી મિસોરી ગયાં જ્યાં બૉબી રહેતાં હતાં. બૉબીનાં ઘરમાં ઘૂસ્યાં પછી લીસાએ એમનાં પર હુમલો કર્યો અને ગળું દબાવીને હત્યા કરી દીધી. જ્યારે આ ઘટના બની ત્યારે બૉબી આઠ માસનાં ગર્ભવતી હતાં.

સરકારી અખબારી નોંધ અનુસાર હત્યા કર્યા પછી લીસાએ બૉબીનાં પેટને છરીથી ચીરી નાંખ્યું અને બૉબીનાં બાળકને શરીરથી અલગ કરી અપહરણ કરી લીધું.

ન્યાય વિભાગે એમ પણ કહ્યું કે લીસાએ એ બાળક એમનું જ છે એવું દર્શાવવાની પણ થોડો સમય કોશિશ કરી હતી.

વર્ષ 2007માં જ્યુરીએ લીસાને હત્યા અને અપહરણ માટે દોષિત માની સર્વાનુમતે મૃત્યુની સજાની ભલામણ કરી.

જોકે, મૉન્ટગોમરીના વકીલ એ દલીલ આપતા રહ્યા કે 'બાળપણમાં લીસા મૉન્ટગોમરીને ખૂબ મારવામાં આવેલા, એમનું ઉત્પીડન કરવામાં આવેલું જેનાંથી એમના મગજને ક્ષતિ પહોંચી અને તેઓ માનસિક રીતે અસ્વસ્થ છે જેથી એમને મોતની સજા ન કરવી જોઈએ.'

અમેરિકામાં સજા આપવાનું અંતર

અમેરિકન ન્યાયપ્રણાલિ મુજબ આરોપી સામે કાં તો રાષ્ટ્રીય સ્તરે સંઘીય અદાલતમાં કેસ ચલાવી શકાય છે અથવા તો ક્ષેત્રિય સ્તરની અદાલતમાં કેસ ચલાવી શકાય છે.

નકલી ચલણ, ઇમેલ ચોરી વગેરે જેવા કેસો સંઘીય અદાલતના કાર્યક્ષેત્રમાં આવે છે જેમાં કાં તો અમેરિકન સરકાર પક્ષકાર હોય છે અથવા તો એ લોકો પક્ષકાર હોય છે જેમના બંધારણીય અધિકારોનું હનન થયું હોય.

આ સિવાય કયો કેસ સંઘીય અદાલતમાં દાખલ થઈ શકે એ અપરાધ કેટલો જઘન્ય છે એના પર આધાર રાખે છે.

1972માં એક નિર્ણય દ્વારા અમેરિકાની સુપ્રીમ કોર્ટે મૃત્યુદંડના તમામ કાયદાઓને રદ કરી દીધા હતા અને તેને પગલે તમામ ગુનેગારોની મોતની સજા રદ થઈ ગઈ હતી.

1976માં અમેરિકાની સુપ્રીમ કોર્ટના એક અન્ય આદેશ પછી રાજ્યોને મોતની સજા કરી શકવાની સત્તા પાછી મળી અને 1988માં અમેરિકન સરકારે એક કાયદો પસાર કર્યો જેના આધારે સંઘીય સરકારોને પણ મોતની સજા આપવાનો અધિકાર પાછો મળ્યો.

ડીપીઆઈ સેન્ટર મુજબ 1998થી 2018 દરમિયાન સંઘીય અદાલતોએ વિવિધ કેસોમાં કુલ 78 લોકોને મૃત્યુદંડની સજા કરી અને તે પૈકી ફક્ત ત્રણ જ અપરાધીઓને એ સજા આપવામાં આવી.

મૉન્ટગોમરી અને બ્રેંડન બનાર્ડ અનુક્રમે આઠમા અને નવમા અપરાધી છે જેમને આ વર્ષે સંઘીય અદાલતના આદેશ પર મૃત્યુદંડ આપવામાં આવશે.

ટ્રમ્પ સરકારે ગત વર્ષે કહ્યું હતું કે લાંબા અંતરાલ પછી એમની સરકાર સંઘીય અદાલતોમાં મૃત્યુદંડની સજા ફરી શરૂ કરાવશે.

એ સમયે ઍટર્ની જનરલે કહ્યું હતું કે "બેઉ પક્ષોની સરકાર સમક્ષ ન્યાય વિભાગ સૌથી ખરાબ અપરાધીઓ માટે મૃત્યુની સજાની માગણી કરતો રહ્યો છે. ન્યાય વિભાગ કાનૂનના શાસનને માને છે અને એ હિસાબે જ ચાલે છે. અમે ઇચ્છીએ છીએ કે દોષિતોને સજા અપાવી શકીએ જેથી પીડિતો અને એમના પરિવારજનોનો વિશ્વાસ આપણી ન્યાય પરંપરામાં જળવાઈ રહે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો