આત્મનિર્ભર ભારત : ભારતની ચીન પાસેથી ખરીદી ઘટી પણ ચીનને વેચાણ વધ્યું, કેવી રીતે?

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલમાં કરેલી આત્મનિર્ભર ભારતની વાત અને મે મહિનાથી ભારત-ચીન સરહદે તણાવ છતાં પાછલા ત્રણ મહિનામાં બેઉ દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારમાં વધારો થયો છે.

સરહદ પર હિંસક ઘર્ષણ પછીથી ભારત સરકારે ચીની આયાત પર નિર્ભરતાને ઘટાડવાના હેતુથી કેટલાંક નક્કર પગલાં ઉઠાવ્યાં છે. જેમાં ચીની ટીવી અને મોબાઇલ ફોનની આયાત પર અંકુશ મૂકવાની વાત સામેલ છે.

ચીન પર નજર રાખનારા નિષ્ણાતો કહે છે કે જો આ પગલાંની અસર થઈ કે નહીં તેની યોગ્ય જાણકારી તો આવનારા ત્રણ મહિના પછી જ મળી શકશે.

નિષ્ણાતો કહે છે કે પ્રતિબંધનો મતલબ એમ નથી કે ભારત-ચીન દ્વિપક્ષીય વેપાર ઝડપથી ઓછો થઈ જશે.

દિલ્હીમાં FORE સ્કૂલ ઑફ મૅનેજમૅન્ટમાં ચીનના નિષ્ણાત ડૉ. ફૈઝલ અહેમદ કહે છે, "આ (ચીન વિરુદ્ધ અંકુશ મૂકવા) એક રસ્તો છે જેનો ઉપયોગ સરહદ પર તણાવ સામે નારાજગી વ્યક્ત કરવામાં થઈ રહ્યો છે. ઉપરાંત એ દ્વિપક્ષીય વેપારના અસંતુલનને ઘટાડવાનો એક પ્રયાસ પણ છે."

તેઓ આગળ કહે છે, "ભારત માટે ચીન સાથે નકારાત્મક દ્વિપક્ષીય વેપાર અસંતુલન એક ગંભીર મુદ્દો રહ્યો છે. જેને કારણે ભારત સરકાર ક્ષેત્રિય વ્યાપક આર્થિક ભાગીદારી (RCEP)સંગઠનથી બહાર રહેવા માટે મજબૂર છે કારણ કે તેને કારણે ચીનથી આયાતમા હજુ વધારો થઈ શકે છે.

પાછલા અનેક વર્ષોની જેમ 2019માં પણ દ્વિપક્ષીય વેપાર સંતુલન સંપૂર્ણ રીતે ચીનના પક્ષમાં હતું. લગભગ 100 અબજ ડૉલરના દ્વિપક્ષીય વેપારમાં ચીનનો હિસ્સો બે-તૃતીયાંશ હતો.

વેપાર સંતુલ થઈ રહ્યું છે?

ભારતના આ પગલાંને કારણે ચીન સાથે દ્વિપક્ષીય વેપાર સંતુલનમાં ભારતના પક્ષે મામૂલી સુધાર આવ્યો છે.

રસપ્રદ વાત એ છે કે એક તરફ જાન્યુઆરીથી જૂન સુધી ચીનથી ભારત થતી આયાતમાં ઘટાડો થયો છે તો બીજી તરફ ભારતથી ચીનને થતા નિકાસમાં વધારો થયો છે.

એપ્રિલમાં ભારતે ચીનને લગભગ બે અબજ ડૉલરનો સામાન વેચ્યો જે જુલાઈમાં વધીને લગભગ 4.5 અબજ ડૉલર થઈ ગયો. ચીનને થયેલી ભારતીય નિકાસમાં આ વર્ષે જાન્યુઆરીથી જૂન સુધી 6.7 ટકાના હિસાબથી વૃદ્ધિ થઈ છે.

ચીને બંને દેશો વચ્ચે તાજેતરના છ માસિક રિપોર્ટ આંકડા જાહેર કર્યા છે. જે પ્રમાણે પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે જાન્યુઆરીથી જૂન સુધી ભારત માટે ચીનની આયાત 24.7 ટકા ઘટાડો થયો છે પરંતુ એપ્રિલથી જુલાઈની આયાત ઉપર નજર નાખીએ તો જાણ થશે કે આમાં દર મહિને વધારો થઈ રહ્યો છે. એપ્રિલમાં ચીની આયાત 3.2 અબજ ડૉલર હતી જે જુલાઈમાં વધીને 5.6 અબજ ડૉલર થઈ ગઈ છે.

ચીનથી ભારતમાં થતી આયાતમાં ઘટાડા પર ટિપ્પણી કરતા નિષ્ણાતો કહે છે કે આના બે મુખ્ય કારણો છે. લૉકડાઉન દરમિયાન આયાત-નિકાસનું ઠપ થઈ જવું અને બંને દેશોની અર્થવ્યવસ્થાઓનું સંકોચાઈ જવું.

વાઇરસની અસર અંતરરાષ્ટ્રીય વેપાર પર ખરાબ રીતે અનુભવાઈ. આ ઉપરાંત ભારતીય બંદરો પર ચીની માલ સામાનને ક્લિયરન્સમાં મોડું થવું એ પણ આનું એક કારણ ગણાવાય છે.

આર્થિક વિશેષજ્ઞ વિવેક કૌલ કહે છે કે, ડેટા પર નજર નાખવાથી લાગે છે કે બંને દેશોનાં નેતા અને વેપારીઓ સાર્વજનિક રીતે જે પણ વલણ અપનાવી રહ્યા હોય પણ જ્યારે અસલ વેપારની વાત આવે છે તો એ જ કરી રહ્યા છે જે તેમના હિતમાં છે.

ભારતીય વેપારીઓ અને કૉર્પોરેટ્સને લાગે છે કે ચીન સાથે વેપાર કરવો તેમના માટે યોગ્ય છે તો વેપાર કરી રહ્યા છે. સવાલ એ છે કે ભારત તરફથી જો ટૅરિફ વધે છે તો શું ત્યારે પણ તેઓ ચીન સાથે વેપાર કરશે, એ અત્યારે કહેવું મુશ્કેલ છે.

જોકે, ચીનના સિચુઆન યુનિવર્સિટીમાં સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર હુઆંગ યુંગ સોંગ કહે છે કે વર્ષના પહેલાં છ મહિનાના આંકડા એમ સાબિત કરે છે કે મહામારી હોવા છતાં અર્થવ્યવસ્થાની પોતાની ગતિ હોય છે.

તેમના અનુસાર મહામારીથી વેપારમાં ઘટાડો આવ્યો છે પરંતુ આ થોડા સમયની વાત છે. તેઓ કહે છે, "આંકડા એમ પણ સાબિત કરે છે કે એશિયાના બે દિગ્ગજ દેશોની અર્થવ્યવસ્થાઓને અલગ કરવાની કોશિશ નાકામ રહી. આ એકવીસમી સદીની જરૂરિયાત છે."

ભારતની નિકાસ વધી

પાછલા ત્રણ મહિનામાં ચીનને થતી ભારતીય નિકાસમાં વૃદ્ધિનું કારણ જણાવતા આર્થિક નિષ્ણાતો કહે છે કે એનું મુખ્ય કારણ એ છે કે ચીનને કાચા લોખંડની ઝડપથી નિકાસ, જે પાછલા વર્ષની સરખામણીએ અનેક ઘણી વધારે છે.

ચીનના સીમા શુલ્ક ડેટા અનુસાર ભારતથી કાચા લોખંડની શિપમેન્ટ આ વર્ષે જાન્યુઆરીથી જૂન સુધીમાં 20 મિલિયન ટન થઈ ગઈ છે. વર્ષ 2019ના સમગ્ર 12 મહિનામાં તે ફક્ત 8 મિલિયન ટન હતી.

ચીન પોતાની અર્થવ્યવસ્થાને ફરીથી ચાલતી કરવા માટે સ્ટીલનું ઉત્પાદન વધારી રહ્યું છે. જેના માટે તેને ભારતથી કાચા લોખંડની જરૂર છે અને તે આ સામાન ભારત ઉપરાંત ઑસ્ટ્રેલિયા પાસેથી પણ આયાત કરી રહ્યું છે.

લગભગ 60 ચીની ઍપ્સ પર પ્રતિબંધ લગાવવા ઉપરાંત ભારત સરકારે 15 જૂને ગલવાન અથડામણ પછી ચીની વસ્તુઓની આયાતને ઘટાડવા માટે કેટલાંક પગલાં ઉઠાવ્યાં છે.

ભારતના વિદેશ વેપાર મહાનિર્દેશાલય (DGFT)એ 2 અઠવાડિયા પહેલા સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે રંગીન (કલર) ટૅલિવિઝન સેટ્સની આયાત પર પ્રતિબંધની જાહેરાત કરી.

DGFTએ એક નોટિફિકેશનમાં કહ્યું" કલર ટીવીને આયાત ફ્રી શ્રેણીમાંથી રિસ્ટ્રિક્ટેડ શ્રેણીમાં મૂકવામાં આવે છે.

કોઈ વસ્તુને આયાતની રિસ્ટ્રિક્ટેડ શ્રેણીમાં રાખવાનો અર્થ એમ છે કે એ વસ્તુની આયાત માટે વાણિજ્ય મંત્રાલયના DGFT વિભાગ પાસેથી લાઇસન્સ લેવું પડશે.

ચીન પર નિર્ભરતા ઘટશે

ભારત સરકારે ખાસ કરીને ચીન સાથેના સંબંધો બગડયા પછીથી આત્મનિર્ભરતા પર બળ આપવાનું શરૂ કરી દીધું છે. પરંતુ એવું લાગે છે કે આ પ્રયાસ ચીની સામાનો ઉપર નિર્ભરતાને ઘટાડવા માટે છે.

દિલ્હીમાં ચીની સામાનોના વેપારી દિપક ચોપડા પૂછે છે કે ચીની કલર ટીવી પર રોક લગાવવાથી આત્મનિર્ભરતા કેવી રીતે આવશે?

તેઓ કહે છે કે તેઓ પાછલા પાંચ વર્ષોથી હાઈ ઍન્ડ ચાઇનીઝ ટીવીનો ઉપયોગ કરી રહ્યા છે. જેને તેમણે 40,000 રૂપિયામાં ખરીદ્યું હતું. એ ગુણવત્તાનું સોની અથવા એલજીનું ટીવી એક લાખ રૂપિયાનું આવશે.

ચોપડા કહે છે, "નુકસાન તો ગ્રાહકોનું જ થશે ને?"

ડૉક્ટર ફૈઝલ અહેમદ કહે છે કે આત્મનિર્ભરતાનો અર્થ દેશો વચ્ચે નિર્ભરતાનો અંત નથી.

પ્રોફેસર હુઆંગ પણ ભારતમાં ચીની સામાનની આયાતને રોકવાના પ્રયત્નોને બંને દેશોના હિતમાં નથી માનતા.

તેઓ કહે છે, "આ ક્યારેય પણ ચીન અથવા ભારતના હિતમાં નહીં હોય. બહારની શક્તિઓ એશિયાના બે મોટા દેશોમાં 'ફૂટ પાડો અને રાજ કરો'ની નીતિનો ઉપયોગ કરી રહી છે. ચીનીઓ આ જોઈને ઘણા દુઃખી થાય છે કે ભારત આવી શક્તિઓના હાથોમાં રમી રહ્યું છે."

દુનિયાનો દરેક દેશ પોતાના ઉત્પાદનનો ખર્ચ ઘટાડવાનો પૂરો પ્રયત્ન કરે છે. દેશ આયાત અને નિકાસ પર સંપૂર્ણ રીતે નિર્ભર હોતા પણ નથી.

દરેક દેશ ઓછા ખર્ચમાં ઉત્પાદન અને વૅલ્યુ ચૅઇન પર ધ્યાન કેન્દ્રિત કરીને અનેક ક્ષેત્રોમાં આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરે છે અને તેમણે એવું કરવું જોઈએ. કારણ કે એ એમનું આર્થિક હિત છે.

દેશો કોઈ ચોક્કસ દેશ ઉપર નિર્ભર રહેવા નથી માગતા. એટલા માટે એ જરૂરી છે કે ચીન અને આસિયાન દેશો સહિત ભારતના તમામ વ્યાપારિક ભાગીદારોએ એ સમજવું જોઈએ કે આત્મનિર્ભરતાનો અર્થ એ નથી કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની આર્થિક નિર્ભરતા સમાપ્ત થઈ જશે.

ડૉક્ટર ફૈઝલ અહેમદ માને છે કે સરહદ પરના મતભેદથી આર્થિક અને વ્યાપારિક સંબંધો પર અસર થઈ શકે છે. એમના પ્રમાણે આનો સાચો અંદાજ ત્રણ મહિના પછી આવશે.

ચીનને એમની સલાહ એ હતી, "એ જરૂરી છે કે ચીન પોતાની ભૂ-રાજનૈતિક મહત્વકાંક્ષાઓને નિયંત્રિત કરવા માટે એક પગલું આગળ વધે અને 'મેક ઇન ઇન્ડિયા'ની સાથોસાથ 'મેડ ઇન ચાઇના 2025' કાર્યક્રમો માટે બધાના લાભની સ્થિતિ બનાવવામાં મદદ કરે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો