બિટકૉઇન : જેને પડાવવા માટે અબજોપતિઓનાં એકાઉન્ટ હૅક કરાયાં એ કરન્સી શું છે?

બિલ ગેટ્સ, ઓબામા, એલન મસ્ક

ઇમેજ સ્રોત, AFP/Reuters

ઇમેજ કૅપ્શન, અબજપતિઓ, ઉદ્યોગપતિઓ અને નેતાઓને એક કથિત સ્કૅમ અંતર્ગત હૅકિંગના શિકાર બનાવવામાં આવ્યા છે.

વિશ્વના નામી અબજપતિઓ, ઉદ્યોગપતિઓ અને નેતાઓને એક કથિત સ્કૅમ અંતર્ગત હૅકિંગના શિકાર બનાવવામાં આવ્યા છે.

બુધવારે મોડી રાત્રે એલન મસ્ક, ઝેફ બેઝોસ અને બિલ ગેટ્સ સહિત અનેકનાં ટ્વિટર એકાઉન્ટ હૅક કરવામાં આવ્યાં હતાં.

આ હૅકિંગની પાછળ એક બિટકૉઇન સ્કૅમ હોવાનું મનાઈ રહ્યું છે.

એવા અનુમાન પાછળનું કારણ એવું છે કે જે એકાઉન્ટ હૅક કરવામાં આવ્યાં છે, તેના પરથી બિકકૉઇનની માગ કરાઈ છે.

બિલ ગેટ્સના એકાઉન્ટ પરથી કરવામાં આવેલા ટ્વીટમાં કહ્યું છે, "મને દરેક વ્યક્તિ સમાજને પરત આપવા વિશે કહેતી હોય છે, હવે એ સમય આવી ગયો છે. તમે મને એક હજાર ડૉલર મોકલો, હું તમને બે હજાર ડૉલર પરત મોકલીશ."

'ટેસ્લા' અને 'સ્પેસ ઍક્સ'ના પ્રમુખ એલન મસ્કના એકાઉન્ટ પરથી કરાયેલા ટ્વીટમાં લખ્યું છે કે આગામી એક કલાક સુધી બિટકૉઇનમાં મોકલવામાં આવેલા પૈસાને બમણા કરીને પરત આપવામાં આવશે.

બિટકૉઇનના ઍડ્રસની લિંક સાથે ટ્વીટમાં લખ્યું છે, "હું કોવિડ મહામારીના કારણે દાન કરી રહ્યો છું."

થોડી મિનિટોમાં જ આ ટ્વીટ ડિલીટ પણ થઈ ગયાં હતાં.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાના જાણીતા રૅપર કાનયે વેસ્ટ, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ડેમૉક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જો બાઇડન ઉપરાંત દુનિયાની મોટી કંપનીઓમાં શામેલ 'ઉબર' અને 'ઍપલ'નાં એકાઉન્ટ પણ હૅક કરવામાં આવ્યાં હતાં.

થોડી જ વારમાં સેંકડો લોકોએ એક લાખ ડૉલર કરતાં વધારે રકમ મોકલી દીધી. જે એકાઉન્ટને નિશાન બનાવવામાં આવ્યાં છે, એ મિલિયન્સમાં ફૉલોઅર ધરાવે છે.

આ કથિત 'કિંગ બિટકૉઇન સ્કૅમ' બાદ ફરી એક વખત બિટકૉઇન અંગે ચર્ચા ચાલી છે, તો આ બિટકૉઇન શું છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય?

line

બિટકૉઇન અલગ મુદ્રા કઈ રીતે?

બિટકૉઇન

ઇમેજ સ્રોત, Getty Images

આ કૌભાંડ પછી સોશિયલ મીડિયા પર બિટકૉઇનને લઈને તરેહ-તરેહના સવાલો લોકો પૂછી રહ્યા છે.

બિટકૉઇન એક ડિજિટલ કરન્સી છે કે પછી એક વર્ચ્યુઅલ કરન્સી છે. બિટકૉઇન અન્ય મુદ્રાથી કઈ રીતે અલગ છે?

જેમ કે ભારતમાં રૂપિયો, અમેરિકામાં ડૉલર, બ્રિટનમાં પાઉન્ડ છે અને એને ફિઝિકલ કરન્સી કહેવામાં આવે છે.

ફિઝિકલ કરન્સી એટલે એક એવી કરન્સી જેને તમે સ્પર્શી શકો, જોઈ શકો અને નિયમાનુસાર ચોક્કસ દેશમાં કે જગ્યાઓએ તેને ખર્ચ કરી શકો. જોકે બિટકૉઇનની કહાણી થોડી જુદી છે.

અન્ય ચલણની જેમ ક્રિપ્ટૉકરન્સીને છાપવામાં આવતી નથી અને એટલે જ એને વર્ચ્યુઅલ કરન્સી કહેવામાં આવે છે.

બિટકૉઇન અંગે બે વાત સ્પષ્ટ છે, પહેલી એ કે તે ઇન્ટરનેટના માધ્યમથી ખર્ચ થતી મુદ્રા છે અને બીજી વાત એ કે તેને પરંપરાગત મુદ્રાનો વિકલ્પ ગણવામાં આવે છે.

ગજવામાં રખાતી નોટ કે સિક્કા કરતાં સાવ અલગ બિટકૉઇન ઑનલાઇન મળે છે.

ઍક્સપીડિયા અને માઇક્રોસૉફ્ટ જવી કેટલીક મોટી કંપનીઓ બિટકૉઇનમાં લેવડદેવડ કરે છે.

બિટકૉઇનનો સૌથી વધારે ઉપયોગ રોકાણ માટે થતો હોય છે.

line

બિટકૉઇન તૈયાર કેવી રીતે થાય?

બિટકૉઇન

ઇમેજ સ્રોત, Getty Images

ડિજિટલ કરન્સી એક એવી મુદ્રા છે જે ઑનલાઇન હોય છે, તે સામાન્ય રીતે વપરાતી મુદ્રા, જેમ કે સિક્કા અને નોટ જેવી નથી હોતી. જોકે વિશેષ એટીએમમાંથી બિટકૉઇન ઇસ્યૂ કરાવી શકાય છે. તમે તેને વર્ચ્યુઅલ ટોકનની જેમ જોઈ શકો છો.

બિટકૉઇન એક પ્રખ્યાત ક્રિપ્ટોકરન્સી છે.

તેનું લૉન્ચિંગ 2009માં કરવામાં આવ્યું હતું. એ પછી તેનાં મૂલ્યમાં ધરખમ ફેરફારો જોવા મળ્યા હતા.

બિટકૉઇન કમ્પ્યૂટર કૉડથી બનેલી ડિજિટલ કરન્સી કે વર્ચ્યુઅલ કરન્સી છે. લોકો તેને ઑનલાઇન 'કૅશ' તરીકે પણ ઓળખે છે.

બિટકૉઇન

ઇમેજ સ્રોત, Getty Images

એકદમ સાદા શબ્દોમાં કહીએ તો બિટકૉઇન એક કમ્પ્યૂટર ફાઇલ છે, તેનો સંબંધ કોઈ બૅન્ક કે સરકાર સાથે નથી.

માઇનિંગ નામની જટિલ પ્રક્રિયાથી બિટકૉઇન તૈયાર કરવામાં આવે છે. દુનિયાભરમાં કમ્પ્યૂટર નેટવર્ક પર તેને મૉનિટર કરવામાં આવે છે.

આ મુદ્રા કોઈ બૅન્કે બહાર પાડી ન હોવાથી તેના પર કોઈ ટૅક્સ લાગતો નથી. બિટકૉઇન ગુપ્ત કરન્સી છે અને તેને સરકારથી છુપાવીને રાખી શકાય છે.

બિટકૉઇનની મદદથી તમે સામાન કે સર્વિસ માટે ચૂકવણી કરી શકો છો.

જોકે, બિટકૉઈન બહુ ઓછી બાબતો માટે વાપરી શકાય છે. કેટલાક દેશોમાં તો બિટકૉઇનનો વપરાશ પ્રતિબંધિત છે.

line

બિટકૉઇન કેવી રીતે ખરીદાય?

બિટકૉઇન

ઇમેજ સ્રોત, Getty Images

બિટકૉઇન ત્રણ રીતે મેળવવામાં આવે છે:

  • પૈસા આપીને બિટકૉઇન ખરીદવામાં આવે છે.
  • કોઈ સામાન વેચી બિટકૉઇનના સ્વરૂપમાં પેમેન્ટ લઈને.
  • અથવા કમ્પ્યૂટરના માધ્યમથી.

બિટકૉઇન રિસીવ કરવા માટે યૂઝર પાસે બિટકૉઇન ઍડ્રેસ હોવું જરૂરી છે જે સામાન્યપણ 27થી 34 અક્ષરો અને અંકોનું બનેલું હોય છે.

આ એક વર્ચ્યુઅલ પોસ્ટબૉક્સ છે જ્યાંથી બિટકૉઇનને મોકલી શકાય અને જ્યાં તેને રિસીવ કરી શકાય.

આની સાથે ખરું નામ અને ઍડ્રેસ રજિસ્ટર નથી થતાં, જેનાથી કેટલાક બિટકૉઇન યૂઝર્સ ઓળખ છુપાવી શકે છે. બિટકૉઇન વૉલેટ ઍડ્રેસને સ્ટોર કરે છે અને બચતનું સંચાલન કરે છે.

આ એક ખાનગી બૅન્ક એકાઉન્ટની જેમ વર્તે છે. જો ડેટા ખોવાઈ જાય તો બિટકૉઇન પણ ગુમાવી દીધા એમ કહી શકાય. જોકે વૉલેટ ખોલવા માટે આઈડી માગવામાં આવે છે.

બિટકૉઇન અંગેના નિયમો પ્રમાણે બે કરોડ દસ લાખ બિટકૉઇન ક્રિએટ થઈ શકે છે. જોકે એ સ્પષ્ટ નથી કે ત્યાર પછી શું થશે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો