કોરોના વાઇરસ પછીની દુનિયા કેવી હશે? - દૃષ્ટિકોણ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બી.બી.સી. ગુજરાતી માટે
જેણે અમેરિકાના બે-બે પ્રમુખને વિદેશ નીતિ અંગે સલાહ આપી, અમેરિકાના નેશનલ સિક્યૉરિટી ઍડવાઇઝર રહ્યા એ ડૉ. હેનરી કિસિન્જર આમ તો વ્યવસાયે પ્રોફેસર છે, પણ વૈશ્વિક રાજનીતિના નિષ્ણાતોમાં આજે પણ તેમનું નામ અગ્રિમ હરોળમાં મુકાય છે.
કોવિડ-19ની મહામારી અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં કિસિન્જરે કહ્યું છે કે, "The world will not be the same again after Covid-19" એટલે કે કોવિડ-19 મહામારીનો પ્રકોપ પૂરો થશે, તે દુનિયાને એટલી બદલી નાખશે કે આપણને આ મહામારીના અંતે એક નવી જ દુનિયા જોવા મળશે.
ડૉ. કિસિન્જરના ઉપરોક્ત વિધાનના સંદર્ભમાં આગળ વાત કરીએ તે પહેલાં નીચેની ઘટનાઓ પર નજર નાખી લેવી ઉપયોગી બનશે.
(અ) ઇટાલીમાંથી એક ડેલિગેશન સોમાલિયા ગયું હતું. કામ પૂરું થયું, પણ પાછા ફરવામાં ખચકાટ અનુભવાતા, એમણે સોમાલિયાની સરકારને વિઝા લંબાવવા વિનંતી કરી.
(બ) સોમાલિયાના વડા પ્રધાનનું શાસન પૂરું થયું પછી સલામતી ખાતર એમણે બ્રિટનમાં શરણ લીધું, જ્યાં કોરોના વાઇરસથી એમનું મૃત્યુ થયું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
(ક) અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા અમેરિકા અને મેક્સિકો વચ્ચે ટ્રમ્પે એક દીવાલ ચણાવી, બાદમાં મેક્સિકોએ એ જ દીવાલ થકી નાકાબંધી કરી છે, જેથી કોઈ અમેરિકન એમના દેશમાં પ્રવેશી ન શકે.
(ડ) હજુ થોડા મહિના પહેલાં સુધી આફ્રિકનો મોરોક્કો થઈને સ્પેનમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા હતા. બાદમાં આ હોડીઓ પરત આવી, ત્યારે તેમાં ગેરકાયદેસર રીતે બહાર નીકળવા માગતા સ્પેનિશ નાગિરકો હતા.
(ઈ) કોરોનાનો ચેપ લાગવાથી ડૉક્ટરનાં મૃત્યુના કિસ્સા નોંધાયા છે અને દરદી સાજો થઈને ઘરે જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કિસિન્જરને સાચા પાડવા માટે આથી વધારે કેટલાય દાખલા મળી શકે તેમ છે.
કોરોના, ક્રૂડ અને ક્રાઇસિસ

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વના ફલક ઉપર કોરોનાએ દેખાં દીધી, તે પહેલાં ખાસ્સા દોઢેક વરસથી દુનિયાની અર્થવ્યવસ્થા ઉપર સંકટ તોળાઈ રહ્યું હતું.
ટ્રમ્પે શરૂ કરેલ ટેરિફ-વૉર અથવા ટ્રૅડ-વૉરને કારણે દુનિયાની ઘણી-બધી અર્થવ્યવસ્થાઓ તકલીફમાં મુકાઈ અને 2008-09 જેવી અથવા એનાથી પણ વધુ કપરી મંદીનો વિશ્વ શિકાર બનશે કે કેમ તેવી શંકા-કુશંકાઓ ચર્ચાવા લાગી.
આટલું જેમ ઓછું હોય તેમ સાઉદી અરેબિયાએ ક્રૂડઑઇલના એક મહત્ત્વના ઉત્પાદક તરીકે પોતાને ઘરઆંગણે ક્રૂડઑઇલ ઉત્પાદનની નવ ડૉલર પ્રતિબેરલ જેટલી દુનિયાની નીચામાં નીચી ઉત્પાદનકિંમતના કારણે ક્રૂડનો ભાવ સતત ઘટાડાતાં રહી પ્રાઇસ-વૉર શરૂ કર્યું.
દરમિયાન કોવિડ-19ના કારણે દુનિયાભરમાં ક્રૂડઑઇલની માગ તળિયું પકડવા બેઠી. ક્રૂડઑઇલનું ઉત્પાદન એટલું બધું હતું કે દુનિયાની લગભગ 80 ટકા જેટલી સંગ્રહશક્તિ પણ એમાં ખરચાઈ ગઈ.
ઊભી થયેલી પરિસ્થિતિને કારણે ક્રૂડઑઇલ ઉત્પાદનના ક્ષેત્રે કાર્યરત લોકોમાં મોટા પાયે બેકારી ઊભી થાય તેવા સંયોગોનું નિર્માણ થયું.
છેવટે અમેરિકાની દરમિયાનગીરીથી સાઉદી અરેબિયા તેમજ રશિયા અને અન્ય ઉત્પાદકોએ ક્રૂડઑઇલના ઉત્પાદનમાં રોજના 10 લાખ બેરલનો કાપ મૂકવાનું સ્વીકાર્યું.
આમ થવાને કારણે ક્રૂડઑઇલના ભાવ તળિયે બેઠા હતા, એમાંથી ઊંચકાઈને લગભગ 33 ડૉલર પ્રતિબેરલની આસપાસ પહોંચી ગયા હતા અને હજુ પણ ભાવ વધવાની શક્યતાઓ જોવાય છે.
અમેરિકા આજે વિશ્વના કુલ કોરોના સંક્રમિત દરદીઓનો લગભગ ત્રીજો ભાગ ધરાવે છે.
જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે, અમેરિકામાં 23મી મે સુધીમાં કુલ કેસ વધીને 16 લાખ નજીક પહોંચી અને મૃત્યુઆંક 96 હજારના આંકડાને આંબી ગયો.
આખા જગતમાં કોરોનાના કુલ કેસ 52 લાખથી ઉપર, જ્યારે કુલ મૃત્યુ ત્રણ લાખ 38 હજારથી વધુ નોંધાયેલાં છે.
રશિયામાં પણ લગભગ ત્રણ લાખ કેસ નોંધાયા છે. અમેરિકા મહાસત્તા ગણાય, કોઈ પણ કટોકટીનો જવાબ આપવામાં મહાસત્તાનો દેખાવ દાખલારૂપ હોય, પરંતુ એવું ન થયું.
યુદ્ધભૂમિમાં અજેય ગણાતું અમેરિકા, વૈશ્વિક અર્થવ્યવસ્થાની બાગડોર સંભાળતું અમેરિકા, કોરોના વાઇરસની મહામારીનો સામનો કરવામાં અપેક્ષાથી વિપરીત વામણું પુરવાર થયું.
ટ્રમ્પ અને તકરાર

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખોમાં શબ્દેશબ્દ તોળીને બોલવાની અને લાગણીઓની અભિવ્યક્તિમાં સંયમની પરંપરા રહી છે, પરંતુ ટ્રમ્પ અલગ તરી આવે છે. કોરોનાની કટોકટી સમયે આ બાબત અનેક વખત વર્તાઈ છે.
અમેરિકાના ઇતિહાસમાં પહેલી વાર બેકારી ભથ્થાંના જે ચેક અપાશે તેના ઉપર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ છપાશે. ટ્રમ્પ તો ચેક પર પોતાની સહી હોય તેવું ઇચ્છતા હતા, પરંતુ તે શક્ય ન બનતા તેમણે નામમાત્રથી સંતોષ માનવો પડ્યો.
રાષ્ટ્રપ્રમુખ પદ માટેની આગામી ચૂંટણીને ધ્યાને લેતાં ટ્રમ્પે આવો આગ્રહ કર્યો હોય, તેની શક્યતાને નકારી ન શકાય.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
પ્રમુખને ન છાજે તે રીતે વારંવાર વ્હાઇટ હાઉસના પ્રેસ-બ્રિફિંગમાં આવવું (બાદમાં બંધ કરવું), કોરોનાના કપરા સમયે વિપક્ષ એટલે કે ડેમૉક્રેટ્સ ઉપર આક્ષેપ કરવા, કોવિડ-19 બાબતે નિષ્ણાત તબીબોના અભિપ્રાયની કથિત રીતે અવગણના કરવી અને "I am not a doctor, but I have some common sense" જેવા નિવેદનો પ્રસ્થાપિત પરંપરાઓને તોડનાર હતા.
આગામી મહિનાઓ દરમિયાન અમેરિકામાં ચૂંટણી યોજાશે, ત્યારે મતદાતાની કસોટી થશે.
લૉકડાઉન ખોલવા અંગે ટ્રમ્પ તથા કેટલાક રાજ્યોના ગવર્નર વચ્ચે અગાઉ ન જોવા મળ્યું હોય તેવું વાક્યુદ્ધ ચાલ્યું.
WHO, ટ્રમ્પ અને ચીન

ઇમેજ સ્રોત, Getty Images
ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થાને અપાતી આર્થિક સહાય એવો આરોપ મૂકીને અટકાવી દીધી કે WHOએ સમયસર કોરોના વાઇરસ અંગે દુનિયાને માહિતી આપી નહીં.
તેમણે WHOને પત્ર લખીને અમેરિકા શા માટે સહાય અટકાવે નહીં અને સભ્યપદ ન છોડે, તેવા મતલબનો પત્ર પણ લખ્યો છે.
ટ્રમ્પનું માનવું છે કે જો વિશ્વ આરોગ્ય સંસ્થાએ સમયસર પગલાં લીધાં હોત તો કોવિડ-19 વુહાનમાં જ અટકાવી શકાયો હોત અને આ મહામારી દુનિયામાં ફેલાઈ ના હોત. સમયસર જાણકારી મળી હોત તો હજારો લોકોના જીવ બચત અને આર્થિક બેહાલી અટકાવી શકાઈ હોત.
ટ્રમ્પનો આક્ષેપ છે કે WHOએ ચીન દ્વારા રજૂ કરવામાં આવેલાં ચિત્ર ઉપર વિશ્વાસ કર્યો, જેથી સ્થિતિ વકરી ગઈ.
ટ્રમ્પ કોવિડ-19ને 'ચીની વાઇરસ' કહે છે, જે આંતરરાષ્ટ્રીય કૂટનીતિક સંયમના ધોરણોનો છેદ ઉડાડે છે. ટ્રમ્પનું કહેવું છે કે આ વાઇરસ લૅબોરેટરીમાં તૈયાર થયો હોવાના પુરાવા તેમણે જોયા છે, પરંતુ આ અંગે તેમણે કોઈ ફોડ નથી પાડ્યો.

ઇમેજ સ્રોત, Getty Images
કોરોના મુદ્દે ચીન દ્વારા જે માહિતી આપવામાં આવી અને પછી તેમાં સુધાર કરવામાં આવ્યો, તેનાથી ચીનની વિશ્વસનીયતા ઉપર સવાલ ઊભા થયા. આગામી સમય દરમિયાન ચીન પ્રત્યે વિશ્વ સમુદાય પ્રત્યેનું તેનું વલણ શંકાના દાયરામાં રહેશે.
ડોનાલ્ડ ટ્રમ્પ ચીન સામે તપાસ કરાવવાની વાત કરે છે. આમ કોરોનાની મહામારી પતશે, ત્યારબાદ પણ ચીન સામે આ વિવાદ ચાલુ રહેશે.
વૈશ્વિક જાણકારો કોરોના સામેની લડાઈમાં વૈશ્વિક મહાસત્તા તરીકે અમેરિકા નેતૃત્વ લે, તેવી અપેક્ષા રાખે છે. જો બીજી ટર્મ દરમિયાન ટ્રમ્પ ચૂંટાઈ આવે તો WHO પ્રત્યેનું તેમનું વલણ વધુ ઉગ્ર બને તેવી શક્યતાને નકારી ન શકાય.

કોવિડ: ટ્રમ્પના નિર્ગમનનું નિમિત્ત?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાનો મતદાર ફરી પાછા ટ્રમ્પને રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટશે? કોવિડ-19ની આ કટોકટી શરૂ થઈ તે પહેલાં ટ્રમ્પનું ઍપ્રૂવલ રેટિંગ ઉપર ઊઠ્યું હતું, જેને કારણે બીજી ટર્મ માટે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બનશે એવી તકો ઉજળી બની હતી.
પરંતુ કોવિડ-19 પછીની ટ્રમ્પ માટે સ્થિતિ કદાચ અગાઉ જેવી ન પણ હોય.
જો ટ્રમ્પ બીજી વખત માટે ચૂંટાઈ ન આવે તો ક્યાંક ને ક્યાંક કોવિડ-19 તેમને નડી ગયો અને અમેરિકામાં ફરી પાછું ડેમૉક્રેટ પ્રમુખનું શાસન આવ્યું એમ કહેવાશે.
સવાલો અને સંભાવનાઓ

ઇમેજ સ્રોત, Getty Images
- કોવિડ-19 વુહાનમાંથી લીક થયો હોવાનું અમેરિકા પુરવાર કરી શકશે?
- મહાસત્તાઓ વચ્ચેનો તણાવ ત્રીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર બનશે?
- શું ફરી શીતયુદ્ધની શરૂઆત થશે?
- અમેરિકાનું ફંડ ન મળતા WHOની કામગીરી ઉપરની અસર
- કોરોનાની ચીનમાં થયેલા વૈશ્વિક રોકાણને અસર પડશે?
- ઑટોમોબાઇલ તથા ઇલેક્ટ્રોનિક્સ સહિતની બાબતોમાં ચીન 'વિશ્વની ફેકટરી' તરીકે યથાવત્ રહેશે?
- શું ચીને કોરોનાસંબંધિત માહિતી છૂપાવી હતી?
- કોરોનાની અસર આંતરરાષ્ટ્રીય સહકારની મિસાલ એવા યુનાઇટેડ નેશન્સ પર થશે?
- વિશ્વને અણુ અને કેમિકલ હથિયારોની જેમ બાયૉલૉજિકલ હથિયારો માટે માર્ગદર્શિકાની જરૂર છે
- શું કોરોના વધુ કેટલાક ભયાનક વાઇરસોના આગમનના એંધાણ આપે છે?
- વૈશ્વિક તણાવની સ્થિતિમાં રશિયાની શું ભૂમિકા રહેશે?
- ગ્લોબલ સપ્લાય ચેઇન નેટવર્ક પુનર્ગઠિત થશે કે યથાવત્ રહેશે?
- જો ચીનમાંથી ઉદ્યોગોનું સ્થળાંતરણ થાય, તો તેનો લાભ ભારત લઈ શકશે?
- કોરોનાના વૈશ્વિક સંકટમાં ભારતની ભૂમિકા શું છે?
- કોરોનાને કારણે વૈશ્વિક અર્થતંત્ર તથા રોજગારની સ્થિતિ ઉપર કેવી અસર થશે?
- શું કોરોનાને કારણે થયેલી આર્થિક ખુંવારી વૈશ્વિક અરાજકતા ઊભી કરશે?
જોઈએ ભાવિના ગર્ભમાં શું છુપાયું છે, પણ એક વાત નક્કી કિસિન્જર ખોટા નહીં પડે. The post Covid-19 world will not be the same again!


- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












