કોરોના લૉકડાઉન : દેશના સૌથી ધનિક મંદિરમાં પણ હવે પૈસાનું સંકટ

કેરળનું શ્રી પદ્મનાભસ્વામી મંદિર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેરળનું શ્રી પદ્મનાભસ્વામી મંદિર
    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બેંગલુરુથી, બીબીસી ગુજરાતી માટે

કોરોના વાઇરસ સંક્રમણના પ્રભાવથી ભારતનું સૌથી ધનિક કહેવાતું કેરળનું શ્રી પદ્મનાભસ્વામી મંદિર પણ બાકાત નથી.

પદ્મનાભસ્વામી મંદિર નામ જો તમને અજાણ્યું લાગતું હોય તો યાદ કરાવીએ કે મંદિરનો ગુપ્ત ખજાનો મળી આવ્યા પછી તે 2011માં 22 બિલિયન ડૉલર એટલે કે એ સમયના આશરે 90 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતું હતું. અલબત્ત એ વાતને પણ ઘણો સમય વીતી ગયો છે.

આ મંદિરે ઉત્તર ભારતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, પરંતુ હાલમાં તેની આર્થિક સ્થિતિ 'બહુ ખરાબ' બતાવાઈ રહી છે.

સામાન્ય રીતે રોજના બેથી ત્રણ લાખ રૂપિયાનું દાન કે ચઢાવો મેળવનારામાં આ મંદિરમાં ઑનલાઇન ચઢાવાના રોજના માત્ર 10થી 20 હજાર રૂપિયા આવે છે.

કેરળના તિરિવનંતપુરમસ્થિત શ્રી પદ્મનાભસ્વામી મંદિરના કાર્યકારી અધિકારી વી. રથીસને બીબીસીને કહ્યું, "અમારા 307 કર્મચારીઓના પગાર માટે અમે બૅન્કમાં જમા ધનરાશિ અને અન્ય જમા રાશિમાંથી આવનારા વ્યાજ પર નિર્ભર છીએ. મંદિરના ખર્ચને ધ્યાનમાં રાખતા હું પોતે મારી સૅલરીના 30 ટકા ભાગ આપી રહ્યો છું."

તેઓ કહે છે, "આ ભારતનું સૌથી ધનિક મંદિર છે. અહીં ઉત્તર ભારતનાં રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ક્યારેક રોજના પાંચથી દસ હજારની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હતા, પરંતુ હવે કોરોના વાઇરસને લીધે કોઈ નથી આવતું."

મંદિર પ્રશાસને લૉકડાઉનને કારણે માર્ચ અને એપ્રિલમાં થયેલા નુકસાનનું આકલન કર્યું હતું જે અંદાજે ચારથી છ કરોડ રૂપિયા વચ્ચે છે.

દેશના સૌથી ધનિક મંદિરની આવી સ્થિતિ છે તો દક્ષિણ ભારતમાં આવેલાં તમામ એવાં ધાર્મિક સ્થળો, જેમ કે સબરીમાલા મંદિર જ્યાં ભગવાન અયપ્પા બેઠા છે, તેની સ્થિતિ તો વધુ ખરાબ છે.

line

ઇમેજ સ્રોત, AFP

સબરીમાલાથી 100 કરોડ રૂપિયા

સબરીમાલા

ઇમેજ સ્રોત, ARUN SANKAR/AFP VIA GETTY IMAGES

ત્રાવણકોર દેવાસોમ બોર્ડ (ટીડીબી)ના ચૅરમૅન એન. વાસુએ બીબીસીને જણાવ્યું, "અમે અમારા કર્મચારીઓને પગાર આપવાની સ્થિતિમાં પણ નથી. આ મહિને અંદાજે 25 ટકા પગાર કપાઈ રહ્યો છે."

ટીડીબી કેરળમાં અંદાજે 125 મંદિરની વ્યવસ્થા સંભાળે છે. તેમાં સબરીમાલા પણ છે. લૉકડાઉનની જાહેરાત બાદ આ મંદિરોમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે.

ટીડીબીની દેખરેખમાં જેટલાં પણ મંદિર છે તેમાં એકલા સબરીમાલાથી 100 કરોડ રૂપિયા આવે છે. બાકી 100 કરોડ રૂપિયા અન્ય બધાં મંદિરોની રકમ મેળવીને થાય છે.

મંદિર

ઇમેજ સ્રોત, Getty Images

કેરળના અન્ય ધનિક મંદિર ગુરુવાયૂરની સ્થિતિ અન્યોની તુલનામાં થોડી સારી છે. મંદિરના એક કર્મચારીએ કહ્યું, "અમે સ્થિતિને સંભાળી રહ્યા છીએ."

કર્ણાટકના તટીય જિલ્લાઓમાં આવેલાં કોલ્લુર મુકામ્બિકા મંદિર અને કુક્કે સુબ્રમણ્યા મંદિરમાં માત્ર દક્ષિણ ભારતમાંથી જ નહીં પણ વિદેશોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આવે છે.

મંદિરના ટ્રસ્ટી ડૉક્ટર અભિલાષ પીવીએ બીબીસીને જણાવ્યું, "સામાન્ય સ્થિતિમાં પહોંચતાં અમને એક વર્ષ કે તેનાથી પણ વધુ સમય લાગશે. અમારી વાર્ષિક કમાણી 40 કરોડ રૂપિયાથી વધુ છે. અમારો મહિનાનો ખર્ચ 90 લાખ રૂપિયા છે અને આ ત્રણ મહિના- માર્ચ, એપ્રિલ અને મેમાં અમે અમારા કાયમી સ્ટાફ અને આઉટસોર્સ સ્ટાફને સૅલરી આપી છે. આ સિવાય જે લોકો દૈનિક ચઢાવા પર નિર્ભર છે, તેમનું અમે ધ્યાન રાખી રહ્યા છીએ."

મુકામ્બિકા મંદિરમાં તામિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશની સાથે શ્રીલંકા અને જાપાનથી પણ શ્રદ્ધાળુઓ આવે છે.

સચીન મંદિરમાં

ઇમેજ સ્રોત, Getty Images

શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે અને તેમનાં પત્ની મૈત્રી તેમની ભારતયાત્રા દરમિયાન સૌથી પ્રથમ મુકામ્બિકા મંદિરે ગયાં હતાં.

કુક્કે સુબ્રમણ્યા મંદિરને ત્રણ મહિનામાં અંદાજે 22.79 કરોડનું નુકસાન થયું છે.

મંદિરના એક કર્મચારીએ જણાવ્યું, "અમે કર્મચારીઓને પગાર આપી રહ્યા છીએ, પણ નુકસાન ઘણું છે."

કુક્કે સુબ્રમણ્યા મંદિરમાં દક્ષિણ ભારતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. તેમજ મહારાષ્ટ્રમાંથી સેલિબ્રિટી પણ આવે છે, જેમાં એશ્વર્યા રાય અને સચીન તેંડુલકર પણ સામેલ છે.

કુક્કે સુબ્રમણ્યા મંદિર

ઇમેજ સ્રોત, WWW.KUKKE.ORG

ઇમેજ કૅપ્શન, કુક્કે સુબ્રમણ્યા મંદિર

કરન્ટાકના મુઝરાઈ વિસ્તારના કમિશનર રોહિણી સિંદૂરી બીબીસીને જણાવ્યું, "કર્ણાટકમાં બંદોબસ્તી અધિનિયમ હેઠળ અંદાજે 34,562 મંદિર છે. તેમાં 202 મંદિર ગ્રૂપ 'એ'માં, 139 ગ્રૂપ 'બી'માં આવે છે. આ બંને સમૂહમાં અમે પૂજારીના પગાર આપી શકીએ છીએ. ગ્રૂપ 'સી'માં પૂજારીઓને વાર્ષિક 48,000 રૂપિયા મળે છે. અમે બધા જરૂરિયાતમંદ પૂજારીઓને એક હજાર રૂપિયાની કિંમતની રૅશનકિટ આપી રહ્યા છીએ."

કુલ મળીને માત્ર કર્ણાટકના જ મંદિરમાં આવનારું દાન રોકાવાથી અંદાજે 133.56 કરોડનું નુકસાન થયું છે.

line

ઇમેજ સ્રોત, AFP

કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો