કોરોના વાઇરસ - ગુલશન ઇવિંગ : શિફોનની સાડીમાં સજ્જ, સિગારેટપ્રેમી સેલિબ્રિટી તંત્રી

અમિતાભ બચ્ચન સાથે ગુલશન ઇવિંગની તસવીર

ઇમેજ સ્રોત, ANJALI EWING

ઇમેજ કૅપ્શન, અમિતાભ બચ્ચન સાથે ગુલશન ઇવિંગ
    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી સંવાદદાતા

અમેરિકાના વર્જિનિયા રાજ્યની રાજધાની રિચમંડના એક રેસિડેન્શિયલ કૅર સેન્ટરમાં મૃત્યુ પામેલાં ગુલશન ઇવિંગની વય 92 વર્ષની હતી. અંજલિ ઇવિંગે તેમનાં મમ્મીના મૃત્યુના સમાચાર બીબીસીને આપ્યા હતા.

અંજલિએ કહ્યું હતું કે "તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યારે હું તેમની પાસે જ હતી."

મોટી વય હોવા છતાં ગુલશનને પહેલેથી કોઈ બીમારી ન હતી.

ગુલશન ઇવિંગે ભારતમાં બે લોકપ્રિય સામયિકના તંત્રી તરીકે કામ કર્યું હતું.

મહિલાઓ માટેના સામયિક 'ઇવ્ઝ વિકલી' અને ફિલ્મ મૅગેઝિન 'સ્ટાર ઍન્ડ સ્ટાઇલ'નું તંત્રીપદ તેમણે 1966થી 1989 સુધી સંભાળ્યું હતું. તેઓ વિખ્યાત તંત્રી હોવાની સાથેસાથે એક સેલિબ્રિટી પણ હતાં.

પોતાનાં સામયિક માટે ઇંદિરા ગાંધીનો ઇન્ટર્વ્યૂ કરી રહેલાં ગુલશન ઇવિંગ

ઇમેજ સ્રોત, ANJALI EWING

ઇમેજ કૅપ્શન, ઇંદિરા ગાંધીનો લાંબો ઇન્ટર્વ્યૂ લેવાની કીર્તિ ગુલશનનાં નામે

નોબલ પુરસ્કાર વિજેતા લેખક વી. એસ. (વિદ્યાધર સૂરજપ્રસાદ) નાયપોલે તેમના પુસ્તક 'ઇન્ડિયા : અ મિલિયન મ્યૂટિનીઝ નાઉ'માં ગુલશન ઇવિંગને ભારતનાં સૌથી વિખ્યાત તંત્રી ગણાવ્યાં હતાં.

ભારતનાં સૌપ્રથમ અને એકમાત્ર મહિલા વડાં પ્રધાન ઇંદિરા ગાંધીનો સૌથી લાંબો ઇન્ટર્વ્યૂ કરવાનો રેકર્ડ ગુલશન ઇવિંગના નામે જ છે.

'ઈવ્ઝ વીકલી'ના તંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે અનેક યુવા મહિલા પત્રકારોને તાલીમ આપી હતી.

ભારતમાં નારીવાદી આંદોલન 1970ના દાયકામાં આકાર પામવા લાગ્યું હતું અને તે આંદોલનને આગળ ધપાવવામાં તેમના સામયિકનું મોટું યોગદાન હતું.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

'સ્ટાર ઍન્ડ સ્ટાઇલ'ના તંત્રી તરીકે તેઓ બોલીવૂડ અને હોલીવૂડના ઉત્તમ લોકોનો અંતરંગ પરિચય પામ્યા હતાં.

એ પૈકીના ઘણાનાં ઇન્ટર્વ્યૂ તેમણે કર્યાં હતાં, તેમના વિશે લખ્યું હતું અને તેમની સાથે પાર્ટી પણ કરી હતી.

એક ન્યૂઝ વેબસાઇટ પર ગયા અઠવાડિયે તેમના ફોટોગ્રાફ્સ પ્રકાશિત કરવામાં આવ્યા હતા, જેમાં તેઓ હોલીવૂડના દંતકથાસમાન ગ્રૅગરી પૅક, કૅરી ગ્રાન્ટ અને રૉજર મૂરનો ઇન્ટર્વ્યૂ કરતાં જોવા મળ્યાં હતાં.

આલ્ફ્રેડ હિચકોક સાથે ડિનર કરતાં, પ્રિન્સ સાથે વાત કરતાં, ઈવા ગાર્ડનર સાથે પૉઝ આપતાં અને ડૅની કેને સાડી પહેરવાનું શિખવાડતા હોય તેવા તેમના ફોટોગ્રાફ પણ જોવા મળ્યા હતા.

ગ્રેગરી પેક સાથે ગુલશન ઇવિંગ

ઇમેજ સ્રોત, ANJALI EWING

ઇમેજ કૅપ્શન, ગુલશન ઇવિંગનાં પુત્રીનું કહેવું છે કે ગ્રેગરી પેક ગુલશનના પ્રિય હોલીવૂડ અભિનેતા હતા

બોલીવૂડમાં કળાકારો સાથેની તેમની દોસ્તી પ્રગાઢ હતી.

રાજેશ ખન્ના, દિલીપ કુમાર, શમ્મી કપૂર, દેવ આનંદ, સુનિલ દત્ત અને નરગિસ દત્ત જેવાં દિગ્ગજો સાથે તેમને પ્રગાઢ સંબંધ હતો. તેમણે રાજ કપૂર સાથે તો ડાન્સ પણ કર્યો હતો.

મુંબઈના એક પારસી પરિવારમાં 1928માં જન્મેલા ગુલશન ઇવિંગનો સમાવેશ આઝાદ ભારતની એવી જૂજ સ્ત્રીઓમાં થાય છે, જેઓ પત્રકારત્વ સાથે જોડાયેલાં હતાં.

તેમણે 1955માં એક બ્રિટિશ પત્રકાર સાથે લગ્ન કર્યાં હતાં અને 1990માં તેઓ તેમના પતિ સાથે લંડન શિફ્ટ થઈ ગયાં હતાં.

તેમના બે સંતાનોમાં દીકરી અંજલિ અને દીકરા રૉયનો સમાવેશ થાય છે.

રાજેશ ખન્ના અને શમ્મી કપૂર સાથે ગુલશન ઇવિંગની તસવીર

ઇમેજ સ્રોત, ANJALI EWING

ઇમેજ કૅપ્શન, રાજેશ ખન્ના અને શમ્મી કપૂર સાથે ગુલશન ઇવિંગ

ગુલશન ઇવનિંગ મોતના પગલે બ્રિટનના કૅર હોમ્સમાં કોવિડ-19ના ચેપના હૅન્ડલિંગ બાબતે સવાલ ઉભા થયા છે.

કોરોના વાઇરસ હજ્જારો વયોવૃદ્ધ અને જોખમી આરોગ્ય ધરાવતા લોકોનો ભોગ લઈ ચૂક્યો છે.

ગુલશન ઇવિંગ એક સપ્તાહથી બીમાર હતાં અને 18 એપ્રિલે તેમના શ્વાસ થંભી ગયા હતા.

એક દિવસ પછી આવેલા તેમના ટેસ્ટ રિઝલ્ટમાં જાણવા મળ્યું હતું કે તેઓ કોરોના વાઇરસનો શિકાર બન્યાં હતાં.

અંજલિ ઇવિંગે કહ્યું હતું કે "મારાં મમ્મી બોલી શકતાં ન હતાં. મેં તેમને તેમનું ગમતું સંગીત સંભળાવ્યું હતું. તેમાં બોલીવૂડનાં કેટલાંક ગીતો અને બ્લ્યૂ ડેન્યૂબનો સમાવેશ થાય છે."

ડેની કે તથા ગુલશનની તસવીર

ઇમેજ સ્રોત, ANJALI EWING

ઇમેજ કૅપ્શન, અભિનેતા ડેની કે એ ગુલશન પાસેથી સાડી પહેરવા વિશે શીખેલું

ગુલશન ઇવિંગના સમાચાર ભારતમાં આવ્યા તેની સાથે જ કેટલીક વિખ્યાત મહિલા પત્રકારોએ એક તંત્રી તરીકેની તેમની સ્મૃતિને સંભારી હતી.

આ લોકોએ 35-40 વર્ષ પહેલાં ગુલશન ઇવિંગ સાથે કામ કર્યું હતું.

લંડનમાં બીબીસી વર્લ્ડ સર્વિસમાં કામ કરતાં ચારુ શહાણેએ કહ્યું હતું કે "મારી પહેલી જોબમાં તેઓ મારાં તંત્રી હતાં. એક નાનકડા ઇન્ટર્વ્યૂ પછી તેમણે મારી ભરતી કરી હતી."

રાજ કપૂર સાથે ગુલશન ઇવિંગ

ઇમેજ સ્રોત, ANJALI EWING

ઇમેજ કૅપ્શન, રાજ કપૂર સાથે ડાન્સ કરી રહેલાં ગુલશન ઇવિંગ

ચારુ શહાણે, ગુલશન ઇવિંગને એક ઉત્તમ અને પ્રભાવશાળી તંત્રી તરીકે યાદ કરે છે. તેમના જણાવ્યા મુજબ, ઇવિંગ ઉદાર અને શાલીન મહિલા હતાં.

તેઓ શિફોનની સાડીઓ અને મોતીના હાર પહેરતાં હતાં તેમજ તેમના હાથની આંગળીઓમાં સિગારેટ જોવા મળતી હતી.

'ઈવ્ઝ વીકલી'માં ચાર વર્ષ સુધી આસિસ્ટન્ટ ઍડિટર તરીકે કામ કરી ચૂકેલાં અમૂ જોસેફે જણાવ્યું હતું કે ગુલશન ઇવિંગ ઓફિસમાં ધીમે ચાલીને આવતાં ન હતાં, પણ સડસડાટ આવતાં હતાં.

અમૂ જોસેફે કહ્યું હતું કે "મેં 'ઈવ્ઝ વીકલી' જોઈન કર્યું ત્યારે હું 24 વર્ષની હતી અને ચુસ્ત નારીવાદી હતી."

તેમના મોટાભાગના સાથી કર્મચારીઓ પણ એટલી જ વયના અને એવો જ અભિગમ ધરાવતા હતા.

અમૂ જૉસેફે કહ્યું હતું કે "અમે વયની વીસીના દાયકામાં હતાં, જ્યારે ગુલશન પચાસના દાયકામાં હતાં. તેમણે અમારી વાત સાંભળવી જરૂર ન હતી, તેમ છતાં તેઓ ધ્યાનપૂર્વક અમારી વાત સાંભળતાં હતાં."

1980ના દાયકામાં 'ઇવ્ઝ વિકલી'માં આસિસ્ટન્ટ ઍડિટર તરીકે કામ કરી ચૂકેલાં પામેલા ફિલિપોઝે જણાવ્યું હતું કે પરિવર્તનના દૌરમાં નારીવાદી સંવેદના જરૂરી છે એ વાત ગુલશન ઇવિંગને સમજાઈ ગઈ હતી.

ગુલશન ઇવિંગ સેલિબ્રિટી સાથે

ઇમેજ સ્રોત, ANJALI EWING

ઇમેજ કૅપ્શન, નરગિસ અને સુનિલ દત્ત સાથે ગુલશન ઇવિંગને ગાઢ સંબંધ હતો

પામેલા ફિલિપોઝના જણાવ્યા મુજબ, ગુલશન ઇવિંગે પોતે જાતીય સમાનતા અને મહિલાઓ વિરુદ્ધની હિંસા વિશે કશું લખ્યું ન હતું. તેઓ સુંદર મહિલાઓ સાથે સામાજિક રીતે જોડાયેલા રહેવાનો આનંદ માણતાં હતાં.

ગુલશન ઇવિંગને આપેલી શ્રદ્ધાંજલિમાં તેમનાં ભૂતપૂર્વ સાથી કર્મચારી શર્ના ગાંધીએ જણાવ્ચું હતું કે ગત દિવસોમાં પ્રકાશિત થયેલા તેમના ફોટોગ્રાફ્સ ખરેખર ચોંકાવનારા છે, કારણ કે પોતાના એક સેલિબ્રિટી તરીકેના દરજ્જાને ગુલશન ઇવિંગે ક્યારેય જાહેર થવા દીધો ન હતો.

આલ્ફ્રેડ હિચકોક સાથે ગુલશન ઇવિંગનીતસવીર

ઇમેજ સ્રોત, ANJALI EWING

ઇમેજ કૅપ્શન, હોલીવૂડમાં હોરર ફિલ્મોના ડાયરેક્ટર તરીકે ખ્યાતિ મેળવનારા આલ્ફ્રેડ હિચકોક સાથે ગુલશન ઇવિંગ

ગુલશન ઇવિંગનાં પુત્રી અંજલિ પોતે પણ એક પત્રકાર છે. તેમણે જણાવ્યું હતું કે મારાં મમ્મી એક વિખ્યાત મહિલા જરૂર હતાં, પણ મારા માટે માત્ર મમ્મી હતાં.

ગુલશન ઇવિંગ ઢગલાબંધ કામ લઈને ઘરે કઈ રીતે આવતાં હતાં તેની વાત કરતાં અંજલિએ કહ્યું હતું કે "ફિલ્મ સ્ટાર્સ રાતે બે વાગ્યે મારી મમ્મીને ફોન કરતા હતા. ઘણીવાર તેઓ મૅગેઝિનમાં પ્રકાશિત કોઈ સામગ્રી બાબતે ફરિયાદ કરવા માટે ફોન કરતા હતા. મમ્મીએ કલાકો સુધી ફોન પર વાતો કરવી પડતી હતી અને તેમને શાંત કરવા પડતા હતા."

ગુલશન ઇવિંગ તથા કેરી ગ્રાન્ટની તસવીર

ઇમેજ સ્રોત, ANJALI EWING

ઇમેજ કૅપ્શન, તેઓ કેરી ગ્રાન્ટના અવાજની આબેહૂબ નકલ કરી શકતાં હતાં.

1990માં રિટાયર થઈને લંડન ગયા બાદ ગુલશન ઇવિંગે લખવાનું તથા પત્રકારત્વ સંપૂર્ણપણે છોડી દીધું હતું.

અંજલિના જણાવ્યા મુજબ, તેમણે ગુલશનને એક પુસ્તક લખવા કહ્યું હતું, પણ ગુલશનને તેમાં ખાસ રસ પડ્યો ન હતો.

અંજલિએ કહ્યું હતું કે "તેમનું જીવન ત્યારે પણ એવું હતું અને અત્યારે પણ એવું જ હતું. તેમણે તેમના કામ અને પરિવાર વચ્ચેની ભેદરેખાનું બરાબર પાલન કર્યું હતું."

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો