કીટનાશક પણ કૉક્રોચને મારી શકતું નથી? તો શું કરવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
રસોડામાં આમ તેમ રેસ લગાવતા, વાસણોમાં ફરતા, તિરાડોમાં ઘુસતા- નીકળતા કૉક્રોચનો નાશ કરવા માટે જો તમે કીટનાશક દ્રવ્ય નાખ્યું છે અને તેની કોઈ અસર થઈ નથી, તો આશ્ચર્યમાં ન મૂકાતા.
કેમ કે તમારું કીટનાશક એ કૉક્રોચ પર હવે અસરકારક રહ્યું નથી.
હાલ જ અમેરિકાના ઇન્ડિયાનાની પરડ્યૂ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક અધ્યયન કર્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કૉક્રોચ કીટનાશકોથી ઇમ્યુન થઈ ગયા છે.
એટલે કે તેમણે કીટનાશકોથી બચવાની રીત શોધી લીધી છે.
વર્ષોથી આપણે કેમિકલની મદદથી જીવ જંતુઓની વધતી સંખ્યાને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
સામાન્યપણે કૉક્રોચને ભગાવવા માટે કોઈ કેમિકલ દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે છે.
જો તે કામ ન કરે, તો આપણે બીજા કોઈ પ્રકારના કેમિકલ અજમાવી જોઈએ છીએ.
ઘણી વખત અલગ-અલગ કીટનાશકોને ભેળવીને પણ પ્રયાસ કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ સંશોધકોનું કહેવું છે કે સમગ્ર દુનિયામાં ઝડપથી વધી રહેલા જર્મન કૉક્રોચ પર ઘણા પ્રકારના કીટનાશકની કોઈ અસર હવે રહી નથી.
વૈજ્ઞાનિકોએ એ કીટનાશકો સાથે પ્રયોગ કર્યો કે જે સામાન્ય લોકો માટે બજારોમાં ઉપલબ્ધ છે. સાથે જ કીડા- મકોડા ભગાવતી કંપનીઓ પણ તેનો ઉપયોગ કરે છે.
સંશોધનમાં સામેલ એક વૈજ્ઞાનિકે બીબીસી.ને જણાવ્યું કે અધ્યયનમાં એ કીટનાશકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો, જેને કૉક્રોચના ખાવા માટે રાખવામાં આવે છે.
વૈજ્ઞાનિક ડી. ગોંઢલેકરે કહ્યું, "આ મામલે કોઈ સંશોધન થયું નથી કે શું કૉક્રોચ કીટનાશકો પ્રત્યે પ્રતિરોધક ક્ષમતાનો વિકાસ કરી રહ્યા છે."
"સૌથી વધારે આશ્ચર્યમાં મૂકતી એક વાત સામે આવી તે હતી કે આગામી પેઢીના કૉક્રોચ પર કીટનાશકની પણ કોઈ અસર રહી નથી."
વૈજ્ઞાનિકોએ પોતાના સૅમ્પલમાં કીટનાશક બદલી બદલીને જોયાં, પરંતુ પ્રયોગ નિષ્ફળ રહ્યો.
વધતાં જીવ-જંતુ અને સ્વાસ્થ્યને નુકસાન

ઇમેજ સ્રોત, Getty Images
વિશેષજ્ઞોનું માનવું છે કે કૉક્રોચની આ પ્રતિરોધક ક્ષમતાના કારણે તેમની વધતી સંખ્યા પર રોક લગાવવી મુશ્કેલ બની જશે.
તેના કારણે થતી બીમારીઓનો ખતરો પણ વધી જશે.
ગોંઢલેકર બીબીસીને જણાવે છે, "કૉક્રોચનું મળ ઍલર્જી ઉત્પન્ન કરતાં તત્ત્વો ધરાવે છે. તેના કારણે અસ્થમાનો અટૅક થઈ શકે. એ સિવાય શ્વાસ સાથે જોડાયેલી બીમારી થવાનો પણ ખતરો રહે છે."
આ કીડા એવી જગ્યાઓમાં જ રહેવાનું પસંદ કરે છે કે જ્યાં ભોજન હોય, જેમ કે કિચનના પ્લૅટફૉર્મ પર, શૅલ્ફ અથવા તો ગૅસના ચૂલા પર.
ત્યાં તે એવા બૅક્ટેરિયા છોડી દે છે, જેના કારણે પેટ સાથે જોડાયેલી ગંભીર બીમારીઓ અને ડાયેરિયા થઈ શકે છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે કૉક્રોચ પર નિયંત્રણ શહેરોના વિકાસ અને તેમની જીવ-જંતુઓનો નિકાલ લાવવાની ક્ષમતા પર નિર્ભર કરશે.
જે જગ્યાઓ પર ઓછાં સંસાધનો હશે, ત્યાં જીવ જંતુનો સામનો કરવામાં વધારે મુશ્કેલીઓ આવશે.

આ સમસ્યાનો સામનો કેવી રીતે કરવો?
કૉક્રોચ શહેરોમાં ઊભરતાં જંતુ છે. આ જીવ માટે ઇમારત અને મોટી કચરાપેટી સારા ઘર સમાન છે.
જ્યારે એક કીટનાશક કામ કરવાનું બંધ કરી દે છે તો બીજું બનાવવામાં આવે છે.
પરંતુ એક અસરદાર ફૉર્મ્યુલા બનાવવામાં સમય લાગે છે.
એ માટે વૈજ્ઞાનિક કેટલીક સહેલી રીત દર્શાવે છે, જેનાથી તમે તમારા ઘરને આ કૉક્રોચનો અડ્ડો બનવાથી રોકી શકો છો.

ઇમેજ સ્રોત, Getty Images
- એ જગ્યાઓને સાફ કરતા રહો, જ્યાં ધૂળ, ગરમી કે ખાવા પીવાના ટૂકડા એકત્રિત થાય છે.
- એક જ કીટનાશકનો વારંવાર ઉપયોગ ન કરો. જો કીટનાશક છાંટવાથી કૉક્રોચનો નાશ થતો નથી, તો બીજા કેમિકલનો ઉપયોગ કરો. નહીં તો જંતુઓ તેનાથી પ્રતિરોધક ક્ષમતા વિકસિત કરી લેશે.
- તિરાડોને ઠીક કરાવો, કેમ કે તે જીવ જંતુઓ માટે પાણીનો મુખ્ય સ્રોત હોય છે.
- ભોજનને ખુલ્લું ન રાખો.
- કચરાપેટીને થોડા થોડા દિવસે ધોતા રહો.
- એ કાર્પેટને હટાવો અને જગ્યાને સાફ કરો જ્યાં ભેજ એકઠું થાય છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે સાફ સફાઈની ટેવ પાડીને આ જંતુઓની સમસ્યાથી ઘણી હદે બચી શકાય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













