કોરોના વાઇરસ : દક્ષિણ કોરિયાની કામગીરી દુનિયા માટે મિસાલ કેમ બની રહી છે?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, AFP

    • લેેખક, લૌરા બિકર
    • પદ, બીબીસી ન્યૂઝ, સોલ

દક્ષિણ કોરિયાની રાજધાની સોલની એક હૉસ્પિટલની પાછળ કારપાર્કિંગમાંથી પોતાની કાર બહાર કાઢતી વખતે 45 વર્ષીય રશેલ કિમ કાચ ઉતારે અને પછી પોતાની જીભ બહાર કાઢે છે. તેઓ ગત અઠવાડિયે ડૈગુ ગયાં હતાં. ડૈગુ દક્ષિણ કોરિયાનો એ વિસ્તાર છે જે કોરોના વાઇરસની ઝપેટમાં હતો.

ત્યાંથી પરત આવ્યાં બાદ રલેશને ખાંસી હતી અને તાવ પણ આવતો હતો. દુનિયાભરમાં કોરોના વાઇરસ ફેલાયેલો છે ત્યારે તેમને પણ આશંકા હતી કે તેઓને પણ કોરોનાનો ચેપ તો નથી લાગ્યો ને.

તેઓએ નિર્ણય કર્યો કે પોતાના રિપોર્ટ કરાવશે, જેથી તેમનો ડર સ્પષ્ટ થઈ જાય. દક્ષિણ કોરિયામાં અનેક એવાં કેન્દ્રો બનાવાયાં છે જ્યાં તમે પોતાની ગાડીમાં બેઠાબેઠા ટેસ્ટ કરાવી શકો છો.

આ કેન્દ્રો પર માથાથી લઈને પગ સુધી સફેદ સુરક્ષાત્મક કપડાં પહેરીને લોકો ઊભા હોય છે. તેમના હાથમાં સારાં મોજાં હોય છે, આંખો પર ચશ્માં અને મોં પર સર્જિકલ માસ્ક.

સેન્ટર પર ઊભા આ બંનેમાંથી એક શખ્સ રશેલને એક સ્વૈબ સ્ટિક (ટેસ્ટમાં ઉપયોગી એક ઉપકરણ) આપે છે. રશેલ તેને પોતાના મોઢામાં અંદર તરફ લઈ જાય છે

અને પછી એક ટેસ્ટ-ટ્યૂબમાં સુરક્ષિત રાખીને તેને ટેસ્ટ માટે ઊભેલા અન્ય શખ્સને આપી દે છે અને પછી એક મુશ્કેલ ટેસ્ટ.

એક અન્ય સ્વૈબ તેઓ નાકની અંદર લઈ જાય છે. આ થોડું તકલીફદાયક છે, કેમ કે તેમની આંખોમાં પાણી આવી જાય છે. પરંતુ આ બધી પ્રક્રિયા એક-દોઢ મિનિટમાં પૂરી થઈ જાય છે.

બાદમાં તેઓ પોતાની કારનો કાચ ઉપર કરે છે અને ડ્રાઇવ કરીને પાર્કિંગમાંથી નીકળી જાય છે. જો તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવે તો ફોન કરીને તેમને જણાવાય છે. જો નૅગેટિવ આવે તો માત્ર એક મૅસેજ.

line
કોરોના વાઇરસ
line

નૅગેટિવ પ્રેશર રૂમ

પરીક્ષણ કરતાં તબીબ
ઇમેજ કૅપ્શન, પરીક્ષણ કરતાં તબીબ

દક્ષિણ કોરિયામાં દરરોજ અંદાજે 20 હજાર લોકોની તપાસ થઈ રહી છે. ટેસ્ટ માટે આ આંકડો દુનિયાના કોઈ પણ દેશ કરતાં ઘણો વધુ છે.

રશેલ પાર્કિંગમાંથી નીકળ્યાં પછી થોડા સમય બાદ તેમનું સૅમ્પલ લૅબમાં મોકલી દેવાયું. દક્ષિણ કોરિયામાં કોરોના વાઇરસના ટેસ્ટ માટે બનાવેલી લૅબ 24x7 કામ કરે છે.

કોરોના વાઇરસના ફેલાવાને જોતાં આ પ્રકારની અનેક લૅબ તૈયાર કરી જે ફ્રન્ટ-લાઇન પર આ મહામારીને માત આવવા માટે કામ કરી રહી છે.

દક્ષિણ કોરિયાએ કોરોના વાઇરસના ટેસ્ટ માટે 96 પબ્લિક અને પ્રાઇવેટ લૅબ તૈયાર કરી છે.

સ્વાસ્થ્ય અધિકારીઓનું માનવું છે કે આ રીતે લોકોની જિંદગીઓ બચાવી શકાય છે. દક્ષિણ કોરિયામાં કોરોના વાઇરસને કારણે મૃત્યુદર 0.7 ટકા છે. જો વૈશ્વિકસ્તરે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જાહેર કરેલા દરની વાત કરીએ તો એ 3.4 ટકા છે. પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે સ્થિતિ તેનાથી વધુ ખરાબ છે, કેમ કે બધા કેસ નોંધાતા હોય એ જરૂરી નથી.

હું ગ્રીન ક્રૉસ લૅબ તરફ ગઈ, જે સોલની બહાર તૈયાર કરાઈ છે. જ્યારે હું ત્યાં પહોંચી તો સૅમ્પલનો એક નવો સ્ટૉક ટેસ્ટ માટે આવ્યો હતો. ડૉ. ઓહ યેજિંગે અમને આખી લૅબોરેટરી બતાવી, પરંતુ એક જગ્યાએ તેઓ રોકાઈ ગયાં. તેમણે અમને જણાવ્યું કે અમે ત્યાં જઈ શકીએ નહીં. તેઓએ મને જણાવ્યું, "આ નૅગેટિવ પ્રેશર રૂમમાં ટેસ્ટ કરાય છે."

એ રૂમમાં બે ડૉક્ટર હતા. તેઓએ આછા પીળા રંગનું સુરક્ષાક્વચ પહેરેલું હતું. તેઓ રૂમમાં ક્યારેક એક ખૂણા પર જતા, ક્યારેક બીજા. તેઓ એક ટેબલ પર રાખેલી ટેસ્ટ-ટ્યૂબને ઉઠાવીને અન્ય ટેબલ પર રાખી રહ્યા હતા.

અમને આસપાસ અનેક મશીનોના અવાજો સંભળાતા હતા. મશીનો સતત કામ કરતાં હતાં અને પરિણામ આપી રહ્યાં હતાં. એ પીસીઆર (પૉલીમરેઝ ચેન રીઍક્શન) ટેસ્ટ કરતાં હતાં. સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ મશીનો એ બાબતની ચકાસણી કરતાં હતાં કે કયું સૅમ્પલ પૉઝિટિવ છે.

ટેસ્ટ-ટ્યૂબમાં સૅમ્પલ સ્ટોર કરવાથી લઈને ટેસ્ટના પરિણામમાં પાંચથી છ કલાકનો સમય લાગે છે.

line

મર્સથી બોધપાઠ લીધો

પરીક્ષણ કરતાં તબીબ

ઇમેજ સ્રોત, GETTY

ઇમેજ કૅપ્શન, પરીક્ષણ કરતાં તબીબ

પ્રોફેસર ગે ચિયોલ કોન લૅબોરેટરી મેડિસિન ફાઉન્ડેશનના ચૅરમૅન છે. તેઓ કહે છે કે આ બધું આટલું ઝડપી કરવું એ દક્ષિણ કોરિયાઈ જીનનો ભાગ છે. તેઓ તેને કોરિયાઈ 'બાલી-બાલી' જીન કહે છે.

બાલી એક કોરિયાઈ શબ્દ છે, જેનો અર્થ છે જલદી.

તેઓ આવું એટલા માટે કહી રહ્યા છે કે દક્ષિણ કોરિયા ટેસ્ટની રીત શોધવામાં સફળ રહ્યું અને આખા દેશમાં પ્રયોગશાળાઓનું એક એવું નેટવર્ક તૈયાર કર્યું કે માત્ર 17 દિવસમાં સક્રિય રીતે કામ કરતું થયું.

પરંતુ આ બધી ઝડપી પ્રક્રિયાઓ પાછળ એક કડવો અનુભવ છે.

ચિયોલ કહે છે, "અમે કોઈ પણ નવા ચેપના ખતરા સામે લડવાનું શીખ્યા છીએ. આ વર્ષ 2005માં ફેલાયેલા મિડિલ ઇસ્ટ રેસ્પાઇરેટરી સિન્ડ્રૉમ (મર્સ)ની શીખનું પરિણામ છે."

જે સમયે મર્સનો પ્રકોપ ફેલાયો હતો ત્યારે દક્ષિણ કોરિયામાં 36 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

36 લોકોનાં મૃત્યુએ આ દેશને સંક્રમણ સામે લડવા અને ત્વરિત ઉપયોગી પગલાં લેવાં માટે પ્રેરિત કર્યો. સાથે જ દક્ષિણ કોરિયા પોતાના દૃષ્ટિકોણમાં પણ ફેરફાર માટે મજબૂર થયો.

દક્ષિણ કોરિયા સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલે તો એક એવા વિભાગની સ્થાપના કરી નાખી કે તેઓ આવી કોઈ પણ ખરાબ પરિસ્થિતિ સામે લડવા માટે હંમેશાં તૈયાર રહે.

હવે જ્યારે કોરોના વાઇરસનું સંક્રમણ આખી દુનિયાને પરેશાન કરી રહ્યું છે ત્યારે દક્ષિણ કોરિયાની એ તૈયારી તેને ફાયદો કરાવી રહી છે.

પ્રોફેસર કોન કહે છે, "મને લાગે છે કે શરૂઆતના ચેપગ્રસ્ત લોકોની ઓળખ કરીને, તેની યોગ્ય ચકાસણી અને બાદમાં તેમને આઇસોલેશનમાં રાખીને મૃત્યુદરનો રોકી શકાય છે અને વાઇરસના પ્રસારને પણ નિયંત્રિત કરી શકાય છે."

તેઓ કહે છે કે દરેક જૂના અનુભવમાંથી શીખવાની જરૂર હોય છે અને પહેલેથી સિસ્ટમને તૈયાર રાખવાની જરૂરિયાત. મોટા ભાગે આવા કોઈ પણ નવા પ્રકોપ સામે આ જ સૌથી કારગત ઉપાય હોય છે.

ફેબ્રુઆરીના શરૂઆતમાં ગ્રીન ક્રૉસની ટીમ માટે બધું સામાન્ય હતું, પરંતુ બાદમાં એક દર્દીની ઓળખ થઈ. જેને દક્ષિણ કોરિયામાં હવે પેશન્ટ-31 નામથી પણ ઓળખવામાં આવે છે. આ મહિલાએ કોઈ યાત્રા કરી નહોતી, ન તો એ એવા કોઈ શખ્સના સંપર્કમાં આવ્યાં હતાં કે જેમને કોરોના પૉઝિટિવ હોય.

તેઓ શિંચેઓંચી ચર્ચ ઑફ જિજસ સાથે જોડાયેલાં હતાં. આ ધાર્મિક સમુદાયના અંદાજે બે લાખ સભ્યો છે. આ બાબતે આ પ્રકોપના મૂળ સ્રોતને શોધવામાં અને તેના ફેલાવવા અંગે શરૂઆતમાં જાણકારી આપી.

દક્ષિણ કોરિયામાં પ્રયોગશાળાઓ ટેસ્ટ માટે તૈયાર હતી. જોકે કર્મચારીઓનો સતત કામ અને થાકનો એક મુદ્દો જરૂર હતો. પણ હવે તેઓ પાળીમાં કામ કરે છે.

ડૉ. ઓહે જણાવ્યું કે પરિસ્થિતિ પહેલાં કરતાં સારી છે અને હવે તેઓ કામ કર્યા પછી થોડા કલાકો ઊંઘી શકે છે.

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

બધા માટે એક રોલમૉડલ

પરીક્ષણ કરતાં તબીબ
ઇમેજ કૅપ્શન, પરીક્ષણ કરતાં તબીબ

દક્ષિણ કોરિયામાં ટેસ્ટિંગ કિટ્સની કોઈ કમી નથી. ચાર કંપનીઓને ટેસ્ટિંગ કિટ બનાવવા માટે પરવાનગી આપી દેવાઈ છે. મતલબ કે દક્ષિણ કોરિયા પાસે પૂરી ક્ષમતા છે કે તેઓ દર અઠવાડિયે અંદાજે એક લાખ ચાલીસ હજાર ટેસ્ટ કરી શકે.

પ્રોફેસર કોનનું માનવું છે કે દક્ષિણ કોરિયામાં જે ટેસ્ટ કરાય છે તેની પ્રમાણિકતા 98 ટકા છે.

આટલી સંખ્યામાં ટેસ્ટ કરવાની ક્ષમતા અને યોગ્યતાએ આ દેશને અન્ય દેશો માટે એક રોલમૉડલના રૂપમાં સ્થાપિત કર્યો છે. એક એવા દેશ તરીકે જે કોરોના વાઇરસના સંક્રમણ સામે લડવા તૈયાર છે પરંતુ બધું સારું નથી થયું, કેટલીક ભૂલો પણ થઈ છે.

હૉસ્પિટલમાં પથારીની રાહ જોતાંજોતાં ડૈગુમાં બે લોકોનાં મૃત્યુ થઈ ગયાં. શરૂઆતમાં જેને પણ ચેપ લાગતો તેને અહીં હૉસ્પિટલમાં ક્વૉરેન્ટીન કરાતા હતા.

પરંતુ હવે ડૉક્ટરો એ સમજી ગયા છે કે જે લોકોને ઓછા ચેપ લાગ્યો છે તેમને પોતાના ઘરે જ ઇલાજ કરાવી શકાય છે. આથી જેઓ ગંભીર રીતે સંક્રમિત હોય એવા દર્દીઓને હૉસ્પિટલમાં પથારી મળવી સરળ થઈ ગઈ છે.

કોરિયા નેશનલ મેડિકલ સેન્ટરના ડૉ. કિમ યોન જે અનુસાર, "અમે દરેક ક્વૉરેન્ટીન ન કરી શકીએ અને ન તો બધાનો ઇલાજ કરી શકીએ. જે લોકોને ચેપનાં સામાન્ય લક્ષણો હોય તેઓ ઘરે જ રહેવું જોઈએ અને ત્યાં જ સારવાર લેવી જોઈએ."

"અમને પરિણામ મળતાં અમે રણનીતિમાં ફેરફાર કર્યો જેથી મૃત્યુનો આંકડો વધતા રોકી શકાય. ઇટાલીમાં જે રીતે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે, એ જોતાં તેઓએ પોતાની રણનીતિમાં બદલાવ લાવવો જોઈએ."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

રસી મામલે આશા

રસી

ઇમેજ સ્રોત, Reuters

જે લોકોનાં સૅમ્પલ લેવાયાં છે એ બધાની તપાસ થઈ રહી છે અને તેના પર પણ પરીક્ષણ થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોને એક યુનિક પ્રોટીન ડિવાઇસ શોધ્યું છે જે ઍન્ટિ-બોડીની શોધ કરી શકે છે. આથી આશા છે કે ભવિષ્યમાં તેની રસી તૈયાર કરી લેવાશે.

લી નામનો એક શખ્સ (નામ બદલેલ છે) દર અઠવાડિયે લોહીની તપાસ કરાવવા માટે જાય છે. તેઓ વુહાનમાં કામ કરતા હતા. તેઓ ડિસેમ્બરમાં ત્યાં હતા જ્યારે

વાઇરસની ખબર પડી અને આખી દુનિયામાં ફેલાઈ ગયો. તેઓને દક્ષિણ કોરિયાની સરકાર પરત લઈ આવી અને તપાસ કરાવી તો ખબર પડી કે તેઓને કોરોના પૉઝિટિવ છે. તેમનાં માતા આ વાતને લઈને બહુ દુઃખી હતાં.

તેઓ જણાવે છે, "માતા આ જાણીને બહુ પરેશાન થઈ ગયાં હતાં, પરંતુ તેમને પરેશાન થવાની જરૂર નહોતી. હું 28 વર્ષનો છું અને મારો કેસ માઇલ્ડ લેવલનો હતો."

પોતાની તબિયત અંગે લી કહે છે, "હું એકદમ સ્વસ્થ અનુભવી રહ્યો છું. મને તેનાં કોઈ લક્ષણ પણ દેખાતાં નથી. બસ, થોડો કફ હતો. મારા અનુભવે કહું તો એ જરૂરી છે કે તમે સાવધ રહો. હું એ પણ કહેવા માગું છું કે બહુ ગભરાવ નહીં. કમસે કમ મારા કેસમાં વાઇરસનાં લક્ષણો બહુ તીવ્ર નહોતાં. પણ હું જાણું છું કે જે લોકો વૃદ્ધ છે

તેઓએ વધુ સાવધાની રાખવાની જરૂર છે. પણ જે લોકો યુવા અને સ્વસ્થ છે તેમને બહુ ગભરાવાની કે ડરવાની જરૂર નથી. પરંતુ સાવધાની રાખવી બહુ જરૂરી છે."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

જાણકારી હોવી સારું છે

નાગરિક

દક્ષિણ કોરિયામાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસથી લડવા માટે જે પણ ઉપાયો અજમાવ્યા, તેમાં લૉકડાઇન ક્યાંય નથી. એટલે કે સુરક્ષાના નામે ન તો ક્યાંય બંધ છે કે ન તો રોડ પર પ્રતિબંધ. તેમજ લોકોની અવરજવર પર પણ કોઈ રોક નથી.

દક્ષિણ કોરિયાનો આ વાઇરસ સામે લડવાનો એકમાત્ર મંત્ર છે- ઓળખ, પરીક્ષણ અને સારવાર.

અંદાજે પાંચ કરોડની વસ્તીવાળો આ દેશ કોરોના વાઇરસ સામે લડવા માટે દરેક નાનીનાની કોશિશને મહત્ત્વ આપી રહ્યો છે.

સ્કૂલો હજુ પણ બંધ છે, ઑફિસોમાં લોકોને ઘરેથી કામ કરવાનું કહી દેવામાં આવ્યું છે અને લોકોને કહેવાયું છે કે કોઈ સમારોહ કે આયોજનનો ભાગ ન બનો.

સોલના રસ્તાઓ પર ધીમેધીમે લોકોની અવરજવર વધી રહી છે. મોટા ભાગના લોકો માસ્કમાં જોવા મળે છે. દરેક મુખ્ય બિલ્ડિંગની બહાર થર્મલ ટ્રેસિંગની વ્યવસ્થા કરાઈ છે.

દરેક લિફ્ટમાં હૅન્ડ-સૅનિટાઇઝરની વ્યવસ્થા છે. જગ્યાજગ્યાએ લોકોને ઊભા રાખવામાં આવ્યા છે તેઓ યાદ અપાવે છે કે હાથ ધોવાના છે.

દક્ષિણ કોરિયામાં ધીમેધીમે આ ચલણ સામાન્ય થઈ રહ્યું છે, પરંતુ સ્વાસ્થ્ય અધિકારી હજુ પણ સાવધ છે.

તેમનું માનવું છે કે હજુ પણ બેદરકારી ખતરનાક સાબિત થઈ શકે છે. જો કોઈ ચર્ચ, ઑફિસ, જિમ કે સોસાયટીમાં કોઈ એકે પણ બેદરકારી દાખવી તો પરિણામ ભયાનક આવી શકે છે.

અને રહી વાત રશેલ કિમના રિપોર્ટની તો... રશેલ કિમને તેના ટેસ્ટના આગળના દિવસે મૅસેજ આવ્યો કે તેમનો કોરોનાનો રિપોર્ટ નૅગેટિવ છે.

પરંતુ તેઓ કહે છે, "રિપોર્ટ આવ્યા બાદ એક મોટી રાહત એ પણ છે કે હવે હું કોઈ અન્ય માટે પણ ખતરો નથી."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો