બ્રેક્સિટ બ્રિટન માટે કેટલું ફળદાયી રહેશે?

યુરોપિયન યુનિયન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

2016માં બ્રિટને યુરોપિયન યુનિયનથી અલગ થવાનો નિર્ણય લીધો હતો અને હવે બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી અલગ થઈ ગયું છે.

ત્રણ વર્ષની જદોજહદ અને આ મુદ્દે બ્રિટનના વડા પ્રધાનોની ઊલટસૂલટ થયા પછી 1 ફેબ્રુઆરી, 2020ના રોજ યુરોપિયન યુનિયનમાંથી છૂટા પડેલા બ્રિટને પોતાની સાર્વભૌમ દુનિયામાં ડગલાં માંડ્યાં છે.

આ નિર્ણય બ્રિટન માટે ફળદાયી રહેશે કે કેમ એ મુદ્દે લગભગ સરખો જ આશાવાદ અને નિરાશાવાદ પ્રવર્તે છે તેની વાત કરીએ.

News image

છેલ્લાં ચાર-પાંચ વરસમાં એક ખૂબ મજબૂત કહી શકાય તેવી યુરોપના સમર્થન માટેની ચળવળે (Pro-Europe Movement) આકાર લીધો છે.

આજથી ચાર-પાંચ વરસ પહેલાં આવું કહી શકાય તેવું નહોતું.

આ પ્રકારની લાગણી આજે સૌથી વધુ યુરોપના યુવાવર્ગમાં પ્રવર્તે છે જે યુરોપિયનો માટે યુરોપની ભાવના સાથે મજબૂતાઈથી જોડાયેલા છે.

ત્રણેક વરસ પહેલાં 18થી 24 વર્ષના 75 ટકા યુવાનોએ યુરોપિયન યુનિયનમાં રહેવા માટે મત આપ્યો હતો.

એ વખતે જેઓ મતદાન કરવા માટે લાયક નહોતા તેઓ હવે મતદાન કરવા માટે લાયક બન્યા છે.

line

બ્રેક્સિટ બાદ બ્રિટન અને યુરોપ વચ્ચેના સંબંધો

બોરિસ જોન્સન

ઇમેજ સ્રોત, Getty Images

બ્રેક્સિટ થવાના કારણે તેની જે અસરો પડવાની જ છે એ બાબતે પણ વિચાર કરવો જોઈએ.

યુરોપિયન યુનિયનથી જુદા પડવાના કારણે તાત્કાલિક અસરથી બ્રિટનને કોઈ ફેરફાર નહીં દેખાય પણ આવનાર સમય માટે બન્ને પક્ષો કયા પ્રકારની સંમતિ સાધે છે તેના પર જાન્યુઆરી 2021 પછીની પરિસ્થિતિનો આધાર રહેશે.

કોઈ પણ પ્રકારનો કરાર અસ્તિત્વમાં આવે, પણ તેના કારણે બ્રિટન અને યુરોપીયન યુનિયનના બીજા દેશોના સંબંધો અગાઉ જેવા તો નહીં જ રહે.

દાખલા તરીકે યુરોપિયન યુનિયનમાં પ્રવેશ કરવા માટે હવે ક્યાંક ને ક્યાંક અમુક પ્રકારની ચકાસણીનો સામનો બ્રિટિશ નાગરિકોએ કરવો પડશે.

એવું કહેવાય છે કે બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી આવતા મુલાકાતીઓ માટે ખાસ પ્રકારની વિઝા મુક્તિના નિયમો અમલમાં મૂકશે.

કેટલાક માલસામાન અને ચીજવસ્તુઓ માટે બ્રિટિશ નાગરિક હવે વધારે પૈસા ચૂકવશે.

આ ચીજ વસ્તુઓમાંથી કાર, શાકભાજી કે વાઇન જે યુરોપિયન યુનિયનમાંથી આયાત કરવામાં આવે છે તેની કિંમતો જો બ્રિટન અને યુરોપિયન યુનિયન વચ્ચે "Tarrif Free", "Quota Free" એટલે કે આ બધી વસ્તુઓ માટે કોઈ પણ પ્રકારનો ક્વૉટા ન હોય અને તેના ઉપર કોઈ ડ્યૂટી ન લગાડવામાં આવે તેવી વેપારસંધિ ન સધાય તો યુરોપિયન યુનિયનમાં બ્રિટનમાંથી આયાત થતી ચીજવસ્તુઓની કિંમતો વધશે.

બ્રિટિશ નાગરિકો માટે વિદેશમાં મોબાઇલ ફોન વાપરવાનું ખર્ચાળ થઈ જશે.

અત્યારે બ્લૂ પાસપોર્ટ છે તેને બદલી યુકેનો રૉયલ બ્લૂ રંગનો પાસપોર્ટ બદલી આપવાનું કામ પણ સમય માગી લેશે.

line

જો બ્રેક્સિટવાદીઓનોઆશાવાદ સફળ નહીં નીવડે તો?

બ્રેક્ઝિટ

ઇમેજ સ્રોત, Getty Images

જો બ્રેક્સિટ બાદ આવું બધું થવાનું હોય તો પછી યુરોપિયન યુનિયનમાંથી નીકળી જવા માટે મતદાન આપનારા લોકોને શો ફાયદો છે?

જવાબમાં પહેલો મુદ્દો એ છે યુરોપિયન છોડી દેવા માટે મત આપનારા જૂથની જીત થઈ છે તે મોટામાં મોટો સંતોષ.

બીજો મુદ્દો બેક્ઝિટનું સપનું લઈને જીવનારાઓ માટે આ સ્વપ્નસિદ્ધિની ક્ષણ છે.

ત્રીજું યુરોપિયન યુનિયનમાંથી છૂટા થવાના કારણે બ્રિટનને અને અમેરિકા, ચીન તેમજ વિશ્વના અન્ય દેશો સાથે સ્વતંત્ર રીતે પોતાના ધંધાકીય સંબંધો અને ભાગીદારી વિકસાવવાની તક મળશે.

ચોથું કારણ યુરોપિયન કોર્ટ ઑફ જસ્ટિસ હવે બ્રિટનની ન્યાયપદ્ધતિમાં ઝાઝી મહત્ત્વની નહીં રહે.

અને છેલ્લે સ્કોટલૅન્ડ જેવા પ્રદેશોમાં, જ્યાં માછીમારી મોટો વ્યવસાય છે, સ્થાનિક માછીમાર કૉમ્યુનિટીમાં ખુશીની લહેર એટલા માટે ઊઠશે કે ફરી એકવાર પોતાના કાંઠાના સામુદ્રિક પાણી પર બ્રિટનનો અધિકાર સ્થાપિત થઈ ગયો છે.

છતાં યુરોપિયન યુનિયન એ બ્રિટનનું મોટામાં મોટું ટ્રેડિંગ પાર્ટનર રહેવાનું છે અને એની સાથે છૂટાછેડાની આ દરખાસ્ત કઈ રીતે થાય છે તે જોવાનું રહેશે.

છૂટા પડવાનું કદાચ એટલું મુશ્કેલ નહીં હોય પણ આ બધા દેશો સાથે ભવિષ્યની ભાગીદારી ચોક્કસ મુશ્કેલ પુરવાર થશે.

છેલ્લે આ બધું કર્યા પછી પણ જે આશાવાદ બ્રિટનને યુરોપિયન યુનિયનમાંથી બહાર કાઢવા માટે બ્રેક્સિટવાદીઓએ દર્શાવ્યો છે તે જ જો સફળ નહીં થાય તો?

ઘરઆંગણે બેરોજગારી અને આર્થિક વિકાસ ઘટશે તો સ્વાભાવિક રીતે જ બ્રેક્સિટના સમર્થકો અને સરકાર સામે પ્રશ્નાર્થચિહ્ન ઊભાં થશે.

આ પરિસ્થિતિમાં દોષનો ટોપલો તેમની ઉપર ઢોળાય અને આ બધી જવાબદારી માટે આંગળી ચિંધાય તો નવાઈ જેવું નહીં હોય.

આમ જો બ્રેક્સિટને ધારેલી સફળતા નહીં મળે અને એના કારણે થનારા લાભ નહીં દેખાય તો બ્રિટનની જનતાનાં મનમાં એક મોટું નિરાશાનું કારણ ઊભું થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો