ગત દાયકામાં ગરમીએ રેકર્ડ સર્જ્યો છે, જાણો શા માટે તાપમાન વધી રહ્યું છે?

વિશ્વની ત્રણ સંસ્થાઓએ વર્ષ 2019ની સાથે પૂર્ણ થયેલા દાયકાને નોંધાયેલા સૌથી વધુ ગરમ દાયકા તરીકે ગણાવ્યો છે.

યુએસની નાસા NASA અને NOAA તથા યુકેની Met Officeના જણાવ્યા અનુસાર 1850થી રાખવામાં આવેલા રેકર્ડ પ્રમાણે વીતેલું વર્ષ બીજા નંબરનું સૌથી ગરમ વર્ષ હતું.

170 વર્ષના રેકર્ડમાં છેલ્લાં પાંચ વર્ષ સૌથી વધુ ઉષ્ણાપૂર્ણ રહ્યાં છે, જે ઔદ્યોગિક યુગની શરૂઆત પહેલાંનાં વર્ષો કરતાં એક ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે ગરમ રહ્યાં હતાં.

Met Officeના જણાવ્યા અનુસાર ગરમ વર્ષોનો સિલસિલો 2020માં પણ ચાલુ રહે તેવી શક્યતા છે.

રેકર્ડ પ્રમાણે 2016નું વર્ષ સૌથી ગરમ રહ્યું હતું. તે વખતે અલ-નિનોની અસરના કારણે વિશ્વનું તાપમાન વધી ગયું હતું.

આ આંકડા નવાઈ પમાડે તેવા નથી, કેમ કે વર્લ્ડ મિટિયોરોલૉજિકલ ઓર્ગેનાઇઝેશન (WMO)એ ડિસેમ્બર 2019ની શરૂઆતમાં જ જણાવી દીધું હતું કે આ દાયકો સૌથી વધુ તાપમાન ધરાવનાર દાયકો સાબિત થઈ શકે છે.

HadCRUT4 ટેમ્પરેચર ડેટા તૈયાર કરવાનું કામ કરતી Met Officeના જણાવ્યા અનુસાર 1850થી 1900 સુધીના સરેરાશ તાપમાન કરતાં 2019નું વર્ષ 1.05C વધારે ગરમ રહ્યું.

ગયા વર્ષે જૂન અને જુલાઈમાં યુરોપમાં બેવાર હિટ-વેવ આવ્યા હતા. તેમાં 28 જૂને ફ્રાન્સમાં 46 ડિગ્રી સેલ્સિયસના સૌથી ઊંચા તાપમાનનો વિક્રમ નોંધાયો હતો.

જર્મની, નેધરલૅન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને યુકેમાં પણ 38.7C સાથે નવો રેકર્ડ નોંધાયો હતો.

ઑસ્ટ્રેલિયામાં પણ ઉનાળા દરમિયાન લઘુતમ તાપમાન લગભગ એક ડિગ્રી ઊચું નોંધાયું હતું.

કાર્બનનું ઉત્સર્જન રોકવા માટેના વિકલ્પો

-રોજર હેરાબીન, પર્યાવરણ વિશ્લેષક

તાપમાન વધી રહ્યું છે ત્યારે ગરમી ઉત્પન્ન કરતા ગૅસનું ઉત્સર્જન ઓછું કરવા માટેના પ્રયાસો છે તે નકામા સાબિત થઈ રહ્યા છે, કેમ કે વિજ્ઞાન સામે રાજકારણ ટકરાતું રહે છે.

દાખલા તરીકે યુકે વર્ષના અંતે સંયુક્ત રાષ્ટ્રસંઘની ક્લાઇમેટ કોન્ફરન્સ યોજવા માટે મથામણ કરતું રહ્યું હતું. આ પરિષદમાં બધા દેશો ભેગા મળીને તાપમાન વધારતા ગૅસને ઓછા કરવા કોશિશ કરી કરશે.

બોરીસ જ્હોનસને કહ્યું હતું કે યુકેએ ક્લાઇમેટ ચેન્જમાં વિશ્વની આગેવાની લેવી જોઈએ. જોકે હવે તેઓ પોતે જ પોતાના સિદ્ધાંતોમાં બાંધછોડ કરી રહ્યા હોય તેવો આક્ષેપ થઈ રહ્યો છે.

વિમાનોમાં મુસાફરી પર 13 પાઉન્ડનો વેરો ઓછો કરવા માટે વિચારણા કરવાનો વાયદો તેઓ કરી રહ્યા છે, કેમ કે નોકરીઓ અને કનેક્ટિવિટી માટે તેમ કરવું જરૂરી છે.

ક્લાઇમેટ ચેન્જ કમિટીએ તેમને સલાહ આપી હતી તેનાથી તેમનું આ વલણ વિપરીત છે. લોકો ઓછો વિમાની પ્રવાસ કરે અને તે માટે પ્રવાસ મોંઘો કરવો જોઈએ એવી સલાહ અપાઈ હતી, પ્રવાસ સસ્તો કરવા માટે નહીં.

આવી રીતે ક્લાઇમેટ ચેન્જના મામલે સમસ્યા આવ્યા જ કરે છે, જેથી રાજકારણ અગાઉની જેમ ચાલતું જ રહે.

ત્રણેય સંશોધન સંસ્થાએ છેલ્લા 12 મહિનાના થોડા જુદા જુદા આંકડાના આધારે વિશ્લેષણ કર્યું હતું, જ્યારે WMO દ્વારા થયેલા વિશ્લેષણમાં જાપાન મિટિયોરોલૉજિકલ એજન્સી તથા કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસના વધારાના આંકડાનો પણ ઉપયોગ કરાયો હતો.

આ વધારાના આંકડા પ્રમાણે 2019નું વર્ષ ઔદ્યોગિક યુગ પહેલાંના તાપમાન કરતાં 1.1C વધારે ગરમ હતું.

"અમારા વૈશ્વિક તાપમાનના આંકડા પ્રમાણે 2019નું વર્ષ 2015 પછીના નોંધાયેલા પાંચ સૌથી વધુ ગરમ વર્ષોમાં જોડાઈ ગયું છે," એમ Met Officeના હેડલી સેન્ટરના ડૉ. કોલિન મોરિસ કહે છે.

"1980ના દાયકા પછીના દરેક દાયકા અગાઉના દાયકા કરતાં ગરમ થતા રહ્યા છે. 2019ના વર્ષના અંત સાથે દાયકો સૌથી વધુ ગરમ રહ્યો છે."

સંશોધકો કહે છે કે માનવીય પ્રવૃત્તિઓને કારણે કાર્બનઉત્સર્જન થઈ રહ્યું છે તે સતત વધી રહેલા તાપમાન માટેનું મુખ્ય કારણ છે.

"આપણા હવામાનમાં આજ સુધીનું નોંધાયેલું સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે અને વધતા તાપમાન સાથે CO2નું વધેલું પ્રમાણ સીધો સંબંધ દેખાડી આપે છે," એમ રોયલ મિટિયોરોલૉજિકલ સોસાયટીના પ્રોફેસર લીઝ બેન્ટલી કહે છે.

"છેલ્લા દાયકામાં આપણે વિશ્વનું સૌથી ઊંચું તાપમાન જોયું છે અને તે વધતું જ રહેવાનું છે. CO2 વાતાવરણ વધી રહ્યું છે તે સાથે વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે."

ત્રણ જુદી જુદી એજન્સીઓએ જુદી-જુદી પદ્ધતિએ આંકડા તૈયાર કર્યા છે, તેના કારણે આ અનુમાન ખરું હશે તેવો વિશ્વાસ બેસે છે.

"માનવીય પ્રવૃત્તિને કારણે તાપમાન વધી રહ્યું છે તે આપણે જાણીએ છીએ, પણ એ અગત્યનું છે કે વધતા તાપમાનને અચૂક રીતે માપવામાં આવે," એમ પ્રોફેસર ટીમ ઓસ્બોર્ન કહે છે. આંકડા એકઠા કરવા સાથે સંકળાયેલા ઓસ્બોર્ન ઇસ્ટ એન્જિલા યુનિવર્સિટીના ક્લાઇમેટ રિસર્ચ યુનિટમાં કામ કરે છે.

"19મી સદીના પાછલા હિસ્સા કરતાં પૃથ્વીનું તાપમાન 1C જેટલું વધ્યું છે તેવો અમને વિશ્વાસ છે, કેમ કે જુદી જુદી પદ્ધતિએ વૈશ્વિક તાપમાન ચકાસાયુ તેમાં સમાન પરિણામો મળ્યાં છે."

અમેરિકાના NASA તથા નેશનલ ઓશનિક ઍન્ડ એટમોસ્ફિરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) તથા યુકેના Met Office દ્વારા જાહેર થયેલા આંકડામાં જમીન અને દરિયાની સપાટી પર વધેલું તાપમાન જણાવાયું છે. સાથે જ દરિયાની અંદરનું તાપમાન પણ વિક્રમી સ્તરે નોંધાયું છે.

કુદરતમાં આવતાં પરિવર્તનોને કારણે વિજ્ઞાનીઓ વર્ષોવર્ષ તાપમાન વધે તેવી અપેક્ષા રાખતા નથી, પરંતુ Met Officeનું અનુમાન છે કે 2020નું વર્ષ પણ ગરમ રહેવાનું છે.

ઔદ્યોગિક યુગ પહેલાંના સરેરાશ તાપમાન કરતાં વૈશ્વિક સરેરાશ તાપમાન 1.1C વધારે રહે તેવી શક્યતા છે. તેનો અર્થ એ છે કે વીતેલા વર્ષ કરતાં ય થોડું વધારે ઉષ્ણ આવતું વર્ષ હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો