એ પ્રદર્શનો જેના કારણે ઇરાકના વડા પ્રધાને રાજીનામું આપવું પડ્યું

ઇમેજ સ્રોત, Getty Images
ઇરાકના વડા પ્રધાન અબ્દુલ મહદીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
વડા પ્રધાનની ઑફિસ તરફથી જાહેર થયેલા નિવેદન પ્રમાણે સરકારવિરોધી પ્રદર્શનમાં 40 કરતાં વધારે લોકોનાં મૃત્યુની ઘટના બાદ વડા પ્રધાને આ નિર્ણય લીધો છે.
ઑક્ટોબરથી શરૂ થયેલાં સરકારવિરોધી પ્રદર્શનોમાં ગુરુવારનો દિવસ સૌથી હિંસક હતો.
ઇરાકના શિયા ધાર્મિક નેતાએ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ જરૂર કરતાં વધારે બળપ્રયોગની નિંદા કરી છે અને નવી સરકારના ગઠનનું આહ્વાન કર્યું છે.
ઑક્ટોબરથી અત્યાર સુધી 400 લોકોનાં મૃત્યુ થયાં છે. શુક્રવારના રોજ ઓછામા ઓછા 15 લોકોનાં મૃત્યુ થયાં છે.
પ્રદર્શનકારીઓનું કહેવું છે કે તેઓ નોકરી, ભ્રષ્ટાચાર ખતમ કરવા મામલે તેમજ નાગરિકો માટે સારી સુવિધાઓની માગ કરી રહ્યા છે.
સંયુક્તરાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેશે કહ્યું છે કે તેઓ 'પ્રદર્શનકારીઓ વિરુદ્ધ થઈ રહેલા ગોળીબારના સમાચારથી ખૂબ ચિંતિત છે.'

વડા પ્રધાન શા માટે રાજીનામું આપી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Reuters
ઇરાકમાં શિયાઓના સર્વોચ્ચ ધાર્મિક નેતા અલી અલ-સિસ્તાનીના નવા નેતા તરીકે ચૂંટાવાના આહ્વાન બાદ વડા પ્રધાને રાજીનામું આપવા નિર્ણય કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાનના હસ્તાક્ષર સાથે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.
જેમાં તેઓ કહે છે, "સિસ્તાનીના આ આહ્વાન પર અને તેને જેમ બને તેમ જલદી લાગુ કરવા માટે હું આજે સંસદને અપીલ કરીશ કે તે મારું રાજીનામું સ્વીકારે."
જોકે, નિવેદનમાં કહેવામાં આવ્યું નથી કે તેમનું રાજીનામું સંસદમાં ક્યારે રજૂ કરવામાં આવશે.

ઇમેજ સ્રોત, Getty Images
હાલ ઇરાકમાં ચાલી રહેલા સંકટ પર વિચાર કરવા માટે રવિવારના રોજ સંસદનું ઇમર્જન્સી સત્ર બોલાવવામાં આવ્યું છે.
આ પહેલાં સિસ્તાનીએ કહ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે છેલ્લા 2 મહિનાની ઘટનાઓનું સમાધાન લાવવામાં સરકાર નિષ્ફળ રહી છે.
કરબલામાં સિસ્તાનીના એક પ્રતિનિધિએ તેમનું નિવેદન ટીવી પર વાંચીને સંભળાવ્યું.
તેમના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું, "જે સંસદે વર્તમાન સરકાર બનાવી હતી, તેણે પોતાના નિર્ણય પર ફરી વિચાર કરવો જોઈએ અને એ જ કરવું જોઈએ કે જે ઇરાકના હિતમાં હોય."

શું છે સમગ્ર ઘટનાની પૃષ્ઠભૂમિ?

ઇમેજ સ્રોત, AFP
મહદી આશરે એક વર્ષ પહેલાં વડા પ્રધાન બન્યા હતા. તે સમયે તેમણે જે સુધારા લાવવા અંગે વાયદા કર્યા હતા, તે પૂરા થઈ શક્યા નથી.
તેના વિરોધમાં ઇરાકી યુવાનોએ ઑક્ટોબરના પહેલા અઠવાડિયામાં રસ્તા પર પ્રદર્શનો કર્યાં. પહેલા 6 દિવસના પ્રદર્શન દરમિયાન 149 સામાન્ય નાગરિકોનાં મૃત્યુ થયાં.
વડા પ્રધાને કેબિનેટમાં પરિવર્તન લાવવા અને બેરોજગારી દૂર કરવા ઘણી યોજનાઓને શરૂ કરવા વાયદો કર્યો.
પરંતુ પ્રદર્શનકારીઓના પ્રમાણે સરકારે તેમની કોઈ પણ માગ ન માની અને તેઓ ઑક્ટોબરમાં ફરી પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઊતરી આવ્યા.
સુરક્ષાકર્મીઓએ પ્રદર્શનો રોકવા પ્રયાસ કર્યો પરંતુ ધીમે-ધીમે ઘણાં શહેરોમાં પ્રદર્શન થવાં લાગ્યાં.
ઑક્ટોબરના અંતમાં વડા પ્રધાને કહ્યું કે જો તમામ પાર્ટીઓ કોઈ નવા નેતાને ચૂંટી લે તો તેઓ પોતાનું પદ છોડવા તૈયાર છે.

હાલની ઘટના

ઇમેજ સ્રોત, Reuters
શુક્રવારના રોજ નાસિરિયામાં 15 પ્રદર્શનકારીઓનાં મૃત્યુ થયાં. અબ્દુલ મહદીના રાજીનામાની વાત સાંભળીને પ્રદર્શનકારીઓ ખૂબ ખુશ છે.
બગદાદમાં હિઝાર નામના એક પ્રદર્શનકારીએ કહ્યું કે આ તેમની જીત છે પરંતુ તેમની માગ હજુ પૂરી થવાની બાકી છે.
ગુરુવારના રોજ નફઝના ગવર્નરે રાજીનામું આપી દીધું હતું. શુક્રવારના રોજ ડેપ્યુટી ગવર્નરે પણ રાજીનામું આપી દીધું.
ગુરુવારના રોજ નઝફમાં મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કારમાં શુક્રવારના રોજ હજારો લોકોએ ભાગ લીધો.
ગુરુવારના રોજ નાસિરિયામાં સુરક્ષાકર્મીઓના ગોળીબારમાં આશરે 25 પ્રદર્શનકારીઓનાં મૃત્યુ થયાં.
આ સિવાય નઝફમાં 10 અને બગદાદમાં 4 લોકોનાં મૃત્યુ થયાં.

ઈરાની દુતાવાસને કેમ નિશાન બનાવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રદર્શનમાં ભાગ લેવા આવેલા લોકોમાંથી મોટાભાગના લોકો એ વાતથી નારાજ છે કે ઇરાકના આંતરિક મામલે ઈરાન દખલગીરી કરી રહ્યું છે.
પ્રદર્શનકારીઓનો આરોપ છે કે ઇરાકી સરકારની ભ્રષ્ટાચાર અને પ્રશાસનિક નિષ્ફળતાઓ પાછળ ઈરાન જવાબદાર છે.
તેમણે ઈરાન વિરુદ્ધ નારેબાજી કરતાં નઝફ સ્થિત ઈરાની વાણિજ્ય દુતાવાસને આગ ચાંપી દીધી.
નઝફ, ઇરાકમાં શિયાઓનું સર્વોચ્ચ ધાર્મિકકેન્દ્ર છે અને અહીં જ ઇમામ અલીની મઝાર છે.
અહીં જ ઇસ્લામના છેલ્લા પયગંબર હઝરત મોહમ્મદના નવાસા ઇમામ હુસૈનની પણ મઝાર છે. ત્રણ અઠવાડિયાં પહેલાં કરબલામાં પણ ઈરાનની એક ઑફિસને નિશાન બનાવવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












