કાશ્મીરમાં જે 'ઇઝરાયલી મૉડલ' લાગુ કરવાની વાત થઈ રહી છે, એ શું છે?

વેસ્ટ બૅન્ક

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકામાં ભારતના ટોચના રાજદ્વારીએ એક એવું નિવેદન આપ્યું, જેના પછી પાકિસ્તાનને ફરીથી ભારત સરકાર પર પ્રહારો કરવાની તક મળી ગઈ.

ન્યૂયૉર્કમાં ભારતીય રાજદ્વારી સંદીપ ચક્રવર્તીએ એક ખાનગી કાર્યક્રમમાં કહ્યું કે ભારત સરકારે ઇઝરાયલની નીતિ અનુસાર કાશ્મીરી પંડિતોને નવેસરથી કાશ્મીરમાં વસાવવા જોઈએ.

આ કાર્યક્રમમાં ભારતીય ફિલ્મજગતની કેટલીક જાણીતી વ્યક્તિઓ પણ હાજર હતી. સાથે જ અમેરિકામાં રહેતા કાશ્મીરી પંડિતો પણ કાર્યક્રમમાં હાજર હતા. કાર્યક્રમ દરમિયાનનો સંદીપ ચક્રવર્તીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પણ તેની સામે ટિપ્પણી કરી છે.

તેમણે ટ્વિટર પર લખ્યું છે, ''ભારતમાં આરએસએસની વિચારધારા સાથેની સરકારની ફાસીવાદી માનસિકતા દેખાઈ રહી છે. ભારતના કબજામાં રહેલા કાશ્મીરનો ઘેરો નખાયો, તેને 100 દિવસથી વધુ સમય થઈ ગયો છે."

"કાશ્મીરીઓના માનવાધિકારને કચડવામાં આવી રહ્યા છે પરંતુ દુનિયાના શક્તિશાળી દેશો પોતાનાં વેપારી હિતોને ધ્યાનમાં રાખીને ચૂપ બેઠા છે."

સવાલ એ છે કે સંદીપ ચક્રવર્તીએ કાશ્મીરી પંડિતોના પુનર્વસન માટે ઇઝરાયલની જે નીતિની વાત કરી છે તે નીતિ શી છે અને ઇઝરાયલમાં તે કેટલી સફળ રહી છે?

line

યુદ્ધ પછી ઇઝરાયલની પુનર્વસવાટની નીતિ?

સંદીપ ચક્રવર્તી

ઇમેજ સ્રોત, SANDEEP CHAKRAVARTY/ TWITTER

વર્ષ 1967માં મધ્ય-પૂર્વમાં લડાયેલા યુદ્ધમાં ઇઝરાયલે જેટલી પણ ભૂમિ કબજે કરી તેના પર યહૂદીઓને વસાવવાની નીતિ નક્કી કરી. કબજે કરાયેલા આ વિસ્તારો એટલે વેસ્ટ બૅન્ક, પૂર્વ જેરુસલેમ અને ગોલન પર્વતમાળા.

યુદ્ધ પહેલાં વેસ્ટ બૅન્ક અને પૂર્વ જેરુસલેમ પર જૉર્ડનનો કબજો હતો. વર્ષ 1948-49ના આરબ-ઇઝરાયલ યુદ્ધ વખતે જૉર્ડને આ વિસ્તારો કબજે કર્યા હતા.

ઇઝરાયલી વસાહતોની બાબત પર નજર રાખતી સંસ્થા 'પીસ નાઉ'ના જણાવ્યા અનુસાર આ વિસ્તારોમાં અત્યારે 132 વસાહતો અને 113 આઉટપોસ્ટ (ગેરકાયદે વસાહતો) છે.

સંસ્થાના અહેવાલ અનુસાર આ વસાહતોમાં ચાર લાખથી વધારે લોકો રહે છે અને તેની સંખ્યા સતત વધી રહી છે.

આ ઉપરાંત ગાઝા પટ્ટીમાં પણ ઘણી બધી વસાહતો તૈયાર કરાઈ છે. 1967ના યુદ્ધમાં ઇજિપ્તના એ વખતના આ વિસ્તાર પર ઇઝરાયેલે કબજો જમાવી દીધો હતો.

line

સર્વસંમતિથી થયો હતો નિર્ણય

વેસ્ટ બૅન્કની વસાહતો

ઇમેજ સ્રોત, AFP

ઇઝરાયલના તેલ અવીવ શહેરમાં રહેતા વરિષ્ઠ પત્રકાર હરેન્દ્ર મિશ્ર કહે છે કે ઇઝરાયલ આરબ દેશો સામે છ દિવસનું યુદ્ધ લડ્યું હતું. તે યુદ્ધ પછી ઇઝરાયલે વિશાળ વિસ્તારને પોતાના કબજામાં લઈ લીધો હતો. આ બધો વિસ્તાર ઉજ્જડ હતો અને ત્યાં ભાગ્યે જ કોઈ વસતિ હતી. અહીં રહેતા હતા તે લોકો પણ યુદ્ધને કારણે નાસી ગયા હતા.

હરેન્દ્ર મિશ્ર કહે છે, ''આ યુદ્ધ પછી ઇઝરાયલે ગ્રીન લાઇનની બહારના વિસ્તારો પણ કબજે કર્યા હતા. ગ્રીન લાઇન એટલે આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા ઇઝરાયલની સરહદ તરીકે જેને માન્યતા અપાઈ હતી તે વિસ્તાર. ગ્રીન લાઇનની બહારનો વિસ્તાર ઇઝરાયલની સુરક્ષા માટે જોખમ સાબિત થઈ શકે તેમ હતો અને તેને ખાલી રાખી શકાય તેમ નહોતો."

''તેથી ઇઝરાયલના બધા નેતાઓએ સર્વસંમતિથી નિર્ણય કર્યો કે ખાલી પડેલા વિસ્તારમાં વસાહતો સ્થાપવી. તે રીતે આ વાત ઇઝરાયલની રાષ્ટ્રીય નીતિનો ભાગ બની ગઈ. અહીં નેતા કોઈ પણ વિચારસરણી ધરાવતા હોય, પણ વસાહતો ઊભી કરવાની નીતિ માટે તેઓ એકમત હતા.''

આવી વસાહતોમાં રહેવા આવનારા લોકોને ઇઝરાયલ સરકાર તરફથી ઘણી સહાય કરવામાં આવતી હતી. તેમને વેરામાં રાહત પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત ઘણી સુવિધાઓ પણ આપવામાં આવી.

line

વસાહતમાં રહેવાને રાષ્ટ્રહિત ગણાવાયું

વસાહતોમાં યહૂદીઓ વસાવાયા

ઇમેજ સ્રોત, Getty Images

આવી વસાહતોમાં રહેવા લોકો પ્રોત્સાહિત થાય એ માટે માહોલ ઊભો કરવામાં આવ્યો હતો અને કહેવાતું હતું કે અહીં રહેવા આવવું એ રાષ્ટ્રહિતનું કામ છે.

હરેન્દ્ર મિશ્ર કહે છે, "લોકોને એવું સમજાયું કે તમે વેસ્ટ બૅન્ક, ગોલાન હાઇટ્સમાં જઈને રહેશો તો તે રાષ્ટ્રના હિતમાં છે. આ રીતે આ વિસ્તારમાં ઇઝરાયલે સુરક્ષા માટેની મજબૂત વ્યવસ્થા ઊભી કરી. અહીં સુરક્ષા દળોને પણ મૂકવામાં આવ્યા હતા."

વસાહતો માટે એક સમયે ઇઝરાયલમાં સહમતી હતી, પણ હવે કેટલાક રાજકીય પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. ડાબેરી પક્ષોનું માનવું છે કે સરકાર આ વિસ્તારો પાછળ વધારે પડતો ખર્ચ કરી રહી છે.

વસાહતો વિશે વર્ષ 2010માં અહેવાલ પ્રગટ થયો હતો, જેમાં જણાવાયું હતું કે વેસ્ટ બૅન્કના માત્ર બે ટકા હિસ્સામાં જ વસાહતો થઈ શકી છે. ટીકાકારો કહે છે કે વસતિ લાવવાના બદલે તે વિસ્તારમાં ખેતી અને રસ્તાઓ બનાવવા પર જ વધારે ધ્યાન અપાયું છે. તેના કારણે સમગ્ર વિસ્તારની સુરક્ષા માટે વધારે સૈનિકોને મૂકવા પડે છે.

આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પણ ઘણી જગ્યાએ વિરોધનો સૂર ઊઠ્યો છે અને આ વસાહતોને ગેરકાનૂની ગણાવાઈ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હાલમાં કહ્યું કે આ વસાહતો આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે બની નથી.

જોકે ટ્રમ્પે જેરુસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે સ્વીકારી લીધું છે. બીજી બાજુ પૂર્વ જેરુસલેમ હજી પણ આરબ વસતિ ધરાવતો વિસ્તાર જ છે.

line

શું આ વસાહત માત્ર યહૂદીઓ માટે બની હતી?

પેલેસ્ટાઈનનો વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images

કાશ્મીરી પંડિતો માટે ઇઝરાયલી નીતિ અપનાવવાની વાત છે, ત્યારે સવાલ એ છે કે શું આ વસાહતો માત્ર યહૂદીઓના વસવાટ માટે હતી?

આ વિશે હરેન્દ્ર મિશ્ર કહે છે, "વેસ્ટ બૅન્ક, ગોલન હાઇટ્સ અને ગાઝાપટ્ટી નિર્જન વિસ્તાર હતો. તેથી ત્યાં નવી વસાહત થાય ત્યારે ત્યાં યહૂદીઓ જ હોય તેવું નિશ્ચિત માની શકાય. સાથે જ જમણેરી વિચારધારા ધરાવતા લોકોને પણ ત્યાં વસાવાયા હતા. તેના કારણે જ આ વિસ્તારોમાં જમણેરી રાજકારણની જ બોલબાલા છે."

દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતા યહૂદીને ઇઝરાયલમાં આવીને વસવાનો અધિકાર અપાયેલો છે. તેના કારણે જ દુનિયાભરમાંથી આવીને ઘણા યહૂદીઓ અહીં વસી ગયા છે.

હરેન્દ્ર મિશ્ર કહે છે, "ઉત્તર-પૂર્વ ભારતમાં રહેતા ઘણા યહૂદીઓ આ વસાહતોમાં રહેવા આવી ગયા છે. વિદેશથી આવતા યહૂદીઓ વિશે સંસદમાં સવાલ પણ પુછાયો હતો કે શું આ નવા યહૂદીઓને કોઈ વિશેષ યોજના હેઠળ વસાવવામાં આવી રહ્યા છે?"

line

નીતિ સફળ રહી કે નિષ્ફળ?

સંયુક્ત રાષ્ટ્ર

ઇમેજ સ્રોત, Getty Images

વસાહતો સ્થાપવાની નીતિને સફળ ગણવી કે કેમ, તે અંગે ઘણા સવાલો છે. સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિએ વર્ષ 2016માં આ વસાહતોને કાયદેસર દરજ્જો આપ્યો નહોતો.

નીતિની સફળતા વિશે મિશ્ર કહે છે, "આ વિસ્તારની સુરક્ષાની દૃષ્ટિએ ઇઝરાયલને સફળતા મળી છે."

"આ વિસ્તારમાં વસાહતો થઈ ગઈ છે તેથી ત્યાંથી હવે ઇઝરાયલ સામે કોઈ જોખમ નથી. મુખ્યત્વે સુરક્ષા માટે જ ઇઝરાયલે આ નીતિ અપનાવી હતી."

તેમાં મળેલી નિષ્ફળતા વિશે વાત કરતા મિશ્ર કહે છે, "એક ઉદાહરણ ગાઝાનું છે, જ્યાં ફક્ત 8,000 યહૂદીઓ વસ્યા છે."

"આ વિસ્તાર બહુ મોટો હતો અને ઇઝરાયલનો કબજો હતો. આનાથી ઊલટ ગાઝાનો એ વિસ્તાર કે જ્યાં આરબ વસતિ છે, તે આજે પણ પેલેસ્ટાઇનની સાથે છે."

"આ વિસ્તાર દુનિયાના સૌથી ગીચ વિસ્તારોમાં સ્થાન પામે છે. આ નાનકડા વિસ્તારમાં 20 લાખની વસતિ છે અને અનેક નિરાશ્રિત છાવણીઓ બનેલી છે."

"અહીં વસી ગયેલા 8,000 યહૂદીઓની સુરક્ષા પાછળ બહુ મહેનત કરવી પડતી હતી. તેના કારણે આખરે વર્ષ 2005માં ઇઝરાયલે નક્કી કર્યું હતું કે ગાઝાની વસાહત ખાલી કરી દેવી."

સંયુક્ત રાષ્ટ્ર ઉપરાંત આંતરરાષ્ટ્રીય અદાલતે પણ ઇઝરાયલની આ વસાહતોને ગેરકાયદે ગણાવી છે. તેના માટે વર્ષ 1949માં થયેલા જીનિવા કરારનો આધાર લેવાયો છે, જે અનુસાર કબજે કરેલા વિસ્તારમાં સત્તાધીશ પોતાના લોકોને વસાવી શકે નહીં.

જોકે ઇઝરાયલ એવું કહે છે કે જીનિવા કરાર તેને લાગુ પડતો નથી, કેમ કે વેસ્ટ બૅન્ક પર તેણે ટેકનિકલી કબજો કર્યો નથી.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો