બીજા વિશ્વયુદ્ધની એ ભૂલ જેના કારણે હવે રોકડ ગુમ થવા લાગી છે

3 સપ્ટેમ્બર 1939ની સવાર હતી. બર્લિનમાં બ્રિટીશ રાજદૂતે જર્મનીની સરકારને એક અલ્ટીમેટમ આપ્યું.

નોટમાં લખવામાં આવ્યું હતું કે બન્ને દેશો વચ્ચે યુદ્ધ થશે.

સવારે આશરે 11:15 કલાકે બ્રિટિશ વડા પ્રધાન નેવિલ ચેમ્બર્લેને રેડિયો પર સંદેશ આપતા કહ્યું, "હું તમને કહેવા માગીશ કે હજુ સુધી કંઈ સમાચાર મળ્યા નથી, પરંતુ જર્મની સાથે બ્રિટનનું યુદ્ધ થશે."

એ જ ક્ષણે ફ્રાન્સે પણ કંઈક આવું જ કર્યું અને એ જ દિવસે થોડા કલાકો બાદ યુદ્ધની ઘોષણા કરી.

3 દિવસ બાદ 6 સપ્ટેમ્બરના રોજ સવારે 6 કલાકે યુકેની રડાર ડિફેન્સ સિસ્ટમે ઇંગ્લૅન્ડના તટીય વિસ્તારો પરથી વિમાન ઉડતાં હોવાની માહિતી મેળવી.

ત્યાર બાદ કોઈ ઍલર્ટ વગર બે વિમાનની સાથે હૉકર હરિકેન ફાઇટર વિમાને ઉડાન ભરી. ત્યાર બાદ કંઈક એવું થયું જે થવું જોઈતું ન હતું.

પહેલી ઘટના

વિમાનના કોઈ પણ પાઇલટ આ પહેલાં યુદ્ધમાં ઊતર્યા ન હતા.

હૉકર હરિકેનની સાથે ઊતરેલાં બે અન્ય વિમાનને દુશ્મન દેશ સહેલાઇથી ઓળખી શકતો હતો. જ્યારે હૉકર હરિકેન જર્મનીના મેસ્સરશ્મિટ 109 જેવું લાગતું હતું.

ફાઇટર જેટની સાથે ઊતરેલાં બે વિમાનને દુશ્મન તરીકે ઓળખી લેવાયાં અને તેમની તોડી પાડવામાં આવ્યાં હતાં.

એક પાઇલટને કોઈ ઇજા થઈ ન હતી પરંતુ અન્ય એક પાઇલટને માથાના પાછળના ભાગમાં ગોળી વાગી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

યુદ્ધના આ પ્રાથમિક તબક્કે રોયલ ઍરફૉર્સ (RAF)ના ફાઇટર જેટમાં કોઈ કવચ ન હતું.

26 વર્ષની વયે હુલ્ટન હેર્રોપ નામના બ્રિટિશ પાઇલટ પહેલા પાઇલટ બન્યા હતા કે જેમણે દ્વિતીય વિશ્વયુદ્ધમાં પોતાનો જીવ ગુમાવ્યો હોય. સેના આ યુદ્ધ 'ફ્રેન્ડલી ફાયર' તરીકે ઓળખે છે.

જોકે, એવું નથી કે હુલ્ટન હેર્રોપનું મૃત્યુ અર્થહીન રહ્યું હોય. તેમના મૃત્યુના કારણે જ RAFએ પોતાના ઍરક્રાફ્ટનો વિકાસ કર્યો હતો અને તેની આઇડેન્ટિફિકેશન સિસ્ટમમાં 1940 પહેલાં સુધારો કર્યો હતો.

એક એવી સિસ્ટમ પણ વિકસાવવામાં આવી જેનાથી રડાર ઑપરેટર્સ એ જાણી શકે કે તેમની સ્ક્રીન પર જે જહાજ દેખાય છે તે તેમના દેશનાં છે કે દુશ્મન દેશનાં.

આ જ દરમિયાન એક એવી વસ્તુનું નિર્માણ પણ કરવામાં આવ્યું કે જેને મિત્ર દેશોના ઍરક્રાફ્ટમાં ઇન્સ્ટૉલ કરી શકાય.

એ વસ્તુ રડારને સિગ્નલ આપતી કે 'અમે તમારા પક્ષમાં છીએ, ફાયર ન કરતા.'

આ રેડિયો ફ્રિક્વન્સીને RFID નામ આપવામાં આવ્યું હતું.

આ વસ્તુ ધીમે ધીમે પ્રચલિત થવા લાગી. તેને પછી ઓછી કિંમતી વસ્તુ સાથે જોડવાનું પણ શક્ય બન્યું.

RFID હવે સર્વવ્યાપક બની ગઈ છે. ટ્રેનથી માંડીને પ્રાણીઓમાં પણ હવે તો આ ટૅક્નૉલૉજી જોવા મળે છે.

પાસપોર્ટમાં પણ તે મળી રહે છે. આ સિવાય કપડાંમાં પણ જોવા મળે છે.

કેટલાક લોકો તો એવા છે કે જેમણે તેને પોતાના શરીરમાં પણ તેનો ઉપયોગ કર્યો છે.

જેનાથી દરવાજા ઑટોમૅટિક ખૂલી શકે અથવા તો મેટ્રોમાં સહેલાઇથી પ્રવેશ મેળવી શકાય.

RFID એ ટૅકનૉલૉજી છે કે જે તમારા ક્રેડિટ અને ડેબિટ કાર્ડમાં પણ છે. તેની મદદથી તમે કૉન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકો છો.

આ એવી ટૅકનૉલૉજી છે કે જેના લીધે વિશ્વના ઘણા દેશોમાં હવે રોકડ રકમ ગાયબ થવા લાગી છે.

એટલે જ કેટલાક લોકો માને છે કે નોટ ગણવી અને પૈસાનો અવાજ સાંભળવો, એ બધું આ દ્વિતીય વિશ્વયુદ્ધને ભેટ ચઢી ગયું છે.

રોકડ રકમની વ્યવસ્થા લોકોએ કેમ નકારી?

આપણે એવી વસ્તુને શા માટે છોડી દઈએ કે જેનો ઉપયોગ છેલ્લાં 3000 વર્ષોથી ખરીદ અને વેચાણ માટે થઈ રહ્યો હોય?

એક સામાન્ય વ્યક્તિ માટે તેનું કારણ છે સગવડ. કંપનીઓ માટે તેના ફાયદાની યાદી લાંબી છે.

આ તરફ રોકડ રકમ થોડી મોંઘી પણ છે. રોકડ રકમ વાપરવા માટે પૈસાને પ્રિન્ટ કરવા જરૂરી છે, તેને વહેંચવા જરૂરી છે, પૈસા ઉપાડવા પડે છે, બૅન્કમાં મૂકવા પડે છે, ગણવા પડે છે, તેની સુરક્ષાનું ધ્યાન રાખવું પડે છે.

ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સારી બાબત એ છે કે તમારી પાસે તેના બધા જ રેકર્ડ હાજર હોય છે.

આ તરફ જો તમે રોકડ રકમ વાપરી છે તો તેનો કોઈ પુરાવો તમારી પાસે રહેતો નથી.

જોકે, તેમ છતાં આજે દુનિયામાં ઘણા લોકો છે કે જેઓ કાર્ડની સામે રોકડ રકમનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.

તેને ધ્યાનમાં રાખતા એ કહેવું વહેલું હશે કે દુનિયામાંથી રોકડ રકમની વ્યવસ્થા મરી ગઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો