નોબલ પુરસ્કાર વિજેતા અભિજિત બેનરજીનું કૉંગ્રેસ કનેક્શન શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
રૉયલ સ્વિડિશ ઍકેડમી ઑફ સાયન્સીઝ દ્વારા વર્ષ 2019ના પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે આ પુરસ્કાર અભિજિત બેનરજી, એસ્ટર ડુફલો તથા માઇકલ ક્રેમરને મળ્યો છે.
અભિજિતનો જન્મ વર્ષ 1961માં ભારતમાં થયો હતો, જ્યારે એસ્ટર ડુફલો 1972માં ફ્રાન્સમાં જન્મ્યાં હતાં.
અભિજિત તથા એસ્ટરે મૅસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીમાં અભ્યાસ કર્યો છે, જ્યારે 1964માં જન્મેલાં માઇકલે અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.
આ પહેલાં અભિજિતે નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી 1983માં અભ્યાસ કર્યો હતો. વર્ષ 1981માં કોલકતા યુનિવર્સિટીમાંથી તેમણે બીએસસીનો અભ્યાસ કર્યો હતો.
અભિજિત તથા એસ્ટર પતિ-પત્ની છે. અગાઉ ભારતીય મૂળના અમર્ત્ય સેનને 1998માં અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર મળ્યો હતો, ત્યારબાદ વર્ષ 2009માં તેમને ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા.
ત્રણેય અર્થશાસ્ત્રીઓને વિશ્વમાંથી ગરીબીની નાબૂદી માટે કામ કરવા બદલ આ પુરસ્કાર આપવામાં આવ્યો.

બેનરજીનું કૉંગ્રેસ કનેક્શન

ઇમેજ સ્રોત, Twitter
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ અભિજિતને અભિનંદન પાઠવતું ટ્વીટ કર્યું છે.
આ ઉપરાંત દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પણ અભિનંદન પાઠવ્યાં, "દરેક ભારતીયો માટે આ મોટો દિવસ છે. અભિજિત બેનરજીને અભિનંદન. ગરીબી નિર્મૂલન માટે કરેલા કામનું આ સર્વોચ્ચ સન્માન છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Twitter
"તેમના ઉલ્લેખનીય કામોને કારણે દિલ્હીની સરકારી શાળામાં ભણતાં બાળકોને ફાયદો થઈ રહ્યો છે."
"દિલ્હી સરકારના સૌથી મહત્ત્વના શૈક્ષણિક સુધારા 'ચુનૌતી'એ દિલ્હીની સરકારી શાળાના શિક્ષણની કાયાપલટી કરી છે. જે તેમણે રજૂ કરેલા મૉડલ આધારે છે."

ઇમેજ સ્રોત, Twitter
બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી કહે છે, "વધુ એક બંગાળી માણસે દેશનું માન વધાર્યું છે. હું ઉત્સાહિત છું."
લોકસભા ચૂંટણી વખતે કૉંગ્રેસ જે 'ન્યાય' યોજના લઈને આવી હતી, તે યોજના પાછળ પણ અભિજિન બેનરજી જ હતા એવું રાહુલ ગાંધીએ તેમના ટ્વીટમાં લખ્યું છે.

ઇમેજ સ્રોત, Twitter
તેમણે લખ્યું છે, "અભિજિત બેનરજીને અર્થસાસ્ત્રનું નોબલ મળ્યું એ બદલ અભિનંદન."
"ગરીબીની નાબૂદી અને ભારતીય અર્થતંત્રને આગળ વધારવાની શક્તિ ધરાવતી 'ન્યાય' યોજનામાં તેમણે મદદ કરી હતી."

આંકડાઓમાં નોબલ પુરસ્કાર

ઇમેજ સ્રોત, Getty Images
17 વર્ષે મલાલા યુસૂફ ઝઈને શાંતિ માટેનો નોબલ પુરસ્કાર મળ્યો હતો, તેઓ આ સન્માન મેળવનારાં સૌથી યુવાન વિજેતા છે.
જ્યારે વર્ષ 2018માં આર્થર અસ્કિનને 96 વર્ષની ઉંમરે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેઓ આ પુરસ્કાર જીતનારા સૌથી વૃદ્ધ વિજેતા છે.
એસ્ટર અર્થશાસ્ત્રનો પુરસ્કાર જીતનારાં સૌથી યુવા વિજેતા છે. છેલ્લે એલિનોર ઑસ્ટ્રમ નામનાં મહિલાને વર્ષ 2009માં અર્થથાસ્ત્ર માટેનો પુરસ્કાર મળ્યો હતો.

નોબલ વિજેતાઓમાં મહિલાઓ ક્યાં?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ તબીબીક્ષેત્રે કુલ 216 પુરસ્કાર આપવામાં આવ્યા છે, જેમાંથી 12 પુરસ્કાર મહિલાઓને મળ્યા છે.
શાંતિક્ષેત્રે 106 પુરસ્કાર અપાયા છે, જેમાંથી પુરુષોને 89 તથા મહિલાઓને 17 પુરસ્કાર મળ્યા છે. જ્યારે અર્થશાસ્ત્રમાં હજુ સુધી એક જ મહિલાને આ પુરસ્કાર મળ્યો છે. જોકે, એસ્ટર સાથે આ સંખ્યા બે થઈ છે.
આ સિવાય ફિઝિક્સમાં પુરુષોને 207 તથા મહિલાઓને ત્રણ, રસાયણશાસ્ત્રમાં (પુરુષોને 176, મહિલાઓ પાંચ), સાહિત્યમાં કુલ 114 પુરસ્કાર જાહેર થયા છે, જેમાંથી પુરુષોને 100 તથા મહિલાઓને 14 પુરસ્કાર મળ્યા છે.

રવીન્દ્રનાથ ટાગોર

ઇમેજ સ્રોત, Getty Images
knowindia.gov.inના અહેવાલ મુજબ, સૌપ્રથમ નોબલ પુરસ્કાર રવીન્દ્રનાથ ટાગોરને (1861-1941) મળ્યો હતો. 'ગુરુજી' તરીકે ઓળખાતા ટાગોરને વર્ષ 1913માં તેમના કાવ્યસંગ્રહ 'ગીતાંજલિ' માટે સાહિત્યક્ષેત્રનો નોબલ પુરસ્કાર મળ્યો હતો.
રવીન્દ્રનાથ ટાગોરે જ ભારતનું નેશનલ ઍન્થમ 'જન ગન મન...' લખ્યું હતું. 1901માં તેમણે 'શાંતિનિકેતન'ની સ્થાપના કરી, જે આજે વિશ્વભારતી યુનિવર્સિટી તરીકે ઓળખાય છે.
ચંદ્રશેખર વેંકટરમણ
તામિલનાડુના તિરુચનાપલ્લીમાં જન્મેલા ચંદ્રશેખર વેંકટરમણે (1888-1970) ચેન્નાઈની પ્રેસિડન્સી કૉલેજમાં અભ્યાસ કર્યો, ત્યારબાદ તેઓ તત્કાલીન કલકત્તા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. તેમને 'સર'ની ઉપાધિ મળી.
વર્ષ 1928માં ભૌતિકશાસ્ત્ર ક્ષેત્રે તેમણે પારદર્શક માધ્યમમાં પ્રકાશના તરંગમાં થતાં પરિવર્તનની અસરને સમજાવી હતી, જે 'રમણ ઇફૅક્ટ' તરીકે ઓળખાય છે.
હરગોબિંદ ખુરાના
વર્ષ 1968માં હરગોબિંદ ખુરાના (1922-2011)ને વર્ષ 1968માં મૅડિસિનક્ષેત્રે નોબલ પારિતોષિક મળ્યો. તેમનો જન્મ પંજાબ (હાલ પાકિસ્તાનમાં આવેલાં)ના રાયપુર ખાતે થયો હતો. તેમણે જિનેટિક કૉડનું રહસ્ય વિશ્વ સમક્ષ છતું કર્યું હતું.

મધર ટેરેસા

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1979માં મધર ટેરેસાને શાંતિ માટેનો નોબલ પુરસ્કાર મળ્યો હતો. તેમનો જન્મ હાલના યુગોસ્લાવિયામાં એજનિસ ગોનેક્સા બોજેક્સુ (1910-1997) તરીકે થયો હતો.
તેમણે ભારતનું નાગરિકત્વ લીધું અને પશ્ચિમ બંગાળમાં સેવાકાર્ય શરૂ કર્યાં અને તેમની કરુણાને કારણે તેમને 'મધર'નું ઉપનામ મળ્યું.
સુબ્રમણ્યમ ચંદ્રશેખર
ભારતમાં જન્મેલા ઍસ્ટ્રોફિઝિશિસ્ટ ડૉ. સુબ્રમણ્યમ ચંદ્રશેખરને (1910-1995) 1983માં ફિઝિક્સનો નોબલ પુરસ્કાર મળ્યો.
તારાઓની ઉત્ક્રાંતિના અંતિમ તબક્કાને સમજાવતી થિયરી તેમણે વિશ્વને આપી, જે 'ચંદ્રશેખર લિમિટ' તરીકે ઓળખાય છે. તેઓ સર સી. વી. રમણના પરિવારજન પણ હતા.
પ્રો. અમર્ત્ય સેન
વર્ષ 1998માં પ્રો.અમર્ત્ય સેનને અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર મળ્યો હતો. knowindia.gov.inના અહેવાલ મુજબ, તેઓ આ પારિતોષિક મેળવનારા પ્રથમ એશિયન હતા. તેમનો જન્મ શાંતિનિકેતન ખાતે થયો હતો.
સામાજિક મુદ્દા, લિંગ આધારિત મુદ્દા, અર્થશાસ્ત્ર તથા ગરીબી અંગે તેમણે અનેક લેખ લખ્યા. 'કલ્યાણકારી અર્થશાસ્ત્ર' માટે તેમણે કરેલાં કામને પુરસ્કાર મળ્યો હતો.
વેંકટરરમણ રામક્રિષ્ણન
વર્ષ 2009માં રસાયણશાસ્ત્રનો પુરસ્કાર એનાયત થયો હતો. વેંકટરમણનું ઉપનામ 'વેંકી' છે. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રાથમિક અભ્યાસ કર્યો હતો.
કૈલાસ સત્યાર્થી
વ વર્ષ 2014માં કૈલાસ સત્યાર્થીને શાંતિ માટેનો નોબલ પારિતોષિક મળ્યો હતો. તેમની સાથે પાકિસ્તાનનાં મલાલા યુસૂફ ઝઈને પણ આ પુરસ્કાર સંયુક્ત રીતે મળ્યો. બાળકોને મજૂરીમાંથી મુક્ત કરાવવા માટેનું અભિયાન ચલાવવા બદલ તેમને આ પુરસ્કાર એનાયત થયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














