You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીન સાથે 95.4 કરોડ ડૉલરનો વેપાર છતાં ભારતને આ રીતે છે મોટું નુકસાન
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારતની મુલાકાત લીધી છે અને અનેક મુદ્દાઓ પર સંબંધો મજબૂત કરવા પર ભાર આપવામાં આવ્યો છે.
ભારત અને ચીન વચ્ચેના વેપારી સંબંધોમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં તેજી આવી છે અને બેઉ દેશો વચ્ચેનો વેપાર વધ્યો છે. જોકે, આ વેપારમાં ફાયદો કોને છે એ સવાલ છે.
ભારત ચીનને શું વેચે છે?
ભારત જે વસ્તુઓ ચીનને વેચે છે એમાં કપાસ, તાંબું, હીરા અને અન્ય પ્રાકૃતિક રત્નોનો સમાવેશ થાય છે.
ચીન ભારતને શું વેચે છે?
ચીન ભારતને મશીનરી, ટેલિકોમ સાધનો, વીજળી સાથે સંબંધિત સાધનો, ઑર્ગેનિક કેમિકલ્સ યાને કે જૈવિક રસાયણો, ખાતરનું વેચાણ કરે છે.
વેપારમાં ચીનને વધારે ફાયદો
2000ની સાલમાં ભારત અને ચીન વચ્ચેનો વેપાર ફક્ત 3 અબજ ડૉલરનો હતો.
2008 સુધીમાં આ વેપાર વધીને 51.8 અબજ ડૉલરનો થઈ ગયો હતો. આમ ભારત અને ચીન વચ્ચેનો વેપાર ખૂબ વધ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ રીતે માલસામાનને મામલે ચીને અમેરિકાની જગ્યા લઈ લીધી અને તે ભારતનું મોટું ભાગીદાર બન્યું.
2018માં બેઉ દેશો વચ્ચેનો વેપાર નવી ઊંચાઈઓ પર પહોંચ્યો અને તેઓ આંકડો 95.4 અબજ ડૉલરનો હતો.
ચીનસ્થિત ભારતના રાજદૂતે જૂન મહિનામાં એવો દાવો કર્યો હતો કે આ વર્ષે 2019માં ભારત-ચીન વચ્ચેનો વેપાર 100 બિલિયન ડૉલરને પાર કરી જશે.
જોકે, વેપાર વધી રહ્યો છે એનો અર્થ બેઉ દેશોને સરખો ફાયદો થઈ રહ્યો છે એવો નથી.
ભારતના વિદેશ મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે 2018માં ભારત અને ચીન વચ્ચે 95.54 અબજ ડૉલરનો વેપાર થયો પરંતુ એમાં ભારતે ચીનને જે નિકાસ કરી એનો હિસ્સો 18.84 અબજ ડૉલર હતો.
આનો અર્થ એ થયો કે ચીન ભારત પાસેથી ઓછો સામાન ખરીદે છે અને જે ખરીદે છે એનાથી પાંચગણો સામાન વેચે છે. આમ, આ કારોબારમાં ચીનને ફાયદો છે.
ચીન સાથે વેપારમાં ભારતને સૌથી વધારે નુકસાન
આમાં એક નોંધનીય વાત એ પણ છે કે ભારતનું સૌથી વધારે વેપારી નુકસાન ચીન સાથે થાય છે.
ભારત ચીનને જે નિકાસ કરે છે એની સામે ચીન ભારત પાસેથી એટલું આયાત નથી કરતું.
2018માં ભારતને ચીન સાથેના વેપારમાં 57.86 અબજ ડૉલરનું નુકસાન થયું.
બેઉ દેશો વચ્ચેનું આ વેપારનું અસંતુલન ભારત માટે માથાનો દુખાવો બન્યું છે.
ભારત ઇચ્છે છે કે કોઈ પણ રીતે તે આ નુકસાનને ઓછું કરે.
પણ આ અસંતુલન કેવી રીતે ઠીક થશે?
ભારતે આ મામલે ચીન સાથે વાત કરી છે અને કહ્યું છે કે તે કેટલીક વસ્તુઓ માટે ચીનના બજારમાં વધારે પહોંચ મેળવવા ધારે છે.
ભારતમાં દવાઓ બને છે અને આ ક્ષેત્રમાં દુનિયામાં ભારતનું નામ છે.
એ રીતે ભારત ચીનને દવાઓ વેચી શકે છે. ભારત ચીનને આઈટી અને ઇજનેરી સેવાઓ આપી શકે છે.
આ ઉપરાંત ચોખા, ચા, ફળો અને શાકભાજી, માંસ ઉત્પાદનો, સૂતર અને કાપડ પણ વેચી શકે છે.
2014માં શી જિનપિંગે ભારતની મુલાકાત લીધી ત્યારે આ વેપારી અસંતુલનને ઓછું કરવાની કોશિશ કરવામાં આવી હતી.
બેઉ દેશો વચ્ચે વેપારી સહયોગ વધારવા માટે પાંચ વર્ષીય વિકાસ કાર્યક્રમ ઘડવામાં આવ્યો હતો.
પછી 2018માં એવું નક્કી થયું કે ભારત અન્ય કેટલીક વસ્તુઓ ચીનને વેચશે.
આમાં બાસમતી સિવાયના ચોખા, માછલીઓનો ખોરાક, માછલીઓનું તેલ વગેરેનો સમાવેશ થાય છે.
આ વર્ષે એ નક્કી થયું કે ભારત ચીનને મરચાં અને તંબાકુના પાંદડાંઓ પણ વેચશે.
રોકાણમાં પણ ભારત પાછળ
ચીનના વાણિજ્ય મંત્રાલય વિભાગ મુજબ ડિસેમ્બર 2017 સુધી ચીને ભારતમાં 4.747 અબજ ડૉલરનું રોકાણ કર્યું હતું.
ચીન ભારતના સ્ટાર્ટઅપ્સમાં ઘણું રોકાણ કરી રહ્યું છે.
જોકે, આની સામે ભારતનું ચીનમાં રોકાણ ઓછું છે. સપ્ટેમ્બર 2017 સુધીમાં ભારતે ચીનમાં 851.91 મિલિયન ડૉલરનું રોકાણ કર્યું છે.
હવે બેઉ દેશોની એ કોશિશ છે કે પરસ્પર રોકાણને વધારવામાં આવે.
ચીન અમેરિકા સાથે વેપારયુદ્ધની સ્થિતિમાં છે. અમેરિકાએ ચીન પાસેથી ખરીદવામાં આવતા સામાન પર આયાતકર વધારી દીધો છે.
આ બેઉ મોટી અર્થવ્યવસ્થાના વેપારયુદ્ધની અસર સમગ્ર દુનિયા પર પડી રહી છે.
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના પ્રમુખે કહ્યું છે કે 2019-20માં દુનિયાના 90 ટકા વિસ્તારમાં આર્થિક મંદી જોવા મળશે. આનું એક કારણ તેઓ અમેરિકા અને ચીન વચ્ચેનું વેપારયુદ્ધ પણ ગણાવે છે.
આની અસર ભારતની અર્થવ્યવસ્થા ઉપર પણ પડશે, જેના સંકેતો અત્યારથી જોઈ શકાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો