FATF Report : ઇમરાન ખાનના પ્રયત્નોને આ અહેવાલથી લાગી શકે છે મોટો ઝટકો

એશિયા પેસિફિક ગ્રૂપ (એપીજી)નો રિપોર્ટ પાકિસ્તાન માટે એક મોટો ફટકો સાબિત થયો છે. એપીજીના ફાઇનલ રિપોર્ટમાં મની લૉન્ડરિંગ અને આતંકવાદને નાણાકીય સહાય અંગે કહેવાયું છે કે પાકિસ્તાને આ દિશામાં સંતોષકારક પગલાં નથી લીધાં.

એપીજીએ મની લૉન્ડરિંગ પર પોતાનો રિપોર્ટ ફાયનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફૉર્સ (એફએટીએફ)ની બેઠકના 10 દિવસ પહેલાં રજૂ કર્યો છે.

આ બેઠકમાં જ આ રિપોર્ટના આધારે પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં યથાવત્ રહેશે કે કેમ એ અંગે નિર્ણય લેવાશે.

એપીજીના રિપોર્ટ બાદ એફએટીએફની બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રખાય તેવી શક્યતાઓ વધી ગઈ છે.

એપીજી રિપોર્ટમાં જણાવાયું છે કે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ ક્રમાંક 1267 હેઠળ ઉગ્રવાદી સંગઠનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી નથી. એફએટીએફની આ બેઠક 13 અને 18 ઑક્ટોબરના રોજ થવાની છે.

આ રિપોર્ટ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને નિરાશ કરી દે એવી છે. 27 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધતી વખતે ઇમરાન ખાને ભારત પર દોષારોપણ કર્યું હતું કે તે પાકિસ્તાનને એફએટીએફની બ્લૅક લિસ્ટમાં સામેલ કરાવવાના પ્રયત્નો કરી રહ્યું છે.

ઇમરાન ખાને કહ્યું હતું કે, "ભારત પાકિસ્તાન આર્થિકરૂપે દેવાળિયું થઈ જાય એવું ઇચ્છે છે. અમે ભારત સાથે શાંતિવાર્તા શરૂ કરવાનો પ્રયત્ન કરતા રહ્યા અને ભારત પોતાના ઍજન્ડામાં લાગેલું રહ્યું."

જોકે, એફએટીએફ પાકિસ્તાનને બ્લૅકલિસ્ટ કરશે, એવી શક્યતા નહિવત્ છે. હાલ એફએટીએફનું પ્રમુખપદ ચાઇનીઝ બૅન્કર શિંજામિન લિયૂ પાસે છે અને કહેવાઈ રહ્યું છે કે આ પાકિસ્તાન માટે રાહતના સમાચાર છે.

પાછલાં કેટલાંક અઠવાડિયાં દરમિયાન તુર્કી અને મલેશિયા પ્રત્યક્ષપણે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના સમર્થનમાં આવ્યાં છે.

એફએટીએફ મામલે પણ પાકિસ્તાનને આ બંને દેશોની મદદ મળે તેવી શક્યતા છે.

જૂન, 2018માં જ્યારે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુકાયું હતું ત્યારે ચીન અને તુર્કીએ જ પાકિસ્તાનને બ્લૅકલિસ્ટમાં જતું બચાવવામાં મદદ કરી હતી.

આખરે ચીને પાકિસ્તાનને લઈને પોતાની આપત્તિ પાછી ખેંચી લીધી હતી.

એફએટીએફ શું છે?

એફએટીએફ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જેની સ્થાપના જી7 દેશોની પહેલના કારણે 1989માં કરાઈ હતી. આ સંસ્થાનું મુખ્યાલય પેરિસમાં છે, જે આખી દુનિયામાં થઈ રહેલી મની લૉન્ડ્રિંગનો સામનો કરવા માટે નીતિ બનાવે છે.

વર્ષ 2001માં આ સંસ્થાએ પોતાની નીતિઓમાં ઉગ્રવાદને કરાતી નાણાકીય સહાયને પણ સામેલ કરી હતી.

આ સંસ્થા આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રણાલીને યોગ્ય રીતે જાળવવા માટે નીતિ બનાવે છે અને તેને લાગુ કરાવવાની દિશામાં કાર્ય કરે છે.

આ સંસ્થાના કુલ 38 સભ્ય દેશ છે. જેમાં ભારત, અમેરિકા, રશિયા, બ્રિટન અને ચીન પણ સામેલ છે.

જૂન, 2018થી જ પાકિસ્તાન આખી દુનિયાની મની લૉન્ડ્રિંગ પર નજર રાખનાર સંસ્થાઓના રડાર પર છે.

પાકિસ્તાન આ સંસ્થાઓના નિશાન પર ત્યારે આવ્યું જ્યારે તેને ઉગ્રવાદીઓને ફંડ કરવા અને મની લૉન્ડ્રિંના જોખમને જોતાં 'ગ્રે લિસ્ટ'માં મૂકી દેવાયું હતું. ગ્રે લિસ્ટમાં સર્બિયા, શ્રીલંકા, ત્રિનિદાદ, ટ્યૂનિશિયા અને યમન જેવા દેશો પણ સામેલ છે.

તુર્કી આપે છે પાકિસ્તાનનો સાથ

તમામ સભ્ય દેશો પૈકી તુર્કી જ એકમાત્ર એવો દેશ હતો જેણે ભારત દ્વારા લાવવામાં આવેલા આ પ્રસ્તાવનો ખુલીને વિરોધ કર્યો હતો.

જ્યારે ભારતના આ પ્રસ્તાવનું સમર્થન અમેરિકા અને બ્રિટને કર્યું હતું. તેમજ આ બાબતે ચીને ચૂપ રહેવાનું નક્કી કર્યું હતું.

ચીન અત્યાર સુધી દરેક મંચ પર પાકિસ્તાનનું ખુલીને સમર્થન કરતું આવ્યું છે, પરંતુ હવે એ પણ શાંત છે.

એફએટીએફ અને એશિયા પેસિફિક ગ્રૂપના સંયુક્ત સમૂહનો સભ્ય દેશ એવું ભારત ઇચ્છતું હતું કે પાકિસ્તાનને બ્લૅકલિસ્ટમાં સામેલ કરવામાં આવે.

ભારતનો પક્ષ હતો કે પાકિસ્તાન નાણાકીય અપરાધોનો સામનો કરવામાં આંતરરાષ્ટ્રીય માપદંડો પ્રમાણે અસફળ રહ્યું છે.

પરંતુ ચીન, મલેશિયા અને તુર્કીના કારણે પાકિસ્તાનને બ્લૅકલિસ્ટમાં સામેલ ના કરી શકાયું.

ચીન આ મામલાથી દૂર રહ્યું, પરંતુ ભારતનો સાથ નહીં આપવાને કારણે આડકતરી રીતે તેણે ફાયદો તો પાકિસ્તાનને જ કરાવી આપ્યો.

38 સભ્ય દેશોવાળા એફએટીએફના નિયમો પ્રમાણે બ્લૅકલિસ્ટ થવાથી બચવા માટે કોઈ પણ દેશને 3 સભ્ય દેશોના સમર્થનની જરૂરિયાત હોય છે.

ગયા અઠવાડિયે એફએટીએફની ફ્લોરિડામાં યોજાયેલી એક બેઠક બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ કબૂલ્યું હતું કે, "પાકિસ્તાન પરથી સંકટના વાદળ હજુ ટળ્યાં નથી."

આંતરરાષ્ટ્રીય સંસ્થા આધિકારિકપણે પાકિસ્તાનને બ્લૅકલિસ્ટમાં સામેલ કરવાના કે નહીં કરવાના નિર્ણયની જાહેરાત આવતા અઠવાડિયે પેરિસમાં યોજાનાર બેઠકમાં કરશે.

આવા સમયે કેટલાક અધિકારીઓનાં નામ નહીં જાહેર કરવાની શરતે અનાદોલૂ સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે, "તુર્કી, ચીન અને મલેશિયાના સમર્થનને કારણે એફએટીએફ દ્વારા પાકિસ્તાન તાત્કાલિક બ્લૅકલિસ્ટ જશે એવો ખતરો નથી, એ નિશ્ચિતપણે એક હકારાત્મક પગલું છે."

આ મામલાની સંવેદનશીલતાને જોતાં અધિકારીઓને જાહેરમાં નિવેદન આપવાની મંજૂરી નથી અપાઈ.

પરંતુ એક અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને એફએટીએફ દ્વારા જાન્યુઆરી, 2019માં નક્કી કરાયેલી ડેડલાઇન પૂરી કરવી જોઈતી હતી.

આ સમયસીમા સુધી પાકિસ્તાને મની લૉન્ડ્રિંગ અને અન્ય નાણાકીય ખામીઓને દૂર કરવાનું હતું.

આ વર્ષે એફએટીએફએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "જાન્યુઆરી, 2019માં ઍક્શન પ્લાન આઇટમ પર ધીમી પ્રગતિને જોતાં એફએટીએફએ પાકિસ્તાનને પોતાનું લક્ષ્ય પૂરું કરવાનો આગ્રહ કર્યો છે."

સંસ્થાએ એ વાત પર સંમતિ વ્યક્ત કરી હતી કે પાકિસ્તાને ગયા વર્ષે એફએટીએફના સભ્યો સાથે વાતચીત કર્યા બાદ કાર્યયોજનાને લાગુ કરવાની દિશામાં પ્રગતિ કરી હતી, પરંતુ આ દિશામાં પ્રતિબંધ અને પક્ષ મૂકવાની જરૂરિયાત છે.

ગયા મહિને ચીનના ગ્વાંગઝૂમાં થયેલી એક બેઠકમાં પાકિસ્તાનને આ દિશામાં વધુ કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું હતું, કારણ કે ઍક્શન પ્લાનના 27 પૈકી 18 માપદંડો પર તેનું કામ અસંતોષકારક હતું.

છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાને ઍક્શન પ્લાન અનુસાર કેટલાંક મોટાં પગલાં ભર્યાં હતાં, જેમાં વિદેશી મુદ્રાની લેવડદેવડ માટે મંજૂરી લેવી અને મુદ્રા પરિવર્તન માટે ઓળખપત્ર આપવું વગેરે સામેલ છે.

આ સિવાય પાકિસ્તાને ઘણાં ઉગ્રવાદી સંગઠનો પર કાનૂની કાર્યવાહી કરી તેમની સંપત્તિ જપ્ત કરી છે.

ગ્રે લિસ્ટમાં સામેલ થવાથી દર વર્ષે 10 બિલિયન ડૉલરનું નુકસાન

પાકિસ્તાન વિદેશ મંત્રાલયનું કહેવું છે કે પાકિસ્તાન, તુર્કી અને અન્ય સહયોગી દેશો સાથે સતત સંપર્કમાં છે અને તેઓ આ દેશોના અધિકારીઓ પાકિસ્તાનને 'ગ્રે લિસ્ટ'માંથી બહાર લાવવામાં મદદ કરે એવા પ્રયત્નો કરી રહ્યા છે.

આ પહેલાં પાકિસ્તાન વર્ષ 2011માં પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરી ચૂક્યું છે. એ સમયે પણ તેને ગ્રે લિસ્ટમાં સામેલ કરાયું હતું. ત્યાર બાદ પાકિસ્તાન ગ્રે લિસ્ટમાંથી વર્ષ 2015માં ત્યારે જ બહાર આવી શક્યું જ્યારે તેણે સફળતાપૂર્વક ઍક્શન પ્લાન લાગું કર્યો.

હાલ પાકિસ્તાન છેલ્લા એક વર્ષથી ગ્રે લિસ્ટમાં છે.

પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર આવવા માટે 36 મતમાંથી ઓછામાં ઓછા 15 મતની જરૂરિયાત છે.

ગ્રે લિસ્ટની આ યાદીમાં સામેલ થઈ જવાના કારણે પાકિસ્તાનને દર વર્ષે 10 બિલિયન ડૉલરનું નુકસાન થઈ રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો