અનુચ્છેદ 370 : કાશ્મીરમાં પ્રતિબંધોના બે મહિના પર શું કહી રહ્યું છે જગતનું મીડિયા?

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, સિન્ધુવાસિની
- પદ, બીબીસી સંવાદદાતા
State of disgrace - શરમજનક સ્થિતિ
લંડનથી પ્રકાશિત થતા અખબાર 'ધ ઇકૉનૉમિસ્ટ'એ કાશ્મીરની હાલની સ્થિતિ અને ભારતની સુપ્રીમ કોર્ટની નિષ્ક્રિયતાને ઉપરના શબ્દો સાથે વર્ણવી છે.
અખબારે 5 ઑક્ટોબરે 'એશિયા' સેક્શનમાં આ લેખ પ્રકાશિત કર્યો છે. 5 ઑક્ટોબરે ભારત પ્રશાસિત કાશ્મીરમાં લોકો તેમજ સંચારમાધ્યમો પર લાદેલા પ્રતિબંધોને બે મહિના પૂર્ણ થાય છે.
ભારત સરકારે 5 ઑગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા અનુચ્છેદ 370ને નિષ્પ્રભાવી કર્યો હતો અને ત્યારથી રાજ્યમાં કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા.
મોબાઇલ-ફોન-ઇન્ટરનેટ વગેરે પર નિયંત્રણ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક નેતાઓ અને લોકોની અટકાયત અથવા ધરપકડો કરાઈ કે નજરબંધ રાખવામાં આવ્યાં.
સમયાંતરે કેટલાક પ્રતિબંધોમાં આંશિક રાહતો આપવામાં આવી છે પરંતુ હજી અનેક પ્રતિબંધો લાગુ છે.
પ્રતિબંધોને બે મહિના પછી પણ કાશ્મીર સાથે સંપર્ક સામાન્ય નથી થયો અને ત્યાંની સ્થિતિ અંગે અનિશ્ચિતતાનું વાતાવરણ બરકરાર છે.
આ બે મહિનામાં કાશ્મીરમાં જે કંઈ પણ થયું તેના પર દુનિયાભરના મીડિયાની નજર સતત લાગેલી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ

તંત્રી લેખો અને અહેવાલો

ઇમેજ સ્રોત, The economist
આંતરરાષ્ટ્રીય મીડિયાએ શરૂઆતથી જ કાશ્મીર સાથે સંકળાયેલા સમાચારોને મહત્ત્વપૂર્ણ રીતે પ્રકાશિત કર્યા છે અને વિસ્તૃત તંત્રીલેખો પણ લખાયા છે.
'ઇકૉનૉમિસ્ટ'એ કાશ્મીરની સ્થિતિ પર ભારતની ન્યાયપાલિકાને કેન્દ્રમાં રાખીને લગભગ 940 શબ્દોનો એક લેખ પ્રકાશિત કર્યો.
જેમાં લખ્યું છે કે 'ભારતના ન્યાયાધીશો કાશ્મીરમાં થઈ રહેલા ઉત્પીડનને નજરઅંદાજ કરી રહ્યા છે.'

ઇમેજ સ્રોત, The new york times
'ન્યૂયૉર્ક ટાઇમ્સ'એ The U.N. Can't Ignore Kashmir Anymore' (સંયુક્ત રાષ્ટ્ર કાશ્મીરની વધારે અવગણના ન કરી શકે) એ શીર્ષક હેઠળ તંત્રીલેખ પ્રકાશિત કર્યો અને લખ્યું કે જ્યારથી (5 ઑગસ્ટ)થી ભારતના હિંદુ રાષ્ટ્રવાદી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્ય (જમ્મુ-કાશ્મીર)નો વિશેષ દરજ્જો રદ કર્યો છે ત્યારથી એમની સરકારે ત્યાં કર્ફ્યુ લાદ્યો છે અને લગભગ 4,000 લોકોને કેદ કરાયા છે.
કેદ કરાયેલા લોકોમાં વકીલ અને પત્રકાર પણ સામેલ છે. કાશ્મીરીના ઉત્પીડનની અને એમની સાથે મારપીટના ગંભીર આરોપો પણ સામે આવ્યા છે.
ભારતે રાજ્યમાં ફોન અને ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે જેનાંથી લાખો લોકો સંપર્કવિહોણા થયા છે.
'ન્યૂયૉક ટાઇમ્સ'એ લખ્યું કે "વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આપેલા ભાષણમાં કાશ્મીરનો ઉલ્લેખ ન કર્યો, પરંતુ તેના થોડા દિવસ અગાઉ હ્યુસ્ટનમાં યોજાયેલી એક રેલીમાં એમણે કહ્યું કે અનુચ્છેદ 370 હઠાવ્યા પછી કાશ્મીરીઓને અન્ય ભારતીયો જેટલા અધિકારો મળ્યા છે."
અમેરિકાના અખબાર 'ધ વૉશિંગ્ટન પોસ્ટ'એ The night the soldiers came નામે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. આ અહેવાલમાં કેટલાક કાશ્મીરી યુવકો ભારતના સુરક્ષદળો પર ઉત્પીડનનો આરોપ મૂકે છે.
અખબારનો દાવો છે કે 'આ અહેવાલ માટે કાશ્મીરનાં 13 ગામોમાં 19 લોકોની મુલાકાત લેવામાં આવી છે. '
અખબાર લખે છે કે "માનવઅધિકાર કાર્યકર્તાઓનું કહેવું છે કે કાશ્મીર દુનિયાનું એવું ક્ષેત્ર છે જ્યાં સેનાની સૌથી વધારે હાજરી છે. અહીં લાંબા સમયથી આઝાદી કે પાકિસ્તાનમાં સામેલ થવાની માગ થતી રહી છે જેને પરિણામે મોટા પ્રમાણમાં સુરક્ષાદળોની હાજરી જોવા મળે છે."

ઇમેજ સ્રોત, Dwan
પાકિસ્તાનના જાણીતા અખબાર 'ડૉન'એ કાશ્મીરમાં પ્રતિબંધોને 60 દિવસ થયા તેના પર એક વિગતવાર ફોટો સ્ટોરી પ્રકાશિત કરી અને લખ્યું છે : કાશ્મીર સેનાની છાવણીમાં છે.
1800 શબ્દોના આ તસવીરી અહેવાલમાં અખબાર લખે છે કે 5 ઑગસ્ટથી કાશ્મીરમાં હતાશા, ગુસ્સો અને ડર વધતો જ જાય છે. પહેલેથી જ મોટા પ્રમાણમાં સૈનિકોની હાજરી ધરાવતા આ રાજ્યમાં સ્થાનિક લોકોનાં વિરોધની આશંકામાં હજારો વધારે સૈનિકો તહેનાત કરાયા છે.
આ સાથે અખબાર પાછલા બે મહિનાના ઘટનાક્રમો પર શરૂઆતથી અંત સુધી નજર દોડાવે છે.
સંયુક્ત આરબ અમિરાતથી પ્રકાશિત થતા અખબાર 'ગલ્ફ ન્યૂઝ'એ તણાવ અને પ્રતિબંધોની સ્થિતિમાં કાશ્મીરનાં બાળકોની જિંદગી આધારિકત એક ફોટો સ્ટોરીને પોતાની વેબસાઇટ પર અગ્રિમ સ્થાન આપ્યું છે.
આમાંથી એક તસવીરમાં શાળા-કૉલેજ બંધ હોવાને લીધે એક છોકરી સ્થાનિક મસ્જિદમાં અભ્યાસ કરતી દેખાય છે.
બીજી એક તસવીરમાં છ વર્ષની બાળકી દેખાય છે, જેની જમણી આંખમાં રબરની ગોળીને લીધે ઈજા થયેલી છે.
અન્ય એક તસવીરમાં એક છોકરી બારીમાંથી વિરોધ-પ્રદર્શન જોઈ રહી છે.

ઇમેજ સ્રોત, @Aljazeera
કતારના મીડિયાસમૂહ 'અલજઝીરા'એ કાશ્મીરમાં સગીરોની ધરપકડ વિશે 'Depressed, frightened': Minors held in Kashmir crackdown શીર્ષક સાથે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે.
તુર્કીની મુખ્ય સમાચાર સંસ્થા 'અનાદોલૂ'ની વેબસાઇટ પર પણ કાશ્મીર સાથે સંબંધિત અનેક સમાચારો છે.
એક સમાચારમાં એજન્સીએ તુર્કીની સંસદના સ્પીકર મુસ્તફા સેનતપનું નિવેદન હેડિંગ તરીકે રાખ્યું છે જેમાં કહે છે કે 'કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની સાથે ઊભા રહેવું એ તુર્કીનું કર્તવ્ય છે. '
એજન્સીએ ભારતીય લેખિકા અને માનવાધિકાર કાર્યકર્તા અરુંધતી રૉયની એક મુલાકાત પણ પ્રકાશિત કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 'કાશ્મીરમાં અવાજ ઉઠાવનાર દરેક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. '
'ખલીજ ટાઇમ્સ'એ જમ્મુ-કાશ્મીરમાં નેતાઓને આઝાદ કરવાને લગતા સમાચારને પોતાની વેબસાઇટ પર પ્રકાશિત કર્યા છે.
આ સિવાય વેબસાઇટ પર ભારતના ગૃહમંત્રી અમિત શાહનું નિવેદનને લગતા સમાચાર પણ છે. આ સમાચારમાં અમિત શાહ કહે છે કે 'આગામી 10 વર્ષમાં સૌથી વિકસિત રાજ્યો પૈકી એક હશે. '
મલેશિયાની સમાચાર સંસ્થા 'બર્નામા'એ જમ્મુ-કાશ્મીરમાં પત્રકારોના વિરોધ પ્રદર્શનની ખબર છાપી છે.
એજન્સીની વેબસાઇટ પર પ્રકાશિત ખબર મુજબ ''5 ઑગસ્ટથી અત્યાર સુધી જમ્મુ-કાશ્મીર લગભગ સંપૂર્ણ રીતે કેદમાં છે. પ્રદર્શનકારી પત્રકારોએ રાજ્યમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ બહાલ કરવાની માગ કરી. આ સેવાઓ બે મહિનાથી બંધ છે.''

ભારતની ન્યાયપાલિકા શું કરી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતની સુપ્રીમ કોર્ટની બંધારણીય બૅન્ચે અનુચ્છેદ 370 નાબૂદ કરવા અંગે અને કાશ્મીરમાં પ્રતિબંધો અંગેની અન્ય અરજીઓ પર જવાબ આપવા માટે કેન્દ્ર સરકારને 28 દિવસનો સમય આપ્યો છે.
આ મામલે આગામી સુનાવણી 14 નવેમ્બરે થવાની છે.
સર્વોચ્ચ અદાલતમાં અનુચ્છેદ 370ની નાબૂદીને પડકારતી, પ્રેસની આઝાદીને લગતી, કમ્યુનિકેશન સુવિધાઓ પર પ્રતિબંધને લગતી, લૉકડાઉનને કાયદેસરતાને પડકારતી, અવરજવર પર પ્રતિબંધોને લગતી તેમજ માનવઅધિકારના ઉલ્લંઘનને લગતી અનેક અરજીઓ કરવામાં આવી છે.
લદાખ અને જમ્મુ-કાશ્મીર ઔપચારિક રીતે 31 ઑક્ટોબરે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે અસ્તિત્વમાં આવી જશે.
આ દરમિયાન જમ્મુ-કાશ્મીર જુવેનાઇલ જસ્ટિસ કમિટિએ પોતાના એક અહેવાલમાં કહ્યું છે કે રાજ્યમાં કોઈ બાળકને ગેરકાયદે કેદમાં નથી રાખવામાં આવ્યું.
સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવેલા રિપોર્ટમાં કમિટિએ કહ્યું કે 5 ઑગસ્ટ પછી જમ્મુ-કાશ્મીરમાં 144 સગીરોની ધરપકડ કરાઈ હતી જેમાં 9 અને 11 વર્ષના બાળકો પણ હતાં.
કમિટિ એમ પણ કહ્યું કે અનેકને એ પછી છોડી દેવાયા હતા અને બાકીના સામે કાયદાનુસાર કાર્યવાહી કરાઈ હતી.
મીડિયામાં બાળકોને ગેરકાયદે અટકાયતની ખબરો આવ્યા પછી સુપ્રીમ કોર્ટમાં આ અંગે પિટિશન થઈ હતી તેના જવાબમાં કમિટિએ આ કહ્યું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














