કાશ્મીર : 'એક આંખે દેખાવાનું બંધ થઈ ગયું છે, હવે હું લાચાર બની ગઈ છું'

રાફિયા

ઇમેજ સ્રોત, Majid jahangir

    • લેેખક, માજિદ જહાંગીર
    • પદ, શ્રીનગરથી, બીબીસી ગુજરાતી માટે

કાશ્મીરમાં સુરક્ષાકર્મીઓ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પેલેટ ગનનો ઉપયોગ કરી રહ્યા છે.

કહેવામાં આવે છે કે આ ગનથી સામાન્યપણે વ્યક્તિનું મૃત્યુ થતું નથી પરંતુ તેનાથી એવું નુકસાન થઈ શકે છે કે જેની ભરપાઈ ન કરી શકાય.

કાશ્મીર ખીણમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં પેલેટ ગનના કારણે ઘણા લોકોએ આંખોની રોશની ગુમાવી છે.

ગત મહિને આઠ ઑગસ્ટના રોજ શ્રીનગરનાં રાફિયા પણ પેલેટ ગનનો ભોગ બન્યાં. તેમને એક આંખે હવે દેખાતું નથી અને જીવન મુશ્કેલીમાં મૂકાયું છે.

રાફિયાનું કહેવું છે કે ભારતીય સેનાએ ઇલાજ માટે તેમને ચેન્નઈ પણ મોકલ્યાં. રાફિયા સાથે અમારા સહયોગી માજિદ જહાંગીરે વાત કરી.

વાંચો રાફિયાની કહાણી તેમના જ શબ્દોમાં.

રાફિયા

ઇમેજ સ્રોત, Majid jahangir

આઠ ઑગસ્ટના રોજ મારા પતિ શાકભાજી લેવા માટે બહાર જઈ રહ્યા હતા. અમે ગેટની બહાર નીકળી રહ્યાં હતાં ત્યાં જ કેટલાક યુવાનો દોડીને અમારી તરફ આવ્યા.

મારા પતિ થોડા આગળ નીકળી ગયા હતા. મેં જોયું કે તેઓ પણ યુવાનો સાથે દોડીને પરત આવી રહ્યા છે. તેમની સાથે સુરક્ષાકર્મી પણ હતા.

તેમણે મારી તરફ પેલેટ ગન ચલાવી. મેં હાથના ઇશારે તેમને રોકાઈ જવા કહ્યું પરંતુ તે છતાં તેઓ ન રોકાયા.

મારા પતિએ મને કવર કરી અને તેમની પીઠ પર પેલેટ વાગ્યા. જે મિસ થયા એ મારી ડાબી આંખ, માથા, નાક અને હાથમાં ઘૂસી ગયા.

line

કંઈ જોઈ શકતી નથી....

રાફિયાના પતિની પીઠ પર પેલેટના નિશાન

ઇમેજ સ્રોત, Majid jahangir

ઇમેજ કૅપ્શન, રાફિયાના પતિની પીઠ પર પેલેટના નિશાન

ત્યાર બાદ મારા પતિ દોડીને મને રૂમમાં લઈ ગયા. મેં મારી જેઠાણીને દેખાડ્યું કે મારી આંખમાં પેલેટ લાગી છે.

મને કંઈ દેખાતુ નથી. પરિવારજનો તત્કાળ મને એક મેડિકલ-શોપમાં લઈ ગયા.

મેડિકલ-શોપમાં કામ કરતી વ્યક્તિએ મને પૂછ્યું કે કંઈ દેખાય છે? મેં જણાવ્યું કે ના. તેમણે કહ્યું કે તમે જલદી ઇલાજ માટે રૈનાવારી જતાં રહો.

પરંતુ ત્યાં ડૉક્ટરે કહ્યું કે જેમ બને તેમ જલદી હેડવાનામાં જાઓ. ત્યાં ડૉક્ટરે કેટલીક ટેસ્ટ કરી અને પછી રાત્રે ઑપરેશન કર્યું.

તેમણે સવારે કહ્યું કે પેલેટ ગોળી નીકળી શકી નથી. ઈદ બાદ મારી સર્જરી કરવાની અને એ બાદ ચકાસવાની વાત કરીને મને હૉસ્પિટલમાંથી રજા આપી દેવાઈ।

મારી હાલત હજુ પણ ખરાબ હતી અને અમે વધુ રાહ જોઈ શકીએ એમ નહોતાં.

મારા પતિએ ખાનગી ડૉક્ટરની સલાહ લેવાનું વિચાર્યું. ડૉક્ટરે તેમને ત્યાં પૈસા ન વેડફવાનું અને જેમ બને તેમ મને બહાર લઈ જવાની વાત કરી.

line

શું કહે છે વહીવટીતંત્ર?

મેડિકલ રિપોર્ટ

ઇમેજ સ્રોત, Majid jahangir

આ પહેલાં પણ કાશ્મીરના કેટલાક લોકોએ સેના પર સતામણીના આરોપ લગાવ્યા હતા.

તેના પર બીબીસીએ એક રિપોર્ટ પણ પ્રકાશિત કર્યો હતો. જ્યારે સેનાનો સંપર્ક સાધવામાં આવ્યો તો તેમણે આ પ્રકારના આરોપોને ફગાવી દીધા હતા.

બીબીસીને મોકલેલા જવાબમાં ભારતીય સેનાએ આ આરોપો પર કહ્યું હતું, "અમે કોઈ નાગરિક સાથે મારપીટ કરી નથી. આ પ્રકારના કોઈ આરોપ અમારા ધ્યાનમાં આવ્યા નથી. શક્ય છે કે આ આરોપો વિરોધી તત્ત્વો તરફથી પ્રેરિત હોય."

આ તરફ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે પણ એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.

તેમાં તેમણે કહ્યું હતું, "અમે પંચાયતની ચૂંટણીમાં, લોકસભાની ચૂંટણીમાં અને હજુ પણ સ્થિતિને નિયંત્રિત કરીને રાખી છે તેમજ જાનમાલનું નુકસાન થવા દીધું નથી."

"થોડા ઘણા લોકો કે જેઓ ઉપદ્રવ કરીને ઘાયલ થયા છે, તેમને પણ કમરની નીચે ઇજા થઈ છે. એકાદ જગ્યાએ સેનાને જાનમાલનું નુકસાન થયું છે."

"પરંતુ અમે નાગરિકોના જાનમાલનું નુકસાન થવા દીધું નથી અને અમે તેને મોટી ઉપલબ્ધિ માનીએ છીએ."

line

સેના ઇલાજ માટે ચેન્નઈ લઈ ગઈ...

મેડિકલ રિપોર્ટ

ઇમેજ સ્રોત, Majid jahangir

ઇમેજ કૅપ્શન, મેડિકલ રિપોર્ટ પ્રમાણે રાફિયાની આંખમાં પેલેટ ગનથી ઈજા થઈ છે

આ સાંભળીને મારી આશા તૂટી ગઈ કેમ કે બહાર જવાનો ખર્ચ અમે ઉઠાવી શકીએ એમ નહોતાં.

આખો દિવસ અમે અહીં જ બેસી રહ્યાં. પછી સેનાના એક જવાન આવ્યા અને તેમણે મારી હાલત જોઈને કહ્યું કે તેઓ અમારી મદદ કરશે.

તેમણે કહ્યું કે તેઓ અમને ચેન્નઈની હૉસ્પિટલ લઈ જશે.

તેઓ મને ચેન્નઈ લઈ ગયા. ત્યાં જવા માટે વિમાનની ટિકિટ અને હૉસ્પિટલનો ખર્ચ પણ તેમણે જ ઉઠાવ્યો.

રહેવા તેમજ ખાવા-પીવાનો ખર્ચ અમે આપ્યો હતો. પેલેટ લાગ્યા બાદ મારી હાલત ખૂબ ખરાબ છે. મારા પતિ પણ કંઈ કરી શકે એમ નથી.

તેમને રોજ ક્યાંક ને ક્યાંક દુખાવો થાય છે અને ઇલાજ માટે ક્યારેક રૈનાવારી તો ક્યારેક સૌરા જવું પડે છે.

line

'બધું પૂરું થઈ ગયું'

રાફિયા

ઇમેજ સ્રોત, Majid jahangir

હું ક્યારેય કોઈ દવા લેતી નહોતી. માથાના દુખાવા માટે કઈ દવા હોય છે તે મને ખબર જ ન હતી. હવે મારે દરરોજ માથાના દુખાવાની એક ગોળી ખાવી પડે છે.

મારી સાથે જે થયું, ખૂબ ખરાબ થયું.

અમે વિચારી રહ્યાં હતાં કે આગળ વધીને ઘણું કરીશું, પણ મારી સાથે ખૂબ ખોટું થયું.

હું કમાતી હતી. અમે બન્ને પતિ-પત્ની મળીને કમાતાં હતાં અને વિચારી રહ્યાં હતાં કે અમારું ઘર બનાવીશું પરંતુ એ સપનું તૂટી ગયું.

મને એક આંખે કંઈ દેખાતું નથી. હું દરજણ તરીકે કામ કરતી હતી. હવે તો ત્યાં પણ જઈ શકતી નથી કેમ કે ડૉક્ટરે ના પાડી છે.

જે કામ હું જાતે કરી રહી હતી તે હવે મારા પતિને કરવું પડે છે.

હું મારા દીકરાને ટ્યુશન લઈ જતી હતી પરંતુ હવે તે પણ કરી શકતી નથી. મારા પતિ પણ ઘરે કામ વગર બેઠા છે. બધું ખતમ થઈ ગયું છે.

line

'અમારા પર પેલેટ કેમ ચલાવી?'

રાફિયા

ઇમેજ સ્રોત, Majid jahangir

જે દિવસે પેલેટ લાગી એ દિવસે અહીં બપોરે વિરોધપ્રદર્શન થઈ રહ્યાં હતાં પરંતુ તે રસ્તા પર થઈ રહ્યા હતા.

તેમણે અમારા ઘરની નજીક આવીને પેલેટ ચલાવતાં પહેલાં વિચારવાની જરૂર હતી.

એ તો સારું થયું કે મારો દીકરો ગમે તેમ કરીને બચી ગયો, નહીં તો તેને પણ ગોળી વાગત. અહીં બીજા પણ ઘણાં બાળકો હતાં.

કાશ્મીરમાં એક વ્યક્તિની પીઠ પર ટૉર્ચરના નિશાન

મારું જીવન તો જાણે ખતમ થઈ ગયું છે.

મારી એવી માગ છે કે પેલેટ ગન પર પ્રતિબંધ લાગવો જોઈએ.

ઘણી છોકરીઓનું જીવન બરબાદ થઈ ગયું છે. હું તો પરિણીત છું પરંતુ જેમનાં લગ્ન નથી થયાં તેઓ શું કરશે?

કેટલીક છોકરીઓ તો એક આંખે પણ જોઈ શકતી નથી. મારી એવી માગ છે કે પેલેટ પર પ્રતિબંધ લાગવો જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો